Tuesday, October 25, 2011

નવવર્ષપ્રભાતનો કિરણપ્રકાશ.ભાગ-૧.
નવવર્ષપ્રભાતનો કિરણપ્રકાશ.ભાગ-૧. "એકજ તણખો ઝર્યાની વાતને,ભીતર ભાણ ઉગ્યાની ભાત..!!  
નમકહરામ થૈ  નિરાંત હવે તો, આ જાત સળગ્યાની  રાત..!!  
નયન ઝરુખે આ, અસુંવન તરસેને, વિરહ  સમીર  સંગાથ,
રગરગ તડકો ઘૂંટ્યો  હવે તો, આ વસંત સળગ્યાની વાત..!!"

( નવલા વર્ષના નવપ્રભાતે,જેના હ્રદયમાં ભક્તિનો એક તણખો ઝરે અને ભીતર જ્ઞાનનો ઝળહળતો સૂર્ય અનોખી ભાત થઈ પ્રતિબિંબે,તે માનવી પ્રભુદર્શન કાજે વ્યાકુળ થઈ, નિરાંતને ખોઈ બેસે છે. પ્રભુનો વિરહ તેનાથી ખમાતો નથી. આખી જિંદગી કામ,ક્રોધ,મોહ,માયા જેવા સંસારના ત્રિવિધ તાપને રગરગમાં ઘૂંટવાને કારણે, તે ભક્તને ભૌતિક સુખની વસંત રાત દિવસ સળગતી હોય તેમ વ્યર્થ ભાસે છે. આ સ્થિતિને `પૂર્ણ શરણાગત` નિષ્કામ સ્થિતિ કહે છે.)

પ્રિય મિત્રો, નવવર્ષ પ્રભાતના કિરણપ્રકાશે, ઈશ્વર આપને તથા આપના સમગ્ર પરિવારને, ભક્તિ, શક્તિ, બુદ્ધિ, જ્ઞાન, રિદ્ધિ-સિદ્ધિ, સમૃદ્ધિ, માન-સન્માન, સતવાણી અને અપાર લક્ષ્મી અર્પે, તેવી અભ્યર્થના તથા સંકલ્પપૂર્તિ શુભેચ્છાસહ, સર્વે વિદ્વાન પાઠક મિત્રોને, મારા તરફથી, શુભ દીપાવલી અને નૂતનવર્ષાભિનંદન.

દિવાળી તમામ તહેવારોનો રાજા ગણાય છે. આ શુભ પર્વની ઉજવણીમાં, દીપપ્રકાશ, ફટાકડા, ભેટસોગાદ, દાનપૂન્ય, મેવામીઠાઈના પ્રસાદ, દેવી-દેવતા, ઈશ્વર તથા પ્રકૃતિની આરાધના ઉપરાંત, સ્વયં નિરીક્ષણ (SELF INSPECTION) દ્વારા જીવન સુધારણાની, ઉત્તમ જીવન પદ્ધતિનો ગર્ભિત અર્થ વણાયેલો છે.

વિક્રમ સંવત-૨૦૬૭ પૂર્ણ થઈને વિ.સં.-૨૦૬૮ના વર્ષે, જીવન પ્રકાશનો, શુભ સંદેશ લઈને, સહુને મનગમતી દીપાવલી, આપણા દરવાજે કુમકુમ પગલે, રૂમઝૂમ, મલપતી, નૃત્યમય ચાલે, આવી પહોંચી છે,ત્યારે આ નવવર્ષના નવલા પ્રભાતે, જો આપણે આપણી જાતની ભીતર ડોકિયું કરીને, સ્વયં નિરીક્ષણ કરવાનો સમય ફાળવી શકીએ તો તે આવનારા નવા વર્ષની પ્રત્યેક ક્ષણને લીલીછમ, આનંદમય તથા સુખદાયક બનાવશે, તે નિશ્ચિત બાબત છે.

સન - ૧૯૭૧માં જન્મેલા, અમેરિકન લેખક, ડૉનાલ્ડ મીલરના બૅસ્ટ સેલર પુસ્તક, `A Million Miles in a Thousand Years, સબટાઈટલ, What I Learned While Editing My Life.`માં પણ સ્વયં નિરીક્ષણ દ્વારા, જીવન પદ્ધતિને, સતત ઍડીટ કરવા બાબતનું સમર્થન કરતા, કેન્દ્રવર્તી વિચારો માણવા લાયક છે. જેમકે," સારું જીવન જીવવા માટે, માનસિક શક્તિઓ પર, સત્કર્મ દ્વારા, સહેતુક દબાણ લાવીને, સુપેરે જીવવાની વધુ  સારી, જીવનગાથા રચી શકાય છે. 

નવલા વર્ષના નવપ્રભાતે `સેલ્ફ ઇન્સ્પેક્શન` એટલે શું?  પોતે બોલવા ધારેલા શબ્દ અને આચરવા ધારેલા વિચારને, સાર્વજનિક કરતા અગાઉજ, પોતાના આત્માના અવાજની આજ્ઞાનુસાર, તેની કરેલી આકરી કસોટી તે જ તો છે,`સેલ્ફ ઇન્સ્પેક્શન..!!`

જો વિચાર એક શક્તિ છે તો, અલગ-અલગ સંકેત, શબ્દ અને ભાષા, વિચારને પ્રગટ-પ્રસાર કરવાનું માધ્યમ છે.ઉપનિષદ જણાવે છે કે, માણસ જેવા વિચાર કરે તેવો થાય. આપણી જેમજ જિંદગી જીવતા અન્ય સર્વે જીવોને, માન-આદર સાથે હાની ન કરે તેવા વિચાર, તે ધર્મ અને અને તેનું પાલન કરનાર દરેક વ્યક્તિ ધાર્મિક છે. એમ કહેવાય છેકે, સ્વપ્નમાં વિચારો ઉપર કાબૂ રહેતો નથી,પરંતુ જાગૃત અવસ્થામાં વિચારો ઉપર કાબૂ ન રાખી શકે, તે સ્વપ્નમાં હતો તેમ કહીને, પરિણામ ભોગવવામાંથી છટકી જઈ શકે નહીં. આવા જણને બહુ-બહુ તો મનોરોગી કહી, સારવાર આપી શકાય..!! 

પૂજ્ય મહાત્મા શ્રીગાંધીબાપૂના મંતવ્ય અનુસાર, " માણસને કોઈ નવો વિચાર આવે, તેના ઉપર તે કુરબાન થઈ જાય અને તરત જગતને આપી દે તો તેમાં તેણે ખોયું છે અને જગતે પણ ખોયું છે; પણ માણસ વિચાર સંઘરે, તેના ઉપર અખતરા કરે, પોતે કરે, બાળકો ઉપર અખતરા કરે અને આખરે તાળો મેળવે અને પછી પણ રોકાઈ જાય તો જગતે કશું ખોવાનું નથી. આપણે જે વિચારો પ્રગટ કર્યા વિના મરીશું, તે વિચારો આત્મા લઈને જશે અને કોઈ કાળે તે જગતને જરૂર મળશે. વિચારોને પણ રોકવાની ચાવી મનુષ્ય પાસે છે એ વિષે મને શંકા નથી, પણ એ ચાવી દરેકે પોતાને સારૂ શોધવી રહી છે, એવા નિર્ણય ઉપર અત્યારે તો હું આવ્યો છું."

પણ મને વિચાર આવે છેકે, પૂ.બાપૂનું કહ્યું, બધાં માનતા હોત તો, વળી જોઈતું`તું જ શું?


દીપોત્સવનું માહાત્મ્ય.

દિવાળી શબ્દ, મૂળ સંસ્કૃત શબ્દ, `दीपावली` પરથી ઉદ્ભવ્યો છે. `દીપ` = દીવો અને `અવલી`= હારમાળા (દીપ+અવલી= દીપાવલી),તેથીજ તેને, `ફૅસ્ટિવલ ઓફ લાઈટ્સ` પણ કહે છે. દિવાળીનો મહિમા, સર્વ હિંદુ તહેવારોમાં સર્વોચ્ચ સ્થાને ગણાય છે.

* વિ.સં.-૨૦૬૭, આસો વદ બારસ.
તા.૨૩ ઑક્ટોબર,૨૦૧૧.રવિવાર. 
વાઘબારસ મહિમા.

દિવાળીના તહેવાર, આસો વદ બારસથી શરૂ થાય છે. વાઘબારસના દિવસને `ગોવસ્ત દ્વાદશી` અથવા `ગુરુદ્વાદશી` તરીકે પણ ઓળખવામાં આવે છે તથા ગાય અને ગુરુના પૂજનનો અનેરો મહિમા છે, જેને નંદીની વ્રત કહે છે. આ શુભ દિવસે બારણામાં રંગોળીથી વાઘ દોરવામાં આવે છે. 

* ધનતેરસ આસો વદ-૧૩, 
તા.૨૪ ઑક્ટોબર,૨૦૧૧ સોમવાર 

આસો વદ તેરસનો દિવસ. માં લક્ષ્મીજી સમૂદ્રમંથનમાંથી ઉત્પન્ન થયાં હોવાથી ધનતેરસ માં લક્ષ્મીજીનો જન્મદિવસ ગણાય છે, જે શુભ દિન ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે. 

ભગવાન ધન્વંતરિ પણ અમૃત કળશ સાથે ઉત્પન્ન થયા, તેથી તેઓના જન્મ દિવસે, ચાંદીનાં વાસણ કે સિક્કાની ખરીદીનો પણ મહિમા છે. ભગવાન  શ્રીધન્વંતરિની પૂજા કરીને, તેઓ વૈદ્યચિકિત્સાના પણ ઈશ્વર હોવાથી, નવા વર્ષમાં, પોતાના સારા સ્વાસ્થ માટે, ભગવાન ધન્વંતરિની આરાધના કરવાનો મહિમા છે.  

કાળીચૌદશ - નર્ક ચતુર્દશી 
તા.૨૫ ઑક્ટોબર ૨૦૧૧ મંગળવાર

આસો વદ ૧૪; કાળીચૌદશ, ભગવાન શ્રીકૃષ્ણજીએ નરકાસુરનો વધ કરીને, તેના દ્વારા કેદ કરાયેલ, સોળ હજાર રાજકન્યાઓને આ દિવસે બંદીખાનામાંથી છોડાવી હતી. કાળીચૌદશ, કાળકા માતાના માનમાં ઊજવાય છે. મોહરાત્રિ અથવા નરકચતુર્દશી તરીકે પ્રચલિત આ દિવસ અઘોરી તાંત્રિકો માટે સ્મશાનમાં જઈને મંત્રતંત્રની સાધના કરવાનો દિવસ મનાય છે.  

દિવાળી-વિક્રમ સંવત-૨૦૬૭ નો આખરી દિવસ. 
તા.૨૬ ઑક્ટોબર ૨૦૧૧ બુધવાર

વિક્રમ સંવત-૨૦૬૭ નો આખરી દિવસ એટલે આસો વદ અમાસનો દીપોત્સવનો મોટો તહેવાર; આ દિવસે અગાઉ માટીનાં કોડિયાંમાં દીવા કરી ઘર તથા દુકાનોને દીપાવવામાં આવે છે. સસ્તી ચાઈનીઝ ઇલેક્ટ્રિક આઈટમ્સના આક્રમણને કારણે, શહેરોમાં હવે દીવાનું સ્થાન, રંગબેરંગી નાની ચાઈનીઝ ઇલેક્ટ્રિક સિરિઝોએ લઈ લીધું છે. તમામ વેપારીઓ, દુકાન અને ધંધાના સ્થળે, દિવાળીની ખાસ રોશનીથી પોતાની ઑફિસ અને દુકાન શણગારે છે.

રામાયણની કથા પ્રમાણે,ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામે રાવણને મારીને, આ દિવસે રાજપદ ધારણ કર્યું, ત્યારે અયોધ્યાવાસીઓએ, ભગવાનનું સ્વાગત કરવા, ઘેરેઘેર દિવડા પ્રગટાવ્યા હતા. તે દિવસથી સુવ્યવસ્થા અને પવિત્રતાનો રામરાજ્ય યુગ શરૂ થયો.

' पत्रंपुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति। 
 तदहं   भक्त्यु  पहृतमश्नामि  प्रयतात्मनः॥ '

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશાનુસાર, 'छन्दांसि यस्य पर्णानि ।' સાચા હ્રદયથી, ઈશ્વરને પાઠવેલો પ્રાર્થનાપત્ર એટલેકે સાક્ષાત્ જ્ઞાન. જે કોઈ ભક્ત ઈશ્વરને, શુદ્ધ ચિત્ત દ્વારા, ભક્તિપૂર્વક, પત્ર,પુષ્પ, ફળ અથવા જળ અર્પણ કરે છે, તે સર્વ પદાર્થને ભગવાન પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે. 

બેસતું વર્ષ કારતક સુદ એકમ વિ.સં.-૨૦૬૮, 
તાઃ ૨૭ ઑક્ટોબર ૨૦૧૧ ગુરુવાર

કારતક સુદ એકમની કથા-મહિમા

કારતક સુદ એકમના શુભ દિવસે, ભક્ત પ્રહ્લાદના પૌત્ર બલિરાજાનો જન્મ થયો હતો. તેમણે ઈન્દ્રનું ઈન્દ્રાસન અને રાજપાટ પ્રાપ્ત કરવા, નર્મદાતીરે, નવ્વાણું યજ્ઞ કર્યા બાદ, છેલ્લો સો મો યજ્ઞ આદર્યો, ત્યારે સહુ દેવોની પ્રાર્થનાથી, ભગવાન શ્રીવિષ્ણુજીએ, વામનરૂપ ધારણ કરીને, ત્રણ ડગલાં પૃથ્વીનું દાન માગ્યું વામનમાંથી વિરાટરૂપ ધારણ કરેલા ભગવાન વિષ્ણુજીને, પહેલા પગલામાં, સમગ્ર પૃથ્વી, બીજા પગલામાં, સમગ્ર આકાશ, દાન કર્યું. છેલ્લે કંઈ બાકી ન રહેતાં, ત્રીજું પગલું બલિરાજાના માથા ઉપર મૂકીને, ભગવાને તેને, પાતાળમાં ચાંપી દીધો, પરંતુ સાથેજ, તેની ભક્તિથી પ્રસન્ન થઈ, ભગવાને બલિરાજાને વરદાન આપ્યુંકે, તારો જન્મ દિવસ` બલિપ્રતિપદા` તરીકે ઊજવાશે.  

શ્રીમદ ભાગવતમાં વર્ણવ્યા પ્રમાણે, ઈન્દ્રને બદલે ગોવર્ધન પર્વતનું પૂજન કરવાના સૂચનને કારણે, કોપાયમાન થયેલા ઈન્દ્રએ, સાત દિવસ સુધી અતિ વર્ષા કરી, ત્યારે સહુને બચાવવા નાનકડા શ્રીકૃષ્ણએ, આખો ગોવર્ધન પર્વત એક આંગળીથી ઊંચકી, સહુને તેની છાયામાં આશરો આપીને, ઈન્દ્રના ગર્વનું ખંડન કર્યું.

બેસતા વર્ષનો શુભ દિન એટલે,ઉમંગભેર,દારૂખાનું ફોડી,  નવાં-નવાં વસ્ત્રો પહેરી,વડીલોના આશીર્વાદ લઈને સહકુટુંબ મંદિરે દર્શનાર્થે જવાનો દિવસ, કટુતાવર્ધક મતભેદ અને મનદુઃખ ભૂલીને,એકમેકને,નવા વર્ષની શુભકામના પાઠવી, ભેટસોગાતથી નવાજીને આનંદ વ્યક્ત કરવાનો દિવસ,શાંતિ, શક્તિ, સંપત્તિ, સમૃદ્ધિ, સ્વ-રૂપ , સંયમ, સાદાઈ, સફળતા, સંસ્કાર, સન્માન અને સરસ્વતીમાતાની અમીકૃપાના તરસ્યા યાચક બની, જાતસુધારણા કાજે સ્વયં નિરીક્ષણ કરવાનો દિવસ. ટૂંકમાં, નવા વર્ષે, ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાનો દિવસ..!! 

કારતક સુદ બીજ - ભાઈબીજ- યમદ્વિતીયા
તાઃ૨૮ ઑક્ટોબર ૨૦૧૧ શુક્રવાર.

કારતક સુદિ બીજને ભાઈબીજ શામાટે કહે છે? 

એક કથા અનુસાર, પ્રથમ યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને પોતાને ત્યાં આમંત્રિત કરી, પ્રેમપૂર્વક જમાડ્યા હતા. હિંદુધર્મની આસ્થા અનુસાર, ભાઈબીજના દિવસે યમુનાજીમાં સ્નાન કરવાનો ખાસ મહિમા છે તથા ભાઈબીજના દિવસે, બહેન પોતાના વહાલા ભાઈને ભોજન માટે આમંત્રે છે. બહેનને ઘેર ભાઈ ભોજન ગ્રહણ કર્યા બાદ, બહેનને  યથાશક્તિ કાપડ અને રોકડ રકમ  ભેટ આપે  છે.   

કાર્તિક સુદ પાંચમ; સૌભાગ્ય પંચમી - લાભપાંચમ
તાઃ૩૧ ઑક્ટોબર ૨૦૧૧. રવિવાર

 "लाभस्तेशाम जयतेशाम कुतस्तेशाम पराजयाः।
 येशाम   इन्दिवरश्याम  ह्यदयस्थो   जनार्दनाः॥"

અર્થાત્- જેમના હ્રદયમાં ઈશ્વર (શ્રીવિષ્ણુજી-લક્ષ્મીજી) નો, સદાય નિવાસ હોય, તેનેજ  લાભ અને વિજય પ્રાપ્તિ થાય છે.

કારતક સુદ પાંચમને સૌભાગ્ય પાંચમ, લાખેણી સૌભાગ્ય પાંચમ પણ કહે છે. ધંધા,રોજગાર-કારખાનાવાળા પોતાના, થડા -ગલ્લા-મશીનો-ઓજારો તથા કર્મસ્થાનદેવતાની પૂજા કરી, આખું વર્ષ ધંધામાં શુભ-લાભ પ્રાપ્તિની કામના અને ઇષ્ટદેવની પ્રાર્થના  સાથે, પોતાના કાર્યનો આરંભ કરે છે.

કાર્તિક સુદિ અગિયારશ. તુલસીવિવાહ
દેવઊઠી અગિયારસ ,તાઃ૦૬ નવેમ્બર ૨૦૧૧ રવિવાર

તુલસીને વિષ્ણુ સાથે પરણાવવાની ક્રિયા - મૈયા તુલસી કથા મહિમા-

એક કથા અનુસાર ભગવાન બાલકૃષ્ણની તુલસી નામે, એક ગોપીની ભક્તિની પરાકાષ્ઠા આવતાં તે પણ,ઘનશ્યામની માફક કૃષ્ણમય થઈને, કૃષ્ણવર્ણ (શ્યામતુલસી) બની ગઈ. જોકે, રાધારાણીને ઈર્ષાને કારણે,શ્યામતુલસી સહેજે ગમતી ન હોવાથી, રાધાજીએ આ અનન્ય કૃષ્ણભક્ત તુલસીને, વનસ્પતિ બનવાનો શ્રાપ આપી દીધો. જોકે, ભગવાને, તેની ભક્તિની કદરરૂપે, તુલસી માળાને, કંઠમાં ધારણ કરી, તેને પોતાના ચોવીસ કલાકનું સાંનિધ્ય અર્પ્યું. પદ્મપુરાણ કથા અનુસાર, સુભદ્રાજી અને રૂક્મણીજીની હુંસાતુંસીઓથી કંટાળી, ભગવાન શ્રીકૃષ્ણએ રૂક્મણીજીના એકમાત્ર તુલસીના પાનથી ત્રાજવું, નમી જઈ, તોલ કરાવી,ભગવાને દર્શાવ્યુંકે, તુલસીજી તેમને કેટલાં બધાં પ્રિય છે.. !!

આ ઉપરાંત, કારતક સુદ અગિયારશના આ શુભ દિને,દેવો નિદ્રામાંથી ઊઠે છે તથા વિષ્ણુ તે દિવસે પાતાળ છોડી વૈકુંઠ પધારે છે, તેથી તેને દેવઊઠી અગિયારશ પણ કહેવાય છે. હિંદુ મંદિરોમાં, આ શુભ દિવસે, તુલસી મૈયાના, શાલીગ્રામજી  (ભગવાન વિષ્ણુજી) સાથે વિવાહ કરવામાં આવે છે.

દેવદિવાળી,શિવ દિવાળી
તાઃ ૧૦ નવેમ્બર ૨૦૧૧ ગુરુવાર

દેવ-દિવાળીનો કથા મહિમા

મહાદૈત્ય ત્રિપુરે, પ્રયાગક્ષેત્રમાં, તપ કરીને, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને વરદાન માગ્યુંકે," હે ભગવન, મારું મૃત્યુ, દેવ, મનુષ્ય, રાક્ષસ, સ્ત્રીઓથી કે રોગથી થાય નહીં." ભગવાન બ્રહ્માજીએ `તથાસ્તુ` કહેતાં, મહાદૈત્ય ત્રિપુરે, સર્વ દૈત્યો સાથે  ભેગા મળી, દેવો-યક્ષોને બંદીવાન બનાવ્યા અને હાહાકાર મચાવી દીધો. એટલુંજ નહીં પરંતુ, મહર્ષિ નારદજીની ચઢાવણીથી તેણે કૈલાસ પર ચઢાઈ કરી,આથી કાર્તિક માસની શુક્લ પક્ષની પૂર્ણિમાને દિવસે, ભગવાન શ્રીશિવજીએ,અત્યંત ગુસ્સે થઈને, ત્રિપુરાસુરને એકજ બાણથી વીંધી નાંખ્યો. સર્વ દેવોએ પ્રસન્ન થઈ, હર્ષોલ્લાસથી શ્રીશિવજીને દીપ સમર્પિત કરી, દિવાળી જેવો ઉત્સવ ઊજવ્યો. આથી આ દિવસને ‘દેવદિવાળી’ તરીકે ઓળખવામાં આવે છે.

મિત્રો,કોણ જાણે કેમ પરંતુ..!! 

દિવાળીના પર્વ દરમિયાન આપણા આંગણે, આપણી કલ્પનાશીલતા પ્રમાણે, સિન્થેટિક રંગ, અનાજના રંગબેરંગી દાણા, ચોખા તથા અન્ય અનાજનો લોટ, રેતી-ચિરોડી વગેરેનો ઉપયોગ કરીને રંગબેરંગી રંગોળી ની રંગપૂરણી દ્વારા આપણે આપણા ઘરના પ્રાંગણને સજાવ્યા બાદ, આવનાર સમગ્ર વર્ષ દરમિયાન, આપણા અંતરાત્માના અવાજ પ્રમાણે, મનના પ્રાંગણમાં સ્વયંભુ સર્જાતી રહેતી, લાગણીની રંગોળીને,સાંસારિક મોહમાયાવશ થઈને, આપણે જિંદગીને, કઢંગી-બેરંગી કરી મૂકતાં સહેજપણ અચકાતા નથી. કદાચ, આવા સ્વભાવને કારણેજ, કોઈ વ્યક્તિ, નોકરી-ધંધાકે, સંયુક્ત કુટુંબભાવ જાળવી રાખવામાં નિષ્ફળ જાય છે..!!

જોકે,આમ અહંકારી વર્તન કરતી વેળાએ, આપણે  ઈરાદાપૂર્વક, એ  બાબત ભૂલી જઈએ છેકે, આપણે  આપના મનના વાડામાં, આપણી એક ભૂલથી રહી ગયેલા, એક છીંડાને કારણે, આપણા સદ્વિચાર-વર્તનનું મારણ કરવા આવેલા અહંકારી સ્વાર્થી સિંહના  શિકાર, જાતે બની જઈએ છે.જોકે,સદ્વિચાર કે  વર્તન, માંસાહારી નથી, તેથી અહંકારના સ્વાર્થી સિંહને, અંતે ક્યાં તો ભૂખે મરવું પડે છે,કે પછી  જખ મારીને, મનના વાડામાં પડેલું, પશ્ચાતાપનું તરણું  ( ઘાસ )  ખાવાનો વારો આવે છે.

આમેય, લાગણીની રંગોળી જો અત્યંત કિંમતી હોય તો..!! 

REMEMBER:- VALUE HAS A VALUE ONLY IF,  ITS VALUE IS VALUED. 

અર્થાત્- કિંમતી એવી, કિંમતની કિંમત સમજો, ત્યારેજ  કિંમતની કોઈ કિંમત હોય છે.

એક પત્રકાર મિત્ર અકળાઈને કહે છે," આ બધી ફાલતુ ટીવી સિરિયલ્સ અને કૉપ્મ્યુટર-ઈન્ટરનેટની `ફેસબુક` જેવી કહેવાતી સૉશિયલ સાઈટ્સે જ, લોકોના ઘરમાં પગપેસારો કરીને, સઘળો દાટ વાળ્યો છે, સાલું, વળી નવાઈની વાત છેકે, એક સામાજિક પ્રાણી તરીકે, સમાજ સાથે જોડાવા કાજે, આપણે  `ફેસબુક` જેવી સામાજિક સાઈટ્‍સ પર, દિવસ-રાત, અકારણ મથ્યા કરી છીએ, પરંતુ બેસતા વર્ષના દિવસે લીધેલા તમામ દ્રઢ સંકલ્પને, ભાઈબીજના દિવસથી વીસરી જઈને,આપણા જ ઘરમાં એક છત નીચે વસતાં, આપણા સ્વજનોના, હેતાળ `ફેસ` ને હ્રદયમાં, `બુક` કરવાનું વીસરી, આખું વર્ષ તેમની અવહેલના કરીએ છે? આથીજ કહેવાતું હશેકે, જેવા ઈન્ટરનેટિયા આચાર, તેવા ફેસબુકિયા વિચાર..!!"

જોકે, મિત્રની અકળામણ ઓછી કરવા મેં, તેમને આશ્વાસન આપ્યું," ના..ના, સાવ એવું નથી. તેના કેટલાક ફાયદા પણ છે..!!"

મિત્ર જલદી હાર માનવા તૈયાર નહતા, તેમણે મને કહ્યું," દાખલા તરીકે?"

"દા.ત. તમે કલર્સ ટીવી ચેનલ પર, નવું બીગબૉસ-૫ નિયમિત જોતા જ હશો..!! આપણા સહુનો બીગબૉસ (ઈશ્વર) ઉપર બેઠો છે, તેણે આપણા દેશમાં પર્યાપ્ત કાયદો અમલમાં હોવા છતાં, પુત્રેષણાની લ્હાયમાં, માતાના ગર્ભમાં થઈ રહેલા, આડેધડ કન્યા ભ્રૂણ હત્યાની (ગર્ભપાત) સામે, આ કલર્સ ટીવીના નકલી બીગબૉસને પ્રેરણા આપીને, આ સીઝન-૫માં, એક વિલન-શક્તિકપૂર, એક કિન્નર લક્ષ્મીનારાયણ તથા અન્ય ૧૨ કન્યાઓને પ્રતિયોગી બનાવી, બીગબૉસ-ઈશ્વરે આપણને સંદેશો આપ્યો છેકે, કલર્સ ટીવીના બીગબૉસ હાઉસની માફક, એક-એક કન્યા ભ્રૂણ હત્યા બાદ, (ઍલિમીનેટ થયા બાદ) આ સમગ્ર સૃષ્ટિ પર, કેવળ શક્તિકપૂર (વિલન) તથા લક્ષ્મીનારાયણ (કિન્નર), જેવા માત્ર બેજ જીવ બાકી રહે તો, આ સૃષ્ટિ-સંસારની કેવી દુર્દશા થાય..!!" 

મિત્રને આટલું સમજાવી, મારા પ્રખર જ્ઞાની હોવાનો, હજી હું વધારે પરિચય આપું ત્યાંતો, એ મિત્ર માથું ખંજવાળતા- સ્વગત કાંઈક બબડતા ચાલતા થયા. 

જોકે, મારા મિત્રને, હું તો ફક્ત એટલું સમજાવવા માંગતો હતોકે, જિંદગીમાં આપણે કોઈપણ બાબતને નકારાત્મક કેપછી હકારાત્મક, કેવા ભાવથી નિહાળીએ છે,તે બાબત જ, આપણી સરળ જીવનચર્યા માટે ઘણી અગત્યતા ધરાવે છે..!! 

તો શું હવે, ટીવી-કૉમ્પ્યુટર સ્વરૂપે, કલ્પવૃક્ષ સમાન મનાતું, જ્ઞાનપ્રાપ્તિનું આ એકમાત્ર સાધન ભારતવર્ષને લાધ્યું છે? આપણા દેશકાળને અનુરૂપ થઈને, ગુણવત્તાસભર ચારિત્ર્યને ઊજાળતાં, આપણી માતૃભાષામાં રચાતાં, પ્રાચીન-અર્વાચીન ગદ્ય-પદ્ય સાહિત્ય-સંગીતનું, હવે શું કોઈ મૂલ્ય નથી?

વિખ્યાત તત્વજ્ઞાની પ્લેટો જ્ઞાનની વ્યાખ્યા વિસ્તૃત સ્વરૂપે કરતાં જણાવે છેકે, જ્ઞાન એટલે, "justified true belief. (a statement must be justified, true, and believed.)"

જોકે,અહીં યક્ષપ્રશ્ન એ છેકે, દેશના દરેક દેશભક્ત નાગરિકે, વિ.સં.૨૦૬૮ના નવવર્ષના નવપ્રભાત કિરણપ્રકાશે, પોતાના જ્ઞાન સંકલ્પપૂર્તિ માટે શું કરવું જોઈએ?
નવવર્ષપ્રભાતનો કિરણપ્રકાશ.ભાગ-૩.


http://markandraydave.blogspot.com/2011/10/blog-post_27.html
માર્કંડ દવે. તા.૨૫-૧૦-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.