Thursday, January 13, 2011

` NRIs - કલ આજ ઔર કલ`

` NRIs - કલ આજ ઔર કલ`

" અમે   પારેવાં  પરદેશનાં  અમને, વતન  જવાની તૃષ્ણા, 
  દુશ્મન દિશાને, વેરી હવા થઈ  સ્વજન   દીઠાની  ભ્રમણા..!!"


"So far as I am able to judge, nothing has been left undone, either by man or nature, to make India the most extraordinary country that the sun visits on his rounds. Nothing seems to have been forgotten, nothing overlooked."

- Mark Twain ( અમેરિકન લેખક અને હ્યુમરિસ્ટ ; અસલ નામ- Samuel Langhorne Clemens, ૧૮૩૫ થી ૧૯૧૦)

==========   

પ્રિય મિત્રો,

આપણો દેશ આદિકાળથીજ  ધન, સંપત્તિ, ઐશ્વર્યથી છલોછલ રહ્યો છે, આજ કારણસર `આપણા દેશના શોધક`નું રૂપાળું ઉપનામ ધરાવતા પરંતુ, મૂળ તો સ્વભાવે લુટારા એવા, પરદેશી યુરોપિયન પૉર્ટુગીઝ વાસ્કૉ ડી ગામા ( Vasco da Gama ; ૧૪૬૦ થી ૧૫૨૪) થી માંડીને મોગલ સતાધિશો, ત્યારબાદ કુટીલ રાજનીતિજ્ઞ અંગ્રેજો અને આજની તારીખે આપણા દેશના બેશરમ રાજકારણીઓની  ધન, સંપત્તિ, ઐશ્વર્યની ભૂખ હવે અનંત દશાને પામી, સર્વ સત્તાધીશો પોતાને મનફાવે તેમ, સત્તાના દુરઉપયોગ કરીને,આપણા દેશ અને દેશવાસીઓના હિસ્સાનો કોળીયો પ્રજાના મોંઢામાંથી ધરાર છીનવી રહ્યા છે. આજ કારણસર,દેશની પ્રગતિ લંગડાતા મરિયલ ટટ્ટુની ચાલે અત્યંત ધીમી જણાઈ રહી છે, તેમાંય વળી `બળીયાના બે ભાગ`ની કુનીતિને કારણે, છેવાડાના ગરીબ અને મધ્યમવર્ગીય  માનવીના ભાગે, બે ટંકના  ભોજનને બદલે, છેલ્લે બુઝાઈ  રહેલા ચૂલાનો ધૂમાડો ભાગમાં આવે છે.

આવી પરિસ્થિતિમાં ધન, સંપત્તિ, ઐશ્વર્ય, વિકાસની ભૂખ અને મહત્ત્વાકાંક્ષાના સ્વપ્નને સાકાર કરવા મથતાં, પરંતુ સ્વદેશમાં વિકાસની નહિવત સવલતોથી કંટાળેલાં આપણા  દેશના ગરીબ-નીચલા-ઉપલા મધ્યમ વર્ગના,સંતાનો,  દેશને ત્યજીને  ઈચ્છાકે અનિચ્છાએ પણ, પરદેશ જઈ સુખી થવાનાં સ્વપ્ન જોવા માંડે તેમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી.

દેશાવર ખેડીને આખાય કુટુંબની દરિદ્રતાને દૂર કરવા ચાહનારા, આવા સાહસિક ભારતીય દેશવાસીઓના સદાય પ્રશંસક એવા એક મિત્ર કહે," પરદેશમાં સ્થાયી થનાર સાહસિકોને  N.R.I.  કહે છે, આ  N.R.I. એટલે શું?"

શાંતિથી,ગંભીર ચહેરે, મેં  ઉત્તર આપ્યો," N.R.I. એટલે Non Retired Indian..!! કદાપી નિવૃત્ત ન થનાર ભારતીય..!!"

N.R.I. ની વ્યાખ્યા

જોકે, `કદાપી નિવૃત્ત ન થનાર ભારતીય N.R.I.`નો અઠંગ પ્રશંસક તો, હું  પણ  છું, કારણકે તેમનામાં એક બત્રીસલક્ષણા સાહસિક  નરનારીના સદગુણને મારી નજર સમક્ષ અનુભવ્યા છે  ચાલો,  N.R.I. ની સાચી વ્યાખ્યાને આપણે સમજીએ.

દેશ + અવર શબ્દમાં,  `અવર`નો અર્થ  કનિષ્ઠ; ઊતરતી પંક્તિનું; અધમ; હલકું; છેલ્લું; નિર્બળ તથા પશ્ચિમ દિશાનું `અવર`, તેમ થાય છે.

દેશાવર = દેશ (જન્મભૂમિ) + અ ( ઉતરતી પંક્તિનું) + વર ( શ્રેષ્ઠ) ; અર્થાતઃ- પોતાના સ્વદેશ સિવાયનું  `અલગ પશ્ચિમ દિશાનું  સ્થાન` થાય છે.

જોકે, ફૉરેન ઍક્સ્ચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ-૧૯૯૯  ( FEMA)તથા ઈન્કમટૅક્સ ઍક્ટ ૧૯૬૧ .( I T Act )  પ્રમાણે, NRI ની કાયદેસર  વ્યાખ્યા નીચે પ્રમાણે છે.

" ભારતની બહાર વસવાટ કરતા કોઈપણ નાગરિક, જે નોકરી, વ્યવસાય કરવા અથવા ભારતની બહાર અનિશ્ચિત મુદત સુધી રહેવાનું દર્શાવતા કોઈપણ ઈરાદો સાથે ભારત બહાર ગયા હોય અથવા બહાર વસવાટ કરતા હોય, તેમને `નોન રૅસિડન્ટ ઈંડિયન - NRI - अप्रवासी भारतीय` કહે છે.

ટૂંકમાં, દેશના કોઈપણ નાગરિકને, પરદેશના વસવાટને કારણે, ભારતીય ઈન્કમટેક્સ ઍક્ટ ૧૯૬૧ની સેક્શન ૬ અંતર્ગત, ક્લેન્ડર વર્ષના કુલ-૩૬૫ દિવસમાંથી ઓછામાં ઓછા ૧૮૨ દિવસ, ભારતમાં રહીને, આર્થિક ઉપાર્જન, સતત ચાર વર્ષ સુધી કરવામાં ન આવ્યું હોય તેવા સંજોગોમાં જેતે પરદેશમાં વસતા ભારતીયને  `Non-Resident Indians-NRIs` ગણવામાં આવે છે.

UNDP's 2010  (United Nations Development Programme)ના રીપૉર્ટ મુજબ, વિદેશનું નાગરિકત્વ સ્વીકારનારા NRIs અને  પરસન ઓફ ઈન્ડીયા (PIO) કાર્ડ ધરાવનારા, પ્રથમ નંબરે ચાઈના બાદ, બીજા નંબરે કુલ પ્રવાસી ભારતીય, વિશ્વભરમાં આશરે અઢી કરોડની વિક્રમી સંખ્યાએ પહોંચી ગયા છે. આ પ્રવાસી ભારતીય સમગ્ર વિશ્વના, આફ્રિકા, એશિયા, અમેરિકા,યુરોપ, મિડલ ઈસ્ટ તથા ઑસિનીયાના રીજનના વિવિધ દેશોમાં જઈ વસ્યા છે અથવા તો પ્રવાસ કરતા રહે છે.  સન-૧૯૪૭માં આઝાદી પછી પ્રથમવાર, ભારત સરકારે,  જાન્યુઆરી ૨૦૦૬માં "Overseas Citizenship of India (OCI)" એટલેકે બેવડા નાગરિકત્વની સ્કીમ `NRIs` ; (PIO) માટે અમલમાં મૂકી છે.

દેશાવર ખેડવાનાં કારણોઃ-

આપને નવાઈ લાગશે પરતું હાલમાં સમગ્ર વિશ્વના કોઈપણ ખૂણે જાવ, આપણા દેશનો એકાદ નાગરિક અને તેમાંય ગુજરાતી માણસ વસતો ન જોવા મળે તે, અશક્ય બાબત છે..!!  તેમાંય વળી પોતાનો ધર્મ અને સંસ્કૃતિને જાળવવા તથા બુદ્ધિપૂર્વકની મહેનત કરવા બાબતે આપણા ગુજરાતના  `નોન રૅસિડન્ટ ઈંડિયન - NRI `ને અન્ય  કોઈ ન પહોંચી શકે.

કોઈપણ ભારતીય  ( NRI ) દ્વારા દેશાવર ખેડવાના અલગ-અલગ કારણો અને હેતુઓ હોઈ શકે છે.

* પોતાની તથા કુટુંબની આર્થિક સ્થિતિ સુધારવા. * સમાજમાં મહત્વ પ્રાપ્ત કરવા. *  દેશમાં પોતાના રૂંધાયેલા વિકાસને વેગ આપવા. * પોતાના કુટુંબના અસલામત ભવિષ્યના ડરને ભગાડવા.* દેશમાં પોતાના વર્તમાન ધંધામાં થઈ રહેલી કૉમ્પિટિશનને પહોંચી વળવા, નવા રસ્તા શોધવા. * નવા સાહસનો રોમાંચ અનુભવવા.* ગામ - શહેર - દેશના બંધિયાર વાતાવરણમાંથી તત્કાળ મૂક્તિ મેળવવા.* પરદેશમાં મળનાર સફળતાના આનંદના સ્વપ્નોને સાકાર કરવા.*  એકજ જુની ઘરેડના કામધંધામાં, દેશમાં રહીને, સમય બરબાદ કરવાને બદલે સમય બગાડ્યા વગર અન્ય દેશમાં નસીબ અજમાવવા. * પરદેશમાં હાડમારી વેઠવાની શારીરિક,માનસિક શક્તિ ખતમ થાય તે અગાઉ તે શક્તિનો સદઉપયોગ કરવા. * દેશાવર ખેડવાનાં ભયસ્થાનો દર્શાવતા રહેતા જુની પેઢીના વડીલો સામે બંડ પોકારવા.* પોતાના આત્મવિશ્વાસને કસોટીની એરણ પર કસી જોવા માટે. * સફળતા મેળવીને પોતાના જીવનમાં આવનારા મોટા સુખમય પરિવર્તનને સલામતી બક્ષવા.

પરદેશમાં સફળતા મેળવીને કાયમી વસવાટ કરનારા ઘણા NRI  ગુજરાતી મિત્રોએ, આપણી સર્વવિદિત આ ગુજરાતી કહેવતને, સાચા અથમાં યથાર્થ કરી બતાવી છેકે, " ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે." આવા `NRI` ગુજરાતીભાઈની નોકરી અથવા ધંધો  હિંદુ ધર્માચરણ વિરૂદ્ધ ભલે  હોય પરંતુ,  તે પોતાના જેતે કર્મને પણ તે પૂર્ણ નિષ્ઠાથી કરીને, તક મળતાંજ,  ભલે સાવ નાના પાયા પર, પરંતુ પોતાનો કહેવાય તેવો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવામાં, સમય આવે  ચૂકતો નથી. તેથીજ તો સમગ્ર વિશ્વમાં દરેક દેશમાં મોટાભાગના ગ્રોસરી સ્ટોર્સ, મૉટૅલ્સ અને અન્ય મહત્વની  શૉપ તથા જૉબમાં ગુજરાતીઓની માલિક-વર્કર તરીકેની હથોટી અને હાજરી બંને  જોવા મળે છે.

વિશ્વમાં ભારતીય પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે થતા આક્ષેપોઃ-

વિશ્વમાં ભારત ત્યજીને NRIs તથા POI તરીકે પરદેશ વસવાટના ક્રેઝને કારણે ભારત સરકારની નીતિઓ પર કેટલાક પ્રહારો કરવામાં આવે છે, જેમકે,

* "Brain drain" બુદ્ધિધનની હિજરત.
  
* હવાલા દ્વારા નાણાં ટ્રાન્સફર થવાને કારણે, ફૉરેન ઍક્સ્ચેન્જ ચલણનું નુકશાન

* ભારતીય સંસ્કૃતિ પર, ફાટીને ધૂમાડે ગયેલી, સ્વચ્છંદી પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ 

* ભારતમાં પરત ફર્યા બાદ ભારતીય નાગરિકોની સમાજમાં ભળવાની ક્ષમતાનો હ્રાસ.

* NRIs તથા POI દ્વારા ઉદાસીનતાના સંજોગોમાં, ભારતમાં વસતા તેમના કુટુંબની દયનીય હાલતના પ્રશ્નો.

* પરદેશમાં વસ્યા બાદ, દેશ અને દેશવાસીઓ માટે ઘસાતું બોલવા-વર્તવાની ફેશનના શિકાર.

આ અંગે, એક સરસ ઉદાહરણ આપું, મારો એક મિત્ર અમેરિકા ગયા બાદ લગભગ પાંચ વર્ષે, ભારત પરત ફર્યો. જ્યારે મને મળ્યો ત્યારે તેને  પહેલોજ સવાલ, મેં  એ કર્યોકે," યાર..!! તારી પાસે બાપદાદાનો નાનકડો ધંધો હતો, તેં નગરપાલિકાના પ્રમૂખ સુધીનો હોદ્દો શોભાવ્યો હતો. અહીંની શાંતિ છોડીને તેં અમેરિકાને વતન બનાવ્યું તેનો વાંધો નહીં પણ, તારું ઈ-મેઈલ એડ્રેસ, ફૉન નંબર, બ્લોગ અથવા વેબસાઈટ ઍડ્રેસવાળું કાર્ડ આપીશ? ભલે તું અમેરિકા રહે,  કમસેકમ તારા સંપર્કમાં તો રહી શકાય?"

મને એક ખૂણામાં લઈ જઈને તેણે કહ્યું," દોસ્ત, શું કામ બધાની  રૂબરૂમાં  મારી આબરૂ લે છે. હું અહીથી અમેરિકા ગયો ત્યારે મને મનમાં એમ હતુંકે, ત્યાં ઠેર ઠેર ડૉલરનાં ઝાડ ઉગ્યાં હશે, નીચે એક મોટી ચાદર પાથરીને ઝાડને ખૂબ હલાવીશ. ડૉલરની મોટી ગાંસડી ભરાઈ જાય એટલે પાછો આવી જઈશ, પરંતુ ત્યાં ગયાબાદ વાસ્તવિકતાનું મને ભાન થયું. અત્યારે તો હું મારા એક સગાની મૉટૅલમાં, કસ્ટમર્સ દ્વારા નોનવૅજ ખાદ્યકચરો ઠેરઠેર વેર્યો હોય તેને વૅક્યુમ ક્લીનર મશીનથી સાફ કરવાનું કામ કરું છું."  ( નોજવૅજ ગાર્બેજની સફાઈ કરનાર આ મિત્ર, ડુંગળી-લસણ પણ ન ખાવું તેમ માનતા ધર્મના ચૂસ્ત અનુયાયી છે. )

મિત્રએ મક્કમ, આત્મવિશ્વાસભર્યા અવાજે ઉમેર્યું," પરંતુ તું  લખી રાખ, બેજ વર્ષમાં ત્યાં મારી પણ એક સ્વતંત્ર મૉટૅલ હશે તે નક્કી છે, હું ત્યારે તને મારું વિઝીટીંગ કાર્ડ આપીશ...!! હવે તો મારાં બંને બાળકો ત્યાં કાયમી સૅટલ થશે ત્યારબાદજ ભારતમાં પરત ફરવા વિચારીશ..!!"

દેશાવરનો આપણો  હક્ક સ્થાપિત કરતી, ચાલશે-ભાવશે-ફાવશેવાળી, આ રહી આપણી આગવી ખાસિયતો..!!


* પરદેશ જવું છે પણ અંગ્રેજી નથી આવડતું? No Problem..!!
* પરદેશ જવા `કબૂતરબાજી`?  No Problem..!!
* પરદેશનું ફૂડ (ચાઈનીઝ;મેક્સિકન;થાઈ;ઈટાલિયન) માફક નથી આવતું તેનું ગુજરાતીકરણ કરવું છે?  No Problem..!! *
* `દુધ`ની સાથે `દાળ` અને `વોડકા` સાથે `વાલ` નું મેનું?  No Problem..!!
* `ખાઈ સુઈ જવું મારીને નાસી જવું?` `NRI` ગુજરાતી પણ અપનાવે? No Problem..!!
* અમેરિકા જવા મળે તો અગાશી કે ધાબે, રહેવા સુવા મળશે? No Problem..!!
* પરદેશમાં ગલોફાનું પાન થૂંકવાની સમસ્યા? No Problem..!!
*  દેશમાંથી કોઈ આવવાનું છે? ઢોકળાં, થેપલાં, અથાણાં, આથેલાં મરચાં નું સંપેતરું મોકલવાનું છે? No Problem..!!
* દેશમાં બા-બાપા સાથે, `Live` વાત કરવા મફત પાયરેટેડ સોફ્ટવેર શોધવું છે? No Problem..!!
* પરદેશમાંય ` આપણા બાપનું શું જાય છે?` તેમ માનીને જીવવું પડશે? અરે, એ તો અમને આવડેજ છે, No Problem..!!

આ ખાસિયત જાણીને, આપણા ગુજરાતી મિત્રોના સ્વભાવમાં રહેલી આત્મવિશ્વાસભરી, મક્કમ, સરળ તરલતાને સલામ મારવાનું કોઈને પણ જરૂર મન થઈ આવ્યું હશે.આમતો આપણો દેશ `બહુરત્ના વસુંધરા` સમાન મનાય છે.  છતાંય પોતાના માનેલી સલામતીના વાડામાં બંધાઈ રહીને, આપણા દેશની સિસ્ટમના કસાઈવાડે ચૂંથાતા રહેતા, સુસ્ત, આળસુ અને સડેલી પરંપરાના નામે, જીવનને બરબાદ કરી અંતે પેટ ભરીને પસ્તાતા રહેતા તથા હાથમાં આવેલી તકને લાત મારતા દેશવાસીઓ માટે દયા ખાવા સિવાય આપણે અન્ય કાંઈ કરી શકીએ તેમ નથી.
 
NRIs અને POI ની ગઈકાલ

*  ઓગણીસમી સદી દરમિયાન અંગ્રેજ શાસનના હિંદુસ્તાનમાં રાજ્યોના ગરીબ મજૂરોનું સ્થળાંતર કેટલાક કરારને અનુસરીને, બ્રિટિશરોના મજૂરીકામ અર્થે કરવામાં આવતું  હતું. સન-૧૮૩૪માં, બિટિશ પાર્લિયામેન્ટમાં `સ્લૅવરી ઍબોલિશન ઍક્ટ` પસાર થતાં,સ્થળાંતરિત હિંદુસ્તાની મજૂરોના શોષણનો અંત આવ્યો.

 * સન-૧૯૬૦માં આફ્રિકન દેશોને, બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળ્યા બાદ સન-૧૯૭૦ની આસપાસના સમયગાળામાં, પ્રવાસી ભારતીય તરીકે સુખ સમૃદ્ધ તેવા, આપણા દેશવાસીઓને (મોટાભાગે ગુજરાતીઓને) આફ્રિકન દેશ, યુગાન્ડામાંથી નવા સરમૂખત્યાર ઈદી અમીનના ત્રાસને કારણે, સહુથી વધારે દયનીય હાલતમાં, પહેરેલા કપડાંએ ભાગવું પડ્યું. જેમાંના મોટાભાગના પ્રવાસી ભારતીય બ્રિટન,અમેરિકા,કૅનેડા તથા કેટલાક ભારતમાં પહોંચીને સ્થાયી થયા.

*  સન-૧૯૭૦માં મિડલ ઈસ્ટમાં, અચાનક ક્રૂડઑઈલની કિંમતોમાં આગ ઝરતી તેજી થતાંજ, તેલ ઉત્પાદક ગલ્ફ કન્ટ્રીઝની અઢળક આવકના પગલે તે દેશોમાં બાંધકામ, માર્ગ પરિવહન તથા અન્ય વિકાસ કાર્યોમાં પણ અસાધારણ વેગ આવ્યો, જેમાં ટ્રેઈન્ડ-અનટ્રેઈન્ડ અનેક પ્રકારના કર્મચારીઓની જરૂરિયાતના પગલે, ભારતભરમાંથી કામકાજની તપાસમાં અસંખ્ય ભારતીય ગલ્ફ કંન્ટ્રીઝમાં કાયમી વસવાટ કરવા ચાલી ગયા.

*  આજ પ્રકારે સન-૧૯૯૦માં કૉમ્પ્યુટર ઈન્ટરનેટ  સૉફ્ટવૅરના વ્યવસાયમાં, વિકાસ પામેલા દેશોમાં, અચાનક અનેક સૉફ્ટવેર ઍન્જિનિયર્સની જરૂરિયાત પ્રસ્થાપિત થતાંજ, ભારતનું ઘણું બુદ્ધિધન અમેરિકા-ઈંગ્લૅન્ડ-કૅનેડા જેવા દેશોમાં, ઊંચી આવકની તક ઝડપવા તથા કાયમી સ્થાયી થવાના ઈરાદે પ્રવાસે ચાલી નીકળ્યું.. આજેપણ, સમગ્ર વિશ્વમાં ભારતમાંથી સ્થળાંતરિત થયેલા કુલ અઢીકરોડ પ્રવાસી ભારતીયનો ત્રીજો હિસ્સો એકલા અમેરિકામાં છે.

* ફૉર્ચ્યૂન મેગેઝિનના સન-૨૦૦૦ના એક સર્વે મુજબ, અમેરિકામાં ભારતીય સિલિકૉન વૅલીના ઉદ્યોગ સાહસિકોની કુલ અસ્ક્યામતો આશરે, $ - ૨૫૦ બિલિયન ડૉલર્સની અંકાઈ હતી.

* સન-૨૦૦૬માં, કૅનેડામાં, એક સર્વે મુજબ, આશરે દસ લાખ ભારતીય પ્રવાસીઓ (NRIs) વસતા હતા.જેમાં સહુથી વધારે ૩૪% શીખ નાગરિક હતા. આજ સમયગાળામાં, નોર્થ અમેરિકામાં આશરે છ લાખ જેટલા ભારતીય પ્રવાસીઓ (NRIs) વસતા હતા.

* (૨૦૦૮) `UK National Census`ના આંકડાઓ મુજબ, આશરે સોળ લાખ કરતાંય વધારે પ્રવાસી ભારતીયની હાજરી UK બ્રિટનમાં વર્તાય છે. જેમાં સહુથી વધારે ૪૫% હિંદુ વસ્તી છે. આ ઉપરાંત બ્રિટનમાં ચોવીસ લાખ લોકોની બોલચાલની ભાષા ભારતીય છે.

* યુનાઈટેડ આરબ અમિરાતના વિવિધ વિસ્તારોમાં આશરે પંદર લાખ જેટલા ભારતીય પ્રવાસીઓની હાજરી વર્તાય છે.જેમાં મોટાભાગે, કેરાલા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુના નાગરિકો છે. જેઓ તેમની આવકમાંથી વાર્ષિક અધધધ કહેવાય તેટલા, દસ બિલિયન યુ.એસ. ડૉલર્સ ભારતમાં મોકલાવે છે.

હકિકતતો એજ છેકે, જેમણે પોતાના જીવનમાં, સોનાનો સુરજ  ઉગતો જોવો હોયતો, `NRI` ની માફક તકલીફોમાં ટીપાવાની તૈયારી રાખવીજ જોઈએ.

NRIs અને POI ની આજ.


સંસ્કૃતમાં કહ્યું છે કે ‘જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી’ અર્થાતઃ- `મા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે.` આપણા દેશનાં આવાંજ અત્યંત  જાણીતાં કે અજ્ઞાત સર્વે `NRI` બહુમૂલ્ય  રત્ન સમાન અદકેરાં સંતાનોએ દેશ-વિદેશમાં, આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે.

આ રહ્યા, આપણા દેશના કેટલાક NRI રત્ન, જેઓએ આપણા દેશનું  નામ આંતરરાષ્ટ્રિય સ્તરે ઝળહળતું કર્યું છે.

* શ્રીલક્ષ્મી મિત્તલ -
ચેરમેન અને  `CEO` મિત્તલ સ્ટીલ. વિશ્વના ચોથા નંબરના ધનાઢ્ય વ્યક્તિ.( NRI, Kensington, London)
* શ્રીસાબીર ભાટીયા - કૉમ્પ્યુટર વિઝાર્ડ  ( America)
* શ્રીઅમર્ત્યકુમાર સેન -વિશ્વપ્રસિદ્ધ નૉબલ પ્રાઈઝ વિનર અર્થશાસ્ત્રી- (USA)
* શ્રીમનોજનાઈટ શ્યામલ- ડાયરેક્ટર;સ્ક્રિપ્ટ રાઈટર; ઍક્ટર (USA)
* શ્રીડૉ.એલ.સુબ્રમણ્યમ -વાયોલિન વાદક-કંપોઝર.
* શ્રીઈસ્માઈલ મરચન્ટ-નિર્માતા-નિર્દેશક-લેખક
* પ્રો.શ્રીજગદીશ એન.ભગવતી-ઈન્ટરનેશનલ ટ્રેડ ઈકૉનોમિસ્ટ.
Director General World Trade Organisation (WTO).
* શ્રીમધુર જાફરી- એક્ટ્રેસ-ટીવીપ્રેઝન્ટર, કુક બુક રાઈટર,( 'Madhur Jaffrey's Indian Cooking';  'A Taste of India '; 'World vegetarian'.)
* શ્રીબૉબી જિંદાલ- `The state of Louisia -અમેરિકાના ૫૫ મા ગવર્નર.
* સ્વ.કલ્પના ચાવલા-(જન્મ- કરનાલ;ભારત-મૃત્યુનું કારણ સધર્ન અમેરિકામાં સ્પૅસ શટલ લેન્ડીંગ સમયે ભસ્મીભૂત થયું.)
* પ્રો. જગદીશ દવે - ગુજરાતી ભાષાશિક્ષણના કાર્ય માટે બ્રિટનની મહારાણીએ એમ.બી.ઇ.ના ખિતાબથી નવાજ્યા છે.ભારતમાં અનુસ્નાતક કેન્દ્રના અધ્યક્ષ અને આચાર્ય રહીને લંડન યુનિવર્સિટીના સુવાસ લેંગ્વેજ સેન્ટરના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી જગદીશ દવેએ વિશ્વભરમાં માતૃભાષાની વિદ્યાયાત્રાનો પ્રારંભ કર્યો અને આજે એંસી વર્ષે પણ દુનિયાભરમાં ઘૂમીને અંતરની ઉલટથી ગુજરાતી ભાષાનું શિક્ષણ આપે છે.

એટલુંજ નહીંપણ,  `નોન રૅસિડન્ટ ઈંડિયન - NRI ` સંતાનો, પોતાની માઁભોમના સામાજિક, આર્થિક, રાજકિય સાંપ્રત પ્રવાહોથી પણ એટલાજ માહિતગાર રહી, અલગ અલગ માધ્યમોમાં અવારનવાર પોતાનો હરખ અને ચિંતા વ્યક્ત કરતા હોય છે.  હમણાંજ દેશમાં બહુચર્ચિત ભ્રષ્ટાચારના કૌભાંડોથી વ્યથિત થયેલા એક `NRI` મિત્ર શ્રીયશવંત શાહે, આ  કૌભાંડો બાબતે ગુન્હાહિત મૌન ધારણ કરીને બેઠેલા કેન્દ્રીય મોવડીમંડળ અંગેના, મારા એક વ્યંગલેખ "ગુન્હાહિત મૌન":પર પ્રતિભાવ આપ્યો હતોકે,

" અમેરિકામાં ઇન્ટરનેટ ઉપર છાપા ના સમાચારો વાંચી પ્રશ્ન થતો " હે પ્રભુ,ભારત ની આઝાદી પછી આવી અવદશા ? હવે શું થશે ? આંતકવાદીઓ, ભ્રષ્ટાચારીઓની બેવડી ચુન્ગાલ માંથી હવે કેમ મુક્ત થવાશે ? " પણ તમારો "ગુન્હાહિત મૌન":બ્લોગ સંદેશ વાંચી ખાતરી થઇ કે હજી ગાંધીનું ગુજરાત અને આપણા ગુજરાતીઓ કોઈપણ પરિસ્થિતિને પચાવી દરેક પ્રશ્નને  હલ કરવામાં સક્ષમ છે."
યશવંત શાહ / રેડમંડ/ અમેરિકા
૧/૧૨/૨૦૧૦."

જોકે,યશવંતભાઈની ચિંતા તે સમગ્ર ગુજરાતના રક્તમાં, રગરગમાં છે, તેથીજ તો `NRI`  પૂજ્યગાંધીબાપુએ છેક સાઉથ આફ્રિકામાં ગોરાઓના અન્યાય વિરૂદ્ધ એવીતો ક્રાંતિ ચિંનગારી ચાંપીકે તેની ઝાળ આખાય વિશ્વમાં પ્રસરી, સરવાળે અંગ્રેજોને નીચી મૂંડી કરીને ભારત છોડવાનો વારો આવ્યો. તેજ પ્રમાણે પ્રખર વિચારક, વિશ્વબા ક્રાંતિસાહિત્યના ઊંડા અભ્યાસી ક્રાંતિગુરુ પત્રકાર શ્રીશ્યામજી કૃષ્ણ વર્માજીએ ઈ.સ.૧૮૯૭માં ભારતીય આઝાદી માટેની ચળવળમાં, પોતાની ધરપકડ થવાથી ક્રાંતિ ચળવળમાં બાધા ન આવે તે કાજે, જાતેજ દેશમાંથી નિષ્કાસિત થઈને લંડન ખાતે કાયમી નિવાસ કરેલો. એક રીતે જોતાં તેપણ  `NRI` જ ગણાયને..!! તેઓએ ત્યાં રહીને સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે વ્યુહાત્મક કાર્યપદ્ધતિ અપનાવેલી તેનું ઐતિહાસિક તથ્ય બહુમૂલ્ય છે.

ભારતમાં `NRI`ને આર્થિક વ્યવહારો અંગે લાગુ પડતા કાયદાઃ-

આપણા દેશમાં, ભારત બહાર વસવાટ કરતા `NRI` દ્વારા પોતાના સગાં,સબંધી,મિત્રો તથા અન્ય સાથે કરવામાં આવતા કાયદેસરના આર્થક વ્યવહારો અંગે,

તાઃ ૧ ઑક્ટોબર ૧૯૯૮થી અમલમાં આવેલા, `The Gift Tax Act, 1958` અનુસાર સગાસબંધીની કાયદાની વ્યાખ્યામાં સમાવિષ્ટ થતા,૧. પતિ -પત્ની,૨.ભાઈ-બહેન; ભાભી-બનેવી.૩.કાકા-કાકી ૪.સીધી લીટીના વંશજ .૬.પતિ અથવાપત્નીના સાસરીપક્ષના વંશજ, જેવા તમામને કોઈપણ પ્રકારે ભેટસોગાદ મોકલવા પર કોઈજ ટૅક્સ લાગુ નથી પડતો.

જોકે,આ કાયદાના ફાયદા ઉઠાવતા અગાઉ કેટલાક નિયમોનું જ્ઞાન હોવું અનિવાર્ય છે.


* `NRI`ના પતિ-પત્ની,સગીર સંતાન,પુત્રવધૂને પ્રાપ્ત થનાર ભેટસોગાદ `Clubbing` દ્વારા આવકવેરાને પાત્ર છે.
* `NRI`ના સગીર સંતાનને  પ્રાપ્ત થનાર ભેટસોગાદનું `Clubbing  of income`, તે સંતાન ૧૮ વર્ષ પસાર કરે ત્યાસુધી લાગુ પડતું નથી.
* `NRI`ના પતિ-પત્ની અથવા પુત્રવધૂને પ્રાપ્ત થનાર ભેટસોગાદ પર ` Clubbing provisions` ફક્ત પ્રથમવાર લાગુ પડે છે, ત્યારબાદ તેના રોકાણ દ્વારા મળનાર વળતરને `Clubbing` લાગુ પડતું નથી.
* `NRI` દ્વારા ભારતમાં કોઈપણ નાગરિક, રહેવાસીને અપાતી  ભેટસોગાદ પર, કોઈપણ પ્રકારનો ટેક્સ બેનિફીટ મેળવવા માટે, `NRI` ની આર્થિક ક્ષમતા( Financial capacity) અને ભેટની યથાર્થતા (Genuineness)ના પુરાવા પુરા પાડવા ફરજીયાત છે.
* Foreign Exchange Management Act, 1999 (FEMA) મુજબ, ભારતમાં નિવાસ કરતા કોઈપણ નાગરિકને, `NRI` દ્વારા પરદેશમાં ભેટ મળતી સથાવર મિલકત ધરાવવા માટે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની મંજૂરીની મેળવવાની જરૂર હોતી નથી.
* `NRI` દ્વારા ભારતમાં રહેતા નાગરિકને અપાતી જંગમ મિલકત (Moveable properties)ની ભેટ, જેમકે શૅર, સિક્યુરિટિઝ વિગેરે માટે, કેટલીક શરતોને આધિન, રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની મંજૂરી મળી શકે છે. 
* `NRI` દ્વારા, કોઈપણ ભારતીય વ્યક્તિના લગ્નપ્રસેંગે, તેને અપાતી ભેટ પર ગિફ્ટ ટેક્સ લાગુ પડતો નથી.
* વારસાગત રીતે આપોઆપ મળતી અથવા કાયદેસર નોંધાવેલા વીલ દ્વારા પ્રાપ્ત થતી ભેટ પર  ગિફ્ટ ટેક્સ લાગુ પડતો નથી
* `NRI` નું મૃત્યુ થયું હોવાના સંજોગોમાં વારસદારને પ્રાપ્ત થતી ભેટ પર  ગિફ્ટ ટેક્સ લાગુ પડતો નથી
* ઉપર દર્શાવેલ સગાસબંધીની વ્યાખ્યામાં ન આવતા, અન્ય  વ્યક્તિઓને પણ, રોકડ,ચેક, ડ્રાફ્ટ અથવા અન્ય કોઈપણ સ્વરૂપે, રૂ.૫૦,૦૦૦/- ની મર્યાદામાં `NRI` ભેટ આપી શકે છે.

ઈંગ્લેંડમાં વસતા શ્રીઅરવિંદભાઈ માને છેકે,"આમ તો દેશાવર ખેડનારા કેટલા સાહસિક લોકો પરદેશમાં ફાવે છે? કેટલા અસફળ રહીને ત્યાં દુઃખમય જીવન વીતાવે છે ? કેપછી કેટલા લોકો, ` ખાયા પીયા કુછ નહીં,ગિલાસ તોડ઼ા બારહ આના.` જેવો ઘાટ રચાતાં, અંતે  દુઃખ અને દેવાંના ડુંગર સાથે વતનમાં  પરત ફરે છે? ખરેખર તે બાબત એક ગહન  સંશોધનનો વિષય છે. કોણ જાણે કેમ..!! પણ, માનવી જીવનમાં સતત આજીવન સુખ સમૃદ્ધિ વૈભવ, કીર્તિ, સ્નેહ, યૌવન અને અંતે શાંતિ પ્રાપ્ત કરવાનો સતત મરણિયો પ્રયાસ કરતો રહે છે. માનવીને જે કાંઈ ક્ષણિક અને અલ્પકાલીન મળે તેને  શાશ્વત અને ચિરંજીવ બનાવવા ચાહે છે. એટલુંજ નહીં માનવી પહેલાં કશુંક મેળવે છે, પછી એ મેળવેલું અનંતકાળ ટકે એવી ઈશ્વરને પ્રાર્થના કરે રાખે છે,ખરેખર તો માનવ વિસરી જાય છેકે, જગતમાં સર્વ કાંઈ, અત્યંત ચંચળ અને પરિવર્તનશીલ છે, સુખ, સમૃદ્ધિ, વૈભવ, કીર્તિ, સ્નેહ, યૌવન અને  શાંતિ ને સ્થાયી માનવાનો વ્યર્થ ખ્યાલ ધરાવતા માનવીને, એના જીવનમાં આજ કારણસર કેટલીય હતાશા, ભાગદોડ, અધિરાઈ અને છેવટે નિરાશા સહન કરવાં પડે છે.

જોકે, પ્રવાસી ભારતીય ઉપરોક્ત દર્શાવેલી તમામ લાગણીઓથી, પોતાની જાતને અળગી રાખીને કોઈપણ પડકારને પહોંચી વળવાની આત્મશ્રદ્ધા સાથે ફળની આશા રાખ્યા વગર કર્મ કરવામાં વિશ્વાસ રાખતા હોય તેમ,  પરદેશમાં ટકી જનારા `NRIs` પોતાની આછી પાતળી આવકમાંથી પેટે પાટા બાંધીને પણ, એક કોળીયામાંથી અડધો કોળીયો બચાવીને, ભારતમાં વસતા કુટુંબીજનોને મોકલતા હોય છે. આજ આપણા દેશની સંસ્કૃતિ અને સંસ્કાર છે.

હોંશીલા ગરવા ગુજરાતી NRIs અને POIની આવતીકાલ.

વતનથી દૂર વસતા, `NRI` ભાઈ-બહેનોની માનસિક સ્થિતિને સાંગોપાંગ સમજતા, ગુજરાતના સુપ્રસિદ્ધ મહાકવિશ્રીદામોદરદાસ ખુશાલદાસ બોટાદકરે પોતાના ‘જનની’ કાવ્યમાં `માઁભોમ` અને `જન્મદાતામાઁ`,  બંનેની સ્તુતિ કરતાં કહ્યું છે કે, ‘મીઠા મધુ ને મીઠા મોરલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’

કદાચ એ કારણેજ, ગુજરાતના કારમા ભૂકંપ સહાયની બાબત હોય,  જનકલ્યાણના કોઈ કાર્યક્રમ દત્તક લેવાના હોય, અતિવૃષ્ટિ રેલસંકટ કે દુષ્કાળની પરિસ્થિતિ હોય, જ્યારે જ્યારે વતનનો સાદ પડ્યો છે ત્યારે ત્યારે, `NRI` ભાઈ-બહેનો `ભુવો ધુણે તોપણ નારિયેળ ઘર ભણી જં ફેંકે` તે ન્યાયે તન-મન ધનથી ભામાશાહની ભૂમિકા ભજવી, માઁભોમ પરત્વે પોતાનું કર્તવ્ય અદા કરવામાં જરાય પાછી પાની કરતા નથી, તે પરમ ગૌરવની બાબત છે.

* હાલ એકવીસમી સદી સંકલ્પ સ્વરૂપે,` ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ` સૂત્રને અપનાવીને, આપણું સમગ્ર ગુજરાત તેની પચાસમી સ્વર્ણિમ જયંતિ મહોત્સવની ઊજવણીની તૈયારીઓમાં લાગી ગયું છે.આવનારા ૨૦૧૧ના વર્ષમાં ગ્લૉબલ ઈન્વેસ્ટર્સ સમીટ દ્વારા, ભાર્તના કોઈપણ રાજ્ય કરતાં, ગુજરાતમાં વૈશ્વિક ક્ષેત્રથી મૂડીરોકાણોના તમામ વિક્રમો તૂટવાની અણી પર છે, ત્યારે ગર્વ સાથે કહેવાનું મન થાય છેકે, ગુજરાતની વિકાસગાથાને કંડારવામાં, વિદેશમાં વસતા NRIs અને POIની ભૂમિકાને અવગણી શકાય તેમ નથી.

* ચાહે ગણેશચતૂર્થી, નવરાત્રી, દિપાવલી જેવા, તહેવારોની ઉજવણી હોય કે પોતાની આસ્થાના ધર્મસ્થાન નિર્માણની બાબત હોય, ગુજરાતની ધાર્મિક, સામાજીક અને પરંપરાગત સંસ્કૃતિને વિદેશોમાં પણ ધબકતી રાખવામાં, આપણા ગુજરાતી બંધુઓનો જવાબ નથી.

* વિદેશમાં વસતા શાંત-અહિંસક સ્વભાવના ગુજરાતીઓની લોકપ્રિયતા ચરમસીમા પર છે. પંજાબી, સિંધી, બંગાળી, રાજસ્થાની, મરાઠી, તામિલ, તેલુગુ, કોંકણી તથા અન્ય તમામ વિદેશી ભાષા બોલતા લોકો સાથે, દુધમાં સાકરની માફક ભળી જવાના ગુજરાતી સંસ્કારને કારણે, ગુજરાતીઓ અપ્રતિમ  સફળતાને વર્યા છે.
 
* વિદેશમાં રહીનેપણ પોતાની માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે  NRI ના પ્રયાસો સરાહનીય છે. કેટલાય સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકારો, સંગીતકારો, ગાયકો અને અન્ય કલાના જાણકાર કલાકારોને પ્રેમથી આમંત્રણ આપીને, તેમની કલાનાં હ્યદયપૂર્વક ઓવારણાં લેવામાં અને તેમ કરીને પરદેશમાં પોતાની નવી પેઢીને, ગુજરાતના સાહિત્ય તથા કલાવારસાથી અવગત રાખવાના પ્રયત્ન નોંધપાત્ર છે.

NRIs અને POIની આવતીકાલને ઉજાળવા પ્રયત્નશીલ ગુજરાતી મહાનુભવ.


નેટજગતમાં, બ્લોગ પ્રવાસ દરમિયાન ઘણા NRIs અને POIની આવતીકાલને ઉજાળવા પ્રયત્નશીલ ગુજરાતી સાહિત્યકાર તથા સમાજસેવી NRI મિત્રોનો સંપર્ક થયો તેઓના વિચારોને આવતીકાલના  NRIs અને POI મિત્રોએ મમળાવવા જેવા છે.

* શ્રીવિજયભાઈ શાહ - મૂળ વડોદરા નિવાસી પરંતુ, હાલ અમેરિકાના હ્યુસ્ટન પરગણામાં વસતા શ્રીવિજયભાઈના ગુજરાતી સાહિત્યને ધબકતું રાખવાનો પ્રયાસ ઉડીને આંખે વળગે તેવો વખાણવા લાયક છે.( પુસ્તકઃ- ટહુકા એકાંતના ઓરડેથી - આદર્શ પ્રકાશન)

શ્રીવિજયભાઈ, આવતીકાલના NRIs અને POI મિત્રોને સલાહ આપતાં કહે છેકે, "તનતોડ જાત મહેનત, નિરંતર નવું જાણવાની જીજ્ઞાસા, સારી તંદુરસ્તી, કાનૂન પાલનનો આગ્રહ, ચાલશે,ભાવશે, ફાવશેની નીતિ,  વતન અને  કુટુંબીઓથી દૂર એકલતા સહન કરવાની તૈયારી, સમુદ્ધિને પચાવી જાણવાના સદગુણ, જેવું જીવન જીવવાની તૈયારી હોય તોજ, પરદેશની વાટ પકડવી."  તેઓ ભારતના ઉજ્જવળ ભવિષ્ય ભાખતાં ઉમેરે છેકે," ગઈકાલે અમેરિકામાં વિકાસ હતો જે ભારતમાં આજે છે. આજે અમેરિકામાં ફુગાવો બેરોજગારી અને ઉચલા સ્તરે બેઇમાનીને કારણે, અહી ની આવતીકાલ...એ કળાકળાએ ઘટતો ચંદ્રમા છે, જ્યારે ભારત અને તેમાંય ગુજરાત એટલે પૂર્ણ કળાએ ખીલેલી પૂનમ છે."

* શ્રીવિનેશ માકડિઆ -( M.D. - Tristar Landmark Pvt. Ltd. & Founder of ; www.NriGujarati.Co.In) સન-૨૦૦૫માં USA માં ગ્રીન કાર્ડ મેળવી કાયમી વસવાટ કર્યા બાદ, કુશળ ટીમ દ્વારા, `NRIs` ને સાંકળતી, આંતરરાષ્ટ્રિય કક્ષાની પૂર્ણ ધંધાદારી વૅબસાઈટ શરૂ કરી, જેમાં વિશ્વભરના `NRIs` ના ન્યૂઝથી માંડીને અનેક મહત્વની વિગત ઉપલબ્ધ છે. શ્રીવિનેશભાઈ જણાવે છેકે,  " Our Mission is , To connect & satisfy universal needs of a Gujarati offering a common platform world wide. ”

* શ્રીરોહિતભાઈ પંડ્યા - સુપ્રસિદ્ધ શાયર શ્રીઆદિલ મન્સુરીજી સાથે અમેરિકામાં પંદર વર્ષ સુધી `૬૦ દિનની સભા`ના નામથી, સાહિત્યપ્રેમી NRI  મિત્રોના સાહિત્ય મેળાવડાનું આયોજન કરનાર, સન ૧૯૪૧માં જન્મેલા શ્રીપડ્યાસાહેબ આજેપણ એટલાજ સક્રિય છે. તેઓની `સંદેશ`માં મેઘાના પત્રો નામની કૉલમ તથા તેઓના બે વાર્તાસંગ્રહ એક લઘુનવલ તથા એકાંકી અત્યંત નોંધપાત્ર છે.

* શ્રીમહેન્દ્રભાઈ શાહ - સન-૧૯૪૫માં જન્મેલા, મૂળ વડોદરા નિવાસી શ્રીમહેન્દ્રભાઈ છેલ્લા ૩૭ વર્ષથી અમેરિકાના પિટસબર્ગમાં સ્થાયી થયા છે. વ્યવસાયે આર્કિટેક્ટ પરતું, શોખે તેમને કાર્ટુનીંગ, પેઈન્ટીંગ, કવિતાર્ટુન ત્થા સાહિત્યના પથ પર અગ્રેસર કર્યા છે. જેના આજદિન સુધી અનેક પ્રદર્શન યોજાઈ ચૂક્યાં છે અને ભરપૂર પ્રશંસાને પામ્યાં છે. તેમના બ્લોગઃ  www.isaidittoo.com પ્ર તેમની તમામ કૃતિઓ માણી શકાય છે.

* શ્રી ડો.પંચમ શુકલ - ઈલેક્ટ્રોનિક્સ ઍન્જીનીયર,લંડન; ધોરણ- ૪ થી કવિતા લેખનની યાત્રાએ એવો તો વેગ પકડ્યોકે, અનેક સામાયિકોમાં તેઓની રચનાઓ પ્રગટ થઈ અને પ્રશંસાને વરી છે. તેઓનો બ્લોગઃ http://spancham.wordpress.com/ શ્રીપંચમભાઈની એક ગઝલનો શેર માણીએ.

" શું દેશ છોડ્યો એની અગન કે કવનની મ્હેર હશે? આટઆટલાં પ્રલોભનો વચ્ચેય મનની મ્હેર હશે!
  ઢંઢોળે કાળ પોતે છતાં ના કશી ખલેલ પડે,  શ્રદ્ધા છે એટલી કે એ છેલ્લા શયનની મ્હેર હશે."

પ્રિય સાહિત્યરસિક મિત્રો, સમગ્ર ભારતના કુલ ઉત્પાદનમાં, ગુજરાત ખાતે, * સમગ્ર ભારતના ૦૮% GDP ગ્રોથ સામે ગુજરાતનો GDP ગ્રોથ ૧૨% લગોલગ પહોંચ્યો હોય, * સમગ્ર ભારતમાં ગુજરાતનો ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ હિસ્સો ૨૦% હોય, * હિરાનું ઉત્પાદન૮૦% હોય, * મિનરલ ઉત્પાદન ૯% હોય, * નેચરલ ગૅસ ઉત્પાદન ૫૦% હોય, * ક્રુડ ઑઈલ ઉત્પાદન ૫૪% હોય, * ટેક્સટાઈલ ઉત્પાદન ૨૪% હોય, * ઍક્સ્પોર્ટ ૨૨ હોય, * ફાર્માસ્યુટીકલ ઉત્પાદન ૪૫% હોય,* પૅટ્રોકેમિકલ ઉત્પાદન ૪૭% હોય તથા વિશ્વનું સહુથી વિશાળ શીપ બ્રેકીંગ યાર્ડ ગુજરાત ખાતે હોય, ત્યારે કયા ગુજરાતી  `NRI`  કે  `POI`ને ગુજરાતના વિકાસમાં પોતે પણ, તન મન ધનથી આપેલા ફાળા બાબતે ગર્વ ન અનુભવાય?

* દરેક ૨૦ ઈન્ડિયન અમેરિકન્સમા, પાંચ ગુજરાતી અમેરિકન્સનું પ્રમાણ છે.
* ન્યૂજર્સીની ટેલિફૉન ડિરેક્ટરીનાં મોટાભાગનાં પાનાં `પટેલ` અટકથી ભરેલાં છે.
* અમેરિકાની તમામ હૉટેલ્સના પ્રમાણમાં,  દસલાખ રૂમ સાથે, લગભગ ૧૭૦૦૦ હૉટૅલ્સના માલિક ગુજરાતીઓ છે, જેનું અમેરિકન ઈકૉનોમી ટર્નઑવરમાં, વાર્ષિક યોગદાન, કુલ આવકના ૫૦% જેટલું એકલા ગુજરાતી હૉટૅલ્સના માલિકનું હોય છે. (Source courtesy - Little India)
* આફ્રિકા;યુ.કે. તથા અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં હીરા ના અબજો ડોલર્સના ઍક્સ્પૉર્ટના ધંધામાં માત્રને માત્ર ગુજરાતી વેપારીઓની બોલબાલા છે.
* સન-૨૦૦૬ના આંકડા પ્રમાણે, ગુજરાતની વ્યવસાયીક બેંકોમાં  `NRIs`ની ડીપૉઝીટ્સની રકમ રૂપિયા. ૧૭,૫૦૦/- કરોડને આંબી ગઈ છે. ( Foreign Currency non-resident ) FCNR ની ડીપૉઝીટ્સની રકમ રૂપિયા. ૯,૩૭૦/- કરોડને આંબવા આવી છે..(Source courtesy - Times of India, )

ગુજરાતના વિકાસમાંમ સાચા હ્યદયપૂર્વક રાતદિવસ મદદ કરતા  NRIs અને POI મિત્રોના યોગદાનને ભૂલી નથી તેથીજ તેની કદર રૂપે,  ગુજરાત સરકારના જનરલ ઍડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ દ્વારા,  NRIs અને POI મિત્રોના હિતાર્થે, http://www.nri.gujarat.gov.in/his-navsari.htm વેબસાઈટ પર, તે અંગેના સમાચારો અને કાનૂનથી અવગત કરે છે. આ માટે `આપણું ગુજરાત` તથા `એન.આર.જી ટાઈમ્સ` નામની પત્રિકા પણ બહાર પાડે છે.

અંતે, એટલુંજ કહીશકે, આખી દુનિયામાં પથરાયેલા ભારતીય પ્રવાસીઓમાં બીજા રાજ્યોના નાગરિકો પરદેશમાં પેટિયું રળવા મજુરી કરતા રહે, તેટલાજ સમયમાં ગુજરાતી  `NRI`  કે  `POI` એટલેકે, સહુથી ચાલાક વેપારી`તરીકેનું બહુમાન મેળવનાર ગુજરાતી પ્રજા, સમય આવે, સહરામાં રણની રેતી અને ધૂવ પ્રદેશના ઍસ્કિમોને, એન્ટાર્ટિકાનો બરફ પણ વેચવાની કુશળતા પણ ધરાવે છે.

માર્કંડ દવે.તા.૨૦ ડીસેમ્બર ૨૦૧૦.

1 comment:

  1. Shree Dave Bhai:



    This was THE BEST article, - something the best, that came to read in last 6 months.

    Such articles should go to all the leading Gujarati Papers , ( as it deserves the most ) and it would be a misfortune of Gujjus who failed to see or read such articles.

    Each and every word of it makes cent percent sense and article in written in a very neutral way ( not in any anger, harsh, bash, praise-singing, flattering ) neither bashing or flattering theh NRIs but trying to understand the real situations.

    Sometiems I wonder,. how do you get such a collection of FULL knowledge with all of its hidden corners and so much data covered ?

    Yr knowledge, writing power, grip over langauge, Sanskrit knowledge, shlok, slogans, Shers, Poet's old sayings, and proper use of gujarati words ,.. are just phenomenal

    If your article sdoe snot go to all leading papers,.. that IMO is a grerat loss to the Gujju community.

    Good Luck for your extreme success

    and we feel obliged for such valuable articles.



    Regards.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.