Tuesday, January 19, 2010

"એક વિધુરનું વ્યથા-વલોણું."

"એક વિધુરનું વ્યથા-વલોણું."

ભાઇબીજનું મહત્વ-યમરાજાના પોતાની બહેન યમીને આપેલા વરદાન અનુસાર, જે ભાઇ,બહેનને ત્યાં ભાઇબીજના દિવેસે જાય અને જમે,ત્યારે બહેનના આશિષથી ભાઇનું એ દિવસે મૃત્યુ ટળી જાય.

પોતાની પત્ની પાછી થયા પછી(ગુજરી ગયા પછી),આશરે પચાસની ઉંમરના,એક વિધુર ભાઇનું કેવી સ્થિતિમાં જીવતર વીતે છે..!!
એક બહેનને ત્યાં ભાઇબીજ મનાવવા ન જઇ શકેલા,એ વિધુર ભાઇ પોતાની વેદના એક પત્ર દ્વારા વહાલસોયી બહેન પાસે ઠાલવે છે.
આગળ......


એક પત્ર "એક વિધુરનું વ્યથા-વલોણું."

મારી વહાલી બહેન,

આજે ભાઇબીજ છે,તારા આશીર્વાદથી મારે,મારા મૃત્યુને ટાળવાનો શુભ દિવસ.

ઘણા સમયથી તને ફોન કરવાની ઇચ્છા થાય છે પણ,છેલ્લી મિનિટે મારી હિંમત જવાબ દઇ દે છે.
બહેન,તું તો જાણે છે,જ્યારથી તારી ભાભી પાછી થઇ છે.ત્યારથી,ઘરમાં જોને મારી,વલે કેવી થઇ છે?

આ શરદપૂનમે મને મળવા તું,અચાનક આવી ચઢી
મારું ઉપરાણું લઇ,તેં વહુને લગાર ટકોર કરતાં એણે આખું ઘર માથે લીધું,
કકળાટ ટાળવા,તને તારે ઘેર જવાની વિનંતી કરવા મારા રુમમાંથી હજી હું બહાર આવું..!!
ત્યાં તો તું ચાલી ગયેલી.,મારે ખાતર તેંય અપમાન ઓછાં વેઠ્યાં?
પગ ઉપડતો નથી હવે તારે આંગણે આવતાં,.
હવે તો દીકરાની વહુ ચારે પગે ભૂરાંટી થઇ છે,
શરદપૂનમે જ્યારથી એણે તને થપ્પડ જડી છે.
બહેન, તારી ભાભી પાછી થઇ છે.ત્યારથી,જોને મારી વલે કેવી થઇ છે?

બહેન,તારી ભાભી તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર હતી,
હજી મને ભૂખ-તરસ લાગે ત્યાં..તો..!!મધુર સ્મિત થઇ એ ઉભી જ હોય...!!
પહેલાં તારી ભાભીના હેતથી સદૈવ મઘમઘતી,મારી થાળી સોળે કળાએ ખીલી ઉઠતી,
હવે તો એ થાળીય ઊંડા નિ..સા..સા નાંખે છે
હવે વહુ આપે?....,તો?....,ત્યારે?....,તેટલું? ખાઉં છું,
ઘરકીયું પિરસે છે,જો હું દીકરાને બધું કહી દઉં છું
બહેન, તારી ભાભી પાછી થઇ છે.ત્યારથી,જોને મારી, વલે કેવી થઇ છે?

ઘરનાં કામ કરવામાં મને નાનમ નથી,વહુ કહે તો હું બજાર પણ જાઉં છું.
કસીને દીધેલા રુપિયામાંથી,એણે કહેલું બધુંય લાવી દઉં છું
પણ વધારે એક ફદિયુંય મને દે તો દવા લાવું,
સાકર આમેય તનમાં સાવ કમ થઇ છે,
મધુપ્રમેહની ગોળી,સાવ ખાલી પત્તું થઇ છે,
બહેન, તારી ભાભી પાછી થઇ છે.ત્યારથી,જોને મારી વલે કેવી થઇ છે?


બહેન મને દીકરાના નાંનકાની ચિંતા કોરી ખાય છે,
હવેતો એય દેખાદેખી ઉધ્ધત,જીદ્દી થઇ ગયો છે,
રોજની વાત કરું,અડધી ચ્હા એ દાદાને હિંચકેથી ઉઠાડે છે.
જો ન ઉંઠું તો એની મમ્મીની બીક મને બતાડે છે.
દિ`એ-દિ`એ ચ્હા ય હવેતો કડવું પાણી થઇ છે.
હશે..!!આમેય તારી ભાભીની જગ્યા હિંચકે ખાલી થઇ છે.
બહેન, તારી ભાભી પાછી થઇ છે.ત્યારથી,જોને મારી, વલે કેવી થઇ છે?

વહુએ તને થપ્પડ મારી તે બદલ હું તારી માફી માંગું છું
ભાઇબીજે લાંબો આવરદા નહીં,પ્રયાણના આશિષ માંગું છું,
કાશ,હું ય ભેળો હાલી નીકળ્યો હોત તારી ભાભી સાથે મને-કમને,
જોને નડતર થઇ આ જીવતર કેટલું નડે છે મને?
તારી ભાભીનોજ સ્વર થઇ,યમરાજ પણ બરકે છે મને.
જાણે તારી ભાભીય મને મળવા હવે અધીરી થઇ છે.
બહેન, તારી ભાભી પાછી થઇ છે.ત્યારથી,જોને મારી, વલે કેવી થઇ છે?

બહેન,આજે ભાઇબીજ છે,તારા આશીર્વાદથી મારે મારા મૃત્યુને ટાળવાનો શુભ દિવસ.
પણ મને માફ કરજે,આવું અમરત્વ મને ખપતું નથી

તારું સદા મંગળ ઇચ્છતો તારો ભાઇ.
_________________________

પ્રિય મિત્રો,

જિંદગી ક્યારેક એટલી નિષ્ઠુર થઇ જાય છે કે,તહેવારના રંગ ફિક્કા પડી જાય.
વિધાતા આપણા સહુના લેખ નવેસરથી લખવા,આપણી મરજી પૂછે?
તો આપણે શું માગીશું? પહેલાં જીગર કે પહેલાં અમી?
કોણે પહેલાં પ્રયાણ કરવું જોઇએ?

માર્કંડ દવે.તા.૧૮-૧૦-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.