Friday, January 15, 2010

ફિલ્મ - `દિલ હી તો હૈ`-तुम्हारी मस्त नज़र

ફિલ્મી ગઝલ રસાસ્વાદ શ્રેણી-૮

પ્રિય મિત્રો,

ગઝલ રસાસ્વાદની ક્ષેણીમાં,મૂળ હેતુ ગઝલ-તત્વના રસાસ્વાદને પ્રસ્તુત કરવાનો હોવાથી, રાગ વિશે માહિતી આપતો નથી.આમેય, ગઝલ મોટાભાગે,એક,બે,ત્રણ સુધી મિશ્રરાગમાં સ્વરબદ્ધ થતી હોવાથી,મોટાભાગના વાચકને, રાગનું બંધારણ સમજાવવું જરા વિસ્તૃતિકરણ માંગી લે તેવું હોય છે.

આજે આપણે ૧૯૬૩માં રિલીઝ થયેલી સફળ ફિલ્મ - `દિલ હી તો હૈ`,ની સુમધૂર ગઝલ, " तुम्हारी मस्त नज़र " નો રસાસ્વાદ માણીશું.

આ ફિલ્મના નિર્માતા - બી.એલ.રાવલ ; ડાયરેક્ટર-સી.એલ.રાવલ અને પી.એલ.રાવલ ; કથા,સંવાદ, સ્ક્રીન પ્લે - જી.એલ.રાવલ ; ગીતકાર સાહિલ લુધિયાનવી ; સંગીતકાર -રોશન ; ગાયક ,ગાયિકા - મુકેશ, લતામંગેશકર,મન્નાડૅ ,આશાભોસલે, સુમન કલ્યાણપુર,

સિનેમેટોગ્રાફી- ધરમ ચોપરા; ઍડિટર -પ્રાણ મહેરા; આર્ટ- એમ.આર.અચલેકર; સાઉન્ડ ઑડિયોગ્રાફર- આર.એસ.પલુસ્કર; સ્ટંટ- એસ.અઝીમ.

કલાકાર - રાજકપૂર (યુસુફ-ચાંદ-ખાનસાહેબ) ; નૂતન બહેલ (જમિલા બાનુ) ; આગા (બશીર) ;નાસિરહુસેન (ખાન બહાદુર) ;લીલા ચિટનીસ (નાની) ; પદ્મીની (પ્રિયદર્શીની) ; બબલુ ;સબીતા ચેટરજી ;શીવરાજ ;મનોરમા ; મૂમતાઝ બેગમ ;હરી શિવદાસાની ; અને પ્રાણ (શેકુ).

વાર્તા -
લગ્ન સમારંભ માટે સજાવેલા,એક ભવ્ય ભવનમાં, અનેક મહેમાનોની ભીડની વચ્ચે બે વ્યક્તિઓ એક રિવૉલ્વરને હાથ કરવા ઝપાઝપી કરે છે. અચાનક એક ગોળી,રિવૉલ્વરમાંથી છૂટે છે અને એક ભયંકર ઘટના ઘટે છે. એક સ્ત્રી ઢળી પડે છે જે, આ પ્રસંગના મૂખ્ય યજમાનની માતા હોય છે. મરતાં-મરતાં કરેલા ડાઈંગ ડેક્લેરેશનથી આ આખીએ ઘટનાની ગૂંચ ઉકેલાય છે બહુનામધારી,છદ્મવેષધારીનાં, ગોઠવાયેલાં લગ્ન અને તેની હ્યદયહીન ક્રૂરતા,લોભી લૂટનો ઈરાદો સાથેજ એક ડાન્સર અને એક બહુરુપી...રહસ્ય-રોમાંચથી ભરપૂર, આ ફિલ્મ પ્રેક્ષકને ફિલ્મના કરુણ ક્લાઈમૅક્સ સુધી લઈ જાય છે.

આ ગઝલના ગાયક મુકેશજી વિષે થોડીક વાતો.

ગાયકશ્રી મુકેશચંદ માથુર નો જન્મ -૨૨ જુલાઈ ૧૯૨૩ ના રોજ એક સાધારણ મધ્યમવર્ગી પંજાબી પરિવારમાં થયો હતો.પિતા નામે જોરાવરચંદ માથુર, એન્જિનીયર હતા. મુકેશજીની બહેનના લગ્નપ્રસંગે,તેમના દૂરના સગા અને જાણીતા અભિનેતા મોતિલાલે, ગાતાં સાંભળ્યા અને મુંબઈ આવવા આગ્રહ કર્યો.જોકે, મુકેશજીને તો એક્ટર બનવું હતું,ગાયક નહી..!! ભગવાને પર્સનાલિટી પણ એક્ટર જેવી જ પ્રદાન કરી હતી.છેવટે જેમતેમ કરીને,આજીજીથી સર્વપ્રથમ,તેઓએ ૧૯૪૧ માં,`નિર્દોષ` ફિલ્મમાં રૉલ મેળવ્યો.

હિન્દી ફિલ્મમાં તેઓનું પ્રથમ ગીત'દિલ જલતા હૈ તો જલને દે" હતું,જે મોતિલાલ પર ફિલ્માવાયું હતું,ગીત ખૂબ ચાલી ગયું અને સાથે મુકેશજી પણ..!! જોકે તેઓ કે.એલ.સાયગલના ભક્ત હોવાથી તથા તેઓને આદર્શ માનતા હોવાથી,મુકેશજીએ આ ગીત હૂબહૂ સાયગલસાહેબના જેવાજ અંદાજમાં ગાયું હતું. સાયગલસાહેબે આ ગીત જ્યારે સાંભળ્યું, ત્યારે તેમના શબ્દો હતા," આ ગીત મેં ક્યારે ગાયું ? યાદ આવતું નથી."મુકેશજીનું છેલ્લું ગીત," ચંચલ શીતલ નિર્મલ કોમલ." હતું

જોકે, મુકેશજીએ પોતાના અસલ અવાજમાં,ખાસ કરીને રાજકપૂરજી માટે અઢળક ગીતો ગાયાં. તેથીજ,જ્યારે ૨૭ ઑગસ્ટ ૧૯૭૬ ના રોજ અમેરિકાના મિસીગન-ડેટ્રોઈટમાં એક કૉન્સર્ટમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે હ્યદયરોગના કાતિલ હુમલાએ,તેઓનો ભોગ લીધો ત્યારે, રાજકપૂરજીની શબ્દ શ્રદ્ધાંજલિ હતી, " આજે મેં મારો કંઠ ગુમાવી દીધો..!!"

મુકેશજીને, `રજનીગંધા` ફિલ્મના ગીત,"કઈ બાર યું ભી દેખા હૈ." માટે, સર્વશ્રેષ્ઠ ગાયક તરીકેનો, નેશનલ ફિલ્મફેઅર ઍવોર્ડ ૧૯૭૪માં મળ્યો હતો.આ ઉપરાંત,
૧૯૫૯-ફિલ્મ અનાડી,"સબકૂછ શીખા હમને,"
૧૯૭૦ - ફિલ્મ પહેચાન,"સબ સે બડા નાદાઁન"
૧૯૭૨ - ફિલ્મ બેઈમાન," જય બોલો બેઈમાન કી"
૧૯૭૬ - ફિલ્મ કભી કભી,'કભી કભીમેરે દિલમેં " અને કેટલાક બંગાળી ગીતો માટે પણ ઍવોર્ડ મળેલા છે.

ફિલ્મ-દિલ હી તો હૈ ની આ ગઝલ," तुम्हारी मस्त नज़र ",પણ માણવા લાયક છે.
=============
ફિલ્મ -" દિલ હી તો હૈ."

" तुम्हारी मस्त नज़र "

ગીત - સાહિર લુધિયાનવી

સંગીત - રોશન.

ગાયક,ગાયિકા - મુકેશ,લતા.

જાતિ - સંપૂર્ણ.

આરોહ - અવરોહ - શુદ્ધ સ્વર,ષડજ-પંચમ-રિષભ-ગાંધાર-ધૈવત.

આ ઉપરાંત તીવ્ર મધ્યમ અને શુદ્ધ-કોમળ બંને નિષાદનો પ્રયોગ થયો છે.


तुम्हारी मस्त नज़र गर इधर नहीं होती।
नशे में चूर फ़िज़ा इस क़दर नहीं होती॥

तुम्हीं को देख़ने की दिलमें आरज़ूएँ हैं।
तुम्हारे आगे ही ऊँची नज़र नहीं होती॥

ख़फ़ा न होना अगर बढ़के थाम लूं दामन।
ये दिलफ़रेब ख़ता जानकर नहीं होती॥

तुम्हारे आने तलक हमको होश रहता है।
फिर इसके बाद हमें कुछ ख़बर नहीं होती॥

શબ્દાર્થ -

૧. फ़िज़ा - કુદરત.

૨.आरज़ूएँ - ઈચ્છાઓ

૩.ख़फ़ा - નારાજ.

૪.दामन -આઁચલ.

૫.दिलफ़रेब - દિલ સાથે દગોફટકો.

૬.ख़ता - ભૂલ.

૭.तलक -સુધી.


ગઝલ રસાસ્વાદ

तुम्हारी मस्त नज़र गर इधर नहीं होती।
नशे में चूर फ़िज़ा इस क़दर नहीं होती॥ (મુકેશજી)

પ્રિયે, તેં મારા પ્રેમનો સ્વીકાર કરીને એક નજર મારા તરફ કરી,ત્યારબાદ હું તારા ઈશ્કમાં એટલો તરબોળ થઈ ગયો છુંકે,મને તારી આ પ્રેમભરી નજરમાંથી ટપકતા નશાને કારણે, મારી આસપાસની આખીએ સૃષ્ટી(કુદરત), ઈશ્કના નશામાં જાણે નહાઈ રહી હોય તેમ અનુભવાય છે..!!

तुम्हीं को देख़ने की दिलमें आरज़ूएँ हैं।
तुम्हारे आगे ही ऊँची नज़र नहीं होती॥ (લતાજી)

હે મારા પ્રિયતમ, ઈશ્કની અનુભૂતિનો પ્રભાવ,મારા હ્યદયમાં એટલો ઊંડો થયો છેકે,તારી ગેરહાજરીમાં, તને મળવા માટે, દિલમાં અસીમ ઈચ્છાઓ જાગે છે, પરંતું હું જ્યારે તારી સમક્ષ થાઉં છું,ત્યારે તને નજર ઉંચી કરીને નિહાળવાને બદલે, હું નયનના ખૂણેથી નિહાળી લઉં છું,કદાચ તેથીજ મારી નજર તને નશીલી લાગતી હશે?

ख़फ़ा न होना अगर बढ़के थाम लूं दामन।
ये दिलफ़रेब ख़ता जानकर नहीं होती॥ (મુકેશજી)

મારી પ્રિયા,ઈશ્કમાં આટલી બધી શરમ ઠીક નહીં.તારી મસ્ત નજરના નશાના જામને પામવા, મારા તરફ તારું ધ્યાન દોરવા માટે જો હું,તારા પાલવનો સહારો લઉં તો પછી,તું નારાજ ન થતી, મારા હ્યદયે ના કહેવા છતાં દિલને દગો કરીને,મારા પ્રેમમાં તરબોળ મન દ્વારા,આવું વર્તન કરવાની ભૂલ અજાણતાંજ થઈ છે તેમ સમજી મને ક્ષમા અર્પજે..!!

तुम्हारे आने तलक हमको होश रहता है।
फिर इसके बाद हमें कुछ ख़बर नहीं होती॥ (લતાજી)

હે પ્રિયતમ, તારા દર્શન કાજે,દિલ તડપે છે તેથી તારા આગમન સુધી, તને નિહાળવા માટે,મારા હ્યદયની બેચેની,મને હોશમાં રાખે છે,પરંતુ તારા આગમન બાદ, તારા દિદાર કરીને રહ્યાસહ્યા હોશ પણ ગાયબ થઈ જાય છે.આપણા મિલનનો સમય ક્યારે પુરો થઈ જાય છે,તેની પણ સુધબુધ મને નથી રહેતી..!! મારું હ્યદય જાણે,ફરી-ફરીને, મારા પ્રાણથીએ પ્યારા પ્રિયતમના, મિલન કાજે તડપે છે.

દોસ્તો,મુકેશજી,લતાજી બીજા પેદા થયા નથી થવાના પણ નથી,તેમની આ ગઝલ અહીં રજૂ કરી છે,ડાઉનલૉડ કરી લેવા ભલામણ છે.

Tumhari mast nazar.mp3 http://www.zshare.net/audio/709547299c5d6c12/

માર્કંડ દવે.તા.૦૯-૦૧-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.