Friday, January 15, 2010

"હવે લપ મુકને!!"

"હવે લપ મુકને!!"

જીવનમાં આપને એવો અનુભવ ચોક્કસ થયો હશેકે,કોઇ વ્યક્તિને આપ પહેલીજવાર મળતા હોય છતાં,તેના પ્રત્યે ભારોભાર અણગમો ઉપજે અને તેને ફરી ન મળવા માટે મનમાંથી હુકમો છૂટવા લાગે,પણ જો એવી વ્યક્તિ સગો નાનો ભાઇ હોય તો શું વીતે?

ગગનના જીવનમાં આવોજ કાયમી અનુભવ વિધાતાએ લમણે લખી નાંખ્યો હતો.હજુતો ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કર્યું ન હતું,ત્યાંતો પપ્પાના અવસાનથી મમ્મી,અને એકમાત્ર નાના ભાઇ લક્ષની જવાબદારી ગગનના માથે આવી પડી.ગગનથી સાત વર્ષ નાનો,લક્ષ ભણવામાં સાવ "ઢ",વળી બુધ્ધિનો એકાદ સ્ક્રુ પણ ઢીલો,સાવ બરાડતો હોય તેવા અવાજે બોલવું,એક સાવ નાનકડા બનાવનું પણ વારંવાર વર્ણન કરવું અને સમયકાળ જોયા વગર ગમે ત્યાં,ગમેતે વાતચીતમાં વચ્ચે ટપકી પડવું.નાનો ભાઇ હોવાથી તેના પર અણગમો આવવા છતાં ગગન કાંઇ બોલી શકતો ન હતો.

સૌરાષ્ટ્રના એક નાના ગામડામાંથી જ્યારે મુંબઇ જેવા મૅગાસીટીમાં ગગનને જૉબ મળી ત્યારે એની ખુશીનો પાર ના રહ્યો.એને પોતાની સઘળી મહેચ્છાઓ એક સાથે પૂર્ણ થતી હોય તેવી લાગણી થઇ.મુંબઇમાં પાંચ વર્ષમાં જ નોકરીની સાથે થોડું વધારાનું બે નંબરનું કામ કરીને એણે પોતાનો વિશાળ ફ્લેટ પણ ખરીદી લીધો,એમાંય જ્યારે પોતાની સાથે કામ કરતી,અતિ સુંદર નાજૂક,નમણી ઍંગ્લોઇંડીયન યુવતી મારિયા સાથે લગ્ન કર્યા ત્યારે તો માત્ર દોરીલોટો લઇને મુંબઇ આવેલા ઘણા સફળ માણસોની યાદીમાં જાણે ગગનનું નામ પણ ઉમેરાઇ ગયું.

મુંબઇને કાયમી રહેઠાણ બનાવે તેને આજે દસ વર્ષ પુરા થયાં ઘેરથી આંધળી મા ના કાગળની જેમ વિધવા મમ્મીના પત્ર આવ્યા કરતા.જેમાં,મમ્મીને એના દેહનો હવે ભરોંસો ન હોવાથી,નાના ભાઇ લક્ષની જવાબદારી ઉઠાવી લેવા લાચારીભરી વિનંતીના સુર ગાજતા રહેતા.ગગનને એમના પ્રત્યે લાગણી ન હતી એવું ન હતું. એકવાર મમ્મીની તબીયત વધારે બગડતાં નાછૂટકે તેમને સારવાર માટે મુંબઇ લાવવા પડ્યાં ત્યારે,સાથે આવેલા લક્ષની અસહ્યનીય હરકતોને કારણે,જીવનમાં પ્રથમવાર ગગનને મારિયા સાથે મમ્મીની હાજરીમાંજ તીવ્ર મનદુઃખ અને બોલાચાલી થઇ હતી,તેથી હવે તો મારિયાની અનિચ્છાને કારણે,ગામડેથી મમ્મી અને લક્ષને મુંબઇ લાવી શકાય તેમ ન હતું.આથીજ ગગન પણ ગામડે જવાનું ટાળી પત્રના જવાબમાં અધધ કહી શકાય એવી રકમ મોકલી નઘરોળ બની જતો,અને ત્યારથી મમ્મીએ પણ દીકરા ગગનના ઘરમાં ક્લેશના થાય તેથી ફરી ક્યારેય મુંબઇ આવવાનું નામ લીધું નહીં અને ગગને કદી આગ્રહ પણ કર્યો નહીં.

જોકે,સગ્ગા નાનાકાકાની એકમાત્ર દીકરી અને પોતાનીએકમાત્ર બહેનના લગ્નપ્રસંગે આવવાનું આગ્રહપૂર્વક આમંત્રણ મળ્યું હોવાથી હવે તો નાછૂટકે મારિયા તથા રુપકડા નાના દીકરા ક્રિશ સાથે ગામડે જવાનું નક્કી કરવું પડ્યું. મારિયાને જેમતેમ કરી સમજાવી તેને સાથે લઇ ગગન લગ્નમાં જવા નીકળ્યો ત્યારેપણ ગામડેથી મુંબઇ જલ્દી પરત કેવીરીતે ફરવું?તેનાં વિવિધ બહાનાં મનમાં ગોઠવતો હતો.

લગ્નની તૈયારીમાં બે દિવસ ક્યાં નીકળી ગયા તેની પણ ભાળ ગગનને ના રહી,લગ્નની ધમાલમાં,રમવાના બહાને,છટકેલા મગજવાળો લપીયો,નાનો ભાઇ લક્ષ નાનકડા ક્રિશને કશું નુકશાન ના કરી બેસે એ ડરથી,મારિયાએ તો મુંબઇથીજ નક્કી કર્યા મુજબ નાનકડા ક્રિશને જીવની જેમ સાચવવા સીવાય લગ્નમાં કશું કામ કરવાનું નહોતું અને આમ પણ પરધર્મી હોવાથી મારિયા માટે આ લગ્નની વિધી એક કૌતુક સીવાય બીજુ કાંઇ ન હતી.છતાં લગ્નના પહેલાજ દિવસે ઘણા જ ઉત્સાહથી ગગન પાસે રમતા ક્રિશને રમાડવા જેવો લક્ષે પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો,ત્યારે ગગને "હવે લપ મૂકને લપીયા!" કહી એટલા જોરથી ત્રાડ નાંખીકે,લક્ષ ઉપરાંત હાજર સગાંવહાલાં પણ ડઘાઇ ગયાં,પછીતો બધાંજ લોકો મારિયા અને ક્રિશથી દૂર ભાગવા લાગ્યાં,રખેને એમનેય ગગન જાહેરમાં અપમાનિત કરેતો?આખાબોલાં નાનાંકાકીએ તો ગગનને ટપાર્યોય ખરો,"કેમ ભાઇ,તારા એકલાને નવાઇનો છોકરો છે?"પ્રસંગ ન બગડે એ ભયથી ગગનની મમ્મીએ બધીવાત સલુકાઇથી સંભાળી લીધી.

આખરે રંગેચંગે લગ્ન પતી ગયાં.સગાંવહાલાંને રીતરિવાજ મુજબ આપવા-લેવાની તમામ વિધી પતી ગયા પછી છેવટે મુંબઇ જવાની ઘડી આવી પહોંચી.ધુળીયા ગામડાના અને ખાસ તો અર્ધપાગલ દિયર લક્ષના ત્રાસમાંથી છૂટવાના હાશકારા સાથે,લક્ષનીજ મદદથી,મારિયાએ ઝડપથી સામાન પૅક કરી કાર માં હજી તો ગોઠવ્યો,ત્યાંતો ઘરની પાછળ આવેલા વાડામાં રમતાં નાનાં બાળકોની કારમી ચીસો સંભળાઇ,સાથેજ કોઇ સ્ત્રીનો મરણતોલ ચીસ જેવો ઘાંટો સંભળાયો,"ગગનભાઇ દોડો,દોડો,ક્રિશ કુવામાં પડી ગયો,એને જલ્દી બહાર કાઢો."

બધાં પાછળ વાડામાં દોડ્યાં.મારિયા તો આટલું સાંભળતાંજ અર્ધબેભાન થઇ પડી ગઇ.કુવાનાં ઉંડા પાણીમાં જીવ બચાવવા તરફડીયાં મારતાં નાનકડા ક્રિશને માટે એકએક ક્ષણ કિંમતી હતી,બધાંજ દોડીને કુવા પાસે ઉભા રહી ક્રિશને કેવીરીતે બહાર કાઢવો તેની સલાહ આપતાં હતાં,એટલામાં ટોળેવળી ઉભેલાં સહુને જોરથી બાજુએ હડસેલી,જીવની પણ પરવા કર્યા વગર પાગલ ગણાતા લક્ષે કુવામાં છલાંગ લગાવી.ઉંડા પાણીમાં છેલ્લીવાર ગરકાવ થયેલા ક્રિશને કાંખમાં તેડી દોરડાના સહારે જ્યારે લક્ષ ઉપર આવ્યો,ત્યારે પડોશમાંજ રહેતા ગામના એકમાત્ર ડૉક્ટરે થોડીજવારમાં ક્રિશને તાત્કાલીક ટ્રીટમેન્ટ આપી,સબ સલામતની ખાત્રી ઉચ્ચારી,પહેલાંની જેમ રમતો કરી દીધો.હવે સહુનો શ્વાસ હેઠે બેઠો.

સહુએ ટોળે વળી લક્ષને શાબાશી આપી,શાબાશીના બદલામાં લક્ષ,જુની આદત મુજબ જ્યારે આખીએ ઘટનાનું વર્ણન,બરાડતો હોય તેવા મોટા અવાજે કરી રહ્યો હતો ત્યારે બધાંને,ખાસ કરીને મારિયા અને ગગનને કોઇ દેવદૂત મધૂર ગાન કરી રહ્યો હોય તેમ લાગ્યું.જીવનમાં પહેલીવાર ગગન અને મારિયાને લક્ષ ઉપર વહાલ ઉપજ્યું.ગગન,નાનાભાઇ લક્ષને એટલા હેતથી ભેટી પડ્યો કે મમ્મી સહિત સહુ કોઇની આંખમાં આનંદનાં આંસુ આવી ગયાં.એમાંય જ્યારે લક્ષ એમ બોલ્યોકે,"અરે,મોટાભાઇ મારી હાજરીમાં ક્રિશને એમ કાંઇ થોડુંજ નુકશાન થવા દઉં,રડશો નહીં,ઉપર હજારહાથવાળો બેઠો છે ને ! એ તો તમારું સારુંજ ઇચ્છે ને !"

આજે પહેલીવાર ગગન,મારિયાને આખી દુનિયા પાગલ અને લક્ષ એકલો ડાહ્યો હોય તેમ લાગ્યું.
માર્કંડ દવે.તા.૦૮-૦૭-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.