Friday, January 15, 2010

પ્રિયે,આવ તો ખરી!!!

પ્રેમપત્ર-પ્રિયે,આવ તો ખરી!!!

પ્રિય પ્રિયતમા,

તેં આશંકી નજર થઇ કાલે પુછ્યું કે,"તારા દિલમાં હું સમાઇ શકીશ!!!"
મેં વગર વિચારે પ્રેમાંત્રણ થોડુંજ આપ્યું હશે!!!
પ્રિયે,તું પ્રણય સાથે આવ તો ખરી!!!

હ્યદયનું માપ લઇ રહેવા આવે!!!
કેટલું વ્યાજબી છે? તું જ કહે.
વળી પ્રણયને સાથે ન લાવે!!!
કેટલું વ્યાજબી છે? તું જ કહે.

તારા વિરહમાં પ્રણયની યાદને સંકોરી બેઠો છુ હું.
વિરહની ક્ષણ ક્ષીણતાને આરે છે,ત્યારે
પ્રિયે,તું પ્રણય સાથે આવ તો ખરી!!!

યાદ,ચપટીક વહેંચવાનું કહે!!!
કેટલું વ્યાજબી છે? તું જ કહે.
વળી પાછી ઉધાર માંગે!!!
કેટલું વ્યાજબી છે? તું જ કહે.

દુઃખ-તડકી,સુખ-છાંયડી સહે,તે જ જાણે.
દર્દની કરડાકી જરા ઓગળી છે,ત્યારે
પ્રિયે,તું પ્રણય સાથે આવ તો ખરી!!!

દર્દનો પાલવ પકડાવે!!!
કેટલું વ્યાજબી છે? તું જ કહે.
વળી ઉદાસીનું કારણ માંગે!!!
કેટલું વ્યાજબી છે? તું જ કહે.

કારણોએ સાવ અકારણ તને ઘેરી લીધી.
નકારનું હવે કારણ જ નથી ત્યારે,
પ્રિયે,તું પ્રણય સાથે આવ તો ખરી!!!

હર્ષ શોકની ચોપાટ માંડે!!!
કેટલું વ્યાજબી છે? તું જ કહે.
વળી મૌન ધરું તો સમ આપે!!!
કેટલું વ્યાજબી છે? તું જ કહે.

જગતની જીભને હાડકું નથી,જાણે છે ને!!!
સંબંધના મોલ ચરમ છે,ત્યારે
પ્રિયે,તું પ્રણય સાથે આવ તો ખરી!!!

અડધાય શ્વાસનો હિસાબ રાખે!!!
કેટલું વ્યાજબી છે? તું જ કહે.
વળી સાત જનમના કૉલ માંગે!!!
કેટલું વ્યાજબી છે? તું જ કહે.
___________

મિત્રો, એ તો નહીં કહે,તમે "કેટલું વ્યાજબી છે?" જરા કહેશો???

માર્કંડ દવે. -તા.૦૭-૧૦-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.