Sunday, July 18, 2010

સ્વતંત્ર સ્વચ્છંદતા..!! Free wantonness..!!

સ્વતંત્ર સ્વચ્છંદતા..!! Free  wantonness..!!


"  સ્વચ્છંદ કેરું,  તિલક  ભાલે,  શાને કાજે  ધરવું?
   અંગત પળોનું ઘર બનાવી, તાલે  માલે વસવું..!!"


==============

પ્રિય મિત્રો,

એકવાર, લાલદરવાજા, ભદ્ર જેવા, એક ભરચક વિસ્તારમાં, લોકોનું ટોળું વળેલું જોઈ, કુતૂહલવશ, હુંય  ટોળામાં ઘૂસ્યો. જોયુંતો, કેટલાક ઉત્સાહી માણસો ભેગા થઈને, કોઈનું  પાકીટ-પર્સ તફડાવનારા, ચોરની, બેરહેમીથી, ધોલાઈ કરી રહ્યા હતા..!!

જોકે, આ ચોરની ઉંમર, આશરે ૭૫ વર્ષથી ઉપરની, પણ તંદુરસ્ત હોય તેમ લાગ્યું, વળી આ માણસ ચોર હોય તેમ પણ ન લાગ્યું. પણ મને થયું, ચોરના માથે થોડું  જ, " હું  ચોર  છું", તેમ લખેલું હોય છે?

મેં જોયુંકે, માર ખાનારો ચોર, અધમૂવા જેવો થઈને, હવે  સાવ  ટૂટીયું વળીને, મૂંગા મોંએ, માર થી બચવા, આડોઅવળો થઈને, ફાંફે ચઢ્યો હતો.

જિંદગીમાં, કોઈ દિવસ,  માંખ પણ ન મારી હોય તેવા, નમાલા માણસોય, શૂરાતની બનીને, પેલાને લાતો મારતા હતા. કેટલાંક સાવ નાનાં, આઠ-દશ વર્ષના બાળકો પણ, હિંમતપૂર્વક હાથ સાફ કરતા હતા.
એટલામાં, આધેડ ઉંમરનાં  કોઈ બહેન  આવીને, લોકોનો માર ખાઈ રહેલા, ચોર પર, બે હાથ પહોળા કરી,  તેને  બચાવવા, આડાં સુઈ ગયાં.

અચાનક કોઈ સ્ત્રીના વચ્ચે આવી જવાથી, ચોરને મારી રહેલા, શૌર્યવાન સમાજસેવકોના, મારવા ઉંચા થયેલા હાથ અને લાત મારવા ઉંચા કરેલા પગ, એમજ રહી ગયા.પેલાં બહેન, પેલા ચોરને (!!)  ઉભા કરવાના કામે લાગ્યાં.

કોઈએ પેલા ચોરના હાથમાંથી પર્સ ખેંચી લઈને, જે બહેનનું પાકિટ હતું તેમને, પરત કરવા આસપાસ નજર કરી. તેટલામાં, દૂર ઉભા રહીને, ક્યારનો તમાશો જોઈ રહેલા, એક પોલીસ ઈન્સ્પેક્ટર અને કૉન્સ્ટેબલ, રિવાજ મુજબ `લેટ લતિફ` ની માફક દોડી આવ્યા.

" આ પર્સ  કોનું છે?` જમાદાર દ્વારા,  મોટેથી પૂછાયેલા, સવાલના જવાબમાં, ચોરની ઉપર,તેને બચાવવા, આડા પડી ગયેલા, આધેડ ઉંમરનાં, બહેને ઉભા થઈ કહ્યું," મારું છે..!!"

સહુને આશ્ચર્ય થયું, જેમનું પર્સ તફડાઈ ગયું, તેજ બહેન પાછાં તે ચોરને બચાવે છે?  બહુ કહેવાય..!!
પરંતુ, આ ચોરને બચાવનાર બહેને, પોલીસ ઈન્સ્પેક્ટર, કૉન્સ્ટેબલ અને એકઠા થયેલા શૂરવીરો સમક્ષ જે ખુલાસો કર્યો..!!  તે સાંભળીને,  સહુનાં મોંઢાં પડી ગયા.

બધા લોકો, જેને ચોર સમજીને, મારી રહ્યા હતા, તે  આ બહેનના વૃદ્ધ પિતા હતા,દોડીને, તેમણે જ  તો ચોરના હાથમાંથી, દીકરીનું પર્સ  પરત ખેંચી લીધું હતું. જોકે અસલી ચોર નાસી ગયો, પણ આ  બહેનને, `ચોર-ચોર`ની બૂમ  પાડતા જોઈને, ગેરસમજથી, તે બહેનના પિતાનેજ, લોકોએ ચોર સમજી ધીબી નાંખ્યા.

શુરવીર લોકો,આ નિર્દોષ વૃદ્ધ માણસની, માફી માંગવાની દરકાર કર્યા વગર જ,  ભોંઠા પડીને ચાલતા થયા. જતાં-જતાં કોઈએ કહ્યું," આટલા ઘરડાએ, ચોર પકડવાનું જોખમ લેવાની શી જરૂર? પોલીસ નથી?"

આ બહેને  જણાવ્યું,"  મારા બાપા પહેલેથીજ આવા છે, તે અંગ્રેજો સામે પણ લઢેલા છે. સ્વાતંત્ર્યસેનાની છે ને, એટલે..!!"

ત્યારે, પોલીસ ઈન્સ્પેક્ટરે, મોં બગાડીને, પેલાં બહેનને, એટલું કહ્યું,   " પહેલે બોલના ચાહિયે ના? ઈનકે માથે પે, થોડે હી `સ્વાતંત્ર્યસેનાની` લિખા હૈ?। "

મને મનમાં થયું," આમ તો, તેમના માથે `ચોર` પણ ક્યાં લખ્યું છે, તોય માર ન પડ્યો?"

જોકે,એક નિર્દોષ વૃદ્ધ માણસને, સ્વચ્છંદતાપૂર્વક, કાયદો હાથમાં લઈને, ધોઈ નાંખવાના આ બનાવના સાક્ષી બન્યાનું, મને ઘણુંજ  દુઃખ  થયું.

પછી વિચારતાં લાગ્યુંકે,  સ્વતંત્રતાના અસલી લડવૈયા, ઈતિહાસની ગર્તામાં, ક્યાં તો ખોવાઈ ગયા કે પછી બચેલા,  આપણા સ્વતંત્ર ભારતમાં જન્મેલા, કોઈને પણ મારવાની સ્વતંત્ર - સ્વચ્છંદતા ભોગવતા, અક્કલવિહોણા નાગરિકોના હાથે માર ખાઈ રહ્યા છે.

મારા મનમાં, એમ પણ થયુંકે, અસલી ચોરમાંથી, કેટલાક ચોર લોકો સત્તા પર છે, જેમની રાજનીતિ તો, અંગ્રેજોને પણ સારા કહેવડાવે તેવી છે..!!

એક મિત્રએ, આપણા દેશમાં, ગુન્હાખોરી અંગે, અગત્યની જાણકારી ( !! ), આપતાં જણાવ્યુંકે, " ૧૦૦ કરોડથી અધિક વસ્તી ધરાવતા, આપણા દેશમાં, ગુન્હાખોરીની ટકાવારી ખૂબ ઓછી છે, કારણકે ગુન્હાખોરોની બહુમતી, રાજકારણમાં પ્રવૃત્ત છે. તેઓ કાં તો કાયદાથી પર છે અથવા કાયદાની છટકબારીઓનો લાભ લઈને, સત્તા અને નાણાંના જોરે, નિર્દોષ છૂટી જાય છે."

કદાચ, આપણે ` સ્વતંત્રતા` શબ્દનો મૂળ અર્થ, વિસરી ગયા છે. સ્વતંત્રતા = સ્વતંત્ર સ્વચ્છંદતા, તેમ વિશાળ  અર્થ કરવાની, ગંભીર ભૂલ કરી રહ્યા છે.

સ્વતંત્રતાનો અધિકાર, એક દૈવી અધિકાર છે. પણ સ્વતંત્રતા ભોગવવાના, આગ્રહી એવા આપણે, તેને જાળવવા, આપણા આત્માના અવાજનેજ અનુસરીએ છે ખરા?

" You cannot believe in God until you believe in Yourself "  - Swami Vivekananda

મિત્રો,  હવેના  જમાનામાં, સ્વતંત્ર  સ્વચ્છંદતા,  કોઈ  એક  ઉંમર, જાતિ - જ્ઞાતિ કે ધર્મનો ઈજારો નથી રહ્યો. કદાચ આપણા આદરણીય મહાયોગી શ્રી સાઈની આહુજાની હવે પછીની, નવી કામવાળી બાઈ, તેઓની ફરિયાદ નોંધાવવાને બદલે, શ્રીસાઈનીભાઈને,  પોતાને ઓરકુટ પર ચૅટ કરવા, પ્રેમભર્યું આમંત્રણ આપે તો નવાઈ નહીં..!!

જોકે, સ્વચ્છંદતાના હ્યદયમાં જગેલો સ્વતંત્ર થવાનો ભાવ, સાવ નાનાં બાળકથી લઈને,  મરવાની ઉંમરે પહોંચેલા વૃદ્ધો સુધી, ચેપી રોગની માફક પ્રસર્યો હોય તેમ જણાય છે.

પપ્પા મોટા દીકરા પાસે, પીવાનું પાણી મંગાવે અને સ્વચ્છંદી દીકરો, તેમ કરવા ધરાર ના પાડે ત્યારે, નાનો પણ સમજુ ( !! ) દીકરો, પપ્પાને સલાહ પણ આપેકે, " પપ્પા, રહેવા દોને, મોટાભાઈ સ્વચ્છંદી અને ઉદ્ધત થઈ ગયા છે, જાવ જાતે જ પાણી લઈ આવો..!!"

તેજ પ્રમાણે, સ્વચ્છંદી, કામી પણ, લગ્ને-લગ્ને કુંવારા જેવા, ૬૦+ મુરતિયા,  જેના દિન-કમ  છે, પણ  ઈન-કમ (આવક) હેલ્ધી  છે, તેને સાવ વીસ  વર્ષની કન્યા, ઈચ્છે તો, મળી શકે છે..!!

સ્વતંત્ર, સ્વચ્છંદતા..!!


આપણા જીવન સાથે જન્મથીજ, આપણા વ્યક્તિત્વ સાથે, નવરસ વણાઈ ગયેલા છે જેમકે,

૧- શૃંગાર; ૨- હાસ્ય;  ૩- કરુણ;  ૪- વીર; ૫- અદભૂત; ૬- રૌદ્ર; ૭- ભયાનક; ૮- બિભસ્ત; ૯- શાંત.


આ તમામ રસ, આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ છે, પરંતુ, તેમાં વ્યક્તિગતરીતે જાળવવી પડતી, વિવેકની લક્ષ્મણરેખા જો  ઓળંગાઈ જાય તો તે આપણા, અસમાજ અને સરવાળે દેશ-દુનિયા માટે, ઘણીજ હાનીકારક સાબિત થાય છે.

તત્વજ્ઞાની, માનવતાના હિમાયતીઓ દ્વારા,સાવ સાદી સમજ મુજબ,

* સ્વતંત્રતા એટલે, અન્ય કોઈ વ્યક્તિના દોરીસંચાર કે, નિયંત્રણ વગર, પોતાના આત્માના અવાજ અને ઈચ્છાને અનુસરીને, સ્વતંત્ર  વિચાર - વાણી, વર્તન અને અભિવ્યક્તિ સાથે, જીવન જીવવાની આઝાદી નો ખ્યાલ.

* જોકે, આ સ્વતંત્રતાનો ખ્યાલ, તેને ભોગવતી વખતે, અન્યને  કોઈપણ પ્રકારે હાનિ ન થા તેની ખાત્રી કરવા, કેટલાક, સ્વૈચ્છિક, નૈતિક અને કાનૂની નિયંત્રણ લાદવાનું ઉચિત માને છે.

Avram Noam Chomsky  ( Born - December 7, 1928 ) , અમેરિકન ભાષાશાસ્ત્રી,  તત્વજ્ઞાની, ચિંતક અને  રાજકીય વિશ્લેષક  છે.તેઓ હાલમાં, `Massachusetts Institute of Technology` માં, પ્રોફેસર છે.

તેમના મત અનુસાર, વાણી સ્વાતંત્ર્યનો અર્થ,

" If you believe in freedom of speech, you believe in freedom of speech for views you don't like."

જરા સમજીએ,  અભિમાનમાં, કાયમ અક્કડ રહેતા અને જીભને, પોતાની વચ્ચે દબાવીને, ઈજા પહોંચાડવાની ધમકી આપતા દાંતને,જીભે એટલુંજ કહ્યું "  હુંય તારી જેમ સ્વચ્છંદી બની જઈશ તે દિવસે, તમે બત્રીસે જણા, મોંઢામાંથી, એકજ  ધડાકે, બહાર કોઈના, હાથમાં આવી જશો..!!"

` तिल तंडुल न्यायः।`  અર્થાતઃ- ડાંગર અને તલ ભેગાં મળીજ ન શકે. મળે તો પણ ઝડપથી જુદાં પડી જાય.

સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની વચ્ચે પણ, `કાણીયો દીઠો ગમ્યો નહીં   અને  કાણીયા વગર ચાલે નહીં..!!` જેવો ઘાટ છે. જીભ અને દાંતની માફક, સાથે સાથે છે, પણ  બંને વચ્ચે બહુજ પાતળી ભેદરેખા  છે, જેને ઓળંગવામાં આવે તો, હાહાકાર મચી જવાનો સંભવ હોય છે.

સ્વચ્છંદતા એટલે?

સ્વચ્છંદતા એટલે, પોતાની જાતને, સુયોગ્ય વાણી-વર્તન કરવાની  દોરવણી આપવા પર, પોતાનું નિયંત્રણ ખોઈ બેસવું. તે મનોસ્થિતિને, સ્વચ્છંદતા (wantonness) કહે છે.

આપણા શાસ્ત્રોમાં, ૧- કૃતયુગ (સત્યયુગ) ; ૨- દ્વાપરયુગ;  ૩- ત્રેતાયુગ;  ૪- કળિયુગ, એમ ચાર યુગનો ઉલ્લેખ છે.

જોકે, એવું નથીકે,  સત્યયુગમાં ,સ્વચ્છંદીપણાના ભાવ નો સંપૂર્ણ અભાવ હતો. આ ચારે ચાર યુગમાં, વધતાઓછા અંશે, સ્વચ્છંદતાને કારણે મહાયુદ્ધ થા હોવાનું, શાસ્ત્રો અને ઈતિહાસકારો નોંધે છે.

 સ્વચ્છંદતા અંગે કેટલાક વિચારોને મમળાવીએ તો, કેટલાક રમૂજી કિસ્સા નોંધવાજ પડે..!!

* પ્રેમમાં પડેલી, એક સ્વચ્છંદી, કૉલેજકન્યાને, તેનો પ્રેમી, રોજ મળવા આવતો, તે જોઈને  કંટાળેલા, પેલી કન્યાના નાનાભાઈએ, પેલા પ્રેમીને ભોળાભાવે પૂછ્યું, " તું રોજ મારી બહેનને મળવા આવે છે, તને બહેનને મળવાનું બહુજ મન થતું હોય તો, તારીજ બહેનને, રોજ મળી લેતો હોય તો?" 

* કોઈને ના ગાંઠતા, અને હાથની આંગળીઓના નખને ચાવતા રહેતા, એક વિધ્યાર્થીને, તેના ગુરુજીએ, આવી ખરાબ ટેવ છોડાવવા યોગવિદ્યા શીખવી. હવે પેલો વિધ્યાર્થી, પગની આંગળીના નખ પણ ચાવી શકે છે..!!

* સ્વચ્છંદી અને એકથી વધારે સાથી ધરાવતાં, પ્રેમીપંખીડાંના, પ્રેમપત્ર હંમેશા, . " TO  WHOMSOEVER  IT  MAY  CONCERN ", સંબોધનથી, શરૂ થતા હોય છે..!!

સામાન્ય પ્રશ્ન થાયકે, સ્વતંત્રના હક્કને નામે આચરવામાં આવતી સ્વચ્છંદતાને નાથવા, સખત નિયંત્રણ મૂકવાની જરૂર છે?

John Milton ( 9 December 1608 – 8 November 1674 ) અંગ્રેજ કવિ, લેખક હતા, તેઓની `Paradise Lost`,રચના જગપ્રસિદ્ધ છે.  સ્વતંત્રતા, સ્વચ્છંદતામાં ન પરિણમે તે માટે, મૂકવામાં આવતાં નિયંત્રણોને, વ્યાજબી ઠરાવતી તેઓની, દલીલ પ્રમાણે,

"If the facts are laid bare, truth will defeat falsehood in open competition, but this cannot be left for a single individual to determine. It is up to each individual to uncover their own truth; no one is wise enough to act as a censor for all individuals."


ખરેખર તો, સ્વતંત્રતાના સાફ દર્પણમાં, જ્યારે આપણે આપણા સ્વતંત્ર વ્યક્તિત્વનું પ્રતિબિંબ જોવા મથીએ છીએ, ત્યારે  આપણે  દર્પણના કાચને નહીં, આપણા વ્યક્તિત્વના, પરાવર્તન પામતા, અસલી વ્યક્તિત્વ - પ્રતિબિંબને, નીહાળીએ છે. હવે તે વ્યક્તિત્વ, જો સ્વચ્છંદી હશે..!! તો તેમ જોવા મળે છે.

આવોજ એક કિસ્સો નોંધવા જેવો છે.

વારંવાર, શોપિંગનો, નક્કામો ખર્ચ કરીને, પતિને તંગ કરતી, સ્વચ્છંદી પત્નીથી કંટાળેલો પતિ, શરાબ સેવનના રવાડે ચઢી ગયો. અત્યંત દારૂ પીને તે, ગમે ત્યાં, અર્ધબેભાન થઈ રાતભર પડી રહેતો.

એકવાર, તે એક મંદિર પાસે, નશો કરીને, પડી ગયો. આવતાજતા લોકોને, તેણે પોતાને ઘેર પહોંચાડવા, ભગવાનના સોગન આપીને, વિનંતી કરી. લોકો તેની વિનંતીને અવગણીને, મદદ કર્યા વગર ચાલતા થયા.

બીજીવાર, તે એક મસ્જિદ પાસે, નશો કરીને, પડી ગયો. આવતાજતા લોકોને, તેણે પોતાને ઘેર પહોંચાડવા, ખુદાના સોગન આપીને, વિનંતી કરી. લોકો તેની વિનંતીને અવગણીને, મદદ કર્યા વગર ચાલતા થયા.

ત્રીજીવાર, તે એક ગુરુદ્વારા પાસે, નશો કરીને, પડી ગયો. આવતાજતા લોકોને, તેણે પોતાને ઘેર પહોંચાડવા, વાહેગુરુના સોગન આપીને, વિનંતી કરી. લોકો તેની વિનંતીને અવગણીને, મદદ કર્યા વગર ચાલતા થયા.

પછી એકવાર, તે શરાબના અડ્ડાની બહારજ, નશો કરીને પડી ગયો. ત્યાંના લોકોને, વિનંતી કરતાંની સાથેજ, બીજા એક શરાબીએ, તેને ટેક્ષીમાં બેસાડી, ભાડું પણ ચૂકવી, સાથે  વધેલી એક શરાબની બોટલ પણ આપી, ઘેર  રવાના કર્યો.

રસ્તામાં આ શરાબી, દુઃખી, ભાઈએ, ઉંચા હાથ કરીને કહ્યું, " અય માલિક, તું રહેતા કહાઁ હૈ, ઔર લોગોં કો એડ્રેસ કહાઁ કા દેતા હૈ..!! "

જોકે, આ શરાબીભાઈની વાતને ઘ્યાને લેવા જેવી નથી. તમારી સ્વતંત્ર વિચારસરણીને, હંમેશા  ખરાબ સોબત પ્રભાવિત કરે છે, પરિણામે, તમારી આસપાસના વાતાવરણને, અઠંગ સ્વચ્છંદી બની ચૂકેલા લોકોના સહવાસથી પ્રદૂષિત ન થવા દેશો.

 " Never make friends with people, who are above or below you in status. Such friendships will never give you any happiness."

----  Chanakya

આમ તો, સ્વચ્છંદતાને, એક પ્રકારની મૂર્ખતા જ કહી શકાય. Theodor Seuss Geisel (March 2, 1904 – September 24, 1991) , એ અમેરિકન લેખક અને કાર્ટુનિસ્ટ હતા. તેઓએ, `Dr. Seuss, Theo. LeSieg અને, એક ઠેકાણે, Rosetta Stonewas`, ના ઉપનામથી, બાળકો  માટે,લોકપ્રિય children's books, લખેલી છે.

સ્વતંત્ર થઈને,  વકરી ગયેલી,મૂર્ખતાપૂર્ણ, સ્વચ્છંદતા અંગે, ઉપહાસ કરતાં  Dr.Seuss. જણાવે છેકે, "  I like nonsense. It wakes up the brain cells."

આપણે શંકા વગર, આપણી  જાતને પ્રશ્ન કરવો જોઈએકે, " હું  કોણ  છું  અને  કેવો  છું?  સ્વતંત્ર વ્યક્તિત્વનો માલિક કે પછી, સ્વચ્છંદીપણાનો ગુલામ..!!"

અગાઉના સમયમાં,  લોકલાજ  નામની લાગણીનું ઘણુંજ મહત્વ હતું, તેથીજ  લોકો  સુખી  પણ  હતા. આજની માફક, છકી જવાય તેવાં ભૌતિક, એશોઆરામનાં સાધનો પણ ઓછાં હતાં.

હવે નવા  જમાના પ્રમાણે, લગ્ન પછી, સુહાગરાતે, પતિ - પત્ની, એક બીજાને તેમના લગ્ન પહેલાંના ઍફેર વિષે સવાલ કરે તો, ગણતાં-ગણતાં, આંગળીનાં વેઢાં પણ ઓછાં પડે ?

બાગબગીચાકે અન્ય જાહેર સ્થળોએ, વૅલેન્ટાઈન ડૅ કે પછી  નવરાત્રી જેવા તહેવાર દરમિયાન, બેશરમીથી, કેટલાક, સ્વચ્છંદી પ્રેમીપંખીડાના પ્રેમાલાપમાં,  કહેવાતા સમાજના સંસ્કાર અને નૈતિકતાના બની બેઠલા ઠેકેદારો દ્વારા, સ્વચ્છંદીપણે, કાયદો હાથમાં લઈને, મારપીટના બનાવ સામાન્ય થઈ ગયા છે.

તેનાથી વિરૂદ્ધ, અખબારમાં આવેલા એક અહેવાલ અનુસાર, અમદાવાદ, પશ્ચિમના એક પોલીસસ્ટેશનના, ખૂણામાં આવેલા લોકઅપમાં બંધ એક અંડરટ્રાયલ કેદી, ટીફીન આપવા આવેલી પત્ની સાથે, પતિ  સળિયા પાછળ અંદર અને પત્ની સળિયાની બહાર હોવા છતાં, કામક્રિડા દ્વારા, સ્વચ્છંદી બનીને, જાતીય સંતોષ મેળવે છે.

આ બાબતને અટકાવવા, પોલીસને સવાલ કરતા, તે પણ હળવાશથી, સ્વચ્છંદી ભાવ ધારણ કરીને, જવાબ આપે છેકે, " બિચારો, `અંદર` છે તેથી શું કરે? ભલેને થોડો લાભ લેતો...!!"

આપણે, આ  ગંભીર વિષયને, અત્યંત હળવાશે રજુ કર્યો તેથી, તેની ગંભીરતા સહેજપણ ઓછી નથી થતી.

આપણે સ્વતંત્રતા આપીને, એક્મેકની આદર ભાવનાની કદર કરીએ છે તે,  વિસરાઈ જાય તે પહેલાંજ,  વ્યક્તિત્વ  સુધારણાની  શરુઆત, આપણી જાતથીજ, કરવાની જરૂર હોય તેવું આપને નથી લાગતું?

નહીંતર, સ્વચ્છંદી પત્ની, રાતે ઉંઘમાંય, સ્વપ્નમાં, સોનાના હાર ખરીદશે અને તેનો પતિ સ્વપ્નમાં તે સોનાના હારનું બીલ તેના સસરાને મોકલ્યા કરશે..!!

એક અનાડી મિત્રએ તેના અંદાજમાં કહ્યું," સ્વતંત્રતા એ શરાબ અને સ્વચ્છંદતા એ દવા જેવાં છે..!!"

મેં કહ્યું " કેવીરીતે? "

મિત્રએ કહ્યું," સ્વચ્છંદી માણસ, દવાની ઍક્સ્પાયરી ડેટની માફક, બહુ ઝડપથી,  બીનઉપયોગી બની જાય છે. જ્યારે, સ્વતંત્રતા, દારૂની માફક જેમ જુની થાય તેમ વધારે લિજ્જત આપે છે."

બાય ધ વૅ, આપણો દેશ સ્વતંત્ર છે કે, સ્વચ્છંદી? કહેશો જરા...!!

માર્કંડ દવે. તાઃ- ૧૮ જુલાઈ - ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.