Saturday, July 17, 2010

શ્રેણી-૯. શાણો ન્યાયાધીશ / ફાટેલી ચાદર

વિસરાતી વાર્તા - ૯.( શાણો ન્યાયાધીશ ). વિસ્તરતી વાર્તા.(ફાટેલી ચાદર .)


શાણો ન્યાયાધીશ

એક છોકરા માટે બે સ્ત્રીઓને તકરાર થઈ. એકે કહ્યું," એ છોકરો મારો છે."

બીજી સ્ત્રીએ કહ્યું," એ મારો છે."

પછી તે બંને રાજા પાસે ગઈ અને બોલી," મહારાજ અમારો ઈન્સાફ કરો."

રાજાએ બંનેની વાત સાંભળી. આ  વાતનો કોઈ સાક્ષી ન હોવાથી, તે છોકરો કોનો છે? એ નક્કી કરવાનું કામ મુશ્કેલ હતું. પણ ડાહ્યા અને ચતુર રાજાએ યુક્તિ શોધી કાઢી.

તેણે એક સિપાહીને બોલાવ્યો અને કહ્યું," આ છોકરાને કાપીને બે સરખા કકડા કર, તે દરેક બાઈને એકેક ભાગ આપ."

આ હુકમ સાંભળીને એક તો છાનીમાની ઊભી રહી,પણ બીજીએ બૂમો પાડીને કહ્યું," રાજાજી,આવો ન્યાય મારે જોઈતો નથી.મને મારો છોકરો ભલે ન મળે,પણ એને જીવવા દો, ને પેલી બાઈને આપો."

આ ઉપરથી રાજાએ વિચાર્યું," છોકરાની આ જ ખરી મા છે,કેમકે બીજીને કંઈ દુઃખ થતું હોય એમ જણાતું નથી."

પછી તેણે પેલો છોકરો તેની ખરી માને હવાલે કર્યો ને જે  સ્ત્રી જૂઠું બોલી હતી તેને સજા કરી.

ઉપસંહારઃ- ` મા તે મા, બીજા બધા વગડાના વા."

==============

વિસ્તરતી વાર્તા.( ફાટેલી ચાદર.)

" મારું  છે    તારું, તો અમારું, તમારું   ક્યાં રહ્યું?
  છોડને આ  તંત, હવે  કોઈ  અકારું   ક્યાં રહ્યું..!!"


=============

મણિનગર સ્ટેશનના, રેલ્વે  કમ્પાઉન્ડની, આઠ ફૂટ  ઉંચી દિવાલના સહારે, બાંધેલા, તૂટેલા ઝૂપડામાં, બેઠેલી, બાવીસ વર્ષની લખી, શૂન્યમનસ્ક મનથી, રોટલાને, તાવડીમાં ઉલ્ટો ફેરવતી, ઝૂંપડાની બહાર, આંગણામાં રમતા, પોતાના, દોઢ વર્ષના દીકરા રાજાને, રમતો નિહાળી રહી.

સ્ટેશન પરજ, એક  ચાના સ્ટોલ પર,લખીના બાપુને નોકરી હતી. તેમને નાની દીકરી  રેખાની ચિંતા, સતત સતાવતી હતી, તેથીજ  લખીને અવારનવાર, રેખાનું ધ્યાન રાખવાની ભલામણ કરતા બાપુ, થોડા થોડા કલાકે, સ્ટેશન  પાછળજ આવેલા ઝૂંપડે, આંટો મારી જતા.

એટલું વળી સારું હતુંકે, પાસેનાજ ઝૂંપડામાં રહેતા  અને  ભાડાની  રિક્ષા ચલાવતા, રિક્ષા ડ્રાયવર  ખુશાલ સાથે, લખીનાં લગન થયાંહતાં, તેથી સાવ નજીક રહેતી હોવાને કારણે, લખી પણ, રેખાનું ધ્યાન આખો દિવસ રાખી શકતી હતી.

સરકારી સ્કૂલમાં, સાતમા ધોરણમાં ભણતી, રાખીને, સ્ટેશન વિસ્તારમાં, આખો  દિવસ ભટક્યા કરતા, નશાખોર લુખ્ખાઓની નજરથી બચાવવા, લખીએ,  સ્કૂલ પછીના ફાજલ સમયમાં, રાખીને,  નજીકનાજ મહિલા કેન્દ્રમાં, સીવણ  અને ઢીગલીના, હેન્ડીક્રાફ્ટના ક્લાસમાં, દાખલ કરી હતી.

તાવડી પર બીજો રોટલો, નાંખતાંજ, નાનકડા દીકરા રાજા સાથે, નજર મળતાંજ,  લખી, માતાની મમતાભરી નજર થઈને હસી. સામે રાજા પણ ખિલખિલાટ હસ્યો.

લખીએ ઉતાવળે ત્રીજો રોટલો ટીપ્યો .

હમણાંજ પંદર મિનિટમાં, બાપુ, રાખી અને પોતાનો ધણી ખુશાલ ત્રણે  જણ, આવીને,  જમવાની ઉતાવળ કરશે અને હજી તો,  શાક વઘારવાનું બાકી છે..!!

થોડીક ઉતાવળ કરીને, ત્રણેય જણ જમી શકે, તેવી તૈયારી કરીને, લખીએ ભૂખ્યા થયેલા, રાજાને છાતીએ વળગાડ્યો.

રાજાના `ચસ-ચસ` ધાવવાના એકધારા અવાજની વચ્ચે, લખી ફરીથી વિચારે ચઢી ગઈ.

`હવે તો, રાખીની પણ, મોટી બહેન ગણો  કે  માઁ ગણો, તે પોતેજ હતીને..!!`

રાજાના જન્મને, હજી  છ માસ જ થયા હશેને, ટીબીના છેલ્લા સ્ટેજથી પીડાતી  માઁ,  પોતાની  પંદર વર્ષની, નાની બહેન રાખીને, પોતાના ભરોંસે સોંપીને, ગુજરી ગઈ. તે દિવસે, નાની બહેન રાખીને, બાથ ભરીને, પોતે બહુ  રડી  હતી.

બાપુએ તો, આ  કારમો,  આઘાત જીરવી લીધો  હતો. પણ જીવનને સરખું ન સમજી શકતી રાખી, માઁ ને યાદ કરી,  ઝીણું-ઝીણું, અવાજ વગરનું, આક્રંદ કરતી ત્યારે, લખી ખરેખર તેની માઁ બની જઈને તેને, માંડ માંડ શાંત કરતી.

" લો આ રાખી આવી ગઈ," લખી સ્વગત બબડી.

" રાખી, કલાસ માં તને હું કરાયું?" લખીએ પૂછ્યું.

" લખી, મારે  એક ઢીગલી બનાવતાં શીખવાનું છે." રાખીએ જવાબ આપ્યો

તેણે લખીને, ફરી પૂછ્યું," લખી, ઢીગલી બનાવવા, આ ફાટેલી ચાદર  લઉં?"

લખી એક ક્ષણ, રાખીના  પ્રશ્નનો જવાબ આપતાં ખચકાઈ.

" રાજાના જનમ વખતે, પોતાને  સુવાવડનું  દર્દ, અચાનક  ઉપડતાં, પોતે, ઝૂપડાના  દરવાજે  જ ફસડાઈ પડી.

આજુબાજુની  બધી સ્ત્રીઓ દોડી આવી, ત્યારે માઁએ,  આ  ફાટેલી   ચાદરની જ આડશ કરીને, રાજાનો જન્મ, આ ઝૂપડામાં  કરાવ્યો હતો.

અને બાદમાં પોતાનો રાજા દીકરો પણ , ગોદડી પર પાથરેલી, આજ ચાદર પર રમીને, દોઢ વર્ષનો થયો છે.

હવે આ ચાદર ભલે ફાટેલી હોય, પણ તેને, માઁની છેલ્લી યાદ રૂપે સાચવી રાખવાને બદલે, તેના લીરેલીરા ઉડાડી,  રાખી તેની ઢીંગલી બનાવશે?"

આ ફાટેલી ચાદર સાથે જોડાયેલી, કેટલીય લાગણીઓ, લખીની નજર સામે,  એક ફિલમની માફક ચાલવા લાગી.

" ના,ના,. આ ચાદર ભલે ફાટેલી હોય, પણ તેને હું સાચવી રાખીશ..!!" લખીએ મન મક્કમ કર્યું.

જોકે, લખીના મૌનને સંમતિ સમજી, ફાટેલી ચાદરમાંથી ઢીગલી બનાવતાં શીખવાના ઉત્સાહથી ધમધમતી, રાખીનો અવાજ, વિચારમગ્ન લખીના કાને  અફળાયો.

" એં...!!  આ ઢીગલી, હું મારા રાજા ભૈયાને રમવા આપીશ, મારો  રાજા દિક્કો (દીકરો) ખૂશ થઈ જશે? " પોતાના દીકરા રાજા સામું જોઈને, કાલીઘેલી બોલીમાં રાજી કરવા મથતી  રાખીને  અને કાંઈ  સમજ્યા વગર, રાખી સામે ખિલખિલાટ હસતા રાજાને જોઈને....!!

લખીના દિલમાં વસતી, એક નહીં..!!  બબ્બે માઁ જાગૃત થઈ ગઈ. એક રાજાની અને બીજી માઁ, નાની બહેન રાખીની..!!

લખીએ, ખોળામાં સૂતેલા, રાજા સામે મીઠો છણકો કરીને, રાજાને કહ્યું," હવે તારું ડોઝું ભરાઈ ગયું હોય તો ઉઠ, મારી રેખા દિક્કાને ભૂખ લાગી હશે..!!"


પછી રાખીને ઉદ્દેશીને, તે બોલી," ચાલ બકા..!! તું પહેલાં ખાઈલે, પછી આ જ ફાટેલી ચાદરમાંથી, એવી સરસ ઢીંગલી બનાવતાં શીખવુંકે, આખા કલાસમાં તારો  પહેલો નંબર આવે..!!"

આટલું બોલતાંતો,  લખીને, અનાયાસ આવેલાં, આંસુની આરપાર, જાણે આ ગરીબ  ફાટેલી ચાદરમાંથી, તેની મરી ગયેલી  માઁએ, અમીરીભર્યું. મધુરું સ્મિત કર્યું.

ઉપસંહારઃ- ` પ્રત્યેક સ્ત્રીમાં, સદાકાળ એક માતા વસે છે."

માર્કંડ દવે. તાઃ-૧૬ -જુલાઈ -૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.