આંજણી (ગીત)
(Sty on the eyelid)
રાતી રતુંબડી તુજ, આંખ શીદ ભારે થૈ..!!
સહિયર સહુ પૂછેને, મને લજવે રે..લોલ..!!
આંખ્યુંમાં આંજ્યો મેં, પિયુજીને જ્યારથી,
રહી રહી થૈ આંજણી, મને પજવે રે..લોલ!!
અંતરા-૧.
વસમી રે પીડાને, કારમી બળતરા થૈ,
ઉર તનમન આખુંય ,આજ કકળે રે..લોલ..!!
આંખ્યુંમાં આંજ્યો મેં, પિયુજીને જ્યારથી,
રહી રહી થૈ આંજણી, મને પજવે રે..લોલ!!
અંતરા-૨.
મનગમતું ખૂંચતુંને, છેક જૈ ને દૂઝતું,
ના ઓસડ, ના વૈદ્ય, એને પકડે રે..લોલ..!!
આંખ્યુંમાં આંજ્યો મેં, પિયુજીને જ્યારથી,
રહી રહી થૈ આંજણી, મને પજવે રે..લોલ!!
અંતરા-૩.
પિયુનો આ-ભાર લૈ, સઈનો ઉપહાસ લૈ,
જોબનિયું જોમ ખોઈ, કેમ થથરે રે..લોલ..!!
આંખ્યુંમાં આંજ્યો મેં, પિયુજીને જ્યારથી,
રહી રહી થૈ આંજણી, મને પજવે રે..લોલ!!
અંતરા-૪.
કોઈ તો બતાવો સઈ, પિયુને મનાવો જૈ,
હું જ તે ને,તે જ હું, તે પતીજે રે..લોલ..!!
આંખ્યુંમાં આંજ્યો મેં, પિયુજીને જ્યારથી,
રહી રહી થૈ આંજણી, મને પજવે રે..લોલ!!
( પતીજ = ખાતરી,દ્રઢ વિશ્વાસ કરાવવો.)
રાતી રતુંબડી તુજ, આંખ શીદ ભારે થૈ..!!
રાતી રતુંબડી તુજ, આંખ શીદ ભારે થૈ..!!
સહિયર સહુ પૂછેને, મને લજવે રે..લોલ..!!
આંખ્યુંમાં આંજ્યો મેં, પિયુજીને જ્યારથી,
રહી રહી થૈ આંજણી, મને પજવે રે..લોલ!!
માર્કંડ દવે.તા.૨૧-૧૨-૨૦૧૧.

Pravinkant Shastri
ReplyDeleteવાહ માર્કંડભાઈ વાહ.