Saturday, January 16, 2010

એક અવિસ્મરણીય મુલાકાત,

એક અવિસ્મરણીય મુલાકાત,

પ્રિય મિત્રો,

જીવનમાં ક્યારેક,કોઇ એક દિવસ,આપને માટે એવો તો આનંદ લઇને આવે કે,તેની સ્મૃતિ આજીવન જળવાઇ રહે.
જોકે,એ વાત અલગ છેકે,એ સાપેક્ષ આનંદ,મનુષ્યના સુખ પામવાના મનના વિવિધ ખ્યાલ અને તરંગ ઉપર આધારીત છે.
આશરે વીસ વર્ષ અગાઉ,અનાયાસેજ આવો એક દિવસ મારા માટે આનંદની લાલિમા લઇને ઉગ્યો.
જેનું સ્મરણ કરતાં મન આનંદથી છલકાઇ જાય છે.ચાલો માંડીને વાત કરું.

મારા ગાંડાઘેલા સાહિત્યને ઉમળકાપૂર્વક માણતા,એક વડીલ મિત્ર અચાનક મને મળવા,સવાર સવારમાં,મારા કાર્યાલયમાં આવી ચઢ્યા.
વાતમાંથી વાત નીકળતાં,હું જો થોડો ફ્રી હોઉં તો સમય ફાળવીને,મને એમની સાથે એક જાણીતા મહાન સાહિત્યકારને મળવા સાથે આવવાનું આમંત્રણ
આપ્યું.મારે માટે તો જાણે સાકરનું ગાડું ભેટમાં મળ્યું.હું તરત જ તૈયાર થઇ ગયોં

અમે જ્યારે એ નામાંકીત સાહિત્યકારને ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ અમારું ઉમળકાભેર સ્વાગત કરી,પ્રારંભિક પરિચય બાદ,
સાહિત્યની અલકમલકની વાતોથી અમારા મનને પસન્ન કરી દીધું,એમનો સાવ સરળ નાના બાળક જેવો સ્વભાવ જોઇને મને એક જોખમ લેવાનું મન થયું,
મારા મનની વાત એમને કહું કે ના કહું ? જોકે,એ વિચારને તેમણે પકડી લીધો હોય તેમ સામેથી જ મને પુછી લીધું,"કેમ..!! માર્કંડભાઇ,અચાનક વિચારે ચઢી ગયા?મારી સાહિત્યગોષ્ઠીથી તમને કંટાળો નથી આવતોને?" મારા વડીલ મિત્ર એ તરત કહ્યું,"એ સાહિત્યમાં ઉંડો રસ ધરાવે છે,તથા લખે પણ છે."
મારે હવે મનની વાત જણાવ્યા વગર છુટકો ન હતો.મેં એમને ડરતાં ડરતાં,વિસ્તારથી વાત કરીકે,"મારી શૈક્ષણિક સંસ્થામાં માધ્યમિક વિભાગનાં બાળકો સાથે વાર્તાલાપ કરવા,આપને જો અનુકૂળ હોય તો,આપની સગવડ અને સમયે,આપની એક મુલાકાત ગોઠવવાની ઇચ્છા છે." મારા આશ્ચર્ય વચ્ચે તેઓએ ડાયરીમાં જોઇ બીજાજ દિવસની મુલાકાત ગોઠવી આપી.શાળામાં આવીને સહુને વાત કરતાં,મારા સ્ટાફના શિક્ષક ભાઇબહેનો પણ અત્યંત રાજી થયાં.

બીજા દિવસે સવારે,મારી ગાડી લઇ,મારા પેલા વડીલ મિત્રની સાથે,હું તેમને લેવા ગયો ત્યારે તેઓ તૈયાર હતા.તેમના ઘરમાંથી બહાર નીકળતાં જ,
ગાડીમાં,મારા વડીલ મિત્રની સાથે,તેઓ પાછળની સીટ બેઠા,પછી એકાએક ધ્યાન આવતાં,મને આગળ ડ્રાઇવીગ કરતો જોઇ,તરત જ ગાડીમાં આગળ આવીને મારી બાજુમાં બેઠા,અને કહ્યું,"માર્કંડભાઇ લેવા આવ્યા છે,પણ એમને આગળ એકલા ડ્રાઇવ કરવા દઇએ તો, બેડ મેનર્સ કહેવાય."
વળી રસ્તામાં મને કહે,"તમારી સંસ્થામાં હું આવું અને તમારા સાહિત્ય શોખ-સર્જન વિષે ના જાણતો હોઉં તો તે ઠીક ના કહેવાય મને થોડી વાત કરો,કંઇક સંભળાવો." મેં શરમાતાં-શરમાતાં મારી લખેલી બે લાઇન સંભળાવી,

"રસ્તે અચાનક ઉભા રહી પુછ્યું,મોતનું સરનામું જેને..!!
અકળાઇને કહ્યું તેણે,હું તો ક્યારનોય શોધું છું તને..!!"

તેમણે મારી આંખમાં પ્રેમાળ નજરે જોઇને કહ્યું,"બસ,બસ,મને અવારનવાર મળતા રહેજો."
આટલુ સાંભળી મને તો હું ગાડી નહી,આકાશમાં વિમાન ઉડાડતો હોઉં તેમ લાગ્યું.

શાળાના સમારંભમાં ભારતીય પરંપરા અનુસાર મહેમાનશ્રીનું સ્વાગત,તથા પરિચય વિધી કર્યા પછી,તરત મહેમાનશ્રીને વક્તવ્ય,વાર્તાલાપ માટે વિનંતી કરી,તેઓએ મારી શાળાનાં બાળકોને તે દિવસે જે અવિસ્મરણીય વક્તવ્ય આપ્યું,તે અક્ષરસહ નીચે રજૂ કરુ છું.

"વહાલાં બાળકો,

ગઇકાલે જ્યારે તમને મળવાનું આમંત્રણ મળ્યું ત્યારે,મને મારા શાળાજીવનના દિવસો નજર સામે આવી ગયા,મને જાણવા મળ્યું છે કે,શાળામાં બીજી કસોટી સાવ નજીક છે,ત્યારે હું તમારો વધારે સમય નહી લઉં.તમારામાંથી ઘણા વિદ્યાર્થીને માર્ક્સ ઓછાવત્તા આવતા હશે.અમારી શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓની જેમ મેં પણ નાપાસ થવાની અને વળી પાછા નહી શરમાવાની ટેવ પાડી દીધેલી,પરિણામે આજે હું સફળ હાસ્ય લેખક બની ગયો છું.એટલે પરીક્ષામાં નાપાસ થવાય તો ચિંતા કરવી નહીં,કારણકે ચોથી ચોપડી પછી અભ્યાસ છોડી દીધો હોય તેવા મહાનુભવો પણ ચીફમિનીસ્ટર બની શકે છે,હતાશ થવું નહી.

આજે મારા પિતાજી મારી સફળતા જોવા હયાત નથી.અમારા કુટુંબની નિર્ધનતાને કારણે,તેઓ મને સારું ભણવાનો આગ્રહ કરતા હતા,તેની મને જાણ છે,
અમારા ઘરમાં ચંપલ સુધ્ધાં ખરીદવાની કે પહેરવાની સગવડ ન હતી,આખા ઘરમાં ફક્ત બા અને પિતાજીના ચંપલ વર્ષમાં માત્ર એક વાર ખરીદાતા,
તેથી એકવાર મને ચંપલ પહેરવાનું મન થયું ત્યારે પિતાજીના ચંપલ મોટા પડતા હોવા છતાં,તેમને જાણ કર્યા વગર,નિશાળે તેમના ચંપલ પહેરી ગયો.
આશરે એક કલાક પછી પિતાજી ઉઘાડા પગે શાળાની બહાર આવ્યા અને મને મારી શાળાના સેવકભાઇ પાસે ક્લાસની બહાર બોલાવ્યો.મને થયું,આજે મારું આવી બન્યું,પણ મારા આશ્ચર્ય વચ્ચે,મને ઠપકો આપ્યા વગર તેમણે કહ્યું,"બેટા,શાળામાં બધા બાળકો ચંપલ પહેરીને આવે છે,તને મન થાય તે સ્વાભાવિક છે,પણ મારે અત્યારે જ એક બેસણામાં જવાનું ન થયું હોત તો હું શાળામાં તારી પાસે ચંપલ માંગવા ના આવત." મેં તેમને કશું બોલ્યા વગર ચૂપચાપ ચંપલ કાઢી આપ્યા.તેઓ ચંપલ પહેરીને પાછા વળ્યા ત્યારે તેમના ચહેરા ઉપર દીકરાને દુભવ્યાના દુઃખના ભાવ હતા.

તમારા સહુના પિતાજીની માફક,મારા પિતાને પણ એવો ભ્રમ હતોકે,મારો દીકરો ભણી ગણીને મોટો કલૅક્ટર બને,એટલે અમારી વાર્ષિક પરીક્ષા પછી પરિણામ આવે..!! એટલે મારે નાપાસની માર્કશીટ લઇને એમની પાસે જવાનું અને એમણે મને બેચાર થપ્પડ મારવાનો રિવાજ અમે દર વર્ષે બરાબર પાળતા હતા.એમ કરતાં કરતાં હું મેટ્રિકમાં આવી ગયો.મારા નબળા પરિણામની આગાહી બધાજ કરી શકે તેટલો અભ્યાસમાં હું નિયમિત હતો.બોર્ડની પરીક્ષા પતી ગઈ રિઝલ્ટના દિવસે હું આદત મુજબ માર્કશીટ સાથે ઘેર ગયો ત્યારે પિતાજી અંદરના રુમમાં બેઠા હતા,મારી બા ચિંતાતુર ચહેરે,મારા પરિણામની રાહ જોઇને,ઘરની બહાર ઓસરીમાં ઉભા હતાં.એ મને કાંઇ કહે તે પહેલાં હું માર્કશીટ સાથે,અંદરના રુમમાં,પિતાજી સામે જઇને ઉભો રહ્યોં.પિતાજીએ માર્કશીટ હાથમાં લઇ સહુથી પહેલાં મને બે થપ્પડ મારી દીધી દર વખતે હું રડતો નહી,પણ આ વખતે મારી આંખ ભરાઇ આવી,પિતાજીએ મારી આંખ સામું જોઇ,માર્કશીટમાં નજર કરી,થોડા ટકા ઓછા હતા..!! પરંતુ હું પાસ થઈ ગયો હતો.પિતાજી સાવ ઢીલા થઇ ખુરશીમાં બેસી ગયા મને કહ્યું,"બેટા મને માફ કરજે,મે ઉતાવળ કરીને તને સજા આપી દીધી."મેં ગળગળા અવાજે તેમને કહ્યું,"પિતાજી હું જાણું છું,મને મોટો માણસ બનાવવાનાં તમે સ્વપ્ન જોયાં છે.કશો વાંધો નહીં,તમારા આશીર્વાદ હશે તો હું જરુર જીવનમાં કાંઇક કરી બતાવીશ."

વહાલાં બાળકો,તમારા માતાપિતા પોતાના પેટે પાટા બાંધીને પણ તમને અભ્યાસ કરવા હવે તો બધી જ સગવડ આપે છે ત્યારે,તમે રમવામાં કે બેદરકારીથી અભ્યાસ કરી નાપાસ થઈને માતાપિતાની આશા ઉપર પાણી ફેરવો ત્યારે તેમને કેટલું બધું દુઃખ થતું હશે ? આપણા મેદાનમાં આ બાજુ બઠેલાં બાળકોના માથા ઉપર તડકો આવી ગયો છે અને તેમને તડકામાં બેઠેલા મારાથી જોઇ શકાતું ના હોવાને કારણે,હું અહીજ વિરમું છું,અસ્તુ."

મારી શાળાના ગુજરાતીના શિક્ષકશ્રીએ મને કાનમાં કહ્યું,"સાહેબ,આપણે એક વિડીયોગ્રાફરને બોલાવ્યો હોત તો સારું થાત."
મને તેમની વાત સાચી લાગી,પરંતું તે ક્ષણોની મારા હ્યદયમાં વિડીયોગ્રાફી કરી લઇને મેં મારી ભૂલ સુધારી લીધી છે.
આપ સહુ ગુણીજનોને પણ,વિડીયો જોતા હોય તેટલો જ આનંદ આવ્યો હશે,તેની મને ચોક્કસ ખાત્રી છે.

પ્રિય મિત્રો,આ સુપ્રસિધ્ધ મહાનુભવ તે બીજા કોઇ નહીં પણ,આપણા સહુના માનીતા,જાણીતા હાસ્યલેખક આદરણીય શ્રીવિનોદ ભટ્ટસાહેબ છે.
હાલમાં તેમની ઉંમરને કારણે,તેઓ ખાસ બહાર જતા નથી,પરંતુ તેઓશ્રીના તંદુરસ્તીમય દીર્ઘાયુ માટે આપણે ઇશ્વરને પ્રાર્થના કરીએ.
વીસ વર્ષ અગાઉ,તેઓની મુલાકાત કરાવનાર સામાજીક કાર્યકર અમારા વડીલમિત્ર શ્રી ચંદ્રકાંતભાઇનો પણ આભાર.

મને ખાત્રી છે,આપણું ગુજરાત અને ગુજરાતી સાહિત્ય આવા ઉમદા સાહિત્યકારોને કારણે જ આખાય વિશ્વમાં વખણાય છે.

માર્કંડ દવે.તા.૦૯-૧૧-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.