Monday, October 17, 2011

શું કિશોરકુમાર આવા હતા?
શું કિશોરકુમાર આવા હતા?


નામ- આભાસકુમાર ઉર્ફે શ્રીકિશોરકુમાર,

જ્ઞાતિ-હિંદુ-બંગાળી બ્રાહ્મણ.

જન્મ- ૦૪ ઑગસ્ટ ૧૯૨૯. 

જન્મસ્થળ-ખંડવા.(મધ્ય પ્રદેશ.)

પત્ની- પ્રથમ - રુમા ગુહા (૧૯૫૦- તલાક-૫૮.)

બીજા- મધુબાલા. (૧૯૬૦-નિધન-૧૯૬૯.)

ત્રીજા- યોગીતાબાલી. ( ૧૯૭૬-તલાક-૭૮.)

ચોથી- લીનાચંદાવરકર.( ૧૯૮૦.)

સંતાન-અમિતકુમાર (માતા-રુમા ગુહા)

સુમિતકુમાર (માતા-લીના ચંદાવરકર)

પિતાનું નામ- શ્રીકુંજલાલ ગાંગુલી,(વકીલ.)

માતાનું નામ- ગૌરીદેવી,

ભાઈ,બહેન- શ્રીઅશોકકુમાર,સતીદેવી, શ્રીઅનુપકુમાર.

વ્યવસાય-ગાયક,ગીતકાર,સ્વરકાર,ફિલ્મ નિર્માતા,અભિનેતા,સ્ક્રીન રાઈટર,સ્ક્રીપ્ટ રાઈટર.

ગીતો- બંગાળી,હીન્દી,મરાઠી,

આસામી,ગુજરાતી,કન્નડ,ભોજપુરી,મલયાલમ,ઓરિયા,

ઍવોર્ડ્સ- આઠ ફિલ્મફૅઅર.

અભિનેતા તરીકે સર્વ પ્રથમ ફિલ્મ- શિકારી.(૧૯૪૬)

ગાયક તરીકે સર્વપ્રથમ ફિલ્મ- ઝીદ્દી.(સંગીતકાર શ્રીખેમચંદ પ્રકાશ-૧૯૪૮)

ગીતકાર-સ્વરકાર-નિર્માતા-નિર્દેશક તરીકે પ્રથમ ફિલ્મ- ઝૂમરુ.(૧૯૬૧.)

નિધન-૧૩ ઑક્ટોબર ૧૯૮૭. 

છેલ્લું રેકૉર્ડ થયેલ ગીત- "ગુરુ,ગુરુ" ફિલ્મ-વક્ત કી આવાઝ ( રિલીઝ-૧૯૮૮.)

======

પ્રિય મિત્રો,

આપણે સંક્ષિપ્તમાં સ્વ.શ્રીકિશોરકુમારજી અંગે જાણકારી મેળવી પરંતુ, આજે આપણે તેઓના વ્યક્તિગત સ્વભાવ અંગે વાત કરીશું.

ફિલ્મજગતમાં સાવ,કંજૂસ,તરંગી,ધૂની કહી શકાય તેવા સ્વભાવ સાથે, શ્રીકિશોર`દાએ, પોતાના કાર્યકાલ દરમિયાન, લગભગ તમામ ગીતકાર,સંગીતકાર, નિર્માતા,નિર્દેશક તથા અભિનેતા સાથે કામ કરી,આખરી ક્ષણ સુધી કલાપ્રવૃત્તિની જ્યોતને જલતી રાખી હતી.

આમ પોતાના સફળ કેરિયરની દ્રષ્ટીએ તે કદાચ સંતોષને પામ્યા હશે પરંતુ, વ્યક્તિગત જીવનમાં, તેઓ અનેક માનસિક યાતનાઓમાંથી પસાર થયા હતા તે સત્ય બાબત હશે?

શ્રીકિશોર`દાના વિવાહિત જીવનમાં સહુથી વધારે વિવાદાસ્પદ લગ્નજીવન, તે સમયની મશહૂર અભિનેત્રી મધુબાલા સાથે, વીત્યું હતું તેમ,મનાય છે..!!

ફિલ્મ `કાલાપાની`માં "અચ્છાજી મૈં હારી પિયા માન જાઓના..!!"ગીતમાં અભિનય કરનાર, સિનેજગતની અત્યંત સુંદર, ચૂલબૂલી અભિનેત્રી સ્વ.મધુબાલા, પરિચયની મોહતાજ નથી જ નથી.

Bollywood Film, Kala Pani, 1958, Dev Anand, Madhubala, 

Music By S.D.Burman, Directed By Raj Kholsa

Kala Pani - Achcha Jee Main Haari - 
Mohd Rafi - Asha Bhonsleસફળ નિર્માતા,નિર્દેશક,કલાકાર શ્રીઓ.પી.રાલ્હન સન-૧૯૮૫માં પ્રગટ કરેલાં પોતાનાં સંસ્મરણમાં વર્ણન કરે છે, 

" ફિલ્મ- કાલાપાની-૧૯૫૮ની ચૂલબૂલી અત્યંત સુંદર અભિનેત્રી સ્વ.મધુબાલા પર શ્રીકિશોરકુમાર, એક તરફી પ્રેમમાં લગભગ પાગલ જેવા થઈ ગયા હતા.

જોકે, આ અગાઉ, ફક્ત ૧૬-૧૭ વર્ષની અપરિપક્વ ઉંમરે, ફિલ્મ`બાદલ` તથા `સાકી ફિલ્મ નિર્માણ દરમિયાન, અભિનેતા શ્રીપ્રેમનાથજીના ગળાડૂબ પ્રેમમાં પડી ચૂકેલી, પરંતુ, પ્રેમનાથજીએ સ્વ.બીનારોય સાથે લગ્ન કરી લેતાં, હ્રદય  ભગ્ન થયેલી, મધુબાલા ત્યારબાદ ફિલ્મ`તરાના` તથા `અમર ફિલ્મના નિર્માણ દરમિયાન શ્રીદિલિપકુમારજીના પ્રેમમાં મગ્ન થઈ. 

આ દરમિયાન, માનો મધુબાલાના સમગ્ર જીવનને, કોઈની બૂરી નજર લાગી હોય તેમ, મદ્રાસની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન, મદ્રાસના જાણીતા નિર્માતા શ્રીનિવાસનજીના ઘેર, મધુબાલાના ગળામાંથી લોહીની ઉલ્ટી સ્વરૂપે, જબરદસ્ત રક્ત ધારા ફૂટી નીકળી. તાત્કાલિક મદ્રાસ તથા મુંબઈના ડૉક્ટર્સની સારવાર શરૂ કરવામાં આવી અને નિદાન થયું, તે સમયની લાઇલાજ બિમારી, `Ventricular septal defect.`નું. પિતાએ સાવચેતીનાં પગલાં રૂપે, મધુબાલાને મુંબઈની બહાર જવાની મનાઈ ફરમાવી દીધી.  

જોકે, મધુબાલાને  શ્રી બી.આર. ચોપરાજી સાથેના કરારભંગના એક કેસમાં, કૉર્ટમાં પોતાના પિતા શ્રીઅતાઉલ્લાખાં વિરુદ્ધ, શ્રીદિલિપકુમાજીએ આપેલી જુબાનીને કારણે, મધુબાલાનું દિલ તૂટી ગયું.ફરીથી, બંને સફળ કલાકારો વચ્ચે, આ મનદુઃખ એટલું વધી ગયુંકે, સુપર હીટ ફિલ્મ`મુગલે આઝમ`ના નિર્માણ દરમિયાન, શ્રી દિલિપકુમાર અને મધુબાલા વચ્ચે અબોલા યથાવત હતા.

આ દરમિયાન, મધુબાલાની બિમારીને સામાન્ય સમજતા શ્રીકિશોરકુમારનો પ્રવેશ મધુબાલાની જિંદગીમાં એવોતો થયોકે, તેઓ મધુબાલાને મળવા તેમના નિવાસે કલાકો સુધી બેસી રહેતા. આ બાબતથી પરેશાન રહેતી મધુબાલા,ઘણીવાર તો ફોન કરીને, ઘેર આવતાં અગાઉ પૂછી લેતી, ‘वह बैठा है क्या?’ અને ત્યારબાદ કલાકો સુધી મુંબઈની સડકો પર પોતાની કારને નિરુદ્દેશ્ય હાંકીને, કિશોરકુમારના ચાલ્યા જવાની રાહ નિહાળતી રહેતી હતી.જોકે, મધુબાલાના પ્રેમમાં પાગલ થયેલા કિશોરકુમાર, ત્રાગું કરતા હોય તેમ ક્યારેક પંખામાં હાથ નાંખીને પોતાને ઈજા પહોંચાડતા તો ક્યારેક, મધુબાલાના ઘર સામે સડક પર આળોટતા.

આ તરફ શારીરિક સૌંદર્ય પર બિમારીની લેશમાત્ર અસર ન દેખાતી હોવા છતાં, મધુબાલાની બિમારી ભીતરના ભાગે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી.દિવસે-દિવસે થાક અને અશક્તિ વધતી જતી હતી.

છેવટે, એક દિવસ, મધુબાલા તથા તેમના પિતાએ, કિશોરકુમારને સમજાવ્યાકે, એક લાઇલાજ બિમાર વ્યક્તિ સાથે લગ્ન કરીને, તેમને અસહ્ય દુઃખ સિવાય અન્ય કાંઈ નહીં પ્રાપ્ત થાય..!! જોકે, મધુબાલાના શરીર પર બિમારીનાં કોઈ ચિન્હ ન જણાતા હોવાથી, કિશોરકુમાર ભ્રમમાં રહ્યાકે આ બિમારીને, સારા ઇલાજ દ્વારા અવશ્ય પહોંચી વળાશે? તેથી તો પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને મધુબાલા, પણ પોતાના પ્રત્યે, તેમનો પ્રેમ જોઈને, પીગળી ગઈ.

શ્રીકિશોરકુમારનાં માતાજીની નામરજી હોવા છતાં, ઘરના સભ્યોના વિરોધ વચ્ચે, તારીખ-૧૬ નવેંબર ૧૯૬૦ના રોજ કિશોરજી અને મધુબાલાનાં લગ્ન થયાં. લગ્નબાદ તરત જ, મધુબાલા પોતાની બિમારીના ઇલાજ માટે, લંડન ચાલી ગઈ.

જોકે, લંડનમાં નિદાન થયુંકે, આ બિમારી હવે એવા તબક્કે છેકે,તેનો કોઈ ઇલાજ શક્ય નથી. હતાશ,નિરાશ,બિમાર દિલ સાથે મધુબાલા, કિશોરકુમાર પાસે પ્રેમભર્યા વ્યવહારના ઇલાજની આશાએ,લંડનથી સીધીજ સાસરીમાં, પહોંચી ગઈ. પરંતુ..!! 

(કિશોર`દાનાં માતાજી) સાસુ-વહુની સદા ચાલતી તૂ-તૂ-મેં-મેં, તથા પતિ કિશોરકુમારની ઉપેક્ષાભર્યા વ્યવહાર વચ્ચે, કુલ નવ વર્ષ જેટલા લાંબા લગ્નજીવન કાલમાં, મધુબાલા માત્ર ત્રણ માસ જેટલો જ  સમય સાસરીમાં રહી શકી. ફરીથી ભાંગેલા બિમાર હ્રદય સાથે મધુબાલા પોતાની માતા પાસે પરત ફરી.

બિમારીના ઇલાજના છેલ્લા ઉપાય તરીકે, મધુબાલાની માતા,સંત-ઓલિયા-ફકીર તથા ધર્મસ્થાન પર દુઆ માંગવામાં પ્રવૃત્ત થઈ ગઈ, જ્યારે, મધુબાલા ઘરમાં જ સમય પસાર કરવા, કિશોરકુમારનાં ગીતોની એલ.પી.રેકૉર્ડ્સ વગાડ્યા કરી, કિશોરકુમારને યાદ કરીને રડતી રહેતી હતી. મધુબાલાની આવી અવદશા નિહાળી, તેના કુટુંબી,કિશોરકુમારને ફોન પર,મધુબાલાની મુલાકાત લેવા વિનવ્યા કરતા,` વધારે નહીંતો ફક્ત કલાક માટે આવી જાવ..!!`, અનેક વિનંતી બાદ કિશોરકુમાર, મધુબાલાને મળવા આવી જાય તો, મધુબાલા ને પંખાની હવા માફક નથી આવતી તે જાણતા હોવા છતાં, ફેનની સ્પીડ વધારવા કહેતા, બિમારી હોવા છતાં, અશક્તિમાં પણ ઊભા થઈ મધુબાલાએ, કિશોરકુમારને જમવા માટે બનાવેલી, મનભાવતી, અવનવી વાનગીને ચાખ્યા વગર, કોઈને કહ્યા વગર,કિશોરકુમાર ચાલતા થતા. મધુબાલાનો ફોન રિસીવ ન કરતા અથવા તો અડધી વાતચીતે જ ફોન કાપી નાંખતા. કોઈવાર ભૂલથી કિશોરકુમાર આવીને મધુબાલા પાસે રોકાઈ જાય તો, હ્રદયમાં છેદને કારણે, દર્દથી કણસતી મધુબાલા, પતિ સેવામાં લાગી જઈ, તેમના વાળમાં તેલ ઘસી આપતી, નખ કાપી આપતી,પગ દબાવતી.

જોકે, જેમ દિવસ વીત્યા તેમ મધુબાલાની હાલત વધુને વધુ નાજુક થતી ગઈ.`પલ્મનરી પ્રેશર` વધી જવાથી દર અઠવાડીયે દાક્તરી સારવાર કરાવવાનો ક્રમ થઈ ગયો હતો. સારવારમાં મોડું થાય તો, મધુબાલાને નાક તથા મોં એથી લોહી વહેવાનું શરૂ થઈ જતું.

મધુબાલાની નાની ઉંમરમાં મોતને પાછું ઠેલવા અનેક પ્રયત્ન કરવા છતાં, બિમારીએ મધુબાલાના શરીરને અંદરથી ખાલી કરી નાંખ્યું હતું. આખરે એ ક્ષણ આવી પહોંચી જ્યારે, મધુબાલાની જિંદગી માત્ર કલાકોમાં ગણવાના સંજોગ આવી ગયા. 

એક રાત્રે મધુબાલાની દર્દનાક મરણચીસોએ આખા ભવનને ગજવી મૂક્યું તે સાથે જ,નીચેના માળ પર રહેતી મધુબાલાની બહેન દોડી આવી.

તાબડતોબ આવેલા ડૉક્ટરે, હ્રદયરોગનો ગંભીર હુમલો આવ્યો હોવાનું નિદાન કર્યું. મધુબાલાને અંતિમવાર મળવાની વિનંતી સાથે, કિશોરકુમારને જાણ કરવામાં આવી.કિશોરકુમારને શુટિંગ માટે બહાર જવાનું હતું તેથી તેમણે આવવા આનાકાની કરી. 

જોકે ઘણી વિનંતી બાદ શુટિંગ રદ કરીને કિશોર`દા આવ્યા ત્યારે, `આવું તો અગાઉ ઘણીવાર થયેલું છે,સારું થઈ જશે..!!` તેવું વાંઝણું આશ્વાસન પત્નીને આપ્યું. પતિના પ્રેમને બદલે આ શુષ્ક શબ્દો સાંભળી, દર્દથી કણસતી મધુબાલાએ, ઘરના સભ્યોને કહ્યું,‘इससे कहो, चला जाए यहां से ।’ આ સાંભળીને, કિશોરકુમાર બીજા રૂમમાં સુવા ચાલ્યા ગયા.

તે રાત્રીએ, સવાર સુધીમાં મધુબાલાએ પોતાનું શરીર ત્યાગી દીધું. આખી જિંદગી,સાચો પ્રેમ પામવા તડપતી રહેલી મધુબાલાના શબની આંખોમાંથી,નિષ્ફળ પ્રેમના માનમાં, તેના પ્રાણ છૂટયાના ત્રણ કલાક બાદ, રોકાઈ રહેલાં આંસું નીકળ્યાં ત્યારે, સાંતાક્રૂજના કબ્રસ્તાનમાં, ફિલ્મ જગતની,`ન ભૂતો,ન ભવિષ્યતિ` એવી રૂપસુંદરી સ્વ.મધુબાલાને,`સુપુર્દે ખ઼ાક` કરવાની તૈયારી થઈ ચૂકી હતી.

સફળ પ્રેમના પરિપાકરૂપે, નિર્માણ પામેલ, સંગેમરમરથી નિર્મિત તાજમહાલના પર્યાય સમી, સંગેમરમરથી બનેલી, મધુબાલાની કબર પર, ખૂબ થોડા શબ્દોમાં, મધુબાલાના વ્યર્થ પ્રેમને વ્યક્ત કરતી હોય તેમ,આજેપણ એક ગીતની પંક્તિ, વાંચી શકાય છે.

"ઉમ્રે દરાજ માંગ કર લાયે થે ચાર દિન, દો આરજૂ મેં કટ ગયે દો ઈંતઝાર મેં..!!"

મિત્રો, 

સ્વ.ઓ.પી.રાલ્હનનાં સંસ્મરણમાં સત્ય કેટલું હશે? તેતો, તે લખનાર જ જાણે..!! પરંતુ, એમ જરૂર મનાય છેકે, કોઈપણ કલાકાર જેટલો મહાન તેટલો જ,તે અંગત જીવનમાં દુઃખી..!!

આપણે શ્રીકિશોર`દાને ન્યાય આપવા ખાતર એટલું જરૂર કહેવું પડશેકે, કોઈપણ માનવીના લગ્નજીવનમાં વારંવાર ભંગાણ પડવાથી,તે માનવી સંબંધો પ્રત્યે કાયમ આશંકિત ભાવથી ગ્રસિત થઈ શકે છે.કદાચ, એટલે જ, ભારતના ઐતિહાસિક  કટોકટી કાળ દરમિયાન, એક સરકારી સ્ટેજ શૉ માટે, કેન્દ્રીય મંત્રીને ના કહ્યા બાદ, તેનાં માઠાં પરિણામ ભોગવનાર, ઈન્કમટેક્સના દરોડાની વિવાદિત વૈતરણીને પાર કરનાર, અમિતાભ જેવા કલાકારને, નારાજ થઈને, કંઠ ઉછીનો આપવાનું બંધ કરનાર તથા યોગીતાબાલીએ પોતાની સાથે તલાક લીધા બાદ, મિથુન સાથે લગ્ન કરતાં, મિથુનને પણ પોતાનો કંઠ આપવા મનાઈ કરનાર, જાંબાઝ કિશોરકુમારે, ભીતરના દર્દને, તેમના જ એક ગીત," ઘૂંઘરું કી તરહ બજતા હી રહા હૂઁ મૈં, કભી ઇસ પગ મેં,કભી ઉસ પગ મેં..!!"  ગાઈને વર્ણવ્યું હશે?  

એ પણ સત્ય છેકે, કોઈપણ મહાન કલાકાર આખરે તો માનવ સહજ, સદ્ગુણ-દુર્ગુણથી પોરસાતો-પીડાતો, એક સામાન્ય માનવી જ હોય છે..!!   


( સંદર્ભ-સૌજન્ય- સાભાર; http://mohallalive.com/2011/10/13/tribute-to-madhubala-by-op-ralhan/

માર્કંડ દવે.તા.૧૭-૧૦.૨૦૧૧.

1 comment:

  1. કેમ છો માર્કંડકાકા,
    ઘણા સમય પછી તમારા બ્લોગ ના આંગણે આવ્યો છું. કોઈ પણ કલાકાર જેટલો મહાન તેટલો જ અંગત જીવન માં દુખી તે વાત કિશોર'દા અને મધુબાલા ના જીવન થી જાણવા મળી કિશોર'દા ના ગીત નો હું ચાહક રહ્યો છું. પણ ઘણી બધી માહિતી આજે જાણવા મળી.

    આભાર.
    -માધવ

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.