Friday, January 15, 2010

વેદના નો સાદ.

વેદના નો સાદ.


વેદના નો સાદ જાણે મૌન ને વિંધી ગયો,હા,મહર્ષિ આજે ચાઇલ્ડ હોસ્પિટલ ના બાથરુમ માં મૌન ધ્રુસ્કાં ભરી રહ્યો હતો.છેલ્લા ચાર દિવસ થી પ્રસૂતિગૃહ,ચાઇલ્ડ હોસ્પિટલ,અને ઘર વચ્ચે ઉજાગરા,તાણ અને યાતના નો ભાર ઉંચકી,અથડાતો, કૂટાતો,મહર્ષિ,અત્યંત થાકી ગયો હતો.


સાત દીકરી ના પિતા મહર્ષિએ,શરીરે સાવ કંતાઇ ગયેલી હાલત માં નેહાંગી ને આઠમી ડિલીવરી માટે,ચાર દિવસ પહેલાં,ઘરની નજીક આવેલા પ્રસૂતિગૃહમાં દાખલ કરી,ત્યારે તેના અને નેહાંગી ના ચહેરા પર એક દીકરા ની ઝંખના સાફ દેખાતી હતી.લેબરરુમ માં લઇ જતાં મહર્ષિ ની નજર જાણે નેહાંગી ને કહેતી ના હોય!"બસ.આ છેલ્લો ચાન્સ,હવે નહીં." અને નેહાંગી પણ નજર થી,પ્રેમ થી,હોંકારો ભરી લેબરરુમ માં ગરકાવ થઇ ગઇ.


આ દવા,તે ઇંજેક્શન,વગેરે નાં એક-એક બિલ મહર્ષિને એવાં લાગ્યાં,કે અવતરનાર દીકરો સાત-સાત જન્મો નું ઋણ વ્યાજ સાથે અધિકારપૂર્વક એકસાથે વસૂલ ના કરતો હોય!મૉબાઇલ રણક્યો.દીકરી હોવાના અપરાધભાવ થી પિડાતી મોટી દીકરી આજે કૉલેજ ના ગઇ,નાની છ બહેનો નેહાંગી પાસે આવવા જીદ કરતી હતી.


મહર્ષિ વિચારે ચઢ્યો,"દીકરા વગર નું જીવન નર્ક સમાન." સગાંવહાલાં,પડોશી ના,દબાતા ચંપાતા આ અવાજ,દીકરીઓ માં અપરાધભાવ ના જગાડે તોજ નવાઇ! જોકે,મહર્ષિ કે નેહાંગીએ ક્યારેય,સાતેય દીકરીઓને ઓછું આવે તેવું વર્તન કર્યું ન હતું.કાલની જ વાત લો ને; દીકરો આવે તો ઓપરેશન કરવાની વાત કરતાં જ ઘરના વડિલો તાડૂક્યા,"ખબરદાર!જો એક અક્ષર બોલ્યો છે તો,ના કરે નારાયણને દીકરા ને કાંઇ થઇ જાય તો?"લાચાર થઇ એ ચુપ થઇ ગયો.કોનો પક્ષ લેવો તેની મૂંઝવણમાં,પેટના ભાર ને સાચવતી,નેહાંગી ફીક્કું હસી.


વૉર્ડબોય બોલાવવા આવ્યો,શૂન્યમનસ્કે મહર્ષિ તબીબ મેડમ પાસે યંત્રવત્ પહોંચ્યો ત્યારે હજુ એક આધાત એની રાહ જોતો હતો.આઠમી નવજાત દીકરીને જન્મ સમયે ફેફસાંનું ઇન્ફેક્શન થયું હતું.મેડમે બાજુમાં આવેલી ચાઇલ્ડ હોસ્પિટલમાં એને દાખલ કરવા ભલામણ ચીઠ્ઠી લખી આપી,સાથે આ ખબર હમણાં નેહાંગી ને ના આપવા તાકિદ કરી.


ફરી એજ દવાઓ,ઇંજેક્શન અને દવાનાં બિલ.બબ્બે હોસ્પિટલ,ઘર,વડિલોની તીખી નજર,અને નાની દીકરીઓ ના પ્રશ્નો થી એ થાકી ગયો હતો.


ચાર દિવસમાં તો નવજાત સાથે માયા બંધાતી હોય એમ લાગ્યું,આખરે તો એનો જ પિંડ ને! મહર્ષિ એકીટશે દીકરી ને પિડાતી જોઇ રહ્યો,કેમ જાણે એને એમ લાગ્યું,આ નાનો પિંડ કાંઇ કહેવા મથતો હોય! દીકરી સાથે મહર્ષિની એક નજર થઇ ન થઇ ત્યાંતો સિસ્ટર આવી ઑક્સિજનની નળી સરખી કરી,ડૉક્ટરસાહેબને ઉતાવળે પગલે બોલાવી લાવી.સાહેબે તપાસી માથું ધૂણાવ્યું,"I am sorry mr.Maharshi,she is no more."


મહર્ષિને પેટમાં ચૂંથારો ઉપડી,ઉલ્ટી જેવું લાગવા માંડ્યું.એ બાથરુમમાં દોડ્યો,ચાર દિવસ ની પીડા,યાતના અશ્રુરુપે ખળખળ વહેવા લાગી,"મને માફ કરજે દીકરી,તારી નજરની ભાષા હું સમજી ગયો,પણ તને બચાવી ના શક્યો." સહુ ભેગા થવા લાગ્યા,સ્મશાનમાં નવજાત દીકરીની દફનવિધી કરી,મહર્ષિ જ્યારે ઘેર પહોંચ્યો ત્યારે સર્વેનાં આશ્વાસન તેને તીખાં તીરની માફક ઘાયલ કરતાં હોય તેમ લાગ્યું,એમાંય બાજુમાં રહેતા વૃધ્ધદાદાએ જ્યારે એને કહ્યું,"બેટા,શોક ના કરીશ,ઇશ્વર તને હજી દીકરો આપશે,દીકરી તો એક ખાડા માં થી બીજા ખાડામાં ગઇ."


મહર્ષિ વળતા મક્કમ ડગલે પ્રસૂતિગૃહ મેડમ પાસે પહોંચ્યો,મેડમ નેહાંગી પાસે જ ઉભા હતા,અતિશય વેદના ના સાદે જાણે મૌનને વિંધી ને ચિત્કાર કર્યો,"મેડમ,આપની સલાહ ઑપરેશન કરાવી લેવાની છે ને?આજે જ ઑપરેશન કરી દો.મારે ત્યાંતો પહેલે થી જ સાત દીકરા છે."

નેહાંગી નવજાત દીકરીને ગુમાવ્યાનું દુઃખ દિલમાં દબાવી દઇ,પતિના નવલારુપ ને માણી રહી,એના ચહેરા પર સંતોષ અને ગૌરવ ના ભાવ ઉભરી આવ્યા.

માર્કંડ દવે. અમદાવાદ.તાઃ૦૧-૦૭-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.