Friday, January 15, 2010

લાગણીના લગ્નમંડપ

પ્રિય પ્રિયતમા,

પ્રિયે,તું મને મળી તો પણ ક્યાં..!!
લાગણીના લગ્નમંડપમાં ?

આપણું અંતર ઘટતાંજ અંતર રણક્યું,
તારા ચુંબકીય આકર્ષણના ઘેરાવામાં આવતાં જ,
હું એવો તો ભ્રમિત થયો કે,

બસ આજ છે,
મારા સ્વપ્નની પરી,
મારી સ્વપ્ન સુંદરી,
મારા હ્યદયની રાણી,

પ્રિયે,તને સમજવાની મથામણમાં,
શબ્દ સાવ ધીરજ ખોઇ બેઠા,
તને શણગારવા થનગન કરી ઉઠ્યા.

તુજ શ્વાસમાં આમ્રમંજરી ની સુગંધ ભરી,
તુજ પાંપણમાં લીલા પર્ણ નું ડોલન ભરી,
તુજ નયનમાં પ્રખર વૈશાખની જલન છાંટી,
તુજ નખરાળી લટને અષાઢી શીતળ પવનનો જ્યાં સ્પર્શ આપ્યો..!!

પ્રિયે,જાણે સાક્ષાત વસંતનો અર્ક તુજ એકજ માં સમાયો.

તુજ કર્ણમાં સુમધુર કવિતા કહી,
મુજ ઉરથી પ્રેમભરી સરિતા વહી,
તુજ રસવંતી પ્રણેતાને અગ્ર કરી,
તુજ હથેળીમાં,પ્રેમપ્રસ્વેદ ની જ્યાં ઝણઝણાટ ભરી..!!

પ્રિયે,જાણે સાક્ષાત રંભા રુપ દર્શનનો તેજઃપુંજ ઉઠ્યો.

તુજ માનસ સુરસંગીત ભરી,
બસ ટહુકાનું કોઈ ગીત કહી,
તને કામદેવની રતિ કહી,
તુજમાં જ્યાં ઈશની અનુભૂતિ અનુભવી..!!

પ્રિયે,મુજ ભીતર જાણે બ્રહ્મનાદનો શંખ ગાજી ઉઠ્યો.

તુજ શરમે વાયુની લહેર ભરી,
તુજ કરકમલે નભની મહેર ભરી,
મુજ દિલનો સઘળો વહેમ ત્યજી,
તુજ ઉરમાં પ્રેમજોગનની રહેમનજરથી જ્યાં અમી ભર્યું..!!

પ્રિયે,જાણે સઘળો સદગુણનિધિ તુજ આંગણે ઠલવાઇ ગયો.

તુજ શબદનો અધુરપ ભાર સહી,
મન આનંદનો કોઇ તહેવાર ભરી,
તુજ અંતર નો રણકાર સુણી ,
તુજ નવોઢાનો શણગાર જ્યાં સોળે કળાએ ખીલી ઉઠ્યો.

પ્રિયે,લે મેં તને,વાતવાતમાં,સાવ રમતમાં,
એક નવોઢાની પેઠે શણગારી દીધી.
હવે તો મને આજીવન સ્વીકારીશને?
તારા વગર તો જીવન લાગણીશૂન્ય થઇ જશે.

પ્રિયે,તારું નામ તો લાગણી છે ને?
જા તો,મારું નામ આજથી સ્પંદન,બસ..!!

લાગણીમય સ્પંદન.

વહાલા મિત્રો,મારું અને મારી પ્રિયાનું નવું નામ આપને ભાવ્યું?

શ્રીબડે ગુલામ અલી ખાંસાહેબ ની"મુગલે આઝમ"ફીલ્મની,
મશહૂર ઠૂમરી "પ્રેમ જોગન" રજૂ કરું છું,
http://www.4shared.com/file/139905206/22bf26c2/PREM_JOGAN-BADE_GULAM_ALI.html
ડાઉનલૉડ કરવા ભલામણ છે

માર્કંડ દવે.તા.૧૨-૦૯-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.