Thursday, August 19, 2010

શ્રેણી- ૧૪ ; વિસરાતી વાર્તા- `વાઘ આવ્યો` ; વિસ્તરતી વાર્તા - `કરંટ`

શ્રેણી- ૧૪ ; વિસરાતી વાર્તા- `વાઘ આવ્યો` ; વિસ્તરતી વાર્તા - `કરંટ`


" અબ પછતાયે ક્યા હોત,જબ ચીડીયા ચૂગ ગઈ ખેત?"

=============

`વાઘ આવ્યો`

એક ગામમાં, ઘેટાં,બકરાં,ગાય,ભેંસ પાળનાર, એક ગોવાળિયો રહેતો હતો. તે દરરોજ, ગામની બહાર આવેલા તળાવ પાસે આવેલી, પડતર જમીનમાં, પોતાનાં જાનવરને ચરાવવા માટે, સવારે નીકળી જતો  અને  સાંજના, ગોધૂલિ સમયે, પરત ફરતો.

આ ગોવાળિયાને, બાર વર્ષનો, એક દીકરો હતો. ગામની નિશાળમાં, તેને ભણવા મૂક્યો, પરંતુ સરખું ભણવાને બદલે, તે આખી નિશાળના બાકીના વિદ્યાર્થીઓ અને  ગુરુજનોની ટીખળ-મશ્કરી કરવામાંથીજ  ઉંચો  નહતો  આવતો.

છેવટે, આ છોકરાની દરરોજની  ધિંગામસ્તીથી, કંટાળીને, શાળાના હેડમાસ્તરસાહેબે, ગોવાળિયાના દીકરાને,  અધૂરા અભ્યાસે, નિશાળમાંથી કાઢી મૂક્યો.

જોકે, આમ  થવાથી તો  ઉલ્ટાનું, આ  તોફાની બારકસને  જાણે, મોકળું મેદાન મળી ગયું  હોય તેમ, હવે આખો દિવસ, હરાયા  ઢોરની માફક, આખા ગામમાં, નાનાં-મોટાનો ફરક જોયા વગર, બધાંની સાથે, મજાક-મસ્તી, તોફાન કરવા લાગ્યો.

આખું ગામ તેનાથી કંટાળી ગયું હતું અને તેનો બાપ ગોવાળિયો પણ.

છેવટે, આ ગોવાળિયાએ વિચાર કર્યોકે, "આજે નહીંતો કાલે..!! આ છોકરાને, મારાં ઢોરઢાંખર ચરાવવાનો ધંધો કરવાનોજ છેને..!! તો પછી અત્યારથીજ, તેને શામાટે, જાનવર ચરાવવા ન  મોકલું?  થોડી  જવાબદારી પણ સમજશે અને આખો  દિવસ ગામની બહાર, જાનવર ચરાવશે તો, તોફાન કરતો બંધ થશે..!! ગામવાળાઓને પણ નિરાંત થશે."

પોતાના બાપાનો  નિર્ણય,આ તોફાની છોકરાને,  સહેજપણ ગમ્યો તો નહીં, પણ  બાપાને, તે  ના પણ પાડી શક્યો નહીં..!! કમને તો કમને  પણ, બીજા જ દિવસથી, આ દીકરાને, જાનવર ચરાવવા, તેના બાપાએ, પરાણે ધકેલી દીધો..!!

એકાદ બે દિવસમાં જ, જાનવરને   સાચવતાં, આ છોકરાને આંખે પાણી આવી ગયાં. ગામ બહાર, તેની સાથે, કોઈ વાત કરનાર પણ ન મળવાથી, તે એટલો બધો કંટાળી ગયોકે, " હવે શું કરું તો, આ  અણગમતા કામમાંથી છૂટકારો મળે?" તેમ વિચારી, બીજા દિવસથી, તેણે આસપાસ દૂરદૂર સુધી, ખેતરોમાં કામ કરતા ગામના ખેડૂતોને પજવવાનું મનોમન નક્કી કરી લીધું.

બીજા દિવસે,.પેલો તોફાની છોકરો, જાનવર લઈને સવાર-સવારમાં, ગામ બહાર ચરાવવા ગયો, તો આગલા દિવસના નિર્ણય પ્રમાણે, થોડીવાર પછીજ નજીકના એક ઝાડ પર ચઢી, તેણે  જોર-જોરથી ` દોડો - દોડો, એ  વાઘ  આવ્યો...રે...વાઘ આવ્યો..!!"  કરીને, બૂમો પાડવાનું  શરૂ  કર્યું.

ગામના  આ   છોકરાને, વાઘ ફાડી ખાશે તો? તેવા ડરથી, હાથમાં જે હથિયાર આવ્યું તે લઈને, આસપાસના ખેતરોમાં, કામ કરતા ગામના ખેડૂતો, પેલા છોકરા પાસે દોડી આવ્યા.

પરંતુ, કોઈએ  વાઘને  જોયો  નહીં,તેથી પેલા છોકરાને, વાઘ ક્યાં ગયો? તેમ સવાલ કરતા, પેલો છોકરો, પોતે બધાને કેવા ઉલ્લુ બનાવ્યા..!! તેમ વિચારીને જોરથી-હસવા લાગ્યો.

ઉલ્લુ બનેલા, પેલા ખેડૂતોએ વિચાર્યુંકે, "જો તેના બાપને ફરીયાદ હરીશું તો, તે આ  છોકરાને, ભારે શિક્ષા કરશે..!!"  આ  લોકોએ તેને ફરી આવી મશ્કરી ન કરવાની ચેતવણી આપીને, બધાએ તેને  માફ  કર્યો.

જોકે, બીજા એકાદ - બે દિવસ પછી, ફરીથી આ છોકરાએ, ઝાડ પર ચઢીને, જોર-જોરથી, ` દોડો - દોડો, એ વાઘ આવ્યો...રે...વાઘ આવ્યો..!!"  કરીને, બૂમો પાડી. ફરીથી, આસપાસથી બધા ખેડૂતો મદદે દોડી આવ્યા. પણ છોકરો તો, `આ  લોકોને કેવા ઉલ્લુ બનાવ્યા..!!` કહીને, ફરીથી, હસવા લાગ્યો.

કંટાળેલા ખેડૂતો, બબડતા-બબડતા, પોતપોતાના કામે લાગ્યા. જોકે, કેટલાક ખેડૂતોએ, ગામમાં જઈ આ   છોકરાનાં  કારસ્તાન,  તેના બાપાને  કહી દીધા, તેથી  તેના, ગોવાળિયા બાપે, તેને લાકડી લઈને, બરાબર  માર  માર્યો.

બાપાના મારની અસરથી, થોડા દિવસ, બધું બરાબર ચાલ્યું.

પરંતુ `જેમ કૂતરાની પૂંછડી, છ માસ સુધી,જમીનમાં દાટી રાખીએ  તોય  સીધી  ન   થાય`, તેજ પ્રકારે,  આ છોકરાને, નાની મોટી ટીખળ કરવાનું મન થાય કે  તરત જ  તે,  તોફાન મસ્તી કરીને, જતાં-આવતાં બધાને,  પજવ્યા કરતો.

જોકે, ઈશ્વરને કરવું તે,  એક  દિવસ, આ છોકરો  ઘેટાંબકરાં ચરાવતો હતો   ત્યાં, ખરેખર  એક  વાઘ આવ્યો અને તેનાં ઘેટાં બકરાંના ટોળા પર, વાઘે હુમલો કર્યો.

આ જોઈને, ખૂબ  ડરી ગયેલા, આ  છોકરાએ, ઝાડ પર ચઢીને, જોર-જોરથી, ` દોડો - દોડો, એ વાઘ આવ્યો...રે...વાઘ આવ્યો..!!"  કરીને, બૂમો પાડી

આસપાસ  કામ  કરતા ગામના ખેડૂતોએ, આ છોકરાની  બૂમો સાંભળીને, તે છોઅક્રો, ફરીથી પાછો, બધાની મજાક  જ  કરતો હોવાનું માની, કોઈજ  ખેડૂત, સાચા વાઘથી ગભરાઈ ગયેલા, આ છોકરાની, મદદે દોડી ન  આવ્યા.

છેવટે, થોડીવાર પછી,  વાઘ ન દેખાતાં, ઝાડ પરથી ઉતરી,  આ છોકરાએ  દોડી જઈને,  બધા ખેડૂતોને,  ખરેખર વાઘ આવ્યો  હોવાની  જાણ  કરી, ત્યાં સુધીમાં ઘણુંજ  મોડું  થઈ  ગયું  હતું.

અચાનક આવેલો, વાઘ આ  છોકરાનાં, ઘેટા  ટોળામાંથી એક  ઘેટાને  મારી નાંખી,  મોમાં  દબાવી,  ઢસડીને,  દૂર  જંગલમાં, ચાલ્યો  ગયો  હતો.

હવે,  પોતાની મજાક - મશ્કરી, તોફાન - મસ્તી કરવાની કુટેવ પર, પેલા છોકરાને, ઘણોજ  પસ્તાવો  થવા લાગ્યો.

પોતાની અગાઉ કરેલી ભૂલો પર, તેણે  સહુની  માફી  માંગી. બીજાજ   દિવસથી તે સુધરી ગયો  અને  આગળ  અભ્યાસ માટે  શાળાએ પણ  નિયમિત જવા લાગ્યો.

ઉપસંહારઃ- કોઈ  નિર્દોષની સાથે,  મજાક-મસ્તી, તોફાન  કરવાની  ટેવ  સારી  નથી. તેનાથી, ક્યારેક, આખરે  પોતાનેજ  ભારે  નુકશાન સહન કરવાનું આવે છે.

==========

વિસ્તરતી વાર્તા - `કરંટ`

મિસ્ટર વાઘમારે સાહેબ, આજે ઑફિસમાં આવ્યા ત્યારથી ઘણાજ આનંદમાં જણાતા હતા. લગભગ વાઘમારેનીજ  ઉંમરના, તેમના લંગોટીયા મિત્ર અને `વાઘમારે  કૅમિકલ્સ ટ્રેડીંગ કું.`ના, ચીફ ઍકાઉન્ટન્ટ શ્રીગુપ્તાજીએ  તો, છેવટે ન જ રહેવાતાં, હળવેકથી,  વાઘમારેસાહેબના, મનમાં  વ્યાપેલા, આનંદનું  રહસ્ય પૂછી  જ  લીધું.

" અરે...!! ગુપ્તાજી, મીઠાઈ બાંટો,મીઠાઈ..!! આજે મારો દીકરો આકાશ, પરદેશથી,  M.B.A. ની ડીગ્રી  મેળવીને, આવે છે. હવે  મારે, રિટાયર્ડ થવામાં સહેજપણવાર લગાડવી નથી. આવતીકાલથી, હું   છુટ્ટો...!!  પણ  હા, તમારે આકાશને  સંભાળી લેવાનો, તમે  એમ ન કહેતા  કે, હું રિટાયર્ડ થાઉં એટલે, તમે  પણ રિટાયર્ડ થવા ધારો છો...!!  આકાશ, ધંધાનો બરાબર જાણકાર ન  થાય ત્યાં સુધી, તમારે  રિટાયર્ડ થવાનું નામ નહીં લેવાનું,  હા..!!"

" સાહેબ, તમે તો મને બોલવાનો મોકો આપ્યા વગર જ, ફેંસલો કરી નાંખ્યો, પણ  સાચી  વાતતો એ છેકે, હવે હું  પણ, રિટાયર્ડ થવા માંગુ છું, એટલે માત્ર છ જ માસમાં હું આકાશભાઈને, ધંધાની બધી આંટીઘૂંટી શીખવીને, છૂટો થાઉં, તો  ત્યારે મને રોકતા નહીં." કંપનીના અને વાઘમારેસાહેબના,  આજીવન વફાદાર કર્મચારી કમ મિત્ર,  ગુપ્તાજીએ, એકજ  શ્વાસે, આટલું  કહીને,  વાઘમારેસાહેબને જાણે કે, વચનબદ્ધ કરી લીધા.

" ડન.. ગુપ્તાજી..ડન..!!" આટલું કહીને, વાઘમારેસાહેબે જાણે,  ગુપ્તાજીને   વચન જ  આપી દીધું.

ગુપ્તાજી, પોતાની કૅબિનમાં જઈને, કામે લાગવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ તેમનું મન કામ કરવાને બદલે, બીજાજ વિચારે ચઢી ગયું.

એકજ શાળા અને કૉલેજમાં અભ્યાસ પૂર્ણ   કરીને,  વાઘમારેએ, જ્યારે પોતાના પિતાએ શરૂ કરેલી, `વાઘમારે  કૅમિકલ્સ ટ્રેડીંગ કું.` નો વહીવટ હાથમાં લીધો ત્યારે, ધંધાના નામે, માત્ર બે-ચાર રડ્યા-ખડ્યા, ઉધાર માલ  માંગનારા,  કૅમિકલના,  કેટલાક લેભાગુ, વેપારીઓ  સિવાય, તેમની ઑફિસનાં પગથિયાં કોઈ ચઢતું નહતું.

જોકે, નાનપણથીજ, સાવ સુદામા અવસ્થામાં જીવતા, ગુપ્તાજીની લાગણી, સિદ્ધાંતવાદી વિચારસરણી અને  વફાદારીના સદગુણને  પારખી ગયેલા, શ્રીકૃષ્ણના અવતાર જેવા, મિત્ર  વાઘમારેએ, જીગરજાન મિત્ર ગુપ્તાજીને  સાથે  લઈને, ચીફ ઍકાઉન્ટન્ટ ની  પોસ્ટ ઉપર,  ઉંચા પગારથી,  નોકરી  આપીને, ઘંઘામાં, માત્ર વીસ જ  વર્ષમાં,  એવોતો  ચમત્કાર  કરી  બતાવ્યો કે, તેમની કંપની ભારતભરમાં, વાર્ષિક  ૧૦૦  કરોડ, કરતાં વધારે  રકમનું,  ટર્નઓવર કરતી થઈ ગઈ હતી.

જો, તે બંને મિત્રોએ, ધાર્યું હોત તો, ધંધો તો  આજે છે, તેના કરતાંય અનેક ઘણી, મોટી રકમનો વધારી શક્યા હોત. પણ જીવનની શાંતિ ન હણાય, તે માટે તેમણે    ધંધામાંય, સંતોષની એક  લકીર ખેંચી હતી.  નિશ્ચિત  રકમથી વધારે ધંધાની લાલચ તેમણે ક્યારેય કરી નહી.

આમેય નાનપણથીજ, રૂપિયાની રેલમછેલમાં ઉછરેલા, માથાભારે, જીદ્દી અને  ઘમંડી સ્વભાવના  દીકરા   આકાશને લઈને, વાઘમારે આમ પણ ટેન્સનમાં રહેતા હતા. આકાશ નાનપણથીજ, ભાંગફોડિયા સ્વભાવનો હતો. ગમે તેને, ગમે ત્યારે, ઉદ્ધતાઈપૂર્વક વર્તીને, અપમાનજનક સ્થિતિમાં, મૂકી દેવા તે, જ તેની સાચી ઓળખ હતી.

છેવટે કંટાળીને, મિ.વાઘમારેએ આકાશને કંટાળીને, જેમતેમ પોસ્ટ ગ્રેજ્યુએશન કરાવીને, એક વેપારી મિત્રના સગાને ત્યાં,  U.K. માં આગળ અભ્યાસ અર્થે,રીતસર ધકેલી જ દીધો.

U.K. થી આવીને, પિતાની ઈચ્છાઅનુસાર, ઑફિસનું કામકાજ સંભાળતાં, આકાશને લગભગ છ માસ થવા આવ્યા હતા, જોકે. ત્યાં સુધીમાં તો, ઑફિસમાં ઘણા ફેરફાર થઈ ગયા. કેટલાય જુના કર્મચારીઓ, ઑફિસમાં, આકાશ શેઠના, ખરાબ વર્તનથી નોકરી બદલવા, વિચારતા થઈ ગયા.

યુવાન આકાશશેઠ, યુવાનીના નશા અને નાનપણથી પડેલી  ખરાબ આદતવશ, કોઈની પણ ઉંમરનો ખ્યાલ રાખ્યા વગરજ, સાવ નજીવી વાત કે ભૂલમાં, કર્મચારીને મૅમો, શૉકોઝ નોટિસ આપીને, તેને પાણીચું (બરતરફ) , પકડાવી દેવાની, આખો દિવસ, સતત ધમકી ઉચ્ચાર્યા કરતા.

જુના કર્મચારીઓને, આવા ટેન્શનભર્યા વાતાવરણમાં, કામ કરવાનો ઉમંગ જ મરી પરવારતો.

ઑફિસના જુના વફાદાર સ્ટાફને, વધારે દુઃખ તો ,ત્યારે ખૂબ થતું, જ્યારે તેઓ,  આવા માથાભારે આકાશ શેઠને, જાહેરમાં, તેમના પિતા સમાન, ગુપ્તાજી સાથે પણ, ઉદ્ધતાઈથી અપમાનજનક રીતે વર્તતા જોતા..!!  ગુપ્તાજીને પણ હવે રિટાયર્ડ થઈ જવા, નાનાશેઠ કાયમ દબાણ કર્યા કરતા.

આ બાબતની, ફરિયાદ તો છેક, મોટાશેઠ  મિ. વાઘમારે સુધી પણ, પહોચી ગઈ. પરંતુ, પુત્રપ્રેમ પાસે, તે લાચાર બની જતા અને ફરિયાદ કરવા આવેલા જુના, વફાદાર સ્ટાફને, `સમય રહેતાં, આકાશ આપોઆપ સુધરી જશે..!!`, તેમ અષ્ટમપષ્ટમ  સમજાવીને  વિદાય  કરતા.

છેવટે, એક દિવસ ન બનવાનું બની ગયું. વધારે અપમાન સહન ન થતાં, આખરે  એક દિવસ, ગુપ્તાજીએ પોતેજ સમજીને, રાજીનામું, ઘેરથી મોકલાવી દીધું અને આકાશે તેને મંજુર પણ કરી દીધું.

આ બાબત જાણીને, અત્યાર સુધી, ગુપ્તાજીની શરમે, અપમાન સહન કરીને પણ, ટકી રહેલા સમગ્ર સ્ટાફે,  નાનાશેઠના માનસિક ત્રાસને કારણે, સ્વૈચ્છિક હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો..

દરરોજ આખા સ્ટાફને, `વાઘ આવ્યો..રે..વાઘ આવ્યો..!!`, ની જુની વાર્તાની માફક, નોકરીમાંથી બરતરફ કરીને, સ્ટાફને ઘેર બેસાડવાનો ભય અને ત્રાસ આપતા, નાનાશેઠ આકાશ, બીજા દિવસે, જ્યારે પોતાની ઑફિસે સવારે, હાજર  થયા ત્યારે, જુના પટાવાળા મોહન સિવાય, પોતાના સ્ટાફના એક પણ માણસને, ઑફિસમાં હાજર ન જોયા.

નિવૃત્ત થયેલા મોટાશેઠ મિ.વાઘમારે અને નાના શેઠ આકાશની, આખા  દિવસની દોડઘામ અને સમજાવટના અંતે, એક-બે ગણ્યાગાંઠ્યા, કર્મચારી કામ પર, પરત ફર્યા.

જોકે, આ બધી ગડમથલમાં, પંદર દિવસ, વીતી ગયા.હેડ ઑફિસમાં, જાણકાર કર્મચારીઓના, અભાવે ફેલાયેલી અંધાધુધીને કારણે, ભારતભરમાં ફેલાયેલી, કંપનીની અન્ય બ્રાન્ચઑફિસમા, પણ આ હડતાળના પડઘા પડ્યા.

એટલુંજ નહી. હરિફ કૅમિકલ કંપનીમાંથી એક કંપનીએ,  ઉંચા હોદ્દા, સારા પગાર   અને  ઉદાર શરતોથી,  મિ.ગુપ્તાજીને,  કામે રાખવાની તક ઝડપી લેતાંજ, `વાઘમારે કૅમિકલ્સ ટ્રેડીંગ કંપની`નાં વળતાં પાણી, એકજ માસમાં, શરૂ થઈ ગયાં.

આજે, નાના આકાશશેઠને ઑફિસ જોઈન કરે અને  ધંધો સંભાળે, એક વર્ષ થયું છે ત્યારે  ફરીથી,  `વાઘમારે કૅમિકલ્સ ટ્રેડીંગ કંપની`તેના જુના ગ્રાફ પર આવી ગઈ છે, જ્યાં ધંધાના નામે, માત્ર બે-ચાર રડ્યા-ખડ્યા, ઉધાર માલ  માંગનારા,  કૅમિકલના,  કેટલાક લેભાગુ, વેપારીઓ  સિવાય, તેમની ઑફિસનાં પગથિયાં કોઈ ચઢતું નથી.

કાશ, આકાશને, પરદેશના ઉચ્ચ શિક્ષણની સાથે, ઉચ્ચ માનવીય વ્યવહારનું પણ શિક્ષણ મળ્યું હોત તો, કર્મચારીઓના સામુહિક રાજીનામાનો, સાચો વાઘ આવીને, `વાઘમારે કૅમિકલ્સ ટ્રેડીંગ કંપની`,નામના દુધાળા ઢોરને, ભરખી ન જાત..!!

પરંતુ, મિ.વાઘમારે, " અબ પછતાયે ક્યા હોત,જબ ચીડીયા ચૂગ ગઈ ખેત?"

કાંઈ સમજ્યા?

માર્કંડ દવે. તાઃ ૧૯ જુલાઈ ૨૦૧૦.

1 comment:

  1. નાનપણ ની યાદ અપાવી દીધી. નાના હતા ત્યારે ભણવામાં આ વાર્તા આવતી અને બહુજ ગમતી. વાર્તા દ્વારા ખુબજ સચોટ મર્મ કેહવામાં આવેલ છે.

    અભિનંદન સાથે આભાર.

    અશોકકુમાર

    'દાદીમાની પોટલી' http://das.desais.net

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.