Sunday, March 14, 2010

બાર રૂપિયા

બાર રૂપિયા

" આંખની કાંખમાં શમણું તેડ્યું..!!
   કોઈએ  પ્રિતમાં રમણું  ફેડ્યું..!!"


કાંખ = બગલ;  રમણું = રમત;   ફેડવું = પૂરૂં કરી નાખવું.

==========

( પ્રિય મિત્રો, ત્રણ દિવસ અગાઉ, જાણવા મળેલી,સન- ૧૯૭૦ની એક સત્ય ઘટનાની વાત. પાત્રોનાં નામ કાલ્પનિક છે.)

કેયુર આજે ખૂબ આનંદમાં હતો. લગ્ન પછી,  છેક બે વર્ષ વીતીગયા બાદ, આજે પહેલીવાર તેને ત્યાં, વેકેશન માણવા,તેને પ્રાણથીય વહાલી, પોતાની નાની બહેન પ્રભા આવવાની હતી. સાથે તેનો ગોળમટોળ, નાનો રૂપાળો ભાણો, પ્રેમ પણ આવવાનો હતો. કેયુરની સાથેજ રહેતી વિધવા બા પણ ખૂશ હતી.

કેયુર હજુ કુંવારો હતો.પોતે ફક્ત એક રૂમ રસોડાના, નાના મકાનમાં ભાડે રહેતો હતો અને હમણાંજ  B.COM. કરીને, એક ખાનગી કંપનીમાં બે હજારની નોકરીમાં  જોડાયો હતો. જોકે પ્રભા આવવાની છે તે સમાચાર મળતાંજ, કેયુર અને બા થોડાં ચિંતામાં જરૂર આવી ગયાં હતાં. કેયુરે બે દિવસ પહેલાંજ કરિયાણાવાળા અને  બીજાં વેપારીનાં, પરચૂરણ બીલ ચૂકવી દીધા પછી, તેની પાસે, હવે માત્ર  બસો ત્રીસ રૂપિયા અને થોડા છૂટા પૈસા પડ્યા હતા.

લગ્ન પછી બહેન પહેલીવાર પોતાને ત્યાં આવે આવે અને પોતે બહેનને એક સરખી સાડી પણ ના લઈ આપે તે કેમ ચાલે? પાછું ભાણીયાના હાથમાં પણ કૈંક મૂકવું પડે.

અરે...!! બાએ  જ તેને યાદ કરાવ્યુંકે, ભલે જમાઈ કૌશલ ના આવ્યા હોય પણ તેમનેય, રોકડા નહીં તો એકાદ પેન્ટ કે શર્ટનું કાપડ મોકલવું પડે, નહીંતર બહેન પ્રભાને, તેની સાસરીમાં, સાવ નીચાજોણું થાય.જોકે, બનેવી કૌશલની નોકરી તો સારી હતી.એટલે તેમને આવી બધી તમા ન હતી.

છેવટે, ઈશ્વરને ભરોસે સંજોગને છોડીને, આ બઘી ચિંતા ત્યજી,  કેયુર, પ્રભાને લેવા બસસ્ટેન્ડ પર પહોંચ્યો. પોતાની એકની એક વહાલી, નાની બહેનને, બસમાંથી ઉતરતી જોતાંવેંત, તેને હ્યદયમાં ઉમળકો ઉઠ્યો.તેણે તરતજ નાના ભાણીયા પ્રેમને,પ્રભાના હાથમાંથી તેડી લીધો. બસસ્ટેન્ડથી સાવ નજીક મકાન હોવા છતાં, તેણે રિક્ષા કરી.

એક વર્ષનો ભાણો, જાણે મામાને ઓળખી ગયો હોય તેમ, તેની સાથે, હોંકારાની ભાષામાં વાર્તાલાપ કરવા લાગ્યો. મામા, ભાણાને, એકમેક સાથે, ગેલ કરતા જોઈને પ્રભાની આખમાં હેતનાં વાદળ ઉમટ્યાં, તે અમી  ભરેલી નજરે, કેયુરને જોઈ રહી.

ઘર આવતાંજ, રિક્ષા ઉભી રાખી, કેયુર રિક્ષાવાળાને ભાડું ચૂકવે ત્યાંતો બાએ દોડી આવીને, પ્રેમના ગાલ પર બચ્ચીઓ કરીને, તેને વહાલથી ગૂંગળાવી દીધો. બધાં સામાન સાથે, ઘરમાં પ્રવેશ્યાં. કેયુર પ્રેમને રમાડવામાં પડ્યો  અને મા દીકરી એકબીજાના ક્ષેમકુશળ પૂછીને, સુખ દુઃખની વાતોમાં ગૂંથાઈ ગયાં.

આનંદમાં  ને આનંદમાં,  અલકમલકની વાતોમાં, બે દિવસ ક્યાં પસાર થઈ ગયા, તેનો પ્રભા અને કેયુરને ખ્યાલ જ ના રહ્યો.,જોકે ભાણાને આઈસક્રીમ, રમકડાં અને બહેનને માટે મિષ્ટાન, હોટલમાં નાસ્તો, વગેરેમાં પેલા બસો ત્રીસ રૂપિયા  ક્યારે ખર્ચાઈ ગયા, તેનો પણ કેયુરને ખ્યાલ ના રહ્યો..!!

કેયુર અને બા મૂંઝાવા લાગ્યાં. પ્રભા અને ભાણો તો, બીજા વીસ દિવસ જેવું રહેવાનાં હતાં, અને હજુ  બહેનની સાડી, ભાણાનાં વસ્ત્રો અને બનેવીને માટે કાપડ ખરીદી તો બાકી હતી. હવે શું  કરવું...!!

બાએ કેયુરને પુછી જોયું જો, તેની કંપનીમાંથી, તેને થોડો એડવાન્સ પગાર-ઊપાડ મળી શકે તો ? પણ કેયુરે જણાવ્યુંકે, તેણે આ પ્રયત્ન કરી જોયો હતો. પણ નવીસવી નોકરી હોવાથી, સાહેબે  ઊપાડની ના પાડી, ઉપરથી સોનાની જાળ સાવ પાણીમાં ગઈ તે સાવ અલગ..!!

ભાઈના ઘરમાં, કેયુરના નાણાંકીય સંકટને કારણે, ઊભી થયેલી ચિંતાનો ખ્યાલ, પ્રભાને બે જ દિવસમાં  આવી ગયો. ભાઈને મૂંઝવણ અને  ચિંતામાં ન જોઈ શકતાં, પ્રેમાળ પ્રભાએ પોતાની સાથે, લાવેલા હજારેક રૂપિયા, કેયુરના હાથમાં,કશુંય બોલ્યા વગર મૂકી દીધા. કેયુરને શરમ આવી.તેણે આ રૂપિયા લેવાની ઘસીને ના પાડી,તો કેયુરને, ભાણાના સમ આપીને છેવટે, પ્રભા પરત જાય ત્યારે પાછા લેવાની શરતે, રૂપિયા આપીનેજ તે ઝંપી. 

હવે ભાઈ કેયુરે, બહેન પ્રભા માટે, તેને ગમી તેવી સાડી, ભાણા માટે બાબાસૂટ અને બનેવી કૌશલ માટે પેન્ટ-શર્ટનું કાપડ ખરીદ્યું. બહેનને, બાગ બગીચા અને અન્ય જોવાલાયક પ્રખ્યાત મંદિરમાં દેવદર્શન કરાવ્યાં. એકદમ આનંદમાં અને રંગેચંગે બીજા દસ દિવસ ક્યાં પસાર થઈ ગયા, તે ધ્યાન જ ના રહ્યું,. જોકે બહેને આપેલા રૂપિયા પણ સાવ ચટણી થઈ ગયા હતા. ફરીથી ઘરમાં  સાવ છૂટા પૈસા સિવાય કશું નહતું બચ્યું.

જોકે, આ દરમિયાન, કેયુરને એક મિત્ર સાથે, રૂપિયા ઊછીના લેવા માટે વાત થઈ હતી,તેથી તે નિશ્ચિંત હતો.

બા તો બિચારી, પ્રેમ અને દીકરી પ્રભાને જાણે ફરી  ક્યારે  મળવા- વહાલ કરવા મળશે, તેમ સમજીને, બંનેની સાથે આનંદપ્રમોદ અને શક્ય તેટલો વધારે સમય પસાર કરવાનો પ્રયત્ન કરતી હતી. દરરોજ સાંજે, કેયુર પોતે પણ  નોકરીએથી પરત આવીને, આ લોકોના આનંદમાં સહભાગી થતો હતો.

જોકે, આજે સાંજે,નોકરી પરથી, તે ઘેર આવ્યો, ત્યારે બહેન  પ્રભાએ, બનેવી કૌશલનો પત્ર આવ્યાની જાણ કેયુરને કરી.

કૌશલને, આંખના ખૂણે મોટી આંજણી (પાંપણના મૂળ આગળ થતી ફોલ્લી) થઈ હતી અને વેદનાને કારણે તેઓ સરખું સૂઈ પણ નહતા શકતા. તેમણે પ્રભાને પત્ર મળતાજં, પરત બોલાવી હતી,. કદાચ ત્યાં નાનું ઑપરેશન કરી, ચેકો મૂકીને, આંજણીનો ઈલાજ કરવો પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી.

ભાઈની પરિસ્થિતિ અને નાંણાંકીય સંકટથી વાકેફ, સમજુ બહેને કહ્યું," ભાઈ તું ચિંતા ના કરીશ, મેં તને જે રકમ આપી છે, તે તું ન આપે અથવા ગમે ત્યારે આપે તો ચાલશે, મને ઘેર પહોંચવા માટે, બસભાડા જેટલા, ફક્ત દસ-બાર રૂપિયા ક્યાંકથી, લાવી આપ. મારે તાત્કાલિક પરત જવું છે.મારો જીવ બળે છે. મને ખબર છે, તારા બનેવીથી પીડા સહન નહીં થતી હોય તોજ પત્ર લખ્યો હશે..!!"

સાંજ પડવા આવી હતી.કેયુર ઉતાવળે, પેલા મિત્રને મળવા દોડ્યો, જેણે કેયુરને રૂપિયા ઉછીના આપવાનો ભરોસો આપ્યો હતો.પણ જાણે આપત્તિ આવે ત્યારે, ચારેબાજૂથી આવે તેમ, તે  મિત્ર, ધંધાના કોઈક કામે, બહારગામ ગયો હતો  અને બીજા બે દિવસ પહેલાં પરત ફરવાના અણસાર નહતા.

કેયુરે હવે, રૂપિયા ઉછીના ના માંગી શકાય તેવા માણસો પાસેથી, પણ નાણાં ઉધાર માંગી જોયાં.પણ જાણે ભાગ્ય રૂઠ્યું હતું, બધાએ, જાતજાતની લાચારી બતાવીને, નનૈયો ભણ્યો.

સાવ ઉદાસ ચહેરે,છેક રાત્રે એક  વાગે, રખડી રઝળીને, ભૂખ્યો તરસ્યો કેયુર ઘેર આવ્યો, ત્યારે  બહેન પ્રભા અને ભાણો સૂઈ ગયા હતા.

ચિંતિત પણ આશાતૂર ચહેરે,  બા એકલી દીકરા કેયુરની રાહ જોઈને જાગતી હતી. જોકે, કેયુરનો ઉદાસ ચહેરો જોઈને, બાને ખ્યાલ આવી ગયોકે, બાર રૂપિયા જેવી નાની રકમની સગવડ પણ કેયુરથી થઈ શકી નથી.

દીકરા કેયુરને વધારે કાંઈ પૂછીને, તેના મનને ક્લેશ પહોંચાડવાને બદલે, બા એ કેયુરને, થોડું નાસ્તા જેવુંય, પેટમાં નાંખીને જ સૂવા જવા કહ્યું તો, નાના રૂમમાં, અવાજ  થાય તો ભાણીયો,કાચી ઊંઘેં જાગી જાય, કકળાટ કરે અને બહેન આખી રાત ચિંતામાં જાગે..!! તેના કરતાં, કેયુરને ભૂખ્યા સૂઈ જવાનું વધારે યોગ્ય લાગ્યું તેથી તેણે જમવાની ના પાડીને, તે બહાર ઓટલા ઉપર સૂવા જતો રહ્યો.

સવારે બહેન પ્રભા જાગે તે પહેલાંજ ઊઠીને કેયુર ફરીથી, બાર રૂપિયાની વ્યવસ્થા કરવા, ઘરની બહાર નીકળી ગયો, આજે  સવારે ન  થાય  તો છેવટે, બપોરની બસમાં પણ, બહેન પ્રભાને  તેના ઘેર મોકલવી પડે નહીંતર, બનેવી  કૌશલ, પ્રભા માટે કેવું વિચારે?

વહેલી સવારે, સોસાયટીની બહાર નીકળીને, નાકા ઉપર આવેલી, તેની કાયમી બેઠક સમાન, "ચામુંડા  હેર કટીંગ સલૂન" ના ઓટલે બેસીને, કેયુર બીજા એવા મિત્રોનાં નામ યાદ કરવા લાગ્યોકે, જેની પાસે, તે  ઉછીના રૂપિયા માંગી શકે ?

પરંતુ, આવા સમયે કેયુરને, કોઈ મિત્ર કે સંબંધીનું,  નામ યાદ આવતું નહતું અને જેમનાં નામ યાદ આવતાં હતાં તેઓ, કેયુરને ક્યારેય રકમ ઉછીની આપી શકે તેમ નહતા. સાપને ઘેર સાપ પરોણો થાયને, તેવુંજ કૈંક..!!

સવારના આઠ થવા આવ્યા હતા. સોસાયટીના નાકે, દુકાનો ખૂલવા લાગી હતી. એટલામાં ચામૂંડા હેરકટીંગ સલૂનના માલિક / કમ કર્મચારી / કમ સહુના કૉમેડીયન સમા, નામે બાબુલાલ પારેખ આવીને, દુકાન ખોલવા લાગ્યા. દુકાન ખોલતાં-ખોલતાં તેમણે કેયુરને ઉદાસ અને ચિંતાતૂર ચહેરે બેઠેલો જોઈને, કારણ પૂછ્યું.

કોણ જાણે કેમ..!! પણ આ  દસ દિવસમાં બનેલી બધીજ ઘટના અને બાર રૂપિયાની તાતી જરૂરિયાતની વાત, કેયુરના મોંઢેથી, બાબુલાલ પાસે નીકળી ગઈ.

બાબુલાલે દુકાનનું શટર ઊંચુ કરવાનું રહેવા દઈને, ખિસ્સામાંથી તરતજ, બાર રૂપિયા કાઢીને ચૂપચાપ કેયુરના હાથમાં મૂકી દીધા.

કેયુર વિચારે ચઢ્યો, " સાલું..!! બાબુલાલ એટલે જીવતું જાગતું અખબાર, રેડીયો છે. હવે અહીં સોસાયટીના જેટલા માણસો દુકાને આવશે તે તમામને મારી લાચારીના સમાચાર મળી જશે તો જગ  હાઁસી થશે. આ બાર રૂપિયા સ્વીકારું કે ના સ્વીકારું?"

જોકે, બાબુલાલ, કેયુરના મનનું આ દ્વંદયુદ્ધ સમજી ગયા હોય તેમ કહ્યું, " કેયુરભાઈ, તમારી બહેન એ મારી પણ બહેન કહેવાયને...!! જાવ ઘેર, મોડું ના કરશો. તમારો પગાર થાય એટલે મને બાર રૂપિયા પાછા આપી જજો, બસ..!!"

કેયુર તરતજ ઘર તરફ દોડ્યો. રિક્ષા કે કૂલીના પૈસા બગાડ્યા વગરજ,ભાણાને અને સામાનને જાતેજ ઉંચકી લઈને, બા  અને  બહેન પ્રભાને સાથે લઈ, બસસ્ટેન્ડે પહોંચ્યો.

બહેન પ્રભાને સાસરીયે જતી બસમાં બેસાડી, સામાન ગોઠવી, નીચે બા ની સાથે,` આવજો` કહેવા ઊભો રહ્યો ત્યારે, ભાણો પ્રેમ, મામા પાસે આવવા, હાથ લાંબા કરીને ,જીદ્દ કરતો હતો.

બસ ઉપડી અને બસ સ્ટેન્ડના ઝાંપા પાસેથી,  બસ રૉડ પર વળી ત્યારે, એક ક્ષણ માટે, ભાઈ બહેનની નજર એક થઈ. કેયુરને જાણે એમ  લાગ્યુંકે, તેની વહાલી નાની બહેને, તેને બાર રૂપિયાની સગવડ કરીને,સમયસર બીમાર પતિ પાસે મોકલવા બદલ, આશિર્વાદ સાથે  આભાર માન્યો હોય...!!

જોકે પોતાની વહાલી બહેન, પોતાને ઘેર આવે ત્યારે તેને ઓછું ન આવે તે માટે, આંખની કાંખમાં, અનેક શમણાંને  તેડનારા, કેયુર ને આંખ ચોળતો જોઈને,

બાએ પૂછ્યું," બેટા, રડતો નથીને?"

ત્યારે, કેયુરે જવાબ આપ્યો," ના રે ના, બા..!!  આ તો બસ ઉપડીને તેથી આંખમાં ધૂળ ઊડી છે..!!"

જોકે, બા ધૂળ અને લાચારીનાં આંસુને, ન ઓળખે તેટલી ભોળી થોડીજ છે ?

જવા દોને આ  વાત..!!  જગત આખાયની બા અને બહેનો આવીજ હોય છે.

પણ મને તો પ્રશ્ન એ થાય છેકે," સાલું, બધા બાબુલાલ પારેખ આવા હશે ખરા ? જે બોણી કર્યા વગર સવાર-સવારમાં કોઈને ઉધાર પૈસા આપે ?"

આપને આ  સવાલનો જવાબ મળે તો, મને કહેશો પ્લી...ઝ..!!

 હું  બહું  મૂંઝાઉં  છું   ભા..ઈ..!!

માર્કંડ દવે.તા.૧૪-૦૩-૨૦૧૦.
===================

3 comments:

 1. એક સિધ્ધ હસ્ત લેખકની જકડી રાખતી

  અને માવતરની ભીંની લાગણીથી રંગતી

  સરસ વાર્તા. બા ને ખબર પડે જ ,ધૂળ કેવી ઊડે?

  અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)
  નમન સૌ આઝાદીના લડવૈયા…રમેશ પટેલ(આકાશદીપ)

  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  ReplyDelete
 2. આ લઘુ વાર્તા વાંચ્યા પછી તમારા પ્રશ્ન નો જવાબ તો નથી ખબર, પણ જીવન મા એકવાર બાબુલાલ બનીને કોઈ ને મદદ જરૂર કરીશ.

  A very good example of expressing sentiments... till end.

  ReplyDelete
 3. મદદ કરાય કે ના કરાય, પણ કોઈ મદદ માંગવા આવી શકે એટલી ગુણવત્તા જરૂર કેળવી શકાય.

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.