Thursday, July 8, 2010

માલ- બદલો.

માલ- બદલો.


" એકવાર વેચેલો  માલ,  પાછો લેવાશે નહીં,
  ઈશ્વરનો મૉલ છે ચાલ,  પાછા જવાશે નહીં..!!"


==========

પ્રિય મિત્રો,

કોઈ દિવસ એકવાર ખરીદીને લાવેલો માલ, કોઈપણ કારણસર ,આપ  બદલાવવા ગયા છો ખરા? ખરેખર, આ કાર્ય કદાચ દુનિયાનું સહુથી અઘરું કાર્ય છે.

કોણ જાણે કેમ...!! અમારા ઘરમાં,  ઘરનાં સર્વે,  મારા બાળપણથી જ,  મારામાં એવી તે કઈ શક્તિને જોઈ ગયાં હશેકે, બજારમાંથી લાવેલી, કોઈપણ ચીજવસ્તુને, બદલાવવા જવાની જરૂર પડે ત્યારે,  સહુથી પહેલી, મારા નામની બૂમ પાડે..!!

આમેય, મારો સ્વભાવ પહેલેથી, ઘણોજ શરમાળ,  તેમાં વળી ઘરનાં માણસોએ,  ભૂલથી લાવેલી ભળતીજ, ખરાબ વસ્તુઓને, મારે વેપારી પાસે બદલાવવા જવાનો, ઘરમાં, વણલખ્યો રિવાજ..!!   મારી અવદશાનો, જાણે પાર નહીં..!!

મને યાદ છે, જીવનમાં પહેલીવાર, આશરે આઠ વર્ષની ઉંમરે  મને,  કરિયાણાવાળાને ત્યાં, કોઈક બગડેલી, આવેલી વસ્તુ બદલવા, બા એ  મોકલ્યો.
ચહેરા પર સાવ નિર્દોષ ભાવ ધારણ કરીને, વેપારીને, મેં મારા બાપાનું નામ આપ્યું,  તેથી તેણે સહેજ પણ મોં બગાડ્યા વગર, આનાકાની કર્યા વગર, વસ્તુ બદલી આપી.

જોકે, સફળતાપૂર્વક વસ્તુ બદલાવીને, મેં કઈ મોટી ધાડ મારી હતી..!! તે મને સમજાયું નહીં, પણ ઘરમાં સહુએ,   `હું`   ઘણોજ   `હોંશિયાર`   હોવાનો ભ્રમ કાયમ કરીને, આવી વસ્તુઓ બદલાવવા જવા,  `Commodity  Exchange Officer / વસ્તુ -વિનિમય અધિકારી`ના  હોદ્દે, મને  કાયમી  નિયુક્ત  કરી દીધો.

જોકે, આ એક સફળતાને બાદ ગણીએ તો, ત્યારબાદ આ કાર્યમાં હું ક્યારેય સફળ થતો નહીં, છતાંય, " કામ નહીં કરે તો, આવડશે ક્યારે? ક્યાં સુધી લોકોથી છેતરાતો ફરીશ ?" કહીને, બમણા ઝનૂનથી મને તે કાર્ય સોંપાતું.

મને એ સમજ ન પડતીકે, `હું ક્યારે છેતરાયો...!! ` કારણકે, બદલાવવા જવું પડે તે, વસ્તુ, હું નહીં, ઘરનાં અન્ય સદસ્ય લાવ્યા હોય, તો વેપારીએ, તેમને છેતર્યા ના કહેવાય?  પણ, આપણે ઘરમાં, સહુથી નાના, કાંઈ કહેવા જઈએ અને કોઈ વડીલના હાથે થપ્પડ ખાઈને, અપમાનિત થવું તેના કરતાં, પેલા વેપારીના, અપમાનજનક, બે બોલ સાંભળી લેવા સારા..!!

આમેય, હું  તો, પહેલેથીજ   મોટા  મનનો  તેથી,  વેપારી મારું  અપમાન કરે તો, પેલા બૌદ્ધ ભિક્ષુ આનંદની માફક, હું મન વાળતો  કે,
 " હશે..!! ચાલો, વેપારીએ અપમાનના બે-ચાર શબ્દોજ કહ્યા છેને...!!  મને થપ્પડ તો નથી મારીને..!!"

જેમજેમ  મારી  ઉંમર  વધવા  લાગી, તેમતેમ `Commodity  Exchange Officer / વસ્તુ -વિનિમય અધિકારી` ના   હોદ્ધાની   નિષ્ફળતાની   ટકાવારી  વધવા લાગી. જેમજેમ  નિષ્ફળતા  વધતી  ગઈ,  તેમતેમ   કુટુંબના  સદસ્યોની  જરૂરિયાત  વધવાથી,  વસ્તુઓ  બદલાવવા જવાની ફ્રિકવન્સી પણ વધવા લાગી

જોકે,  વેપારીઓ મને વસ્તુ બદલી આપવામાં, જેમ વધારે આનાકાની કરવા લાગ્યા તેમતેમ, મારા ઘરમાં, મને  આ  કસબ  શીખવીનેજ,   જંપ  લેવાનો  હોય તેમ, હવે  દરેક  અઠવાડિયે,  આવી  વસ્તુઓનું   લિસ્ટ  લાબુંલચક  થવા  માંડ્યું.

HB3ની પેન્સીલ,  કાંકરાવાળી મગની દાળ,  ફાટેલી નોટ,  ખોટો સિક્કો,  ૭૫ ને બદલે ૯૫ની સાઈઝની ગંજી,  ફાટી ગયેલું દુધ,  ખોરું સિંગતેલ,  વગેરે..વગેરે..!!


મારે અત્યંત દુઃખ સાથે નોંધવું પડે છે કે, ગામના મોટા ભાગના વેપારીઓ, મારા  ` વસ્તુ -વિનિમય ઑફિસર`,નો  હોદ્દો ધારણ કર્યાની જાણકારીથી, અંતે અવગત થઈ ગયા.

અને મોટાભાગના વેપારીઓ, તેમની દુકાનમાં, મારી હાજરીથી કંટાળવા લાગ્યા.   સાલું..!! એક નફ્ફટ, નાના છોકરાનું અપમાન પણ કેટલીવાર કરવું..!!

વેપારી માલ બદલી ન આપે તો, ના છૂટકે, ઘરમાંથી, મારા કરતાં મોટા, જે  સદસ્ય હાજર હોય તે મને, સાથે રાખીને, વેપારી પાસે જાતજાતની દલીલો કરીને, બીજા ધક્કે માલ બદલાવતા.

જોકે, તેથી તો ઘરનાં સર્વેને, મનમાં એક શંકા થતીકે, મેં વેપારી સાથે બરાબર દલીલ નહીં કરી હોય..!! બે ધક્કા ખાવા છતાં, હું અંતે `ડફોળ` નો ઇલ્કાબ પામતો.

આવું બે-ચાર વાર થયું, ત્યારબાદ, થોડાસમય પછી, મેં કંટાળીને ,આ ભગીરથ લાગતા  કામમાં,  મારી સાથે અભ્યાસ કરતા, કેટલાક માથાભારે  છોકરાઓની મદદ લેવાનું શરૂ કર્યું.  વેપારીને   તેઓ  શું  કહેતા? શું સમજાવતા ? તેની મને જાણ નથી..!!   પરંતુ, મને દુકાનના ઓટલા નીચે ઉભો રાખી, તેઓ જઈને વસ્તુ, ચોક્કસ બદલાવી લાવતા.

બદલામાં,  તેમને મારે, મને મળતી,  ખિસ્સાખર્ચીમાંથી, મહેનતાણા પેટે,  તે કહે તે વસ્તુ અપાવવી પડતી..!! 
મને ઘરમાં `ડફોળ`નો ઈલ્કાબ મળતો બંધ થયો, તેને હું  નફો ગણતો..!!

છેવટે, એક દિવસ એવો આવ્યો કે,  હું સાવ  ખાલી હાથ હલાવતો, અમસ્તોજ બજારમાં આંટો  મારવા નીકળ્યો હોઉં  તોય, જાણે કોઈ  માથાભારે, કડક સ્વભાવના, સરકારી અધિકારી રૉન મારવા નીકળ્યા હોય તેમ જેતે, વેપારી ગભરાતા.

એટલુંજ નહીં, ગામના બજારના વેપારીઓએ, અમારી ટોળી વિરુદ્ધ, યુનિયન બનાવ્યું હોય તેમ  અમે,  એક દુકાનવાળાનો ઓટલો ચઢીએ  ત્યાંતો, આજુબાજુના બીજા વેપારી, પેલા વેપારીની મદદે દલીલ કરવા આવી જતા..!!

આમતો બધું સમુંસૂતરું ચાલતું હતું, તેવામાં એક દિવસ,  બા એ  મને, બગડેલી ખાટી છાશ બદલાવવા જવા કહ્યું, મારા, પેલા મિત્રોને મેં શોધ્યા પણ, કમનસીબે,  તેઓ મને મળ્યા નહીં.

અંતે, હિંમત કરીને, હું જાતેજ , બગડેલી છાશનું ડોલચું લઈને, વેપારીની દુકાને પહોંચ્યો, મારા બાપાનું નામ લીધું તો તેણે, અજાણ્યા થઈ, " એ વળી કોણ? હું નથી ઓળખતો." તેમ કહી હાથ ઉંચા કર્યા.

મેં અત્યંત નમ્રતાપૂર્વક, છાશ બગડેલી, બટાઈ ગયેલી હોવાનું, જાહેર કર્યું, ત્યાં તો, તે વેપારી મારી પર મોટા અવાજે, અપમાનજનક ભાષામાં ગાજ્યો. જે સાંભળીને,  બાજુની દુકાનમાંથી સાયકલનાં પંક્ચર બનાવતો, `હડફા` જેવો દેખાતો, કારીગર, વગર બોલાવે દોડી આવ્યો.

તે  કારીગરના સવાલના જવાબમાં, મેં તેને છાશ બટાઈ ગઈ હોવાનું કહી, ચાખવાનું કહેતાં,  તે `અડબંગ` જેવાએ,  જેમ ભગવાન શંકર, હસતા મુખે, વિષપાન કરી ગયા હતા,તેજ રીતે,ડોલચું ખોલી, કૂતરું પણ  મોં ના ઘાલે તેવી, સાવ બગડેલી, બટાઈ ગયેલી, બધીજ છાશ, તે  એકજ   શ્વાસે,  ગટગટાવી ગયો.

પછી,   તેના ખમીસની બાંયથી, હોઠ લૂછતાં, તેણે મને  પૂછ્યું," ક્યાંછે બગડેલી..!!   જાય છે કે, દઉં લબોચામાં એક..!!"

આમેય, છાશ તો આ જણ પી ગયો હતો, હવે બદલાવવા જેવું શું રહ્યું? તેમ મનને મનાવી,   માર પડવાની બીકે, ગભરાઈને, બીજેથી મારી ખિસ્સાખર્ચીમાંથી,   ડોલચામાં સારી છાશ લઈને, બોલ્યા વગર, હું ઘર ભેગો થઈ ગયો.

જોકે, આ બધી તો મારી વયસ્ક વય સુધીની જ વિટંબણાની કથા-વ્યથા હતી.

મોટા થયા પછી,  મારાં લગ્ન થતાં સાથેજ, મારા ઘરમાં મારો મોભો બદલાઈ જવાથી, મારા  `Commodity  Exchange Officer / વસ્તુ -વિનિમય અધિકારી`ની ફરજ માંથી, લગભગ મને મૂક્ત કરવામાં આવ્યો. સમય પસાર થતાં, હું આવી કોઈ ફરજ બજાવતો હતો ? તેની પણ, મને વિસ્મૃતિ થઈ ગઈ.

આ  તો હમણાંજ બનેલા, એક બનાવને કારણે, બાળપણના આ હોદ્દાની ફરીથી   યાદ આવી ગઈ.

બન્યું એવું કે, અમારી પડોશમાં એક ભાઈ ગુજરી ગયા. તેમની અંતિમક્રિયા માટે, બીજો કોઈ માણસ, હાથમાં  ન આવતાં, મારા પડોશીનો યુવાન દીકરો, નનામી અને બીજી સાજસજ્જાનો સામાન લેવા, તેના સ્કૂટર પર બેસાડીને, સપ્તર્ષિના આરે, સ્મશાન ગૃહની બહાર આવેલી ફૂટપાટીયા દુકાને, મને લઈ ગયો.

અમે બધી જરૂરી વસ્તુઓ લઈને પાછા ફર્યા, પછી નનામી બાંધનાર, નિષ્ણાત ભાઈશ્રીએ, નનામીમાં ખામી કાઢી કે, " સાવ  આવા પાતળા વાંસની નનામી નહીં ચાલે, મરનારનું શરીર અતિશય ભારે છે..!! જાવ બદલી આવો."

તેજ સમયે, મારી બાળપણની ભૂલાઈ ગયેલી, બીક -ડર -અપમાનજનક સ્થિતિની સ્મૃતિ તાજી થતાં, તેવો  જ  ડર ફરી લાગ્યો. જેથી કરીને, મેં, પેલા નિષ્ણાત ભાઈને, કેટલાક બેવકૂફીભર્યા લાગે તેવા ઉપાય બતાવી, માલ બદલાવવા જવાનું ટાળવાનો ભરચક પ્રયત્ન કર્યો.

પણ, " આ મૂરખ આવા સમયે પણ દલીલો કરે છે?  અને મને વધારે ખબર પડે કે તને?" જેવું વિચારતાં, મારી સામે,  તે એકટસે જોતો રહ્યો ,  તેથી  વળી પાછા હું અને પેલા ભાઈ, પાછા  સ્કૂટર પર, મેં જાણે,  સ્વર્ગે જવા, ઉભી આસમાને અડતી, સીડી પકડી હોય,  તેવા ભાવ સાથે, નનામી બદલાવવા દોડ્યા.

જોકે, ન પેલા વેપારીએ મોં બગાડ્યું, ન  અમારું અપમાન કર્યું. ઉપરથી, અમને સદભાવપૂર્વક કહ્યું, " મને પહેલાં કહ્યું હોત તો, તમારે ખોટો ધક્કો ના ખાવો પડતને..!!"

આજે હું  છાતી ઠોકીને કહું છું કે, મેં  મારી  સાઈઠ વર્ષની ઉંમરમાં, અનેક વેપારી જોઈ નાંખ્યા, પણ આ સાજસજ્જાના વેપારી જેવા માયાળુ, પ્રામાણિક, એકપણ નહીં, હોં..ઓં..ઓં..ઓં..!! કેવું પડે..!!

જોકે, સ્કૂટર પર, પાછળની સીટ પર, ઉભી નનામી લઈને, ફરીથી હું   બેઠો પછી, મને વિચાર આવતો હતો કે,

આ સાજસજ્જાનો  વેપારી આટલો સમજુ કેમ હશે?   શું માનવના, અંતિમધામ પાસે દુકાન છે તેથી?

મારી અત્યારે ઉભી પકડેલી નનામી / સીડી,  ખરાબ માલ વેચીને લોકોને છેતરનારા અને મારા જેવા નિર્દોષ ગ્રાહકોનું અપમાન કરનારા, વેપારીઓને, સ્વર્ગમાં લઈ જતી હશે કે નર્કમાં?


આપણે આવા, બગડેલાં સગાં - સ્નેહી,  મિત્રો કે પછી, આવા વેપારીઓને, સમાજમાંથી, પાછા બોલાવી, સારા બનાવી, વિનિમય કરાવવા, ભગવાનના `મૉલ` માં લઈ જઈ શકીએ?

કદાચ, ના..!!  ભગવાન પણ, એકવાર વેચેલો માલ પાછો શા માટે લે...!! એ તો ભોગ આપણા..!!


બાય ધ વૅ, તમારે કોઈ રાશી માલ  બદલાવવો છે?   એમ હોયતો, મને  બેધડક કહેજો.

બૉસ, શું ક્યો છો?


માર્કંડ દવે.તાઃ-૦૮- જુલાઈ-૨૦૧૦.

1 comment:

  1. આપના લેખમાં હાસ્ય સાથે હકીકતનું ખુબજ સચોટ દર્શન કરાવાની હમેશ સારી કોશિશ જોવા મળેલ છે, 'માલ-બદલો' નો કળવો મીઠો અનુભવ દરકને હોઈ છે, જે અમારે ત્યાં મારા હિસ્સે આ જવાબદારી અનેક વખત આવેલ છે, અને ઘણાજ પ્રકારના અનુભવ થયા છે, બદલાવી આવું ત્યારે જાતને પોરસ પૂર્વક કહું કે આપણી આવડત જોઈ, અને ના બદલે ત્યારે ઘરનાને કહું કે આવા કામ મને ના સોપવા તમારાથી થાઈ તો તમે જ કરોને....
    ખુબજ સરસ લેખ...
    આપને અમારાં બ્લોગ પર એક રચના આપનાજ નામે મુકવા આમંત્રણ આ સાથે આપું છું.
    das.desais.net

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.