Wednesday, September 21, 2011

સાફા-ટોપી-એ-જુલૂસ.સાફા-ટોપી-એ-જુલૂસ

" સાફા-ટોપી-એ-જુલૂસમાં,`ખર`થી રહો અતિ દૂર..!!
  નવ કરશો, હસ્તધૂનન, ઉર પીડશે કુમતિ અસુર..!!

અર્થાત્- જુલૂસ=રાજ્યાભિષેક જેવા અવસર પર `ખર-કુમતિ` ધરાવતા તકવાદીઓ સાથે હાથ મેળવતાં પહેલાં સો વાર વિચાર કરવો જોઈએ, અન્યથા તેમની આસુરી બદનિયતથી, દિલને વ્યથા પીડવાનો ભય રહેલો છે..!!
=======
(મંચનો પડદો ખૂલે છે અને પ્રેક્ષકોની તાળીઓથી વાતાવરણ ગુંજી ઊઠે છે.)

સદ્‍ભાવની કસુવાવડ થૈ, કોઈ કોસી લ્યો..ભૈ ટોકી લ્યો..!!
અપમાનની વરમાલા થૈ, કોઈ ટોપી લ્યો..ભૈ ટોપી લ્યો..!!
હે....ઈ...તા...ક્‍...થૈયા...થૈયા...,તા...ક્‍....અ....થૈ..!! 

( ગાતાં-ગાતાં, ગોળ-ગોળ, ફેર-ફુદરડી ફરતાં ફરતાં, રંગલો અને રંગલી મંચ પર પ્રવેશ કરે છે. પ્રેક્ષકો ફરીથી તાળીઓ પાડે છે.)

સદ્‍ભાવની કસુવાવડ થૈ, કોઈ કોસી લ્યો..ભૈ ટોકી લ્યો..!!
અપમાનની વરમાલા થૈ, કોઈ ટોપી લ્યો..ભૈ ટોપી લ્યો..!!
હે....ઈ...તા...ક્‍...થૈયા...થૈયા...,તા...ક્‍....અ....થૈ..!!

રંગલી-"અલ્યા,રંગલા ક્યારનો આ મોબાઈલમાં માથું નાખીને શું કરે છે?"

રંગલો-"આ ટીવી પર સમાચાર આવે છેકે,આપણા મૂખ્યમંત્રીએ,બીજા લોકોના સાફા પહેર્યા પણ, કોઈની ટોપી પહેરવાની ધરાર ના પાડી?"

રંગલી-"અલ્યા રંગલા, તું એટલુંય ના હમજ્યો? આપણા મૂખ્યમંત્રી ભલેને ૬૨ વરસના થ્યા,પણ છે તો વાંઢાજને? એટલે માથે વરરાજા જેવો સાફો શું કામ ના બંધાવે? આપણે દીલ્હી જાન લઈને નથી જવાનું? પણ રંગલા, હા, તે આ મોબાઈલમાંય ટીવી દેખાય છે?"

રંગલો-"રંગ..લી, હજી તું ક્યા જમાનામાં જીવે છે..!! હવે તો મોબાઈલમાંય ટીવી પર, મોટા નેતાઓની હારે-હારે અશલા-પશલા જેવાની આલતુ-ફાલતુ બધીય વાતું દેખાય છે,સમજી?"

રંગલી-"સમજી રંગલા,સમજી,પણ તું સવારનો ક્યાં ગયો`તો?દેખાણો નહીં?"

રંગલો-"જવા દેને બધી વાત..!! આ પશાકાકાના છોકરાને મેં વચ્ચે રહીને એકજણ પાંહેથી દસહજાર ઉછીના અપાવ્યા`તા. મારો બેટો પાછા નથી આપતો એટલે પેલો લેણદાર મારો જીવ ખાતો હતો તે, પશાકાકાના છોકરાને સમજાવવા ગયો`તો,કે ભઈલા, પેલાના પૈસા પાછા આપને મારી જાન છોડાવ..!!"

રંગલી-"અરે,એ છોરો તો એક નંબરનો કરું કંપની છે,તું ક્યાં ફસાયો? પછી શુ કીધું એ છોરાએ?"

રંગલો-"રંગલી મેં બહુ દબાણ કર્યું અને પશાકાકાને કહી દેવાની ધમકી આપી એટલે માની તો ગયો છે પણ મારો બેટો મને કહેકે, તમારા પૈસા પાછા આપવા, મારે બીજા કોઈને `ટોપી` પહેરાવવી પડશે..!!"

રંગલી-"આ લે,લે,લે, કર વાત,પછી શું થયું?"

રંગલો-" આટલું કહીને એ બસ થોડેક દૂર ગયોને મેં ફરી પાછો બોલાવ્યો અને કહ્યું,ભઈલા તું બીજાને ટોપી આપવાનું કહીને તારી આ બુઢિયા ટોપી તો અહીં મારી પાસેજ  ભૂલી ગયો..!! મારે શું સમજવાનું?"

રંગલી-"હાય..હા..ય,પછી..!!"

રંગલો-"પછી શું? એ હસતો-હસતો ટોપી લઈને,મારી હારે હાથ મિલાવીને ચાલતો થયો..!!"

રંગલી-"તું આવા જોડે પાછો હાથ મિલાવે તો પછી, તારો હાથ પકડી,ખભે પગ મૂકી પછી, તારા માથે ચડી તને, આવા લોકો પરાણે ટોપી પહેરાવેજને..!! હવે તનેય   પશાકાકાના છોરાની માફક ફરીથી કોઈ `ટોપી` પહેરાવવા આવે તો નફફટાઈથી ના પાડતાં શીખજે..!! નહીંતર લોકોની ગાળો ખાતો ફરીશ, કાંઈ હમજ્યો?"

રંગલો- "હમજી ગ્યો..રંગલી..તારો કહેવાનો અર્થ હમજી ગ્યો..!! તારી વાત સાવ સાચી છે. એટલેજ તો રંગલી આપણે મંચ પર ગાઈએ છેકે...!! 

આંગળી  દેતાં  પહોંચો પકડી, કાંધ પકડી માથે ચડી, 
ઇજ્જતની સંજવારી થૈ,કોઈ જોખી લ્યો..ભૈ જોખી લ્યો..!!
હે....ઈ...તા...ક્‍...થૈયા...થૈયા...,તા...ક્‍....અ....થૈ..!! 
(સંજવારી=વાસીદું,કચરો.)

મીઠી મધુરી લાગે દૂરથી, ચાખીતો થૂ..થૂ લાગે કડવી,
ગાળોની  ધોધમારી થૈ, કોઈ નાહી લ્યો ભૈ..નાહી લ્યો..!!
હે....ઈ...તા...ક્‍...થૈયા...થૈયા...,તા...ક્‍....અ....થૈ..!!

ભાષણ  ભરડી ભસી લીધું, લાવરું લૈ ને કરડી લીધું,
નિંદાને મિજબાની થૈ,કોઈ ચાખી લ્યો ભૈ..ચાખી લ્યો..!! 
હે....ઈ...તા...ક્‍...થૈયા...થૈયા...,તા...ક્‍....અ....થૈ..!!
( લાવરું =બચકું,વડચકું.) 

અનશન  અનશન  રમી લીધું, ખૂણેખાંચરે જમી લીધું,
અરમાનની બરબાદી થૈ, કોઈ માણી લ્યો ભૈ..માણી લ્યો..!! 
હે....ઈ...તા...ક્‍...થૈયા...થૈયા...,તા...ક્‍....અ....થૈ..!!

(પ્રેક્ષકો જોરદાર તાળીઓ પાડે છે તથા પરદો પડે છે..!!) 


જોકે, સાચ્ચેજ પરદો પડ્યો?
======

ANY COMMENTS?

માર્કંડ દવે.તા.૨૦-૦૯-૨૦૧૧. 

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.