Saturday, January 16, 2010

કંટાળાને ટાળો.

કંટાળાને ટાળો.


પ્રિય મિત્રો,

માનવ મન એટલું ગહન છેકે,તેનો તાગ પામવો એટલે જાણેકે,મહાસાગરની અનંત ગહેરાઇમાં ડૂબકી લગાવવી.મનને મરકટ (માંકડું) અમસ્તુજ કહ્યું હશે..!!મનની ગહેરાઇમાં થી ઉઠતા ગમાઅણગમાના અનેક તોફાનનો જ એક હિસ્સો,એટલે

કંટાળો (BOREDOM).

વિવિધ મનોવૈજ્ઞાનીક પરિક્ષણોથી સાબીત થયેલું છેકે,સજીવ માત્રને(તમામ સજીવને) અણગમતી પરિસ્થિતિમાં કંટાળાનાં લક્ષણો ઉદભવે છે.આમતો, કંટાળો એકાદ ક્ષણથી માંડીને કેટલાક દિવસ કે મહિનાથી વધારે સમયનો હોતો નથી.પરંતુ,કંટાળાને ટાળતાં ના આવડે તો તે સરવાળે હતાશામાં પરિણમી ઘણીવાર માણસને આપઘાત કરવા સુધી દોરી જાય છે.

જગપ્રસિધ્ધ મનોવિજ્ઞાનીઓ ના જણાવ્યા પ્રમાણે `કંટાળા`ની બૃહત સર્વસ્વીકૃત વ્યાખ્યા કાંઇક આવી છે.

૧."મનમાં ઉઠતી,એક ક્ષણભંગુર અણગમાની એવી લાગણી,જે વ્યક્તિની,વર્તમાન કાર્ય કરવાની શક્તિમાં વ્યાપકપણે ઘટાડો કરે છે. "-C. D. Fisher.

૨."કંટાળો એટલે,હાલ પ્રવર્તમાન ગતિવિધીને અટકાવતો,ગંભીરપણે અસરકર્તા એવો એક અણગમાનો અનુભવ."-M. R. Leary.

કેટલાકના જાણકારોના મતાનુસાર,પોતાની ખરેખર શક્તિઓની ઉપરવટ જઇને,કોઇ કાર્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને તેમાં નિષ્ફળતા મળે ત્યારે ખાસ આવી `કંટાળા`ની લાગણીઓ ઉદભવે છે.તે ઉપરાંત,કોઇ વ્યક્તિને,બળજબરીપૂર્વક,કોઇ અણગમતું કાર્ય કરવા,ફરજ પાડવામાં આવે અથવા અણગમતા સંજોગ,સમય,સ્થળ પર તેને બળજબરીપૂર્વક ઉપસ્થિત રાખવામાં આવે.ત્યારે આવી `કંટાળા`ની લાગણીઓ ઉદભવે છે.


જોકે,કંટાળાનાં લક્ષણો-કારણો દરેક વ્યક્તિએ અલગ અલગ હોઇ શકે છે,ઉપરાંત તે માનસિક,શારીરિક,શૈક્ષણિક અને સામાજીક પરિસ્થિતિથી પ્રભાવિત થાય છે.

અઠ્યાસી વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવનાર,જર્મન તત્વજ્ઞાની `Martin Heidegger `ના પ્રસિધ્ધ પુસ્તક`What is Metaphysics-અધ્યાત્મ વિદ્યા શું છે?" માં જણાવ્યા અનુસાર,


"કંટાળા નાં લક્ષણો માનવજીવનનો જ એક અનિવાર્ય ભાગ છે.તેને ટાળવાનો રસ્તો,ઇશ્વરની પ્રાર્થના,સ્વયં સમજણ અને ઉચ્ચકક્ષાની નૈતિકતા ધારણ કરવાનો છે."

કંટાળો નિપજવાનાં કારણો અને તેની દૂરગામી અસરો.

પોતાની સ્વાભાવિક જીવન ગતિવિધીથી ઉપરવટ જઇને જીવવાની જીદ,ધીરજ નો અભાવ,ઉંમર પ્રમાણે શારીરિક રાસાયણિક ફેરફાર,અજ્ઞાનતા,બાળપણમાં ધાકધમકી-દબાણ હેઠળ થયેલો ઉછેર જેવાં કારણો કંટાળો ઉપજવવામાં અગ્રેસર ભાગ ભજવે છે.

કંટાળાના કેટલાક વિરોધાભાસ રમૂજ ઉપજાવે તેવા છે,જેમકે હોંશિયાર વિદ્યાર્થીને,અગાઉથી આવડતું હોય તેવા,વિષયમાં ભણતી વખતે કંટાળો આવે જ્યારે ડફોળ વિદ્યાર્થીને તે વિષયમાં સમજ ન પડવાથી કંટાળો ઉપજે.


કોઇ વ્યક્તિને પોતાનું પ્રિયપાત્ર જરુર કરતાં વધારે પ્રેમ કરે તો પણ કંટાળો ઉપજે,તેથી વિરુધ્ધ પ્રેમની અપેક્ષા રાખનારને પ્રર્યાપ્ત પ્રેમ ન મળે તો પણ તે સંબંધથી કંટાળો ઉપજે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ,તાજેતરમાં પ્રિયંકા ચોપરા પ્રત્યે શાહિદકપૂરના પ્રગાઢ ઍટેન્શનને (કાળજી,દરકાર) કારણે બંન્નેના સંબંધમાં કંટાળો આવ્યો,તેને ગણી શકાય ?

જગપ્રસિધ્ધ આયરિશ નાટ્યકાર,કવિ,લેખક-ઑસ્કર વિલ્સ વાઇલ્ડ ના તારણ અનુસાર,


"કંટાળો એ મનુષ્ય ના લમણે લખાયેલું,અનિવાર્યપણે ભોગવવું પડતું એવું પાપ છે,જેમાંથી કોઇને પણ,ક્યારેય પણ,માફી કે મુક્તિ મળતી નથી..!!"

કંટાળાની અસર હતાશારુપે,કાર્ય પ્રત્યે ઉદાસીનતારુપે,નશાખોરી સ્વરુપે મોટાભાગે જોવા મળે છે.કદાચ,કંટાળાના લક્ષણોથી દૂર ભાગવાના,નિષ્ફળ પ્રયત્નો કરનારા,હતાશ ઘેટાંઓનાં ટોળાઓનાં નાણાંથી જ,લિકર-કીંગ વિજય માલ્યા એ પોતાના  જીવનમાં કંટાળો ના આવે તેવી સુખસમૃધ્ધિ મેળવી હશે?

કંટાળો ટાળવાના ઉપાય.

મિત્રો,આ લેખથી કંટાળતા નહીં.આમ કરોને,તેમ કરો..!! એવો કોઇ ઉપદેશ હું આપવાનો નથી.

૧.જે બાબતથી ભવિષ્યમાં પણ કંટાળો આવવાનો હોય તેને અત્યારથી જ પ્લાન કરીને ટાળવાના પ્રયત્ન કરી શકાય?

૨.જે બાબતથી કંટાળો દૂર ભાગતો હોય તેવી બાબતો,શોખને જીવનમાં રોજિંદા કાર્ય સાથે કુશળતાપૂર્વક જોડી શકાય?

૩.અઠવાડિયામાં ઓછામાંઓછા ત્રણ દિવસ,ભીડભાડથી દૂર,છતાં નિવાસથી નજીક,બહાર જઈને માનવપ્રવૃત્તિ નિરીક્ષણની
આદત પાડી શકાય? (શક્ય હોય તો નાસ્તો,ભોજન ઘેરથી લઇ જવું.)

૪.બહાર જવાનું શક્ય ના હોય તો,ઘેર બેસી હકારાત્મક પુસ્તકોનું વાંચન કરી શકાય ?

૫.મનની વાત મનમાં રાખવાને બદલે,આપણી વાતથી ગેરસમજ ના કરે તથા તેનો ગેરલાભ ના ઉઠાવે,તેવા કોઇ નિસ્વાર્થી અંગત પ્રિયજનને આપ્ણી સમસ્યા કહી હળવા થઇ શકાય?

૬.ઘરમાં,બીજા ઉપર આશા-અવલંબન રાખ્યા વગર,નાનાં કામ જેમકે,પાણી પીવું,જાતે કરવાની આદત પાડી શકાય?

૭.પોતાની તંદુરસ્તી કાયમ સારી રહે તેવી કોઇ મનગમતી પ્રવૃત્તિ કરી શકાય?

૮.રજાના દિવસે આળસ ખંખેરી,આપણા કુટુંબ કે સમાજને ઉપયોગી કોઇ કાર્ય કરી શકાય? (આમાંથી મળતો સંતોષ આખું અઠવાડીયું,આપણા મનની બેટરી ચાર્જ કરી શકે છે.)

૯.આપણે ઘણીવાર ૬૦ વર્ષના દાદા-દાદીને અધુરું ભણતર, આગળ ધપાવતા હોવાના સમાચાર વાંચીએ છીએ.સંગીત,અંગ્રેજી કે અન્ય કોઇપણ કળા ઉપર હાથ અજમાવી શકાય?

૧૦.ફ્ક્ત શોખ ખાતર,ઘેર બેઠાં નાના પાયે કોઇ ગૃહઉદ્યોગ પણ શરુ કરી શકાય?

બાકી તો દોસ્તો,માનવને કંટાળો આવવાથી કેટલાંક સારાં પરિણામ પણ નીપજે છે.પુછો,કેવી રીતે ?

જુઓ,સોયની અણી જેટલી જમીનના દસ્તાવેજ પર સહી કરી,પાંડવોને આપવાનો દુર્યોધનને કંટાળો આવ્યો,તો મહાભારત રચાઇને અધર્મનો નાશ થયો.

માતા સતી સીતાજીને લંકામાં લાવ્યા પછી,ફરી સમુદ્ર ઓળંગીને,પાછા મુકવા જવાનો રાવણને કંટાળો આવ્યો તો રામાયણ રચાઇને રાક્ષસોનો નાશ થયો.

પાકિસ્તાનનાં છમકલાંથી શ્રીમતી ઇંદિરાજી ગાંધીને કંટાળો આવ્યો તો પાકિસ્તાનના બે ટૂકડા થઈને બાંગ્લા દેશ રચાયો.


ઉંટની જેમ ડોક ઉંચી કરીને,હું તો હવે,દરરોજ સમાચારમાં શ્રીમનમોહનસિંઘજીને પાકિસ્તાન ઉપર કંટાળો આવ્યોકે નહીં? તેની પ્રતીક્ષા કરું છું.

સાલું,આપણા નિર્દોષ નવલોહિયા જવાનો,સરહદ પર શહીદ થતા તો મટે..!! કદાચ,ચીન પણ સીધુંદોર થઈ જાય?

ચાલો મિત્રો,છોડો આ બધી કંટાળાજનક વાતો,મારાથી કંટાળીને,આપ મને આપના મિત્રવર્તુળમાંથી સાવ તગેડી મુકો,તે પહેલાં હું જ અહીથી હવે નવ-દો-ગ્યારહ થઇ જાઉં,તેમાંજ મારું ભલું છે,આમેય મને આ લેખ પુરો કરતાં ઘણોજ કંટાળો આવી ગયો છે.

હે ભગવાન,મેં મારા મિત્રોને મદદ કરવા આ લેખ લખ્યો છે,મારા ખાતામાં થોડું પુન્ય ઉમેરતી વેળાએ કમસેકમ તું તો વચ્ચે કંટાળાને ના લાવતો.

માર્કંડ દવે.તા.૧૧-૧૧-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.