Saturday, January 16, 2010

ચૂંમ્મા-ચાટી પુરુષ પધરાવો..!! સાવધાન?

કટાક્ષ-ચૂંમ્મા-ચાટી પુરુષ પધરાવો..!! સાવધાન?

એક સમાચાર.

૧.મહારાષ્ટ્ર,હરિયાણા,અરુણાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૨૮૭ મહિલા ઉમેદવારોમાંથી માત્ર ૨૩ મહિલા ઉમેદવાર વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા છે.મહારાષ્ટ્રમાં ૨૧૧ માંથી ૧૧,હરિયાણા ૧૭ માંથી ૯,અરુણાચલમાં ૯ માંથી ૩ મહિલા ઉમેદવાર ચૂંટણીમાં વિજ્યી થયાં છે.

૨.એક ગુજરાતી NRI એ કેટલીય કન્યાઓ સાથે પોતાને અપરણીત દર્શાવી,છેતરપિંડીથી લગ્ન કરતાં રેડ કૉર્નર નોટીસ જારી કરવામાં આવી,તાજેતરમાં આ આરોપીની ધરપકડ કરતાં ક્ન્યાઓએ જ એને છેતર્યો હોવાનું સ્ટેટમેન્ટ આપ્યું.

૩.NDTV Imagine ના નવેમ્બર-૨૦૦૯માં ટેલીકાસ્ટ થનાર કાર્યક્રમ,"રાહુલ દુલ્હનીયા લે જાયેગા." માટે રાખીસાવંતના કાર્યક્રમ,"રાખીકા સ્વયંવર"કરતાં ૪૦% વધારે એન્ટ્રીઓ આવી છે.ડૉક્ટર,એન્જીનીયર,ઍડવોકેટ,સ્ટૂડન્ટ,કલાકાર કન્યાઓ મળી કુલ ૧૬,૫૫૫ એન્ટ્રીઓ આવી છે,જેમાં દિલ્હીથી ૫૦૬૩ તથા મુંબઇથી ૪૧૮૮ સાથે કલકત્તા,લખનૌ,ચંદીગઢ,જયપુર,નાગપુર,અમદાવાદ???દુબાઇ,લંડન,અમેરિકા વગેરેની લગ્નોત્સુક કન્યાઓ સામેલ છે.

૪.તા.૨૧-૧૦-૨૦૦૯ને બુધવારના રોજ ઉમેદવારી નોંધણીના છેલ્લા દિવસે સારા રિસ્પોન્સથી પ્રસન્ન થયેલા શ્રીરાહુલ મહાજને ખુશ થઇ જણાવ્યુંકે,"મારા જીવનની સફરમાં,હમસફર બનવા,આટલી મોટી સંખ્યામાં રિસ્પોન્સ મળવાને કારણે હું ખૂબ ખુશ છું."
________________

પ્રિય મિત્રો,

ઉપરના સમાચારો વાંચીને અમારા એક ઓળખીતા,કાચા-કુંવારા કાકા પાગલ જેવા થઇ ગયા છે.
અખબારમાંથી આ સમાચારની કાપલી કાપીને, સહુને બતાવી,સનેપાત થયો હોય તેમ ખૂબ ગુસ્સાથી એકલા-એકલા બબડે છે.
(ગામમાં,આ કાકાના પૂજ્ય પિતાશ્રીના વરલીમટકાના ધંધાને કારણે,કાકાને યુવાનીમાં કોઇએ કન્યા પધરાવી ન હતી.)
(न हि भस्मनि हूयते। અર્થાતઃ-ભસ્મમાં હોમાય નહિં.)

કાકાની તર્કબધ્ધ રજૂઆત એવી છે કે,"ભગવાન શ્રીકૃષ્ણએ શરીરની ૧૬૦૦૦ ઇંદ્રિયોને પટરાણી બનાવી,સંયમનો મહાન આદર્શ પુરો પાડ્યો છે,અને આ આજકાલનો રાહુલ બીગબોસ-૨ માં એકવાર નાટકમાં કાનુડો બન્યો એમાં તો એને, ભગવાન શ્રીકૃષ્ણ કરતાંય વધારે ૫૫૫ કન્યાઓ(૧૬૫૫૫ કન્યાઓ.) પૈણવા લાઇન લગાવીને બેઠી છે ? મારા જેવા કુંવારાના નસીબમાં એકેય નહીને,આ બીજવર રાહુલને ૧૬૫૫૫ કન્યાઓની ઓફર? આ ઘોર અન્યાય છે."

આ સાવ કાચા-કુંવારા કાકાની વાત સાથે સંમત થઈએ તોય ૧૬૫૫૫ કન્યાઓમાંથી એકેય કન્યા આ કુંવારા કાકાને ઘાસ નાંખવાની નથી ,એટલે મેં એમની વાત સાંભળી ના સાંભળી કરી નાંખી.લગ્નોત્સુક કન્યાઓના આટલા ખૂબ સારા રિસ્પોન્સથી રાહુલભાઇ ખુશ છે,શ્રીરાહુલ મહાજને ખુશ થઇ જણાવ્યુંકે,"મારા જીવનની સફરમાં,હમસફર બનવા,આટલી મોટી સંખ્યામાં રિસ્પોન્સ મળવાને કારણે હું ખૂબ ખુશ છું."

It is with narrow-souled people as with narrow necked bottles :
the less they have in them,the more noise they make in pouring out.

[ALEXANDER POPE-British Poet(1688-1744)]......

એલેક્ઝાન્ડરભાઇ કહે છે,તેથી આપણેય ખુશ થવાનું બીજું શું?

મારા એક મિત્રએ મો....ટ્ટો નિસાસો નાંખીને કહ્યું,"યાર,આપણા લગ્ન સમયે સ્વયંવરની,આવી કોઇ વ્યવસ્થા ન હતી,તેથી કેટલું મોટું નુકશાન થયું છે,તે હવે રહી રહીને સમજાય છે...!!"

મારાથી પુછ્યા વગર ન રહેવાયું,"કેમ ભાઇ?તારે તો મારાં ભાભી સાથે સારું ટ્યુનીંગ છે,લગ્નના પંદરમા વર્ષે પણ તારી લાઇફ તો મઝ્ઝાની ચાલે છે..!! મેં જાતે જોયું છે."

એ ફરીથી નિસાસો નાંખી બોલ્યો,"તેં જે જોયું છે? એ તો રંગમંચ પર ભજવાતું હેપ્પી હેપ્પી નાટક છે.હકીકતમાં તો એણે મારી સાથે લગ્ન કરીને બદલો લીધો છે. "
મારી નજરમાં પ્રશ્નાર્થ ચિન્હ જોઇ મિત્રએ મારી સામે ગળગળા થઈને દિલ ખોલી નાંખ્યું.વાત જાણે એમ હતીકે,આ મિત્ર લગ્ન પહેલાં કોઇ કન્યાના પ્રેમમાં હતો,અને એ દરમિયાન માતાપિતાના આગ્રહથી,એની સગાઇ(એંગેજમેન્ટ) હાલ પ્રવર્તમાન મારાં ભાભી સાથે થઇ.કરમની કઠણાઇ તે,મિત્રને પ્રેમીકા સાથેના જૂના સંબંધોમાંથી છૂટતાં ખાસ્સો સમય લાગી ગયો.એમાં ઘણી વખત મિત્ર સાથે એમ પણ બનતું કે એક જ થિયેટરમાં એક ફિલ્મ બપોરે ૧૨ થી ૩ ના શૉમાં પ્રેમીકા સાથે જોઇને એને અષ્ટમ પષ્ટમ સમજાવી થિયેટરના પાછલા દરવાજેથી વિદાય કરે,ત્યારે ૩ થી ૬ ના શૉ માટે,મારાં આ ભાભી આ જ થિયેટરના આગલા કૉરિડોરમાં મિત્રની રાહ જોતાં ઉભાં હોય.બહુ સાચવવા છતાં એક દિવસ મિત્રની આ ચોરી પકડાઇ ગઇ.ભાભીએ સગાઇ તોડવાને બદલે ઘેર બધાંને,ભગવાન જાણે,શું સમજાવ્યું? તે,મિત્રનાં ઘડિયાં લગ્ન લેવાઈ ગયાં.

મિત્રએ ઉદાસ સ્વરે ઉપસંહારમાં જણાવ્યું,"દોસ્ત તને હું શું કહું?તારી ભાભીએ મને પહેલાજ દિવસે ચોખ્ખું કહી દીધું,હવે જીદગીમાં કોઇ દિવસ મારી સાથે પિક્ચર જોવાની વાત ના કરતા.તમે તમારા રસ્તે,હું મારા રસ્તે..!!મારા બાપાની આબરુ સાચવવા જ મેં તમારી સાથે લગ્ન કર્યાં છે.સાલું ત્યારથી પિક્ચર જોવાનો શોખ એવો છૂટી ગયો છે કે,હવે દિવસે તો ઠીક પણ, હું તારી ભાભીને રાતના-`૯થી ૧૨ ના શૉ`-ની ઑફર કરવાનું પણ ભૂલી ગયો છું."

હું માથું ખંજવાળતો રહ્યો,અને મિત્ર ઉદાસ પગલે ચાલતો થઇ ગયો.મને ખાસ કાંઇ સમજાયું નહી.પરંતુ,હશે..!! ચાલો,એ બિચારાનું હૈયું તો હલકું થયું..!!

પરંતુ,ભાઇ રાહુલ જો આ કિસ્સો તારા વાંચવામાં આવે તો ચેતી જજે,તારી તો બીગબોસ-૨ માં ગોપીઓ સાથેની આખેઆખી લવ-ફીલમ ઉતરેલી છે.જે બજારમાં હજુ પણ MMS સ્વરુપે હૉટ ફેવરીટ છે.જોજે એ જોઇને કોઇ "મજનૂ સુધાર મહિલા સંગઠનની"વિફરેલી પ્રેસિડન્ટ બદલો લેવા,ઉમેદવારી નૉધાવી,તારી સાથે લગ્નના બંઘનમાં બંધાઇ ના જાય..!!
(अयमपरो गण्डस्य उपरि स्फोटः।અર્થાતઃ-ગૂમડું પડ્યું હોય તેના ઉપર બીજો સોજો આવવો.)

બાય ધ વૅ,સદાબહાર સદાયુવા અભિનેતા શ્રીદેવઆનંદ,સિમી ગરેવાલ,કલ્પના,નંદા અને આઇ.એસ.જોહરની ફિલ્મ"તીન દેવિયાઁ"માં,દેવઆનંદ,આ ત્રણમાંથી કઇ કન્યાને પસંદ કરવી? એવા ધર્મ સંકટમાં પડે છે,ત્યારે એક ભવિષ્યવેત્તા એને કાચના ગોળામાં જોઇને ત્રણે કન્યા સાથે લગ્ન કરવાથી લાઇફ કેવી જશે? તે વારાફરતી કાચના ગોળામાં બતાવીને દેવઆનંદને ચેતવી દે છે,ત્યારે દેવઆનંદ,નંદા સાથે લગ્ન કરવાનો સાચો નિર્ણય કરે છે.મારા ધારવા મુજબ એ જાદુઇ ગોળો હજુ શ્રીદેવઆનંદ પાસે હોવો જોઇએ.જે રાહુલ ને મળે તો એને પણ ૧૬૫૫૫માંથી ૧૬ અને પછી ૧૬માંથી એક ક્ન્યાને પસંદ કરવામાં મદદ મળશે.
મારે શ્રીદેવસાહેબ સાથે ખાસ પરિચય નથી,નહીં તો કાચના ગોળાનુ હું જ પૂછી લેત ?

જોકે,બીજવર રાહુલનાં,બીજાં લગ્નના તૂટવાના જોખમને ઘટાડવાનો બીજો પણ એક ઉપાય છે..!!
ચેનલવાળાને કહીને,કળીયુગનાં લયલા-મજનૂ (ચાઁદ-ફિઝા)ની માફક,છેલ્લે સોળ કન્યાઓમાંથી વિનર,ફર્સ્ટ રનર અપ અને સેકન્ડ રનર અપ,એમ ત્રણે કન્યાઓ, સાથે રાહુલ જો નિકાહ કરી લે તો જોખમ સાવ નાબૂદ થઇ જશે.એ ત્રણે ત્રણ કન્યાઓ કાંઇ થોડીજ, "મજનૂ સુધાર મહિલા સંગઠનની", સભ્ય હશે?પણ ભાઇ, આ ત્રણ કન્યાઓમાંથી વધારે નહી તો એક કન્યા જરુરથી NRI પસંદ કરજે,ત્યાંથી કેટલાય લગ્ને લગ્ને કુંવારા જેવા બીજ(સુ)વરો આવીને ગુજરાતની લગ્નોત્સુક-પરદેશગમનોત્સુક કન્યાઓને છેતર્યાનો બદલો પણ લેવાઇ જશે?મને બહુ ગુસ્સો આવ્યો છે...!!

સાંભળ્યું છે..!! તેં ચૂંટણી પ્રચાર સમયે મતદારોને કરેલી હ્યદયસ્પર્શી અપીલ છતાં,તારી બહેન પૂનમ ચૂંટણીમાં હારી ગઇ છે?પેલા કાચાકુંવારા કાકા સનેપાતમાં બબડે છેકે,એકલી પૂનમબહેન નહીં..!! તારી હ્યદયસ્પર્શી અપીલને કારણે,જેતે રાજ્યના,પુરુષ મતદારોએ ઇર્ષ્યાના માર્યા,તમામ મહિલા ઉમેદવારો વિરુધ્ધ એવું તો કચકચાવીને વૉટિંગ કર્યુંકે,મહારાષ્ટ્ર,હરિયાણા,અરુણાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૨૮૭ મહિલા ઉમેદવારોમાંથી અ..ધ...ધ...ધ કુલ-૨૬૪ મહિલા ઉમેદવારો હારી ગઈ છે.(અમે બિચારા પુરુષો ઘરમાં,નિસાસા નાંખીને,ગાડું જેમતેમ ગબડાવીએ અને તારે અ..ધ...ધ...ધ ૧૬૫૫૫ ક્ન્યાઓ નો સ્વયંવર?કન્યાઓને હ્યદયસ્પર્શી અપીલ કરવાની હવે બીજીવાર કરી જોજે હિંમત ? )જોકે,તારે મનમાં ઓછું ન આવવા દેવું..!! આદરણીય સુશ્રીરાખી સાવંતબહેન કરતાં તો સ્વયંવરમાં તને ૪૦% વધારે રિસ્પોન્સ મળ્યો છે તેજ તારી અસીમ લોકપ્રિયતા સાબિત કરે છે?

મને એક વિચાર આવે છે,ભાઇ રાહુલનો "રાહુલ દુલ્હનીયા લે જાયેગા" કાર્યક્રમ લાંબા સમય સુધી ચાલવાનો,અને ના કરે નારાયણ ને જો ચીન સાથે સરહદ વિવાદ ને કારણે યુધ્ધ થાય તો? અને ભાઇનાં લગન લટકી પડે તો? (NRI કન્યાઓ તો ડરની મારી,કાર્યક્રમમાં આવેજ નહીંને?)

મારી અમૂલ્ય સલાહ તો એવી છે કે,હવે ગમેતે થાય,સ્વયંવરનો આ જનકલ્યાણકારી,સમાજ-અનુકરણીય કાર્યક્રમ સફળ થવોજ જોઇએ.

પણ ઉભા રહો એક મિનિટ..!! ચીન સાથે યુધ્ધ રોકવાનો પણ એક ઉપાય મારી પાસે છે..!!

અત્યારે થાઇલૅન્ડમાં સાતમી ભારત-આસિયાન શિખર બેઠક ચાલેજ છે.જો દિલ્હીના ભાવી યુવરાજ (હા એજ નામે-નામ?)અને ચીનના વડાપ્રધાન શ્રીવેન જીઆબાઓ ની સુપૂત્રીનાં લગ્ન નક્કી થઇ જાય તો?એમ કાંઇ સાવ અઘરું નથી..!! ભાવી યુવરાજના કહેણા પૂજ્યદાદાશ્રી(આદરણીય સરદારશ્રી) પણ ત્યાં હાજર છે,જો મંત્રણાના ઍજન્ડામાં આ મુદ્દે પણ સહમતી સાધી લે તો ? તો પછી,ચીન સાથે યુધ્ધનો ખતરો કાયમ માટે ટળી જાય?(કેમ? કેવી રીતે પુછો છો?)
ચીનના જમાઇ અને ભારતના ભાવી યુવરાજના દેશ ઉપર (સાસરીયાઁ પર?) ચીની સસરા હુમલો કરે તો એમનાં સગાંવહાલાં એમને "ચૂ-ચાઁ-ચૂ-ચાઁ- ચાઁઉં" કરીને પીંખી ના નાંખે ?(ઇત્તાઁ ભી સમજતા નહીં હૈ..યાર?)

આ..હા..હા..હા..હા..!! આઝાદી પછી પહેલીવાર,પાકિસ્તાન પણ,ભારતના,ચીની જમાઇને પહેરામણી આપતું થઈ જાય ? અરે...!!! હું તો એટલે સુધી કહું છુંકે,
ચીની સસરાને આગળ કરી,પાકિસ્તાનમા છૂપાયેલા ડૉનો,આતંકવાદી નેતાઓ,તથા ISI ના શંકાસ્પદ ઑફિસરોને જ આપણે પહેરામણીમાં શું કામ ના માંગી લઇએ? સાલું,દુનિયાભરની ઝંઝટ જ ખતમ થઈ જાય.

આપણા વહાલા ભાઇ રાહુલના સ્વયંવર કાર્યક્રમમાં પણ યુધ્ધનું કોઇ વિધ્ન ના આવે.એયને પછી તું તારે નિ...રાં...તે પૈણને,રાહુલ ભઇલા ?
દિલ્હીના યુવરાજના વાઘ જેવા (કે ડ્રેગન જેવા??) ચીની સસરા તમારા બંનેના માઁડવે એ..ય...ને ખુરશી નાંખીને બેઠા હોય ત્યાં સુધી કો..ઇ.જ ચિંતા નહીં.
મને તો થાય છેકે,એ બંને નવ-વરઘોડિયાઁને મધૂરજની માટે સમગ્ર ચીન-પ્રવાસનો દુરાગ્રહ ના કરે તોજ બધાને નવાઈ લાગશે??

પણ,માનવ-સ્વભાવ છેને? એટલે હવે મને ચેનલવાળાના ભવિષ્યની એટલી બધી ચિંતા થાય છે,ભાઇ કે,
રાખીબહેન(નારી???)નો સ્વયંવર---------------------------પતી ગયો..!!
ભાઇ રાહુલનો (નર---લવ-બંકો???) સ્વયંવર--------------પતી જશે...!!
પણ,પણ,પછી ચેનલવાળા કોનો સ્વયંવર કરાવશે?
યશસ્વી,ક...ક...ક...શ્રીકરણભાઇ શોહરનો???(કશું કહેવાય નહી બૉસ? ત્યાં સુધીમાં કાયદો સુધરી પણ જાય? જવાદો,તમને નહીં સમજાય.!!.)

સાવ છેલ્લે,મારી ચેનલવાળાને એક વિનંતી છે,ભાઇ રાહુલની જાનમાં(ત્રણ કન્યાઓને બાદ કરીને?), બાકીની તમામ કુલ-૧૬૫૫૨ કન્યાઓને જો,તમે સામેલ કરવાના હોય તો,જાનમાં મને આમંત્રણ જરુરથી પાઠવજો.હું ય જરા રુબરુ આવીને જોઉં તો ખરો? કેવી કેવી સન્નારીઓએ લગ્નાગ્નિમાં,(લગ્ન ના અગ્નિમાં?) "જૌહર" કરવા ઇચ્છા જાહેર કરી હતી???(જૌહર=સુસાઇડ?)(ફિલ્મ"તીન દેવિયાઁ"ના શ્રીઆઇ.એસ.જોહરની જેમ તમારા કાર્યક્રમની સફળતા માટે મેં આટલી બધી મફત ઉપયોગી સલાહ આપી છે??ભાઇ,મારી એટલી વિનંતી તો માનશે જ ને??)

મિત્રો,તમારેય આદરણીયશ્રીરાહુલભાઇની જાનમાં(પોતાના ખર્ચે અને જોખમે??)આવવું હોય તો,અત્યારથી ચેનલ પર SMS કરી નામ નોંધાવી દેજો પ્લી....ઝ

માર્કંડ દવે.તા.૨૬-૧૦-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.