Monday, June 14, 2010

સફર

સફર

" માત્ર એક કદમ જ ચાલ્યો સાથેને, હમસફર માની બેઠો, કદાચ યુગ અનંતની યાત્રાનો સંકેત લાગે છે...!!"

===========

" ડેડી, ઉપરથી હવે ભગવાન પણ આવીને મને સમજાવશે,તોપણ હું નિત્ય પાસે પાછી નથી જવાની તેણે મારું અપમાન કર્યું હોત તો હું ચલાવી લેત, પણ તેણે તો આપણા ખાનદાન,અરે..!! તમારી અને મમ્મીની ટીકા કરી છે.મારે હવે તેને બતાવી દેવું છે,તેનું ખાનદાન-સંસ્કાર કેવા છે તે..!!"

ધંધાર્થે મુંબઈ ગયેલા અને ચાલુ મીટિંગમાં, અતિશય વ્યસ્ત એવા,કદમભાઈને, તેમની વહાલસોયી દીકરી ઝરણા,પોતાના પતિ નિત્ય વિરૂદ્ધ,અત્યંત આક્રોશપૂર્વક  ફરીયાદ કરી રહી હતી.

આમતો, એક જ વર્ષ અગાઉ,માત્ર બાવીસ વર્ષની ઉંમરે,ઝરણાનાં લગ્ન નિત્ય સાથે, પરસ્પર સંમતીથી, રંગેચંગે કરાવીને, કદમભાઈએ વરઘોડિયાંને સુખ-સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ દિલથી પાઠવ્યા હતા.પણ આમ અચાનક શું થયું હશે, તે નિત્યનું આંગણું ત્યજીને ઝરણા પિયર પાછી આવી ગઈ.

હવે, કદમભાઈનું મન મીટિંગમાં લાગ્યું નહીં.તેમણે જેમતેમ સમય કાઢીને, નિત્યને મોબાઈલ જોડવાનો પ્રયત્ન કરી જોયો,પરંતુ તેનો ફૉન સ્વીચઑફ આવતો હતો. કદમભાઈની ચિંતા એકદમ વધી ગઈ.તેમણે પોતાની પત્ની વંદનાને ફૉન કર્યો,અને જે વિગત મળી તે ખરેખર ચિંતા ઉપજાવે તેવી હતી.

લગ્ન વખતે,કદમભાઈથી, ભૂલથી,આપવા લેવાના રિવાજમાં, કોઈક ઉણપ રહી ગઈ હશે તે,બાબતને લઈને,ઝરણાંનાં સાસુએ, વાતવાતમાં, ઝરણાને ટોણો માર્યો, ઝરણાથી ડેડીની ટીકા સહન ના થવાથી,તેણે સાસુને , ભૂલ સુધારવાનો જવાબ વિવેકથી આપ્યો તેને નિત્યએ,` તું મારી મમ્મી સામુ બોલી` તેવા આક્ષેપ કરીને, પોતાની મમ્મીનો પક્ષ લીધો.પછીતો નિત્ય અને ઝરણા વચ્ચે, વાત વધીને, સાવ `તું-તારી` સુધી આવી ગઈ.

નિત્યએ ઉશ્કેરાટમાં ઝરણાને દરવાજો બતાવી દીધો, તો ઝરણા પણ પહેરેલા કપડે રિક્ષામાં બેસીને,પિયર ભેગી થઈ ગઈ.

કદમભાઈએ વાતને વાળવા માટે,નિત્યનો ફૉન ના લાગતાં, નિત્યનાં મમ્મી (ઝરણાનાં સાસુને) ફૉન જોડ્યો.

જોકે કદમભાઈને,વેવાણ તરફથી કોઈ સરખો,હ્કારાત્મક પ્રતિભાવ મળવાને બદલે જવાબમાં, ઝરણાના રાંધવાથી લઈને, ન જાણે કેટલાય વાંક કાઢીને,લાંબું ભાષણ મળ્યું.

કદમભાઈ આ એક વર્ષમાં એટલું તો સમજી જ ગયા હતાકે, વેવાઈને ફૉન કરવાથી કોઈ ફાયદો નથી. નિત્ય અને તેમની મમ્મી પાસે તેમનું કશુંજ ઉપજતું નહ્તું.

જોકે, ગમે તેટલી ઉતાવળ કરવા છતાં , મુંબઈમાં ધંધાનું કામ પતાવતાં,બીજા બે દિવસ  લાગ્યા,આ દરમિયાન નિત્ય સાથે,કદમભાઈની વાતચીત થઈ હતી.તે ભણેલો માણસ પોતાની ભૂલ પર ખૂબ પસ્તાતો હતો.નિત્યને પોતાનું લગ્નજીવન ભાંગી પડે તેમાં જરાય રસ ન હતો,તે ઝરણાને પ્રેમ પણ કરતો હતો.

તેણે વડીલ સમજીને,પોતાના અયોગ્ય વાણી અને વર્તન બદલ, ફૉન પર, કદમભાઈની માફી પણ માંગી લીધી હતી.

પણ હવે ઝરણા કોણ જાણે કેમ? નિત્યને માફ કરવાના મૂડમાં ન હતી. 

કદમભાઈએ પોતાને ત્યાં,મુંબઈનું કામ પતાવીને પોતે,પરત ફરવા હવે નીકળતા હોવાનો ફૉન કર્યો ત્યારે ફૉન ઝરણાએ ઉઠાવ્યો. કદમભાઈએ પોતે પરત ફરતા હોવાનો સંદેશ,વંદનાને આપવા ઝરણાને જણાવ્યું તો, ઝરણા ,`એક મિનિટ` કહીને, ફૉન બાજુના ઓરડામાં બેઠેલી પોતાની મમ્મી વંદનાને ફૉન આપવા દોડી ગઈ.

ત્યાં જઈને ઝરણાએ જોયું તો,તેની ચિંતામાં અડધી થઈ ગયેલી, મમ્મી એકલી બેસીને, શાંત સ્વરે, કરૂણ રડી રહી હતી.

કદમભાઈ વંદનાનું ટેન્શન સમજી ગયા.તેમણે પોતે આવીને બધુંજ વ્યવસ્થિત કરશે, તેમ સધિયારો આપીને પત્નીને શાંત કરવાની કોશિશ કરી.ઝરણાને પોતાની મમ્મીને રડતી મૂકીને એકલા છોડવાનું ઠીક ન લાગતાં,તે મમ્મીનીજ બાજુમાં ધબ દઈને બેસી પડી.

ડેડી અને મમ્મીની વચ્ચે જે વાત થઈ, તેનો મર્મ ઝરણાએ પકડ્યો હોય કે પછી ડેડી અને મમ્મી વચ્ચે અત્યંત લાગણીભર્યા વાર્તાલાપમાં,ઝરણા પોતે ભીંજાઈ હોય....!! ગમે તે થયું,પણ...!!

મમ્મી-ડેડીની ફૉન પર વાત હજી ચાલતી હતી ત્યાંજ, ઝરણાએ  નિત્યને ફૉન જોડ્યો, " નિત્ય, આજે સાંજે ડેડી મુંબઈથી પરત આવે છે, એક કામ કરજો, સાંજે અહી  આવશો? ડેડી સાથે સાંજે જમીને આપણે આપણા ઘેર પરત ફરીશું."

આંસુથી ખરડાયેલા ચહેરે, વંદના બહેને, વહાલથી પોતાની સમજદાર દીકરી સામે, હેતાળ નજર કરી.

જોકે ઝરણાએ જોયુંકે મમ્મીની આંખમાં આંસુ તો હજીય ખળખળ વહેતાં હતાં,પણ કદાચ એતો, ખૂશીનાં હતાં. 

=======

આટલી વાત કરીને જાણે, વૈતાલે રાજા વીરવિક્રમનું મૌન તોડાવવા પ્રશ્ન કર્યો," હે પરદુખભંજન રાજા, તને શું લાગે છે? ઝરણાએ પોતાની મમ્મી વંદના અને ડેડી કદમભાઈની વાતમાંથી, એવો તે ક્યો મર્મ વીણ્યો,જેનાથી પ્રેરાઈને તેણે નિત્યને,પોતાને પરત લઈ જવા ફૉન કર્યો."

મને તો લાગે છેકે, માત્ર એક કદમ સાથે ચાલવાથી , હમસફર હોવાનો મનોભાવ કેળવવો આપણાજ હાથની વાત છે તે,ઝરણાને સમજાઈ ગયું હશે,કદાચ યુગ અનંતની સહ યાત્રાનો સંકેત,ઝરણા અને નિત્ય બંને એ પારખી લીધો હતો.

" માત્ર એક કદમ જ ચાલ્યો સાથેને, હમસફર માની બેઠો, કદાચ યુગ અનંતની યાત્રાનો સંકેત લાગે છે...!!"

બધાંજ પતિ-પત્ની આ બાબત સમજે તો ? વીર વિક્રમને વારંવાર મૌન તો ન તોડવું પડે...!!


વીર વિક્રમે,વૈતાલને શું જવાબ આપ્યો હશે? કદાચ, આપને જરૂર ખબર હશે..!!

માર્કંડ દવે.તાઃ- ૧૪-૦૬-૨૦૧૦.

1 comment:

  1. A very good lesson for new generation.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.