Saturday, January 16, 2010

માનો ના માનો..!!

અહો,આશ્ચર્યમ..!! માનો ના માનો..!! આપની મરજી.

પ્રિય મિત્રો,

ન્યૂઝ પેપર, ટીવી ન્યૂઝમાં, છેલ્લા ઘણા સમયથી વિચિત્ર, અજીબો-ગરીબ, સમાચારોનો ઢગલો થયો છે,જે ખરેખર શક્ય અને સાચા હોય તો ...!!
શું કૉમેન્ટ કરવી ? " NO COMENTS "

આ તમામ, સત્ય ઘટનાનાં પાત્રોનાં નામ,મારી અને જે તે સંબંધીત લોકોની સલામતી અને ઈજ્જત સાચવવા માટે છૂપાવ્યાં છે.યોગાનુયોગ જો કોઈ સામ્ય લાગે તો, વિસરી જવા વિનંતી.

૧.
એક ભાઈ, નામ...દેવેન્દ્રભાઈ...રાખીએ,ચાલશે ? હાં તો, દેવેન્દ્રભાઈ કાગળ પર ગુજરી ગયા છે અને તેથી તેમની નોકરી પણ ત્રણ વર્ષથી ગઈ છે.
તેઓએ તેમના ઓફિસરને પોતે જીવતા હોવાના પુરાવા આપ્યા,તો તે ચેક કરવાના બહાને રાખી લઈ, ઑફિસરે સ્વર્ગસ્થ-દેવેન્દ્રભાઈને દબડાવીને કાઢી મૂક્યા.

આમતો, હોસ્પિટલમાં દેવેન્દ્રભાઈના બનેવી ગુજરી ગયા હતા, પણ કેસ પેપરમાં ભૂલથી, નામ દેવેન્દ્રભાઈનું લખાઈ ગયું હોવાથી,તે હવે જીવીત થાય તેવી શક્યતા લાગતી નથી, કમ સે કમ, આ જન્મે તો નહીં જ...!!

૨.
એક બહેને ,પોતે પૂર્વજન્મમાં જેતે પ્રદેશ-વિસ્તારના રહેવાસી હોવાનું,નોટરાઈઝ સોગંદનામું કરી, સરકારીબાબુઓને આપ્યું. સરકારીબાબુઓએ,તે બહેનના, પૂર્વજન્મના રહેઠાણના પુરાવા, દાવાને માન્ય રાખી, સરકારી જમીન,આ પતિ-પત્નીને, સાવ મફતના ભાવે ફાળવી આપી,.

એટલું જ નહીં, એક નેશનાલાઈઝ બેંકે પણ, આ પતિ-પત્નીને, આજ કાગળ ઉપર, મસમોટી રકમ લોન પેટે આપી, જેમાંથી અત્યારે ત્યાં સુંદર રિસોર્ટ શોભી રહ્યો છે. (આને કહેવાય,પૂર્વજન્મની લેણદેણ..!!)

૩.
પોતાના પતિને ત્યજી, અન્ય પ્રેમી સાથે ભાગી ગયેલી પ્રેમિકાએ,સાથે આવેલી, પોતાની પાંચ વર્ષની બાળકી, પ્રેમમાં અંતરાયરુપ લાગતાં, ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી.

"હે,રામ...!!"

૪.
ગુજરાત,સાબરમતી આશ્રમમાંથી અલ્ટીમેટમ આપી, તેની કાયદેસર મુદત પણ બાંધી આપી, એક પૂજ્ય બાપૂએ, ૧૯૪૭માં અંગ્રેજોને હાંકી કાઢ્યા હતા,.અત્યારે ફરી સાબરમતીના તટ ઉપરથી ઈતિહાસ દોહરાવાઈ રહ્યો છે.

એક માસમાં સરકાર જવાની આગાહી, અલ્ટીમેટમ આપે દસ દિવસ જેવું થઈ ગયું છે, જોઈએ વીસ દિવસ પછી કયો મંત્ર-તંત્ર-ચમત્કાર થાય છે..!!
"સાબરમતી કે સંત તું કર ના કુછ કમાલ..!! સબકો સન્મતિ દે ભગવાન..!!"

૫.
લખલૂટ ખર્ચ કરીને સજાવાયેલા, એક લગ્નમંડપના આંગણે બે દિવસથી લગ્નની ધમાલ-આનંદ છવાયેલો હતો. આ આનંદમાં, લગ્નનું બરાબર યોગ્ય મૂહુર્ત સચવાય તેવી રીતે, જાન સમય પર આવી પણ ગઈ, વેવાઈની આગતાસ્વાગતા પણ થઈ. બેંન્ડવાળાઓએ ગળું ફૂલાવીને વાજાં બરાબર વગાડ્યાં છતાં પણ- છતાં પણ....!!!

લગ્નનું, તે જ મૂહુર્ત સચવાય,તે રીતે રસ્તામાં,એક મંદિરમાં, આ વરરાજાએ, પોતાની પ્રેમિકા સાથે ગાંધર્વ વિવાહ કરી,અજ્ઞાત સ્થળે,હનીમૂન માટે,પતલી ગલીસે કલ્ટી મારી.

(કેટલાક જાનૈયાઓને આ બાબતની,અગાઉથીજ,ગંધ આવી જતાં,તેમને કારમો આઘાત લાગતાં, તેઓએ સમયસર ભોજનને ન્યાય આપીને,પોતાનું દુંખ હળવું કર્યું હતું )

૬.
એક જમાનો હતોકે,જામખંભાળિયા-સૌરાષ્ટ્રના દેશી ઘી ની સોડમ,માધુપુરા માર્કેટમાં પ્રવેશતાં જ, મનને તરબતર કરી દેતી.

સૌરાષ્ટ્રમાંથી હાલમાં ખૂબ મોટા પ્રમાણમાં,શરીરને માટે હાનીકારક કૅમીકલ ભેળવેલા, નકલી દેશી ઘી, બનાવવાની ફૅક્ટરી પકડાઈ, જેમાં જાણીતી બ્રાન્ડના નકલી - ટીન -લૅબલ પણ મોટા જથ્થામાં ઝડપાયાં છે.

ભાયું, હંધાય માનવીયું જ જ્યોં નકલી થયા સે, પસેં નકલી ઘી ની ચ્યાં માંડો સો, ભાયા..!! ઈ તો ઈમ જ હાલે..!!

૭.
હમણાંથી આપણા,એકમાત્ર લોકલાડીલા લીડરશ્રીના, રણોસ્તવમાં અજમાવેલા વોર્ડરૉબની વિવિધતાના રંગબેરંગી સમાચાર આવે છે.જીન્સનુંપૅન્ટને, મફલરને,ખૂલ્લું શર્ટને, બસ- બસ એવું બધું.

અ.મો. ઉવાચ ???

" કેમ ભાઈ..!! એમાં કોઈને શું લેવાદેવા ? કુંવારા હોય તેણે લઘર-વઘર ફરવું,એવો કોઈ કાયદો અમારા અગાઉની સરકારોએ કરેલો છે ?
જો એમ હોય તો,કાયદામાં કરો સુધારો...હા..હા...બોલાવો, વિધાનસભાનું એક દિવસનું સત્ર..!!"


ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજાને કાયમ ભાંડતા રહેતા લાલુજીએ, ગુજરાત સરકાર દ્વારા, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ફરજીયાત મતદાનના કાયદાની પહેલ કરવાનાં પગલાંનાં મોં-ફાટ વખાણ કર્યાં. (હી..હી..હી....!! એ કોણ હસ્યું ?).

લાલુજીએ, દેશની તમામ વિધાનસભા,તથા લોકસભામાં પણ ફરજીયાત મતદાન લાગૂ કરવાની માં ગણી કરી. (રાંડ્યા પછીનું ડહાપણ ?)

૯.
૨૬/૧૧ના મુંબઈના આતંકવાદી હુમલાના એકમાત્ર જીવીત આરોપી,કસાબના કહેવા મૂજબ,પોલીસે તેને ફસાવી દીધો છે,તે તો બિચારો કાયદેસર રીતે વિઝા મેળવી ભારતની હિન્દી-ફિલ્મોમાં હિરો બનવા આવ્યો હતો.

પોલીસ મિત્રો,આવું ના કરશો ભાઈ..!! હિરોને વિલન બનાવવાનું કામ યોગ્ય કહેવાય?

૧૦.
મહારાષ્ટ્રના, આદરણીય પૂર્વમૂખ્યમંત્રી શ્રીદેશમૂખસાહેબના જણાવ્યા પ્રમાણે, ૨૬/૧૧ ની ઘટનામાં,સાવ નિર્દોષ રાજકીય નેતાઓનો ભોગ લેવાઈ ગયો.પરંતુ જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર હજી કોઈ કાર્યવાહી થઈ નથી,તે થવી જોઈએ.

( ખિસીયાની બિલ્લી,ખંભા નોંચે ?)

છોડો, બાપલીયા, ભેજું ખરાબ થઈ ગયું..!!

મિત્રો,હજી ઘણા ન્યૂઝનો ઉલ્લેખ કરવો બાકી છે,પરંતુ હવે આગળ વધારે લખવા હાથ ઉપડતો નથી

ચાલો, ત્યારે ફરીથી મારા તરફથી " NO COMENTS "

આપના તરફથી, "ANY COMENTS ??? "

માર્કંડ દવે.તા.૨૦-૧૨-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.