Sunday, February 21, 2010

જુઠ્ઠા દાદા

" જુઠ્ઠા દાદા "

મારો બ્લોગઃ-

" સદીઓથી પ્રથા એજ પળાય છે..!!
  પથ્થરોથી  પ્રેમ  કેમ તોલાય છે ?"

============

" દાદા, તમે સાવ જુઠ્ઠા છો. " દર્શકનું શરીર ક્રોધથી કાંપતું હતું.

માત્ર અઢી જ વર્ષના, દૈવદીપ સાથે રમતાં-રમતાં, ઝઘડી પડેલા, પાંચ વર્ષના દર્શકે, ચહેરા ઉપર અત્યંત આક્રોશના ભાવ સાથે,  દાદાને, અદ્વિતિય ઈલ્કાબ આપી દીધો. દાદા તો આ સાંભળીને સન્ન રહી ગયા.

વાતમાં ક્યાં કશો દમ હતો, તે આટલા નાના પૌત્રએ, દાદા વિષે છેક, આવા અંતિમ તારણ પર આવવું પડે ?

દાદા, જેટલો પ્રેમ દૈવદીપને કરે, તેટલોજ પ્રેમ  દર્શકને પણ કરે છે. દાદા બહાર જાય ત્યારે, કાયમ એકસરખી બે વસ્તુજ, ખરીદી લાવે. આજ કારણે, બંને બાળકોને પણ, પરસ્પર,  આવી કોઈ ફરીયાદ, ક્યારેય ઉદભવી  નથી.

ખરૂં પૂછો તો, દૈવદીપ અને દર્શક, દાદા સાથે જેટલા હક્કથી બધું કહી, માંગી શકે છે, તેટલું તો તેમના મમ્મી પ્રજ્ઞા  અને પપ્પા નૈનેષ પાસે પણ, નથી કહી કે માંગી શકતા..!!   તો પછી આવો પશ્ન આવ્યો  ક્યાંથી ..!!

વાત જાણે એમ હતીકે, ગઈકાલે, દૈવદીપ અને દર્શકના પપ્પા  નૈનેષે  દુકાનદારને ત્યાંથી,રમકડાંની બે કાર માંગી પરંતુ, એક સરખા રંગની ના મળી, તેથી, બે જુદા-જુદા રંગની કાર  ખરીદી હતી.

નવી કાર મળતાંજ, ગઈકાલથીજ  બંને બાળકો નવી કાર સાથે રમીને ખૂશ પણ હતા. વારંવાર ટોકવા છતાંયે, આખાએ ઘરમાં, આમથી તેમ, દોડાદોડી કરતાં થાકતા નહતા.

પણ આજે દર્શકને એ બાબતે ખરાબ લાગ્યુંકે, જ્યારે  દૈવદીપે,  લાલ રંગની કાર લેવા, જીદ્દ કરીને, રડવાનું શરૂ કર્યું, ત્યારે પોતાને ગમતી લાલ કલરની કાર, દાદાએ પોતાને (દર્શકને) આડુંઅવળું સમજાવીને, પોતાના નાનાભાઈ દૈવદીપને આપી દીધી. દર્શકને આ બાબત દિલમાં ઊંડે સુધી ચોટ કરી ગઈ.

દાદા  જેટલા મોટા માણસ, આવું કેવી રીતે કરી શકે ?  કેમ, દાદા થયા  એટલે  તેમને  ગમે તેવા નિર્ણય કરવાનો હક્ક મળી ગયો ?

આ લાલ રંગની કાર પપ્પાએ આવીને મને આપી હતી,તે સમયે તો દૈવદીપને વાદળી રંગની કાર ગમી હતી. પોતે તે વખતે મોટો હોવાથી નાનાભાઈને પહેલાં ચાન્સ આપીને, વાદળી કાર ગમતાં,તે કાર દૈવદીપને, વગર વિરોધે આપી નહતી ?

હવે પોતાને લાલ રંગની કાર ગમી ગઈ છે અને તેજ કાર, આજે  હવે દૈવદીપને ગમી, એટલે ," તે નાનો છે એટલે દર્શક, તેને આ લાલ રંગની કાર આપ જોઉ. મોટાભાઈ બનવું હોય તો, નાનોભાઈ જે માગે તે, આપવા જેટલું મોટું મન રાખવું પડે...!! મોટાએ  થોડોક  ત્યાગ કરતાં શીખવું પડે..!!"

દાદાએ મને આવું બધું જુંઠ્ઠું - જુઠ્ઠું  સમજાવવાનું?

જોકે, દાદાને હવે  એ  સમજાયું નહીંકે, આટલા નાના દર્શકના મનમાં, પોતાના માટે જે,  ભ્રમ ઊભો થયો છે તેનું નિરાકરણ કેવીરીતે કરવું ?

દાદાએ, ક્રોધથી કાંપતા પૌત્ર દર્શકને, પોતાના ખોળામાં બેસાડીને, માથે હાથ ફેરવીને, સમજાવવાનો, ફરીથી પ્રયત્ન કરી જોયો,,

" જો દર્શક બેટા, દૈવદીપ નાનો છે એટલે, તેનામાં તારા જેટલી અક્કલ થોડીજ હોય? તું તો બહુજ હોશિયાર છે, એટલે મારે તો તને જ સમજાવવો પડેને?  દૈવદીપ કાંઈ  મારી વાત, થોડોજ સમજવાનો હતો ? "

પરંતુ, દર્શક ,રોષપૂર્વક, દાદાના ખોળામાંથી, મોંઢું બગાડતો,  ઊતરી ગયો અને  અત્યંત દુઃખી મન સાથે,  વાદળી રંગની કારને લાત મારી, ખૂણામાં ધકેલી, ચાલતો થયો.

કદાચ, અત્યાર સુધી, કાયમ  તેનોજ પક્ષ લેતા, સત્યવાદી, આદર્શ સમાન લાગતા દાદા, હવે વિશ્વાસ કરવાને યોગ્ય રહ્યા નહતા.

પહેલાંતો દાદા, બિલકુલ આવા નહતા. પરંતુ, જ્યારથી આ દૈવદીપ આવ્યો છે અને  છેલ્લા  છ  માસથી  મારી  દરેક  વસ્તુ  જીદ્દ  કરીને, છીનવી લેતો થયો,  ત્યારથી દાદા હવે  કાયમ  મારા  બદલે,  મારા નાનાભાઈ  દૈવદીપનોજ  પક્ષ  લે  છે..!!

પાછું  દાદાએ  આજે તો  હદ  જ  કરી  નાંખી, અત્યાર  સુધી  ચાલોને,  સમજ્યાકે,  મારી  જેટલી  વસ્તુઓ  દૈવદીપે  જીદ્દ  કરીને  સમજોને  માંગી  લીધી, પણ  તે તો મનેય  ખાસ   ગમતી  નહતી, એટલે  મને  તે  વસ્તુઓ,  દૈવદીપને,  રમવા  આપવામાં  વાંધો  નહતો.

પણ...પણ.. આ લાલ રંગની  સરસ  મઝાની  કાર,  તેય  પાછી  મને  ગમતી,  તેય  પાછી  પપ્પાએ  મને જ  આપેલી, તેય  પાછી  દૈવદીપને  ગઈકાલ  સુધી નહતી ગમતી અને  આજે  અચાનક  તેને  ગમી  ગઈ,  એટલે  દાદાએ,  મને  અન્યાય  કરીને,  તેને  આપી  દેવાની? પછી  દાદા  જુઠ્ઠા જ કહેવાય કે બીજું કાંઈ?

નાનકડા  દર્શકને  કેવીરીતે  સમજાવવો  તે,  દાદાને  ના  સમજાયું, સાથે - સાથે   દુઃખ  પણ  ઘણુંજ  થયું, સાવ  આટલા  નાના  બાળકને, આટલી નાની ઉંમરથીજ પોતાના નાનાભાઈ, માટે  ખોટા  પૂર્વગ્રહ  બંધાય તે  બરાબર નહીં.

દાદાએ વિચાર્યું,  સાંજે  દીકરો  નૈનેષ  આવે  એટલે  વાત.  તેને  કહીને  દર્શક માટે આવીજ, લાલ રંગની બીજી કાર ગમે  ત્યાંથી  શોધી  લાવે, પછી તો  દર્શકને,  નાનાભાઈ દૈવદીપ પ્રત્યે  કોઈ  નારાજગી નહીં  રહે  અને  પોતાના માટે  પણ કોઈ  ફરીયાદ પણ  નહીં  રહે...!!

જોકે,  સાંજે  નૈનેષે  આવીને  બંને  બાળકોના  ખબરઅંતર પૂછ્યા તે સાથેજ,  દર્શકના મનમાં, આખા દિવસનો,  ધરબાઈ  રહેલો  આક્રોશ લાવા બનીને ફાટી નીકળ્યો.

" પપ્પા, કાલે તમે મને લાલ રંગની કાર આપી તે  દૈવદીપે જીદ્દ કરીને લઈ લીધી, મને વાદળી રંગની કાર નથી ગમતી."

હજુ ઘરમાં પગ મૂકતાંજ, દર્શક, પપ્પાને,  ફરીયાદ કરી પરેશાન કરે, તે  પ્રજ્ઞાને ઠીક ના લાગ્યું, તેણે દર્શકને ટપાર્યો, "  દર્શક બેટા, જો  પપ્પા ઑફિસેથી હમણાંજ આવ્યા  છે ને...!!   તેમને ચા -પાણી   તો  પી   લેવા  દે, પછી  તંગ  કરજે  બરાબર? "

ત્યાં તો નૈનેષે કહ્યું,"  પણ  બેટા,  તને ગમતી  કાર  દૈવદીપે  લઈ  લીધી, તો  તારે  દાદાને  ફરીયાદ  કરવી  જોઈએ ને..!!"

દર્શનને ફરીથી દાદાએ, પોતાની સાથે કરેલો, અન્યાય, પક્ષપાત યાદ આવતાંજ  તે ગરમ થઈને બોલ્યો,"  પપ્પા, દાદા તો સાવ જુઠ્ઠા છે, તેમણેજ  આ કાર ભાઈને આપી દીધી."

સવારે દાદા અને  હવે સાંજે, દર્શકે ફરીથી એજ વાત દહોરાવતાં, નૈનેષ - પ્રજ્ઞા સન્ન થઈ ગયા.

ઓફિસથી કંટાળીને આવેલા નૈનેષને, પોતાના દીકરા દર્શકની આવી ઉદ્ધતાઈ ગમી નહીં. તેણે, ગુસ્સે થઈ, દાદા વિષે આવું અણછાજતું બોલવા બદલ, નાનકડા દર્શકને,  એક  લપડાક ચોડી દીધી.

દર્શક પપ્પાના આવા અચાનક હુમલાથી, ડઘાઈ ગયો, પણ અંતે  રડતાં -રડતાં દર્શકે, જ્યારે નૈનેષને એમ કહ્યુંકે, " દાદા જુઠ્ઠા છે..!! તેવું કાલે તમે જ મમ્મીને નહતા કહેતા ?  મને કેમ મારો છો ?"  ત્યારે  તો  પ્રજ્ઞા અને  નૈનેષ  પણ  બોલતાં  બંધ  થઈ  ગયાં.

દર્શકની વાત તો સાવ સાચી હતી, ગઈકાલે  નૈનેષ પ્રજ્ઞા પાસે, ઉશ્કેરાટમાં બોલી ગયો હતોકે, " પપ્પા સાવ જુઠ્ઠું બોલે છે..!!"

વાત એમ હતીકે,  બાપુજીએ,  નૈનેષની મમ્મીના  ગુજરી ગયા પછી, તરતજ  પોતાની  મિલકતના ભાગ પાડીને, મોટા નૈનેષ અને  નાનાભાઈ  આશિષ માટે, એકજ  સોસાયટીમાં  ખરીદેલા,  બે  બંગલામાંથી,  જૂનો  બંગલો  નૈનેષને  આપી, નવો મોટો બંગલો, નાનાભાઇ  આશિષને  ભાગમાં આપી દીધો.

આ બાબત પ્રજ્ઞા અને નૈનેષને  ગમી  નહતી, તેથી  ગઈકાલે  દર્શકની હાજરીમાં, નૈનેષે  પોતાને  થયેલા  અન્યાય  બાબતે  ચર્ચા  કરતાં,  પોતાના જ બાપુજીને `જુઠ્ઠા`  કહીને,  પોતે  મોટો  હોવાથી,  ત્યાગ  કરવા અંગે,  ગમે  તેમ જુઠ્ઠું સમજાવીને,  નાનાભાઈને  મોટો  બંગલો આપી  દીધો  હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

નૈનેષ અને  આશિષને,  મિલકતના ભાગની  બાબતમાં,  મોટા - નાના હોવાના  ભેદને  કારણે, થયેલા  ભેદભાવ,  જેવોજ  ભેદભાવ  આજે દાદાએ,  ફરીથી  દર્શક અને દૈવદીપ સાથે  કરતાં, પપ્પાએ જ (નૈનેષેજ),  દાદાને  `જુઠ્ઠા` કહ્યું હતું  તે, નાનકડા દર્શકે  યાદ રાખીને, આજે સવારે ફરીથી  દાદાના, મોંઢામોંઢ કહ્યું., તેમાં શું ખોટું કર્યું હતું?

જોકે, પ્રજ્ઞા અને નૈનેષને, આજે પોતાના દીકરા દર્શક પાસે, ખૂલ્લા પડી જવાને કારણે, અત્યંત શરમ આવી. સંસ્કારી પ્રજ્ઞાએ તરતજ નૈમેષ સામે અર્થપૂર્ણ નજરથી જોયું.

નૈનેષ જાણે પત્નીનો  ઈશારો  સમજી ગયો હોય તેમ,  દર્શકને  હાથમાં  ઉંચકી  લઈને  સીધોજ,  બાપુજીની  રૂમમાં પહોંચી ગયો.  ત્યાં પહોંચતાંજ, દર્શકની હાજરીમાં, તેના  દેખતાંજ, ગઈકાલે ગુસ્સામાં, પોતે  બાપુજી માટે, અણછાજતું બોલી ગયો હતો તે બાબતે, બાપુજીની હ્યદયથી માફી માંગી.

જોકે, બાપુજીએ, નૈનેષ સમક્ષ, નાનાભાઈ આશિષને પેલો નવો બંગલો કેમ આપ્યો ? તેનો ખુલાસો કર્યો, ત્યારે તો  નૈનેષને, ઘરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થઈ ગયું.        

બાપુજીએ કહ્યું," બેટા, મેં તો  તારી મમ્મીની અંતિમ ઈચ્છા અનુસાર જ ભાગ પાડ્યા છે, તારો જન્મ અહીં , આ  બંગલામાં, સહુથી પહેલાં મોટા દીકરા તરીકે થયો હતો,  તું  અહીં  ખૂબ  રમેલો છે, તેથી જ આ બંગલો તારા જન્મ સ્થળની  યાદગીરી રૂપે, તને જ   ભાગમાં આપવાની,  તારી  મમ્મીની  ઈચ્છા  હતી,. મને તો તે છેલ્લે  કાયમ  કહેતીકે,  ભાગમાં  આ  બંગલો  નૈનેષને,  આપણે  આપ્યો  છે, તે  વાત  નૈનેષ  જાણશે તો  રાજીના  રેડ  થઈ  જશે...!!"

બાપુજીએ  ઉમેર્યું, "  અને  નૈનેષ, જો  તું  મારી  ઈચ્છા  જાણવા માંગતો  હોય તો,  તારી મમ્મીના ગુજરી ગયા પછી, તેં  અને  પ્રજ્ઞાએ  મને  જ્યારે, નાનાભાઈ આશિષને બદલે, તારી સાથે રહેવા ખૂબ   આગ્રહ  કર્યો,  ત્યારે  તારી  મમ્મીની  સાથે  મેં  આ બંગલામાં,  વિતાવેલી અનેક ખાટી મીઠી પળોનો સાક્ષી, આ જ બંગલો હોવાથી, આ બંગલો તને જ આપીને, તારી  સાથે  રહેવાનું  મેં  પસંદ  કર્યું."

બાપુજીનો લાગણીથી  ભરેલો,  ન્યાયપૂર્ણ   ખુલાસો  સાંભળીને,  મમ્મીના  ઉલ્લેખ  અને  અંતિમ  ઈચ્છાવાળી  વાતથી,  વિચલિત   થઈ   નૈનેષ,   બાપુજીના ખોળામાં, માથું  ઢાળીને,  નાના  બાળકની  માફક  આક્રંદ  કરવા  લાગ્યો.  બાપુજીએ  અત્યંત  પ્રેમથી  નૈનેષના  માથે,  વાળમાં  હાથ  ફેરવીને, નૈનેષને સાંત્વના  આપી.

દાદાના  ખોળામાં,  માથું  ઢાળીને, પપ્પાને  રડતા  જોઈને,  દર્શનને  બીજી તો  કશી સમજ ના પડી, પરંતુ  તેને  એટલું  જરૂર  સમજાયુંકે,  ગઈકાલે  દાદાને, પપ્પાએ  `જુઠ્ઠા`  કહ્યા  હતા,  તે  બરાબર  ન હતું.  દાદા  ખરેખર  જુઠ્ઠા  નથી. 

દર્શકને એમ થયુંકે, પપ્પા તો દાદા પાસે રડીને માફી માંગે છે, દાદાને મેં ય જુઠ્ઠા કહ્યા હતા, હવે હું કેવીરીતે દાદાને મનાવું..!!

નૈનેષનો, રડવાનો અવાજ સાંભળીને, પ્રજ્ઞા હાંફળી-ફાંફળી દોડી આવી, તો તેણે જોયુંકે...!!

દાદાના ખોળામાં  ચઢીને,  બેસી  ગયેલો  દર્શક,  દાદાને  કાલીઘેલી   ભાષામાં,   દાદાના   ગાલે   નાના  - નાના   હાથ   ફેરવીને,  કહેતો  હતો, " દાદા, મને લાલ કાર નથી ગમતી હોં, મને તો વાદળી કાર બહુજ ગમે...!! એં..!! વાદળી કારમાં તો  ડેકી પણ છે,   હેં...ને દાદા..!!"

જાણે બંને  બાળકોને,  માફ  કર્યા  હોય  તેમ,  દાદાએ,  દીકરા નૈનેષ  અને પૌત્ર દર્શક પર પોતાના હાથની ભીંસ વધારી દઈને, દિવાલ પર ટાંગેલા, પત્નીના ફૉટા સામે જોયું. 

કદાચ નૈનેષના બાપુજી, નૈનેષની મમ્મીને કહેતા હશે, " તું શું કામ વહેલી વહી ગઈ, આવો લહાવો લેવાનું ચૂકી ગઈને ?"

માર્કંડ દવે.તા.૨૧-૦૨-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.