Friday, January 15, 2010

જુદાઈ

પ્રિય મિત્રો,

મૃત્યુનો ભય ભલભલા કઠણ કાળજાના માનવીને હતાશાની ખીણમાં ઉંધે કાંધ પટકે છે.
સન ૧૯૯૧ માં આવેલા પહેલા અને અત્યાર સુધી છેલ્લા હાર્ટ ઍટેક દરમિયાન ફરજીયાત આરામની ક્ષણોમાં,
મૃત્યુના ભયને કારણે સહુને છેલ્લા "રામ-રામ" કહેતી વખતે શું કહેવું..!! તેવી મનની મથામણમાં કાંઈક લખાઈ ગયું,
જેમાં ખબર કાઢવા આવનાર સગાં,સ્નેહી,મિત્રોને ઉદ્દેશીને કેટલીક છેલ્લી વ્યથા-કથા વર્ણન છે.

જોકે,૧૯૯૧ થી ૨૦૦૯,સાબરમતીમાં તેનાં પોતાનાં અને નર્મદામૈયાનાં ઘણાં નીર વહી ગયાં છે.
હું ય હવે સાચવી-સાચવીને પૂનર્જન્મનો આનંદ આકંઠ માણું છું,
પરંતુ,મૃત્યુ વેળાએ માનવીની આનાથી વધારે અપેક્ષાઓ નહીંજ હોય તેમ માનીને
આ અછાંદસ રચના રજૂ કરવાની ધૃષ્ટતા કરું છું,કદાચ આપને સ્પર્શી જાય..!!

જુદાઈ

આપ મારા હ્યદયકંપ (ધરતીકંપ?) જેવા ગંભીર પ્રસંગે લાગણીભીનું હ્યદય અને અનુકંપાભર્યા આશ્વાસન સાથે આવ્યા.
મારા હ્યદયને તેનાથી ઘણીજ શાતા વળી છે.પણ જ્યાં ક્ષણ પ્રતિક્ષણની જાણ મને નથી ત્યાં,કાલની તો કોને ખબર છે ?
બસ એટલું કહું કે,

"ઢળી પડું હું જો ક્યારેક, થોડી આંખ ભીની તમે કરી લેજો.જુદાઈના રાગોને તાર સ્વરે તમે છેડી દેજો."

હું જાણું છું,ઈશ્વરે દુઃખના ઓસડ તરીકે દહાડા આપ્યા છે. સઘળું દુઃખ ભુલવાની એ દવા ભગવાને અકસીર આપી છે.
એ વાત પણ સાચી છેકે, જળમાં ઝબોળેલી આંગળી બહાર કાઢતાંજ જળમાં પડેલી ખાલી જગ્યા પુરાઈ જાય છે.
પણ મારી એક વિનંતી જરુર ધ્યાનમાં રાખજોકે,

"ભલે ચિતા ઠરતા સુધીજ,માતમ મારો મનાવી લેજો,માન હોય જો થોડું તો,જરા મૌન તમે પાળી લેજો."

મારી સફળતાની,નિષ્ફળતાની,ગર્વની,અવગણનાની,જમા ની, ઉધાર ની અણગમતી પ્રવૃત્તિઓને કારણે ઘણાને હું આજીવન ગમ્યો નથી.
ક્યારેક તો તેઓ ખબર કાઢવા આવ્યા ત્યારે,ખરેખર આ જશે કે નહીં..!! ,તેની ખાત્રી કરવા આવ્યા હોય તેવો ભ્રમ પણ આ ભોળા હ્યદયને થયો.
પરંતુ હ્યદયકંપ પછીના આફ્ટરશૉક સમજી મેં તેને અવગણ્યો.છતાં મેં જાણે અજાણે કોઈને દુભવ્યા હોય તો,

"નફરત કેરી સહુ ગાંઠો,બેસણામાં જ દફનાવી દેજો, મારી તસ્વીર પર બેચાર શ્રધ્ધાસુમન તમે ચઢાવી દેજો."

મારી હ્યદયસ્વામિની પત્નીની માલિકીનું,આ મારું હ્યદય સિંહાસન,કંપને કારણે હાલકડોલક થયું છે. હ્યદયસ્વામિનીને જરુર અપાર ઉદ્વેગ થશે.
જોકે,મારાં નાનાં ભુલકાં,જેને મૃત્યુ એટલે શું..!! તેની હજી સમજ નથી,તેઓ પોતાની મસ્તીમાં બાળસહજ રમતમાં ગૂંથાયેલાં હશે..!!
સ્વાભાવિક છેકે,આવા કારમા આઘાતના સમયે મારી પત્ની,નાનાં ભુલકાંને સંભાળી નહીં શકે તો, મારી વિનંતી છેકે,

"રડતાં સહુ મારાંને દિલાસો જરા બંધાવી દેજો,મૃત્યુથી અજાણ ભુલકાંને વ્હાલથી તમે રમાડી લેજો. "

માનવ મન અકળ છે,નિષ્ઠુર છે,કલિકાલ એના ચરમ મધ્યાન્હે છે.મારાથી દુભાયેલા ઘણા બધા મારા મોતનો મલાજો કદાચ નહીં જાળવે..!!
મારી પાછળ,સહુની હાજરીમાં,આવા કોઈ રડ્યાખડ્યા, ઓળખીતા મારી ટીકા,નિંદા,કૂથલી કરે તો એ સર્વનો ખુલાસો કરવા હું તો ક્યાંથી હાજર હોઈશ..!!
મારા કુટુંબની આવી ક્ષોભજનક પરિસ્થિતિમાં,તમારે જ તેમની વહારે દોડવું પડશે.આવા સંજોગોમાં મારી વિનંતી છેકે,

"નિંદા કરે મારી કોઈ તો વાતને ખૂબીથી તમે વાળી લેજો,મારા તમને માનું છું,પાછળ બધું તમે સંભાળી લેજો."

મિત્રો,આ રચનાનું સ્વરાંકન કરી,એકવાર તેને રેકૉર્ડ કરવાનો પ્રયત્ન કર્યો તો,ચોધાર આંસુ નીકળવા લાગતાં વિધ્ન આવી ગયું,અમારા રેકૉર્ડિસ્ટ મિત્રને,હું કેમ ભાવુક થઈ ગયો..!! તેની સમજ હજી નથી પડી.ચાલો ફરીથી ભાવુક થઈ જવાય તે પહેલાં અહીં વિરમું છું.

માર્કંડ દવે.તાં.૨૪-૧૧-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.