Tuesday, September 28, 2010

મનમોહન બાપા બગડ્યા? હવે કોની બગાડશે હૅલ્થ- કૉમન વેલ્થ?

મનમોહન બાપા બગડ્યા? હવે કોની બગાડશે હૅલ્થ- કૉમન વેલ્થ?

" કરો જો વાર દિલ  પર તો, સંગ ઢાલ  પણ દેજો..!!
   કર્યો`તો  ઘાવ  મુજ પર શીદ?  જવાબ  પણ દેજો..!!"


===========

પ્રિય મિત્રો,

સન - ૧૯૩૦ માં બ્રિટિશ ઍમ્પાયર દ્વારા  શરૂ થયેલ, દર ચાર વર્ષે અલગ-અલગ દેશોમાં યોજાતી કૉમનવેલ્થ ગૅમ્સ, સન-૨૦૧૦ના, ઓગણીસમા  મહા-રમતોત્સવનો  શુભારંભ, દીલ્હી ખાતે, તા ૩ -ઑક્ટોબર ૨૦૧૦ થી થઈ રહ્યો છે

હવે, આ ઈવેન્ટ આડે જ્યારે ગણીને,લગભગ, ફક્ત ગણત્રીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે આ રમતોત્સવની તૈયારીઓ તથા તેમાં આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચાર અને તેમાં ભાગ લેનાર, આપણા ખેલાડીઓ અને ખેલની તૈયારીઓને, જાણે ગ્રહણ ગ્રસી ગયું હોય તેમ, આપણને,  જાતજાતને - ભાતભાતના, અણગમતા અહેવાલ  પ્રસિદ્ધ થઈ રહ્યા છે.

આપણા વડાપ્રધાનશ્રીમનમોહનસિઘજી રહી-રહીને આયોજન સમિતિના મેમ્બર્સ પર, બરાબરના બગડ્યાના સમાચાર છે. ( અસર? ભગવાન જાણે..!!)

દરરોજ આવા, એકના એક  સમાચાર વાંચીને, કંટાળેલા એક કાકાએ, મને સવાલ કર્યો," હેં...ભા..ઈ..!! આ કૉમનવેલ્થનું આ,  શું ડીંડવાણું ચાલે છે, સાલુ..!! કાંઈ સમજાતું નથી..!! આ દરરોજ કાંક,  ટોયલેટ પેપરનું કૌભાંડ છપાય છે, એટલે શું?"

અત્યંત  અકળાયેલા,  આ કાકાને મેં, યથાશક્તિ સમજાવવાનો પ્રયત્ન કર્યો," કાકા,  આ  ટોયલેટ પેપર એટલે, પરદેશમાં જેનો ટોયલટ ગયા પછી ઉપયોગ થાય છે તે,  પેપર..!!  તેની કિંમત નજીવી છે, પણ આપણે ત્યાં યોજાયેલી  `કૉમનવેલ્થ ગૅમ્સ`  માટે, તે લગભગ રૂ. ૯૫૦૦ માં, એક પેપરરોલ ખરીદીને, ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ થયા છે."

નિર્દોષભાવે, કાકાએ ફરી પૂછ્યું," પણ આપણે, ટોયલેટ પેપેર ખરીદવાની જરૂર જ શું છે?  શું  દીલ્હીમાં પાણીની તંગી છે? તો પછી, જમુનામાં અત્યારે પુર આવ્યું છે, તે સમાચાર ખોટા?"

હવે, હું બરાબર હલવાણો..!! મારી બુદ્ધિ બહેર મારી જતાં, વધારે લપ કર્યા વગર જ, તે  કાકાની જોડેથી, મારા રસ્તે, હું ચાલતો થઈ ગયો..!!

પરંતુ, મારી કાયમી આદતને  વશ થઈને, હું ગહન  વિચારે ચઢી ગયો...!!

મિત્રો, માર્કસ ટ્યુલિયસ સિસેરૉ, એક રોમન તત્વચિંતક, રાજનીતિજ્ઞ,વકીલ, રાજનીતિ  વિશેષજ્ઞ  અને રોમન સામ્રાજ્યના  બંધારણવાદી હતા.તેઓ સમગ્ર રોમમાં, એક છટાદાર વક્તા તરીકે પણ જાણીતા હતા ( કાર્યકાળ, ૩ -જાન્યુઆરી, ૧૦૬ BC  થી ૭ - ડિસેમ્બર, ૪૩  BC ) તેઓ કહે છે.

"  We must conceive of this whole universe  as one commonwealth  of which  both  gods  and  men  are  members. " -  Marcus Tullius Cicero.   

અર્થાતઃ- " આપણે અવશ્ય કલ્પના કરવી જોઈએકે, આખી એ અખિલ સૃષ્ટિ (વિશ્વ, દુનિયા, પૃથ્વી) તથા સમગ્ર માનવજાતિ, એક અખંડ રાષ્ટ્રસમૂહ છે  અને પરમેશ્વર તથા તમામ માનવ તેના સભ્ય (હિસ્સો) છે."

પરંતુ, માર્કસની કૉમનવેલ્થના, સમગ્ર ખ્યાલની, `મધર-સિસ્ટર`ને, આપણા  સુરેશ કલમાડી એન્ડ કું. એ એક ( ..!! ) કરી નાંખી હોય તેમ લાગે છે?

કદાચ, આ મડળી એમ માનતી હશે કે?

" આપણે અવશ્ય કલ્પના કરવી જોઈએકે, આખી એ અખિલ સૃષ્ટિ (વિશ્વ, દુનિયા, પૃથ્વી) તથા સમગ્ર માનવજાતિની ધનસંપત્તિ, સર્વના હક્ક્ની છે  અને  ૨૦૧૦ કૉમનવેલ્થ ગેમ્સ ઑર્ગેનાઈઝેશન કમીટીના સર્વે  સભ્ય નો તેમાં સરખો  હિસ્સો  છે."

આના સમર્થનમાં, નામાંકિત મહાનુભવના ઉદગાર અને તેના પર, `કૉમનમેન` મિત્રોએ કરેલા કટાક્ષ  માણવા લાયક છે.

* શ્રીમતી શીલા દિક્ષીત, "કૉમન ગેમ્સ વીલેજના, તમામ બારી દરવાજા, બંધ રાખવા સૂચના અપાઈ છે જેથી, ચોરીના બનાવને ટાળી શકાય..!!"

( હવે રહી..રહીને? કોની વાત કરી, શીલા બહેન, Kalmadi, Hooper, Fennel, M.S. Gill, Jaipal Reddy, Delhi cops etc. ?)


* શેખરકપૂર-ફીલ્મ નિર્માતા," આપણને કૉમનવેલ્થ ગેમ્સના વહીવટ પરથી સમજાય છેકે સરકારી કામ કેવીરીતે થતાં હશે..!!"

( CWGના ખેલાડીઓ, ગમે તેવું રમે, આપણા નેતાઓની રમત સામે, ખેલાડીઓની રમત ઝાંખી પડી જવાની?)

* કાલે, દીલ્હીમાં રોડ પર, પોલીસની વાનને, પોલીસ ધક્કા મારીને ચલાવતી જોવા મળી..!!

( આ..લ્લે..!! CWGમાં એટલા બધા પૈસા ખર્ચાયાકે, પોલીસની વાનમાં, બળતણ નંખાવવાના પૈસાય ના બચ્યા?)


* આયોજન સમિતિના `હૂપરે` કહ્યું," હાલતો, ભારતના પૈસાથી એશ કરું છું."

( કરદાતા તો ખૂબ હી કમાત હૈ, `કલમાડી- હૂપર` ડાયનોસોર ખાયે જાત હૈ..!!)


* આયોજન સમિતિના `હૂપરે` કહ્યું," જોકે, મારે ભારતની આબરુ સાથે કશી લેવાદેવા નથી..!!"

( કદાચ, ફૅન્નિલ અને હૂપરને તેમનો હિસ્સો હજી મળ્યો લાગતો નથી?  સાંભળ્યું છેકે, રાજા ચૌધરી, રાહુલ મહાજન, સંભાવના, રાખી સાવંત, રામગોપાલ વર્મા અને રામસે બ્રધર્સ, હૂપરના વિરોધમાં ઈંડિયાગૅટથી મશાલ સરઘસ કાઢવાના છે?)

* પ્રિન્સ ચાર્લ્સ દ્વા ખૂલ્લો મૂકીને તથા પ્રેસિડન્ટ શ્રીમતીપ્રતિભા પાટિલ દ્વારા વેલકમ સ્પીચ વાંચવાનું નક્કી કરીને, ગેમ્સના ઉદઘાટન સમારોહના વિવાદને ટાળવામાં આવ્યો.         

( ફરીથી, ભારત અને  બ્રિટિશર્સ વચ્ચે યુદ્ધની નોબત? આ તો બહુ  જુની ચવાઈ ગયેલી બાબત છે..!!)

* CWG ના ઉદઘાટન અને સમાપન સમારોહમાં, અજ઼ાન અને કવ્વાલીના સાઉંન્ડટ્રેક સામેલ કરવા બદલ, ભાજપા દ્વારા, સરકારની ટીકા-નવભારત ટાઈમ્સ.

( ગેમ્સના નામે આરંભાયેલા ગોરખધંધામાંથી, ઈશ્વર-ખુદાને વાસ્તે  ઈશ્વર-ખુદાને દૂર રાખો તો સારું..!!)

* નહેરૂ સ્ટેડિયમનો એક બલ્બ ઉડી જાય તો, નવો બલ્બ નાંખવા, કલમાડી કેટલા મજુર મોકલશે?

( એક લાખ મજુર..!! એક બલ્બ બદલવા અને બાકીના ૯,૯૯,૯૯૯ સ્ટેડિયમની છતને પકડી રાખવા..!!)

*  CWG માં ઈમરજન્સીંને પહોંચી વળવા, બ્લડનો સ્ટોક તૈયાર રખાશે..!!

( જે માટે, રૅરેસ્ટ બ્લડગ્રૂપ, ` I AM NEGATIVE..!!` ની વીસ બોટલ, એકલા કલમાડીજીએ રક્તદાન કરી, દેશમાં ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે?)    

* CWG વીલેજમાં કોબ્રા નીકળે છે.

( એતો, કલમાડીજીની બધાને  સખત સુચના છેકે,"  મહેમાનોનું સ્વાગત,  `Tea and SNAKES` થી કરવું?" )

 * શું એ સાચું છેકે, ઈંન્ટરનેટ પર , કૉમન વેલ્થ ગેમ્સ - ભ્રષ્ટાચારના  વિરોધમાં, `કાળી પટ્ટી ઝૂંબેશ`  શરૂ કરાઈ છે?

( કાળાં કામ કરનાર માટે કાળી પટ્ટી?)

જોકે, આ બધા નકારાત્મક પ્રચારથી, વ્યથિત થઈને,

* આ રમતોત્સવના ઑર્ગેનાઈઝેશનના, વાઈસ ચેરમેન શ્રીરણધીરસિંઘજીએ, પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુંકે," આખી દુનિયા આપણા તરફ મીટ માંડીને જોઈ રહી છે ત્યારે,  આ ઈવેન્ટ અંગે સર્વત્ર ચાલી રહેલી, નકારાત્મક પબ્લિસિટીને કારણે, હું  ઘણીજ  શરમ  અનુભવું  છું."

* આ ઈવેન્ટ ઑર્ગેનાઈઝેશનના, સેક્રેટરી જનરલ શ્રીલલિતભાઈ (અહીં પણ,લલિતભાઈ?), તમામ આક્ષેપોને નકારીને, આ નકારાત્મક પ્રચાર અભિયાનને,“Inaccurate and mischievous.” ગણાવે છે.

* રાજ્યસભાના મેમ્બર અને  કેન્દ્રીય યુવા સાંસ્કૃતિક કલ્યાણ તથા રમતમંત્રી શ્રીએમ.એસ.ગીલસાહેબનું માનવું છેકે," આ ઈવેન્ટમાં અતિશય ખર્ચના આક્ષેપોમાં તથ્ય નથી. નિરંકુશ ખર્ચ કરવાની સત્તા કોઈને પણ અપાઈ નથી."

મને યાદ છે, દેશને  આઝાદી મળી ત્યારથી, સન-૧૯૭૫ સુધીના સમયગાળામાં, કેન્દ્ર સરકારના યુથ અફૅઈર્સ અને સ્પોર્ટસ મંત્રાલય દ્વારા, શાળા કૉલેજોમાં, સ્કાઉટ, NSS.( નેશનલ સર્વિસ સ્કિમ) તથા  NCC ( નેશનલ કેડેટ કોર્પ્સ) ના યુવક-યુવતીઓને,રસ્તાપર કે સીટી બસમાં,દેશને ગૌરવ અપાવે તેવો, સૈનિકો જેવો ડ્રેસ અને માથા ઉપર, લાલ પીછાઁવાળી કૅપ પહેરીને, પરેડ  કરવા જતા જોતા ત્યારે આપણા સહુની આંખ ઠરતી અને આપણું દેશાભિમાન જાગી ઉઠતું.

પરંતુ, ત્યારબાદ ક્રમશઃ, જવાબદાર તમામ સત્તાધિશોની, ગુન્હાહિત ઉદાસીનતાને કારણે, યુવાધનના દેશપ્રેમને ગરમાવતી, આ તમામ પ્રવૃત્તિઓ, ક્યાંરે મૃતપ્રાય અવસ્થામાં આવી ગઈ?  તે માત્ર ઈશ્વરને જ ખબર હોય તેમ  ભાસે  છે...!!

આપણા દેશના યુવાધનને, અત્યારે અધ્યતન  ટેકનૉલોજીનો, અપાર, અલભ્ય  લાભ  મળ્યો  છે, તેને આકંઠ  માણી લેવાના મૂડમાં, શારીરિક ક્ષમતા ના નામે અત્યારે, `ગઢ આલા પર સિંહ ગેલા..!!` જેવી સ્થિતિ નિર્મિત થઈ છે.

આ જાણવા જેવું છેકે, આપણી ઉત્તમ જીવનશૈલીના અર્ક-અમૃત સમી, શ્રીમદભગવદગીતાના, `વિશ્વરૂપ દર્શન યોગ` નામક, અગિયારમા અધ્યાયમાં,ભગવાન શ્રીકૃષ્ણને યાચના કરતાં, અર્જુન પ્રાર્થના કરે છે,
  
" एवमेतध्यथात्थ   त्वमात्मानं   परमेश्वर ।
  द्रष्टुमिच्छामि  ते रूपमैश्वरं पुरूषोत्तम ॥३॥"   " વિશ્વરૂપ દર્શન યોગ- અધ્યાય -૧૧ -શ્રીમદભગવદગીતા."


અર્થાતઃ-  હે પરમેશ્વર ! આપ પોતાને જેવા કહો છો, એ ખરેખર એમજ છે, છતાં પણ હે પુરૂષોત્તમ ! આપના  જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું.॥ ૩ ॥

આપણે પણ, અર્જુનની માફક આપણા મનમાં વ્યાપેલા,  વિષાદયોગને  ત્યજીને, દેશના સાવ છેવાડે આવેલા, વિસ્તારમાં, કોઈ ગરીબ આદિવાસી કે દલિત પરિવારમાં, જન્મેલા અદભૂત રમતવીર, શ્રીકૃષ્ણના `વિશ્વરૂપ દર્શન યોગ`ની પ્રતિક્ષા કરીશું?

" How  far  that  little  candle  throws  his  beams..!!  So  shines  a  good  deed  in  a  naughty  world."

- WILLIAM  SHAKESPEARE ( 26 April 1564;  23 April 1616).  An English poet  &  a  Dramatist.


આપણા દેશની, આશરે કુલ વસ્તી ૧૩૦ કરોડમાંથી, લગભગ ૭૬% પ્રજા, અસહ્ય મોંઘવારીને કારણે, ગરીબીમાં સબડતી હોય, તેમની રોજની માથાદીઠ આવક, માત્ર રૂ. ૨૮ - / જેટલીજ હોય ત્યારે, આ પ્રકારે, કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન તે, `ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો.` આપવા જેવી, કે પછી, `मत्स्यलागलन्यायः। મોટી માછલી,નાની માછલીને ગળે` તે કહેવત સમાન , આખીય બાબત હોય તેમ, લાગે  છે.

આપણા ઑસ્કાર ઍવોર્ડ વિજેતા, સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રીએ.આર. રહેમાને, આ ઈવેન્ટ માટે, જે ગીત પર ધુન કંમ્પોઝ કરી છે, તે ગીતના શબ્દ પણ, આપણા દેશની `અતિથિ દેવો ભવઃ।`ની સંસ્કૃતિને બરાબર અનુરૂપ છે. ગીતના શબ્દ છે," ઓ યારોં, યે ઈન્ડીયા બુલા દીયા."

જોકે, નવાઈ લાગે તેવી બાબત એ છેકે, ખેલ ગામમાં, શેરી કૂતરા, ઝેરી સાઁપ, તૂટેલા પલંગ,તૂટેલાં બૅઝીન, પાનની પિચકારીઓ, તૂટેલા પુલ, ઉખડેલી-પાણી ટપકતી છત વિગેરે-વિગેરે, કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી, મહેમાનોનું સ્વાગત કરવા  મોજુદ છે.

મહાન સંગીતકાર, શ્રીએ.આર.રહેમાનની માફકજ, દેશદાઝથી પ્રેરાઈને, મૂળ જોગિન્દર નગર, મંડી, હિમાચલ પ્રદેશના વતની અને હાલ,  ઈંડીયા ન્યૂઝના ટીવી પત્રકાર, શ્રીઆદર્શ રાઠૌર અને તેમના મિત્ર અભિષેક તિવારીજીએ, લખેલા-સ્વરબદ્ધ કરેલા, એક રૅપ-સોંગ,` ધિક્કાર હૈ?` માણવા લાયકજ નહીં, ઑસ્કાર ઍવોર્ડને લાયક છે?(શ્રીઆદર્શજીએ, Cool Edit Pro માં તૈયાર બીટ્સ ટ્રેકમાં, બાંસુરી અને સિંથેસાઈઝર ટ્યુન્સ મીક્સ કરીને આ ગીત તૈયાર કરેલ છે. તેઓ જાતેજ ઘણા પ્રકારનાં વાધ્ય વગાડી જાણે છે.)

આ  રૅપસોંગને માણવા લિંકઃ  http://www.youtube.com/watch?v=cIbr8Zlyh1Q&feature=player_embedded#!

આ સોગ  સાંભળ્યા પછી શ્રીરાઠૌરજીને, કોઈએ સવાલ કર્યોકે," તમને દેશ માટે માન નથી, તે આવું ગીત લખી નાંખ્યું?"

શ્રીરાઠૌરનો જવાબ હતો," भाई, मुझे तो देश पर गर्व है .....लेकिन उसे चलाने वालों पर नहीं..!!" જોકે, આવીજ લાગણી દેશના મોટા ભાગના સમજુ દેશવાસીઓ અત્યારે ધરાવતા હોય તો, તેમાં તેમનો વાંક નથી જ  નથી.

હાલ, `વિકલી` સાથે કાર્યરત અને બીસીસીના પૂર્વ સ્પોર્ટસ ઍડીટર, શ્રીમિહિર બોઝ કહે છે,

" I do not understand how Kalmadi has come to acquire this position of influence in the Indian Commonwealth Games. He has no sporting credentials and he makes no international impression. The question is who is Kalmadi? Had it not been for the Commonwealth Games, would we have ever heard of him?"

જોકે, સુદર્શન ચક્રધારી, શ્રીકૃષ્ણ સ્વયં પ્રગટ થઈને, આપણા ભોગે, આ દેશને ઉધઈની માફક, રાતદિવસ કોતરી ખાતા, નફ્ફટ જીવજંતુ સમા,  કંસ અને રાવણોની જમાતનો નાશ કરે ત્યાં સુધી તો, આવી તમામ  કથિત  ભ્રષ્ટાચારી મંડળીઓએ,  જરાય  ગભરાવાની  જરૂર  નથી.

કારણકે, ચાણક્યના મત અનુસાર,

" यस्मिन रूष्टे भयं नास्ति तुष्टे नैव धनाડડगमः।
  निग्रहोડनुग्रहो  नास्ति स  रूष्टः  किं करिष्यति॥" -चाणक्य


અર્થાતઃ- "જેની નારાજગી નપુંસક છે, જેની પ્રસન્નતા દરિદ્ર છે, જેનામાં દંડ કરવાનું સામર્થ્ય નથી અને જે કોઈને ઉપયોગી થઈ શકતો નથી, તેના ગુસ્સાથી ડરવાની કોઈ જરૂર નથી." - ચાણક્ય.

મિત્રો, આપ સહુ ઘણાજ વિદ્વાન છો. હવે, આ નપુંસક તે કોણ? આગળ ચોખવટ કરવાની જરૂર લાગે છે?

માર્કંડ દવે. તા.૨૪ ઑગસ્ટ, ૨૦૧૦

1 comment:

  1. sirji,

    I got one very good link regarding that toilet paper roll. just visit once.

    http://mohanbhaimehta.blogspot.com/2010/02/what-will-you-choose.html

    reply back on hims30482.blogspot.com

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.