Wednesday, March 3, 2010

મીન તડપતી, કિનારે-કિનારે.

મીન તડપતી, કિનારે-કિનારે."અભિમાની સમંદર,જ્યારે લાંઘે છે કાંઠો..!!
 તડપતી   જિંદગી    જોઈ, કાંપે   કિનારો..!!"

અર્થાતઃ- અતિક્રમણ અને વિસ્તારવાદના, અભિમાની સ્વભાવથી ગ્રસિત, સમૂદ્ર, જ્યારે-જ્યારે કાંઠાને ઓળંગીને કિનારા પર, અતિક્રમણનો પ્રયાસ કરે છે, ત્યારે સમૂદ્રના ઊદરમાં ઉછરેલા, અબોલ જીવ, કિનારે તરફડવા લાગે છે.

અત્યાર સુધી સાક્ષીભાવે સમૂદ્રના સૌંદર્યને માણતો, કિનારો આ જોઈને મનોમન કાંપે છે. એટલુંજ નહીં, પરંતુ, સમૂદ્રએ પોતાનાં મોજાં સાથે ત્યજેલાં, ફીણની સાથે, કાંપતા કિનારાની વ્યથાથી ઉત્પન્ન થયેલાં ફીણ, અત્યંત દુઃખ સાથે ભળી જાય છે. 

=========

પ્રિય મિત્રો,

હા, આજે આપણે ઉપર દશાવેલ પંક્તિઓને અનુરૂપ એક સત્ય ઘટનાને, અત્યંત દુઃખ સાથે અનુભવીએ.( સ્થળ,કાળ અને પાત્રોનાં નામ બદલી નાંખેલ છે.)

========
" મીન તડપતી, કિનારે-કિનારે."

આ વાત મારી `તટસ્થ`ની છે, તટસ્થ મારું નામ છે. હું ૨૪ વર્ષનો, કૉમર્સ ગ્રેજ્યુએટ થયેલો, સામાન્ય નોકરી કરતો,એક સામાન્ય માનવી છું.

ફક્ત એક માસ અગાઉ જ, વીસ વર્ષની, દર્પયા સાથે, સામાજિક સંમતી અને રિવાજ સાથે, મારાં લગ્ન  થયાં ત્યારે, મારા ભાગ્યની ઘંણાને ઈર્ષા થતી હતી. સ્વાભાવિકપણે મારા કરતાં, મારી દર્પયા, નાક-નકશે, રૂપ-સુગંધે, અત્યંત રૂપાળી અને સ્વભાવે હસમુખી છે.

તેના ધનાઢ્ય, સમાજ સુધારક, પિતા પ્રવીણભાઈએ,મારા જેવા, એક વિધવાના, એકના એક દીકરા તટસ્થને (મને) દીકરી સોંપી, ત્યારે આશ્ચર્યતો મનેય થયું હતું પરંતુ, તેમની સમાજ સુધારણાની, અસ્ખલિત વહેતી, તર્કબદ્ધ વાણીનો હું  દિવાનો બની ગયો હતો. આટલા ઐશ્વર્ય વચ્ચે કોઈ માણસ પોતાની જાતને, `DOWN  TO  EARTH`, કેવીરીતે રાખી શકે...!!  માન્યામાં ના આવે તેવી વાત છેને..!!
પણ ભાઈ દુનિયામાં દરેક વાતના અપવાદ પણ હોય જ છેને? 

આમ જોવા જાવ તો, મારી જિંદગીમાં, કોઈજ મોટી ઊથલપાથલ નથી થતી, પણ અત્યારે થઈ છે, હું શું કરું ? તેની મને સમજ નથી પડતી..!!
હા.. એક બાબતની ખાત્રી આપું, હું કાયર નથી, એટલે આપઘાત તો નહીંજ કરું.

ચાલો શું થયું છે..!! તે જણાવીજ દઉં.મને આજેજ તબીબ પાસેથી જાણ થઈ છેકે, મારી દર્પયા, માઁ બનવાની છે. મને તેનો આનંદ હોવો જોઈએ..!! નથી થતો.

એક માસ અગાઉ, મારી સાથે, અગ્નિની સાક્ષીએ, વચનોના ગઠબંધને, પ્રભૂતામાં પગલાં પાડી ચૂકેલી, દર્પયાને ત્રણ માસનો ગર્ભ છે. જોકે, લગ્નના માત્ર દસ જ દિવસ અગાઉ, હું દર્પયાને મળ્યો હતો, એટલે આ ઘટના માટે હું જવાબદાર નથી.

જોકે, કુંડાળે પગ મૂકી આવેલી, દીકરીને, ઘડીયાં લગ્ન દ્વારા, કોઈ નિર્દોષને, પધરાવવાની, ગણતરીમાં પ્રવીણ એવા, દર્પયાના પપ્પા (મારા સસરા), કદાચ જાણતા હતાકે, સરળ સ્વભાવનો, તટસ્થ, આ બાબત જાણ્યા પછી જે નિર્ણય કરશે તે તટસ્થતાપૂર્વક જ કરશે. તે કદાચ, એમ પણ જાણતા અને માનતા હશેકે, મારા  હાથમાં દર્પયા, તેની ભૂતકાળની ભૂલો સાથે સાવ સલામત છે.

અત્યારે,રિક્ષામાં દવાખાનેથી ઘેર જતાં, મારા હાથમાં, મારી પત્નીના ગર્ભાવસ્થાના, રિપોર્ટની ફાઈલ અને મારી બાજૂમાં, ` ભવિષ્યમાં હું હવે કેવું વલણ લઈશ?` તેવી ચિંતાથી, કંઠે શોષ, થથરતા હોઠ, અને ડરેલા ચહેરા પર, અકારણ હાથમાંનો નાનો રૂમાલ, ફેરવ્યા કરતી, દર્પયા સાથે હું શૂન્યમનસ્ક ચિત્ત સાથે, બેઠો છું.

લો, આ ઘર પણ આવી ગયું..!! ભોંઠપ અને ડર અનુભવતી, દર્પયા તો, લગભગ દોડતા પગલે, ઝડપથી, ઘરમાં ઘૂસી ગઈ, મને થયું આમતો આધેડ ઉંમરે પહોંચેલી મારી વિધવા માતાનો, આ સમય, મંદિરે જવાનો હોય છે.

તે હમણાં ઘરમાં ના હોય તો સારું.  કમ સે કમ મારે દર્પયા સાથે વાત તો કરવીજ પડશેને..!!

ખરેખર, મમ્મી મંદિરેજ ગઈ હતી, કામવાળી કામ કરતી હતી, પરંતુ તેનો તો વાંધો નહીં, તે આમેય વરંડામાં હતી. હું મારા રુમમાં, પલંગ પર ઉંધી સુઈ જઈને, ધૂસકે-ધ્રૂસકે રડતી, દર્પયા પાસે પહોંચ્યો.

મારે દર્પયા સાથે વાત કેવી રીતે શરુ કરવી? તે ન સમજાતાં, મારી અલ્પ મતિને કારણે, જાણે મેં જ કોઈ મોટો ગુનો કરી નાંખ્યો હોય તેમ, થોડીવાર તો,દર્પયાની બાજૂમાં, હું ચૂપચાપ, ઊભો રહ્યો, પછી ખબર નહીં કોઈ કરુણાથી પ્રેરાઈને કેપછી, દર્પયા સાથે વાત શરુ કરવા, તેને રડતાં છાની તો રાખવી જ પડે તેવી સામાન્ય સમજથી, મેં દર્પયાની પીઠ પસવારી, ત્યાં તો દર્પયાનું, છાના અવાજનું કરૂણ રૂદન, હું ગભરાઈ જાઉં તેવા, મોટા અવાજના આક્રંદમાં ફેરવાઈ ગયું.

અચાનક તે  બેઠી થઈ, મારી કમરને  વળગી પડી, જોરજોરથી રડવા લાગી,હું ધીરજ ધરીને, દર્પયાને શાંત કરવા તેની પીઠ પર હાથ ફેરવતો, વિચારમગ્ન મન સાથે,ચૂપચાપ ઊભો રહ્યો હવે મારે ધીરજ રાખ્યા વગર છૂટકો નહતો.    

દર્પયાને થોડી શાતા વળી.મેં તેને બાજૂના ગ્લાસમાંથી પાણી આપ્યું. હું પ્રશ્નાર્થ નજર સાથે,તેની બાજૂમાં, પલંગમાં બેઠો. તેણે તેના બંને ઘૂંટણ વચ્ચેથી વાળી, ટૂંટીયું વળીને, સીધુંજ મારી જાંઘ પર, ખોળામાં માથું ઢાળી, કાંપતા તન સાથે જે કાંઈ જણાવ્યું તે, અત્યંત બીભત્સ હતું.

કૉલેજના પ્રથમ વર્ષમાં, અભ્યાસ કરતી દર્પયા, તેની માસીના ઘેર તેમને મળવા ગયેલી,ત્યારે  એકલતાનો લાભ લઈને, દર્પયા પર, તેના પૌઢ  માસાએજ, તેના પર, આઘાતજનક બળાત્કાર કર્યો હતો. ડરી ગયેલી દર્પયાએ, આ ધૃણાસ્પદ ઘટનાની, જાણ ઘેર કોઈને ન કરીને બીજી ભૂલ કરી.

છેવટે, એક દિવસ રૂટીન માસિક ન આવતાં, ફૅમીલી ડોકટરે, તપાસીને, શંકાને કારણે, રિપોર્ટ કઢાવતાં, આખીય બાબત બહાર આવી ગઈ, કોઠાડાહ્યા, પ્રવીણભાઈએ, ઘરની વાત ઘરમાંજ દબાવીને, મારી સાથે, દર્પયાને ધામધૂમથી વિદાય કરી દીધી હતી.

હું થોડા રોષ સાથે, દર્પયાનું માથું બાજૂ કરીને, ઊભો થવા ગયો તો, દર્પયાએ મારી કમરને,જોરથી જકડીને ઊભો ન થવા દીધો. તે ફરીથી રડતી હતી.

જોકે, બહાર મમ્મીનો અવાજ સંભળાતાંજ, દર્પયા સફાળી બેઠી થઈને, બાથરૂમમાં ફ્રેશ થવા દોડી ગઈ. હું ય મારા રૂમમાંથી બહાર આવ્યો.

મને નાનપણમાંજ નોંધારો મૂકીને, મારા પપ્પાના અવસાન બાદ, કાળની ક્રૂર લપડાકો ખાઈને, અકાળે વૃદ્ધત્વ સાથે, વૈધવ્ય પામેલી, પણ મારી તો  પેમાદર્શ મૂર્તિ સમાન, મમ્મી મને સામેજ મળી. મારી સામે જોયા વગરજ મારા હાથમાં મંદિરનો પ્રસાદ આપીને, તે બોલવા લાગી,

" તટસ્થ, જાણે છે તું અહીથી, દર્પયાને લઈને, દવાખાને ગયોને, ત્યારેજ મારી અનુભવી આંખે, દર્પયાના પેટની આરપાર જોઈ લીધું હતું. બેટા, તને ખબર નહીં હોય પણ, દર્પયાની મમ્મીએ, મને દર્પયા સાથે બનેલા, કરૂણ બનાવની જાણ, તારા લગ્ન અગાઉજ કરી દીધી હતી, આમાં દર્પયાનો શો વાંક? તેમ સમજીને, મેં તારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને હા પાડી છે. હું તને વધારે નહીં સમજાવું કારણકે, તું મારો દીકરો છે."

જિંદગીમાં, આજે પ્રથમવાર મમ્મીની વાત, મારા ગળે નથી ઊતરતી. કેવળ નાણાંને ખાતર મારી મમ્મી, આવો અનર્થ અને તેય દીકરા સાથે તો ન જ કરે..!!

હું માનું છુંકે, આ આખીય ઘટના પાછળ, દર્પયાનો વાંક નથી, પણ તેનો ભોગ મારે જ શું કામ બનવાનું?

શું હું સંત છું?  શું મારે કોઈના પાપને, પપ્પા કહેવા દેવાનું?

માનોકે, હું  દર્પયાને ગર્ભપાત માટે મજબૂર કરીને ખતરો ટાળી દઉં, પણ તોય આખી જિંદગી, આ ઘટનાના જ્ઞાન સાથે, હું જિંદગી વિતાવી શકીશ?

માનોકે, માનોકે, માનોકે....!! આ માનોકે, ધારોકે નો અંત ના આવત, જો આ તમામ સવાલ લઈને, હું ફરીથી મમ્મી પાસે, ગયો નહોત..!!

અનેક સવાલી નજર સાથે, મને તેની સામે ઊભેલો જોઈ મમ્મી સમજી ગઈને કહ્યું,

" બેટા, બેસ, બાળકો મંદિરમાં વહેંચાતા પ્રસાદ સમાન હોય છે, મંદિરમાં અનેક લોકો, મેવામીઠાઈ-નાળિયેર ધરાવે છે, પણ તે, પ્રસાદ બનીને, બધા ભક્તો પાસે પહોંચે છે. તારી આંખનો સવાલ સાચો છે,મેં પૈસા ખાતર તારાં લગ્ન દર્પયા સાથે નથી કરાવ્યાં, પણ આટલા વર્ષે, જો  તું મને બીજી કોઈ વિગત ન પૂછવાનો હોય તો, હું તને  કાંઈક કહેવા માંગું છું."  

મેં તેને , ડોકું હલાવી વચન આપ્યું.," એ નરાધમ કોણ હતો, તે મને ના પૂછીશ, પણ તારા પપ્પાએ પણ મને આવીજ ભૂલ સાથે સ્વીકારી હતી.તેમણે જ મને તારો ગર્ભપાત ન કરાવવા દીધો.મારી ઉપર પણ લગ્ન અગાઉ, આજરીતે એક સગાએ બળાત્કાર કર્યો હતો. તું પણ આવીજ એક ઘટનાનું પરિણામ છે."

હું સન્ન રહી ગયો, " શું હું હરામી-બાસ્ટર્ડ છું."

જોકે, હું આગળ વિચારું તે પહેલાં તો,આટલા વર્ષોથી છાતીમાં કારમા રહસ્યને, ધરબીને, એકલતાના વગડામાં, એકલી અટૂલી, ભાર વેઠતી માઁ, પોતાના રહસ્ય સમી, જાંધ ખૂલ્લી થઈ જતાં, આઘાતથી અચાનક, બેભાન થઈ ગઈ. હું દોડીને પાણી લઈ આવ્યો અને માઁ ના ચહેરા ઉપર છાંટ્યું.

જાણે ગંગાસ્નાન કરીને, પાપમૂક્ત થઈ, હળવાશ અનુભવતી હોય, તેમ મમ્મી જ્યારે ભાનમાં આવી ત્યારે, મારા ચહેરા સામે જોઈ મીઠું મલકી," અરે..!! ગાંડા હજુ અહીંજ ઊભો છે ? જા જઈને મીઠાઈ વહેંચ, તું પપ્પા બનવાનો છે અને હા, તારી સાસરીમાં પણ મીઠાઈ જાતે આપી આવજે."

મેં નક્કી કરી લીધું, મારે માઁ ની આજ્ઞા સામે હવે કોઈ તર્ક નથી કરવો, આવનાર બાળક મારું જ છે અને તેને, મારી મમ્મી  અને મારા વિશાળ હ્યદયના પપ્પાની જેમજ હું પણ લાડથી ઉછેરીશ.

હું મારા રૂમમાં ગયો, ડરની મારી એક ખૂણામાં, સંકોચાઈને બેઠેલી, દર્પયા, મને જાણે કોઈ સમંદરના કિનારે, તરફડતા અબોલ જીવ સમાન લાગી.
જોકે મેં, તેને જાણે કશુંજ બન્યું ન હોય તેમ,ઊભી કરીને, મારા હ્યદય સરસી ચાંપી. 

દર્પયાના, લંપટ માસા નામના અભિમાની, કામી સમંદરે, કાંઠો તોડીને, કિનારા પર, અતિક્રમણ કર્યું હતું, જેમાં મારા સ્વર્ગસ્થ પપ્પા, મારી વિધવા માઁ, નિર્દોષ દર્પયા,તેનું હવે જન્મનાર બાળક અને અભાગીયો હું,  તરફડતાં હતાં.

મને લાગે છે, મારો દીકરો હું જીવું છું ત્યાં સુધી બાસ્ટર્ડ તો નથી, નથી અને નથીજ...!!

મને માર્ગદર્શન આપશો? મારી મમ્મીએ, મારા લગ્નનો, બરાબર નિર્ણય કર્યો હતો. તમને શું લાગે છે?

માર્કંડ દવે.તા.૦૩-૦૩-૨૦૧૦.

3 comments:

 1. મીન તડપતી, કિનારે-કિનારે...જીવન ની ગતિ અતિ ન્યારી છે અમુક વાતોના ઊંડાણમાં ના ઉતરીએ એટલુજ સારુ... નાની અમથી ભૂલ જિંદગીમાં મોટી ઊથલપાથલ સર્જી શકે છે પછી તે ગમે તે કરે...તટસ્થની મમ્મીએ જે તેના લગ્નનો નિર્ણય કર્યો હતો તે બરાબર હતો કારણ તે પોતે એ અનુભવ માંથી જ તો પસાર થયા હતાં...

  પ્રિય માર્કંડ ભાઇ તમે માંડેલી સત્ય ઘટનાએ મનમાં વમળો સર્જી નાંખ્યા... હું તમારો ચાહક છું અને દિવસે દિવસે એમાં વ્રુધ્ધી થઇ રહી છે... અનેક શુભેચ્છાઓ...

  - સંજય થોરાત

  ReplyDelete
 2. માર્કંડ ભાઇ, તમારો એક ઓર ચાહક અને સંજયભાઈ સાથે પુરેપુરો સેહ્મત

  - કુમાર શાહ

  ReplyDelete
 3. Dear Markandbhai,
  What happan in our lifr is just a reflaction of our thoughts. Before decide any thing, one should put himself at place of the person who is victim. The end of the artical is really very nice and practical. Generally the acceptance is depend upon the situation of perticular person. Anyway very very nice & inspirational artical.

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.