Sunday, October 17, 2010

માણસને થાક, માણસનો ..!!

માણસને થાક, માણસનો ..!!

માણસને માણસનો થાક લાગે?
કેવી ગજબની આ વાત લાગે..!!
બાથ  ભરી જ્યાં, મેં એકલતાને,
ચોમેર  કરડતી, કમજાત લાગે..!!


=================

પ્રિય મિત્રો,

આપ, સોની ટીવી પર આવતો, `કૉમેડી સર્કસકા જાદુ` નામનો સ્ટેન્ડ-અપ કૉમેડી કાર્યક્રમ જુઓ છો?

આ વખતે વળી તેમાં, થોડો જાદુગરીનો વઘાર પણ ઉમેર્યો છે. આ કાર્યક્રમની હૉસ્ટ અનિતા છે. શેખર સુમન, અર્ચના પુરનસિંઘ જજ તરીકે અને બોલીવુડના પ્રસિદ્ધ સ્ટાર્સ, આ કાર્યક્રમના માનવંતા મહેમાન તરીકે પ્રસ્તુત થાય છે. (ફીલ્મનું પ્રમોશન+જજ = `એક પંથ દો કાજ `અથવા `આમ કે આમ ગુટલીયોં કે દામ.`)

આ કાર્યક્રમમાં, અગાઉના, તમામ ચેમ્પિયન્સ ઉપરાંત,  ટીવી ઈન્ડસ્ટ્રીઝના, જાણીતા ચહેરા પણ ભાગ લઈ રહ્યા છે. અગાઉ પાકિસ્તાનથી આવતા કલાકાર શકીલ સિદ્દિકી (શાણા શકીલ), ૨૬/૧૧ ના આતંકવાદી હુમલા બાદ, રાજનીતિક પાર્ટીઓના, વિરોધ બાદ, ભાગ લેતા બંધ થઈ ગયા છે.

આજે આ કાર્યક્રમને યાદ કરવાનું ખાસ કારણ, આપણા ગુજરાતમાં તાજેતરમાં થયેલ `મનપા`ની ચૂંટણીનાં પરિણામોને લઈને, ચાલી રહેલા મનોરંજક ફારસ છે. સમજ ના પડીને? ચાલો, સમજાવું..!!

છ મહા નગર પાલિકાની ચૂંટણીમાં, હારેલા તમામ લોકો અત્યારે જે રીતે, પોતાની હાર બાબતે, મનોરંજક, હાસ્યાસ્પદ બહાનાં શોધીને, આપણને કે તેમના દિલ્હીના આકાઓને દર્શાવી રહ્યા છે તથા તે બહાનાંને વ્યાજબી ઠેરવવા, જે રીતે હવાતિયાં મારી રહ્યા છે, તે નિહાળીને આપણને, કૉમેડી સર્કસની બેઢંગી - કંટાળાજનક   સ્ક્રીપ્ટ અને શેખર, અર્ચના અને `ઘબડ-ઘબડવાળા` તબલચી સરદારજી પર થતા, ભદ્ર-અભદ્ર,  દયનીય વ્યંગ-પ્રતિવ્યંગની યાદ આવી જાય છે.

શાણી પ્રજાએ તો, તેની જાદુગરી, `EVM`  પર, માત્ર એક આંગળીના ટેરવાથી કરી બતાવી. આ સાવ નરમ આંગળીનો સ્પર્શ, કેટલાક ઉમેદવારોને, ગલગલિયાં, તો કેટલાકને, ચામડી પર ચાઠાં ઉપસે તેવો, કારમો ગોદો વગાડી ગયો છે.

ચૂંટણીમાં હિસ્સો લેનાર બે મૂખ્ય પાર્ટી, (૧) એક સમયે સિંહ અને આજે મીંદડી બની ગયેલી કૉન્ગ્રેસ...!!

અને (૨) એક સમયે ઘણી વગરના ઢોરની માફક, ગમેત્યાં રખડતી, કોંગ્રેસનેય સારી કહેવડાવે તેવી, પણ હાલમાં સિંહની જેમ ગર્જના કરતી, ભાજપા..!!

આ બંનેની વાત જવા દઈએ તોપણ,

આ બંનેને, એક ટીખળખોર વાંદરાની માફક, વાઘના કાન ખેંચતા, ટપલીદાવ કરતા, પડકારતા,પજવતા-હેરાન કરતા અને પોતાની ડીપોઝીટ જપ્ત થવાની ખાત્રી હોવા છતાંય, વગર કારણે પોતાની ઉપસ્થિતિ-ઉમેદવારી નોંધાવતા, અપક્ષ ઉમેદવારોનું મનોરંજક ફારસ, કૉન્ગ્રેસ-ભાજપાના, હાસ્ય પ્રહસન કરતાંય, સ્ક્રીપ્ટની અમીરીમાં, વધારે ચઢિયાતું જણાય છે.

દા.ત.

* એક અપક્ષ ઉમેદવારે પોતે, ભૂંડી રીતે હારી ગયા બાદ, આશ્ચર્યાત્મક , અફસોસાત્મક, આક્રોશાત્મક અવાજમાં જણાવ્યુંકે," સાલા..!! મારા પોતાના ઘરના વૉટ ક્યાં ગયા? શું મને મારો વૉટપણ ના મળ્યો..!! મને, શૂન્ય વૉટ કેવીરીતે મળી શકે?"

* બીજાં એક અપક્ષ બહેન હારી ગયાં  તેથી, આખા ગામનાં દેખતાં, પ્રતિસ્પર્ધી અપક્ષ બહેનને સણસણતો સવાલ, ભોળપણમાં કરી બેઠાં," (સ્વગત-રાં...ની..ગદ્દાર..!!) મારા પચાસ હજાર લઈનેય તેં મને હરાવીને?"

જોકે, પેલાં પ્રતિસ્પર્ધી બહેને સામે ચોપડાવી દીધી," મારો શું વાંક,   મેં તો મારા તમામ ટેકેદાર-મતદારોને તમને વૉટ આપવા કહી દીધું હતું..!!"
(હી..હી..હી..હી..!!)

* ટીકીટ નહીં આપનારા પક્ષના મોવડીમંડળને, `પોતે કોણ?`, તે બતાવી દેવાના તોરમાં, એક બળવાખોર `No-Less` ભાઈની નાલેશી પણ, એક જબરૂં ફારસ લાગે છે..!! (સત્તાથી ઓછું, કાંઈ ના ખપે, `No-Less`?) 

* એક સ્થળે તો વળી, કોઈ સત્તાવાર ઉમેદવારને હરાવવા, તેનાજ નામધારી અનેક ઉમેદવાર ફૂટી નીકળ્યા? ( કેમ ભાઈ, મતદાર મૂરખ છે?)

મિત્રો, દરેક ચૂંટણીમાં, `લગ્ને લગ્ને કુંવારાલાલ` જેવા, ફાલતુ અપક્ષ ઉમેદવારોના, આવા તો અનેક હાસ્યાસ્પદ દાખલાઓ મોજુદ છે.

અખબારો, ટીવી ન્યૂઝ ચેનલ્સ અને  પ્રચાર સાહિત્યમાં પણ, આવા અપક્ષોની, આ ચૂંટણીમાં, વિજયની શક્યતાઓના, અતિશયોક્તિભર્યા અહેવાલો અને સમાચારોનો મારો, ગૉબેલ્સ બ્રાન્ડ પ્રચારની માફક થયો હતો.પરંતુ સરવાળે?

મને ઘણીવાર વિચાર આવે છે, આવા અપક્ષ ઉમેદવારોના મનમાં, ઉમેદવારી નોંધાવતા સમયે, કેવા-કેવા વિચાર ચાલતા હશે?

*  ના,ના, ટીકીટની મને ના પાડી? મ......ને  ના..આ  પાડી? લેત્તા જાવ સાલાઓ..!! હવે ખબર પાડી દઉં બધાને..!!

* ચાલને, યાર, ઉમેદવારી નોંધાવા તો દે, કદાચ ચૂંટાઈ આવીએ તો જલ્સા જ જલ્સા છે?

* બીજું કાંઈ નહીં, થોડા દિવસ, પેપરોમાં મારું નામ આવશેતો, મારી બૈરીછોકરાં અને બીજાં સગાવહાલાં,મિત્રો પાસે વટ તો પડશે?

* ચૂંટણીમાં ઉભા રહ્યા પછી, બેસવા માટે, વ્યાજબી નાણાંની, કોઈ  ઑફર કરશે તો, બેસી જઈશું?

* કાંઈ કહેવાય નહીં..!! આ બહાને, મારા દીકરા દીકરીના લગ્નનું ઠેકાણુંય પડી જાય તો ગંગા નાહ્યા?

અમે નાના હતા, ત્યારે એક બાળવાર્તા વાંચી હતી, માણવા જેવી છે.

એકવાર, શિયાળામાં, એક વાંદરાને ખૂબ ઠંડી લાગી.

કોઈ પ્રાણીએ તેને સલાહ આપી, `શરીર ઉપર, કોઈ ગોદડી જેવું, કશુંક ઓઢતા હોય તો, ટાઢ તો ના વાય?`

આ સલાહ, ટાઢથી થથરતા વાંદરાના ગળે શીરાની માફક ઉતરી ગઈ, પરંતુ ગોદડી લાવવી ક્યાંથી?

એટલામાં, વાંદરાએ એક, ગાય જોઈ, તેના ગળા નીચે લટકતી ચામડી જોઈને, વાંદરાને તે અસ્સલ ગોદડી જેવીજ લાગી, તેથી તે વાંદરો, `ક્યારે ગાયની ગોદડી નીચે પડેને, ક્યારે હું તેને ઓઢીને, મારી ટાઢને ભગાવું..!!` તેમ વિચારી, ગાય જ્યાં જાય ત્યાં-ત્યાં પાછળ-પાછળ, વાંદરો ફરવા લાગ્યો.

જોકે, ગાયની ગોદડી ક્યારેય નીચે પડી નથી, વાંદરાની ટાઢ ઉડી નથી, પણ ગાયનો પીછો કરતાં-કરતાં, ગાયમાતા, આપણી સાથે રહેતી હોવાથી, આપણી માણસ જાત સાથે,  વાંદરા પણ રહેતા થઈ ગયા છે.  આપણા ભોગ, બીજું તો શું? ( બાય ધ વૅ, આ વાંદરો અપક્ષ હતો કે બળવાખોર હતો, તેની મને જાણ નથી..!!)

આવા હારી જનારા, પક્ષ કે અપક્ષ, તમામની ભાજપી, ન.મો. જે  રીતે, જાહેરમાં રીલ ઉતારે છે, તેતો વળી કૉમેડી સર્કસની સ્ક્રીપ્ટનોય બાપ છે..!!
દા.ત.

* સરદારના સ્ટેચ્યુનું ગતકડું અને ત્યારબાદ, તે  ટ્રેપમાં ફસાઈને, હાસ્યાસ્પદ બખાળા કરતા, વિદૂષકોનો વામણો વિરોધ?

* નમો ઉવાચ, `વિરોધ પક્ષના મિત્રો, `EVM`ને પૂછેકે,` યમરાજ, તમે અંદર ક્યાંથી પ્રવેશ્યા?`

* જોકે, ન.મો.એ, બળવાખોરોને એક સંકેત, જનતાના આભાર કાર્યક્રમમાં, સરસ આપ્યોકે, ` પક્ષએ કાર્યકરની માતા છે, તેના વગર તે, અનાથની માફક એક ખૂણામાં ક્યાંય પડ્યો હોય..!!`

પણ, કોઈપણ પક્ષના બળવાખોરોને મન, આવા ઉમદા ઉપદેશ તે, કૉમેડીસર્કસના, ક્રિશ્નાની માફક,` ઉપદેશ કી માઁ કા સાકીનાકા..!!` હોય તો નવાઈ નહીં..!!

અમારા જરમન જાસૂસ નામના મિત્ર જણાવે છેકે," પાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં, ભાજપની વહેતી ગંગામાં સ્નાન કરતાંજ, શુદ્ધ જાહેર કરીને, તરત કૉન્ગ્રેસના બળવાખોર ઉમેદવારોને, જે રીતે  ટીકીટ મળી જાય છે, તે જોતાં હવે, કોંન્ગ્રેસ સમૂહમાં, ભાજપ-ગંગા સ્નાન કરી, ટીકીટ મેળવી, ચૂંટાયા બાદ સામૂહિક ખજૂરાહોવાળી કરી, ફરીથી કોન્ગ્રેસમાં ભળે તોજ, કોન્ગ્રેસ સત્તામાં આવી શકે તેમ લાગે છે..!!"

જોકે , ભાજપી ગંગા સ્નાન કર્યા બાદ, સત્તા મળી જતાંવેંત, કોન્ગ્રેસના બળવાખોરો, ખજૂરાહોવાળી કરવાની ના પાડે તો..ઓ..?

આ  વાતનો જવાબ, કદાચ અમારા જરમન જાસૂસ પાસે પણ નથી.

જોકે, સત્તા અને ખુરશીના ખેલ, માણસ પાસે ક્યારે શું કરાવે, તે કહેવાય નહીં..!!

અત્યારે, જે સરદાર માટે, કોન્ગ્રેસ અને ભાજપ વચ્ચે, આટલી બધી ચર્ચા ચાલી રહી છે તે, સરદાર આજે હયાત હોત તો કહેતકે, અત્યારસુધી, બાપુને વટાવી ખાધા,તે ઓછું હતુંકે, હવે મને વટાવવાનો ચાલુ કર્યો છે? બધાયને બગલમાં, એકએક ગરમ સળીયાનો ડામ  દઈશ..હા..!! સમજો છો શું,તમારા મનમાં..?

ગુજરાતના, આવા કેટલા લેભાગુ,  ચવાઈ ગયેલાં, નામચીન પક્ષ - અપક્ષનાં, છાપેલાં કાટલાંઓને જો આપણે માણસ માનતા હોઈએ, તો આવાં માણસો ક્યારે સમજશેકે, લોકશાહીમાં, મતદાર નામના, સાચા માણસને આવા માણસોનો થાક લાગી ગયો છે?

(એટલેજ, પ્રિન્ટ-ટીવી માધ્યમોના કેટલાક મદારીઓ, આવાં માકડાંઓને ખભે, બેસાડે પણ, જનતા તેમને અસલ સ્થાન બતાવી આપે છે..!!)


આવાં માંકડાં, એક સમયના કહેવાતા વાઘને ટપલી દાવ કરે તો શું થાય..? જાતે જ જુવો.   

 WATCH `n` ENJOY:-    

http://www.youtube.com/watch?v=1AZn5nWIj_g    Monkey taunts tigers

"ANY COMMENTS?"

માર્કંડ દવે. તાઃ ૧૭- ઑક્ટોબર ૨૦૧૦.

1 comment:

 1. માણસને માણસનો થાક લાગે?
  કેવી ગજબની આ વાત લાગે..!!
  બાથ ભરી જ્યાં, મેં એકલતાને,
  ચોમેર કરડતી, કમજાત લાગે..!!
  that is true..I like this she'r

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.