Saturday, January 16, 2010

ફરજિયાત મતદાન

ફરજિયાત મતદાન - compulsory voting

પ્રિય મિત્રો,

એક ગામમાં,એક રાત્રે નાટકમંડળીનો ખેલ ચાલી રહ્યો હતો,ગામના બાપુ દ્વારા,આવા કાર્યક્રમોમાં ફરજિયાત દાન આપવાનો રિવાજ,કેટલીય પેઢીઓથી, ચાલ્યો આવતો હતો. આ ગામના આગેવાનો સાથે આગલી હરોળમાં, અફીણનો મોટો ગોટો ચઢાવીને, ગામના બાપુ પણ બેઠા હતા.નાટકમાં જરા મોજ આવતાં,બાપુએ, નાટકમંડળીને બે ભેંસ દાનમાં (ભેટ) આપવાનું એલાન કરી દીધું. થોડીવાર પછી બાપુને પોતાની ભૂલનો અહેસાસ થતાં, ભૂલ સુધારવા સામટી આઠ ભેંસ,પચાસ ભેંસ, પછી એક ગામ, દસ ગામ,કરીને આખો દેશ દાનમાં આપવાનું એલાન કર્યું હાજર સર્વેને અને નાટકવાળાને લાગ્યુંકે,બાપુને અફીણનો ગોટો,મગજ ઉપર ચઢી ગયો લાગે છે.તેઓ બાપુને ઉઠાવી તેમની,ડહેલી ઉપર સુવડાવી આવ્યા.બાપુ ફરજિયાત દાન આપવામાંથી બચીગયા.

દાન ક્યારેય ફરજિયાત હોઈ શકે ? હા, જુઓને, આપણા ગુજરાતમાં ફરજિયાત મતદાનના કાયદાને લઈને, ચર્ચાના અફીણનો ગોટો, સહુના મગજ ઉપર ચઢ્યો છે અને તેની અસર લાલુજી સહિત આખા દેશ ઉપર થઈ છે.

ગુજરાતના, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં, ફરજિયાત મતદાનના કાનૂની વિધેયકમાં, મૂળ બાબત તો મતદારને મતદાન બૂથ સુધી લાવવાની જ છે.મતદાર ચાહે કોઈને પણ મત આપે,અથવા કોઈ ઉમેદવાર લાયક ન હોય તો તટસ્થ મત ની (કોઈને પણ મત ન આપવાની) પણ વ્યવસ્થા છે.

ફરજિયાત મતદાનનો અર્થ, મતદાર મતદાન મથક સુધી આવે.આળસ ખંખેરે અથવા દંડ, અન્ય સરકારી લાભમાં રુકાવટ અને કેટલાક દેશમાં જેલની સજાનું પણ પ્રાવધાન રાખવા ભલામણ થયેલી છે.

આઝાદીનાં ૬૦થી વધુ વર્ષનું સરવૈયું

આઝાદીને ૬૦ વર્ષથી વધારે સમય થવા છતાં,નાગરિકો અચૂક મતદાન કરવાની જવાબદારી સ્વીકારતા નથી.દર ચૂંટણીમાં ફક્ત ૫૦ થી ૬૦% મતદાન થતું હોવાથી નક્કર કાયદાકીય પગલાં લેવાનો સમય પાકી ગયો છે.મતદાન કરતાં, ક્રિકેટ કે ફિલ્મોને મહત્વ આપી,રજાની મોજ માણતા મતદારોને જવાબદારીપૂર્વક મતદાન કરતા કરવાનો આ એક અસરકારક ઉપાય છે. એ બાબત પણ નોંધવા જેવી છેકે, ગામડા કરતાં શહેરનો ભણેલો વર્ગ મતદાન કરવામાં વધારે ઠાગાઠૈયાં કરે છે.

ફરજિયાત મતદાનને બીન લોકશાહી પગલું હરગીઝ કહી ન શકાય.લોકોના જે મત દ્વારા લોકપ્રિય સરકાર રચાતી હોય,તે મતનું મૂલ્ય ઓછું કેવીરીતે હોઈ શકે? મતદાર ઈચ્છે તો તેને, "આમાંથી કોઈ ઉમેદવાર નહીં" (None-Of-the-above-NOTA) નો વિકલ્પ મળી જ શકે છે..!! પરંતુ આપણને, ઉમેદવાર પસંદ ન હોય, તે બાબત તંત્રના ધ્યાને લાવવાનો એકમાત્ર ઉપાય, મતદાનને ટાળીને નહીં,પણ મતદાન મથકે પહોંચી, None-Of-the-above-NOTA નો વિકલ્પ રજિસ્ટર્ડ કરાવવાનો છે. શું પાંચ વર્ષે એકવાર પણ, આપણે નાગરિક અધિકારનો ઉપયોગ કરવા,ઘરથી સાવ નજીક આવેલા,મતદાન મથક સુધી જવાની પણ તસ્દી ના લઈ શકીએ ? કેવા નાગરિક છીએ આપણે ?

મને ખાત્રી છે,આપણે રાત-દિવસ જે નેતાની ટીકા કરીએ છીએ,તેને આપણે મત આપ્યો હોય તો જ, તે ટીકા ન્યાયપૂર્ણ અને ઉચિત ગણાય,અન્યથા નહીં

મૂખ્ય ચૂંટણી કમિશ્નરના મત અનુસાર," આ અશક્ય બાબત છે.",પરંતુ જ્યાં સુધી ફરજિયાત મતદાન પદ્ધતિ અજમાવીશું નહીં,ત્યાં સુધી તેની મૂશ્કેલીઓની, જાણ કેવી રીતે થશે ? એક પ્રામાણિક પ્રયત્ન કર્યા બાદ,મૂશ્કેલી હલ કરવાના ઉપાય જરુર મળી શકે છે.ભારતીય મતદારોમાં નાગરિક ફરજ પાલન અંગે જાગૃતિ લાવવા આ કાયદો ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.નાગરિક મતદાન કરે તો જ તેઓ પોતાના હક્ક અને અધિકાર માંગી શકે છે. (નોકરી ઉપર ગયા વગર,કોઈ
આપણને પગાર આપે છે?)

ફરજિયાત મતદાન અંગે કેટલાંક મંતવ્ય

૧.મૂખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી," લોકશાહીને મજબૂત કરવા ગુજરાતનું આ એક ઐતિહાસિક પગલું છે." બી.જે.પી.લીડર એસ.એસ.અહલુવાલિયાએ આ વિધેયકને આવકારતા,બીજા રાજ્યોમાં પણ લાગુ કરવાનું સૂચન કર્યું.

૨.ચીફ ઈલેશન કમિશ્નરશ્રીનવીન ચાવલાઃ-" ચૂંટણીના વિસ્તાર,વસ્તી અને વ્યવસ્થાની મર્યાદાને કારણે આખા દેશમાં, ફરજિયાત મતદાન લાગુ કરવું અત્યંત મુશ્કેલીભર્યું છે.આખા દેશમાં હાલ ૭૫૦ લાખ મતદારો નોંધાયેલા છે અને જાન્યુઆરી ૨૦૧૦ સુધીમાં બીજા ૩૦ લાખ મતદાર ઉમેરાશે. આટલી મોટી મતદાર સંખ્યામાંથી જો ૨૫૦ લાખ મતદાર વોટીંગ ન કરે તો,તમે તેમને કેવી રીતે દબાણ કરી શકો,આટલી મોટી સંખ્યા ઉપર કેવાં પગલાં લઈ શકાય ?"

૩.પૂર્વ રેલ્વેમંત્રી શ્રીલાલુપ્રસાદ," લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં,મતદાનની ટકાવારી ચિંતાજનક રીતે ઘટી રહી છે.અત્યારે ફરજિયાત મતદાન લાગુ કરવાનો બિલકુલ યોગ્ય સમય છે."

૪. ડાબેરી અને કોંન્ગ્રેસ ના મતે, નાગરિકોને, ફરજિયાત મતદાન કરવા દબાણ કરી શકાય નહીં.

૫.જોકે, યુનિયન મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલના મત મૂજબ," ફરજિયાત મતદાન સારી બાબત છે અને તે લાગુ થવું જોઈએ.

ફરજિયાત મતદાન વિરુદ્ધ દલીલો

કેટલાક સર્વે મૂજબ ફરજિયાત મતદાન, લોકશાહીની ભાવના વિરુદ્ધ છે.

તેનાંથી સરકારી કામગીરી ઉપર વિપરીત પરિણામની શક્યતા છે.

તે લોકશાહીની નિષ્ફળતાની ચાડી ખાય છે.

ઉમેદવાર પસંદ ન હોય છતાં મત આપવા ફરજ પાડવી,તે મતદારને અન્યાય કરવા સમાન છે.

ફરજિયાત મતદાનથી પક્ષોની પ્રજા પ્રત્યે ગંભીરતા ઓછી થવાની શક્યતા છે.પક્ષને સભ્યસંખ્યા વધારવામાં પણ રસ ઉડી જશે.

સરકારને સલામત ચૂંટણી યોજવામાં તકલીફ પડશે.

જ્યાં સુધી` રાઈટ તો રીકૉલ` નો કાયદો નથી,ત્યાં સુધી ફરજિયાત મનદાનનો અર્થ નથી.

મતદાન ટાળનાર મતદાતાને ,એકલાને દંડવાને બદલે, મતદાર આઈ.ડી. હોવા છતાં, સરકારીતંત્ર વ્યવસ્થાની નિષ્ફળતાને કારણે,,મતદાનથી વંચિત રહેવાના કિસ્સામાં,જવાબદાર ચૂંટણી અધિકારીઓને પણ દંડવા જોઈએ.

ખરેખર તો ફરજિયાત મતદાનનો કાયદો અમલમાં આવે તો, કોઈ પણ મતદાર, મતદાન મથકેથી, મત આપ્યા વગર પરત ન જાય તેવી, વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવી જ જોઈએ.

ફરજિયાત મતદાનના ફાયદા

જેમ ટેક્ષ,ન્યાય,શિક્ષણનું મહત્વ છે,તે રીતે જ મત આપવો અને નાગરિક પાસે મત માંગવો તે રાજ્યનો અધિકાર છે.

કોઈ પણ ઉમેદવારને, મત આપવો ફરજિયાત નથી,તટસ્થ મત દ્વારા કોઈને પણ પસંદ ન હોવાનો મત પણ આપી શકાય છે.જે જરુરી છે.

ફરજિયાત મતદાનથી ટકાવારી ઉંચી જતાં,બહુમતી મત દ્વારા,સાચો અને યોગ્ય ઉમેદવાર ચૂંટાવાની શક્યતા વધી જાય છે.
ઉંચા મતદાનથી ચૂંટાએલી લોકપ્રિય સરકાર વધુ સ્વીકાર્ય ગણી શકાય.

મતદારો તરીકેની નોંધણી પણ ફરજિયાત થતાં,મતદારોના સાચા આંકડા મળી શકે છે.

ગરીબ-અમીર,સમૃદ્ધ-પછાત વિસ્તારોની,સરકારની પસંદગીમાં, એકસરખી ભાગીદારી થશે.

લોકોની રાજકારણમાં નિષ્ઠા અને રસ વધશે.નિરસ લોકો રસ લેતા થશે.

લોકોને મત આપવા,મતદાન મથક સુધી લોભ,લાલચ,વાહન જેવા ખર્ચની,રાજકીય પક્ષોને બચત થશે.

રાજકીય પક્ષોનો એકબીજા પ્રત્યેનો, નકારાત્મક વાણીવિલાસ અટકશે.

કોઈ ગંભીરતા વગર, ટૂંકાગાળાની પ્રસિદ્ધિ અને લાભ માટે, ચૂંટણી લડતા અપક્ષની સંખ્યા ઘટશે.

અન્ય દેશોમાં ફરજિયાત મતદાનનો કાયદો.

સન ૧૯૧૧માં ઓસ્ટ્રેલિયામાં ફરજિયાત મતદાનનો કાયદો ઘડાયો અને ૧૯૧૫માં તે ક્વીન્સલૅન્ડમાં લાગુ કરાયો. જેમાં ૧૯૨૯,૧૯૪૯,૧૯૮૨, અને ૨૦૦૪માં સુધારા કરવામાં આવ્યા. નેધરલૅન્ડમાં ૧૯૧૭માં આ કાયદો લાગુ કરાયો.જોકે હાલ મતદાન મરજિયાત છે. સ્પેઈનમાં ૧૯૦૭-૧૯૨૩માં કાયદો લાગુ થયો,પણ મતદાન ફરજિયાત નથી.

ટૂંકમાં, હાલ વિશ્વના કુલ ૩૨ દેશો,જેમકે,આર્જેન્ટિના,ઓસ્ટ્રેલિયા,બ્રાઝિલ,ચીલી,ડેમોક્રેટિક રિપબ્લીક ઓફ કૉન્ગો,ઈક્વાડોર, ફીજી,પેરુ,સિંગાપૉર, સ્વિત્ઝરલૅન્ડ,

તૂર્કી,ઉરુગ્વે,માં ફરજિયાત મતદાનનો કાયદો આંશિક અથવા પૂર્ણ સ્વરુપે અમલમાં છે.

જ્યારે મરજિયાત મતદાન પદ્ધતિ અમલમાં મૂકેલા દેશોમાં,બેલ્ઝિયમ, બૉલિવીયા,કૉસ્તારિકા,ઈજીપ્ત,અલ-સાલ્વાડોર,ફ્રાન્સ,ગૅબોન,ગ્રીસ,ગ્વાટેમાલા, ભારત,ઈન્ડોનેશીયા,ઈટાલી,મેક્સિકો,પનામા,ફિલિપીન્સ,થાઈલેન્દ,વેનેઝૂએલા તથા અન્ય કેટલાક છે.

ફરજિયાત મતદાનમાં કાયદાનો ભય.

ઑસ્ટ્રેલિયા અને બ્રાઝિલમાં,મતદાન ન કરનાર માટે, માંદગી અને પરદેશગમન,જેવા કેટલાક,વ્યાજબી કારણો માન્ય રાખવામાં આવે છે.

આર્જેન્ટિનામાં મતદાનના દિવસે બિમાર અથવા મતદાનમથકથી ૫૦૦ કિ.મી. દૂર હોવાના પુરાવાને માન્ય રખાય છે,તે માટે અનુક્રમે, ડૉક્ટરી સર્ટી.અને મતદાર જે વિસ્તારમાં પ્રવાસે હોય,ત્યાંના પોલીસ સ્ટેશનનું સર્ટી.માન્ય રખાય છે.
કેટલાક દેશોમાં મતદાન ન કરનારને નજીવી રકમનો દંડ કરવામાં આવે છે.૧૯૮૬માં તૂર્કી પાર્લિયામેન્ટમાં પસાર થયેલા કાયદા મુજબ,મતદાન ન કરનારે,પાંચ તૂર્કીશ લિરા( ૩ યુ.એસ.ડૉલર) નો દંડ ભરવો પડે છે. વારંવાર મતદાન ન કરવાની ટેવ ધરાવતા મતદારનો મતાધિકાર,થોડા વર્ષ માટે છીનવી લેવાય છે.

પૅરુ અને ગ્રીસમાં મતદાન ન કરનારને, તમામ પ્રકારની સરકારી સહાયથી વંચિત રાખવાની પણ સજા કરાય છે.એનાથી આકરી સજા તરીકે,મતદારનું, બેંકનું વેતન ખાતું ફ્રીઝ કરી ,ત્રણ માસ સુધી વેતન ન ઉપાડી શકવાની સજાનું પણ પ્રાવધાન થયેલું છે.

વ્યર્થ મત અથવા `Donkey vote`

કોઈ મતદાર, મતપત્રકમાં,જે ક્રમમાં ઉમેદવારોનાં નામ હોય,તેજ ક્રમમાં મત આપે તેને, `Donkey vote` કહે છે. ઑસ્ટ્રેલિયામાં,સમવાયી ચૂંટણીમાં,મતદારની આવી ભૂલ,આદતને કારણે આવતાં ખોટાં પરિણામ નિવારવા, મતપત્રકમાં એકથી વધારે ક્રમાંકના વિકલ્પની વિશેષ સવલત આપવામાં આવે છે.જોકે,ત્યાં આવા મતની ટકાવારી ૨ % થી વધારે નથી.

ચૂંટણી બહિષ્કાર અને ફરજિયાત મતદાન.

આપણે ત્યાં,જીવનની પાયાની કેટલીક સરકારી સવલતો,જેવીકે, પાકા રસ્તા,પાણી, દવાખાનાં, શાળાઓ,જેવી પ્રાથમિક જરુરિયાત અંગે, સરકારી તંત્રના બહેરા કાને વાત ધ્યાને લાવવા.કેટલીક જગ્યાએ,મતદાન બહિષ્કાર જેવો,જલદ કાર્યક્રમ અજમાવવામાં આવે છે.આવા સમયે ફરજિયાત મતદાનના કાયદાની સ્થિતિ શું ? જોકે, આવા સમયે,જે તે વિસ્તારના મતદારને મતદાન મથક સુધી ફરજિયાત આવવું જ પડે તથા તેને ,"આમાંથી કોઈ ઉમેદવાર નહીં" (None-Of-the-above-NOTA) નો મત આપવા ફરજ પાડી શકાય ? અથવા મતદાન મથકે હાજર થઈ,પોતે મતદાનનો બહિષ્કાર કરે છે,તે મતલબની જાહેરાત,નિયત ફોર્મમાં કરી શકે?

આમ કરવાથી,ફાયદો એ થશે કે, ચૂંટણી બહિષ્કાર કાર્યક્રમમાં,ન જોડાયેલા મતદારો ને પોતાના વિસ્તારમાં,મતદાન કરવાને કારણે, ઓળખાઈ જઈ,ચૂંટણી બાદ,સામાજીક બહિષ્કાર જેવી યાતનામાંથી મૂક્તિ મળી શકે છે. પરંતુ આ સાથે,ચૂંટણી બહિષ્કાર કાર્યક્રમના, જેતે વિસ્તારમાંથી, કોઈ ઉમેદવાર રડ્યાખડ્યા, બે-ચાર મત મેળવી, વિજેતા જાહેર ન થાય તે,માટે યોગ્ય કરવું રહ્યું.

આપણા ભારત સહિત,યુ.એસ ; ફ્રાન્સ ; યુ.કે; સ્પેઈન,નોર્વે;આઈસલૅન્ડ; સ્વીટ્ઝર્લૅન્ડ;જાપાન;સાઉથ કૉરિયા; કૅનેડા; ઈઝરાઈલ; સાઉથ આફ્રિકા;ન્યૂઝીલૅન્ડ; ઑસ્ટ્રેલિયા;મૅક્સિકો, જેવા અનેક દેશોમાં ઉદારમતવાદી લોકશાહી અમલમાં છે,ત્યાં
આ પ્રકારના ચૂંટણી બહિષ્કારને,ફરજિયાત મતદાન કાયદાના ભંગ તરીકે, ગણી શકાય નહીં.

ગુજરાતમાં ફરજિયાત મતદાન અને ગુજરાતી તરીકે આપણી ફરજ.

મિત્રો,ગુજરાતને,સમગ્ર દેશ અને વિશ્વમાં કોમી રમખાણો ના રાજ્ય તથા પ્રજા,તરીકે ચીતરવામાં,એકપણ તક જતી ન કરનારા,

કેટલાક પ્રીન્ટજગતના પત્રકારમિત્રો અને સેટેલાઈટીયા ન્યૂઝ સંપાદકો-રીડરો.,ગુજરાતમાં રાજકીય રોટલો શેકીને, ગજ નહી વાગતાં,` દ્રાક્ષ ખાટી છે`,તેમ સમજનારા કેટલાક ભારાડી નેતાઓ, ગુજરાતની બધી બાબતમાં,વાતે-વાતે બાલની ખાલ કાઢનારા બુદ્ધિજીવીઓ(!!),બીનસાંપ્રદાયીકો (..!!) વિવેચકો.?ફક્ત એકજ આંખે જોઈ આપણી બદનામી કરી, સાથે અગાઉ ઘટેલી દુઃખદ ઘટનાઓમાંથી, અઢળક નાણાં કમાનારા NGO`s, પણ આ બાબતે ગુજરાત સરકારની આ પહેલને બિરદાવતાં થાકતા નથી. (રખેને,વિશ્લેષણ કરવામાં આપણે મોડા પડીએ તો..!!)

એક અંગ્રેજી અખબારના પત્રકારમિત્રએ તો વળી,એક લેખમાં એમ જણાવ્યુંકે," શ્રીનરેન્દ્ર મોદી, ગુજરાત સરકાર અને ગુજરાતી પ્રજાને કોમી રમખાણો માટે આપણે જવાબદાર માનતા હોઈએ, તેથી કરીને કાંઈ, ગુજરાતની સરકારની ફરજિયાત મતદાનની પહેલને વખાણીએ નહી તે યોગ્ય ન કહેવાય."

લો.કર લો બાત...!! આ બાબતને કોમી રમખાણ સાથે જોડવાનો શો અર્થ ? ભાઈ અંગ્રેજીયાસાહેબ, આપ ગુજરાતની દુઃખદ (તેઓના માટે સુખદ) ઘટનાઓના ઘંટને ગળે બાંધીને મરી જાવ ત્યાં સુધી વગાડ્યા કરજો.અમને સહેજ પણ વાંધો નથી.

ખરી વાત તો એ છેકે, ગુજરાતની પ્રજા તો, આવા અભાગિયાઓને ઈર્ષા જગાડે તેવા, પ્રગતિના પંથે ડગ માંડી ચૂકી છે. સૂર્યની સામે ધૂળ ઉડાડો,વાંધો નહી,વરવા-વામણા તમે જ લાગો છો ?

મિત્રો,ભાઈઓ,બહેનો, આ કાયદો ઘડવા પાછળ સરકારનો જેને જે આશય સમજવો હોય તેને તે સમજવા દો.આપણે આ કાયદાને વધાવી લઈ દેશને માર્ગદર્શન પુરું પાડીએ તોય ઘણું..!!

કેટલીક બહેનો મતદાનના દિવસે એમ કહી મત આપવા નથી જતાં કે,"મતદાન કરીને ફાયદો શું? મોંઘવારી તો ઘટતી નથી?"

મારી વહાલી બહેનો, એ વાત ના વિસરી જતાંકે, ફરજિયાત મતદાનના વિધેયક સાથેજ , ૫૦ % મહિલા ઉમેદવાર અનામતનો કાયદો પણ જોડાયેલો છે,તેથી હવે આપ પોતે ચૂંટણીમાં ઉમેદવારી કરી,મોંધવારી સહિત , સહુને પીડતા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવવાની તક ઝડપી શકો છો.

હા,નેતાગીરીમાં તમને આગળ કરી,બેકસીટ ડ્રાઈવીંગ કરવાની મનસા ધરાવતા પતિદેવ સાથે ઝઘડો ના થાય તેનું ધ્યાન અવશ્ય રાખજો.

નેતા બનેલી બહેનોને,પરણેલા પતિદેવોને,પત્નીના પ્રેમભર્યા સ્પર્શ સાથે, સવારની ચા સમયસર મળે, તેવોય એકાદ કાયદો આપણા કુંવારા મૂખ્યમંત્રી, ઠોકશે ?

સાલું,પેલા સુરતી કવિના કહેવા મુજબ,બહેનોને પાંપણ ઉપર બેસાડવાનો વાંધો નહી,પણ પછી અમારા ખભે પગ મૂકી માથે ચઢી બેસે તો...ઓ.ઓ..ઓ!!

જોજો,સાહેબ,અમે બધા રખડી ના જઈએ.આપ કુંવારાને, અમારી પીડા ના સમજાય તો,પ્રધાનમંડળમાં પરણેલા મંત્રીઓને પણ પુછીને અમારી પીડા પારખશો,તેવી અપેક્ષા સાથે આપને અમારા સહુના અભિનંદન.

માર્કંડ દવે.તા.૨૪-૧૨-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.