Friday, January 15, 2010

માંખી અને તેનું બચ્ચું-ભગવાનનો હાથ

વિસરાતી વાર્તા-૨.(માંખી અને તેનું બચ્ચું),વિસ્તરતી વાર્તા-૨.(ભગવાનનો હાથ)

પ્રિય મિત્રો,

નવી પેઢીને કદાચ વર્ષો જૂની દાદા-દાદીની વાર્તાઓ સાંભળવાનો સમય નથી,જે વાર્તાઓ ખરેખર તો સંસ્કારમય જીવનઘડતર માટે ઉપયોગી છે.
આ દાયકાઓ જૂની વિસરાતી વાર્તાઓના ઉપસંહાર આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી બની શકે તે મારી નવી વાર્તાઓ દ્વારા દર્શાવવાનો
એક નમ્ર પ્રયાસ કર્યો છે,આશા છે,આ નવી શરુ કરેલી વાર્તાશ્રેણી,"વિસરાતી-વિસ્તરતી વાર્તાઓ" સહુને ગમશે.
_____________________________

વિસ્તરતી વાર્તા-૨.(ભગવાનનો હાથ)

સાવ નાંખી દીધા જેવી વાતમાં મનનની મમ્મીએ તેને સવાર-સવારમાંજ એક જોરદાર લપડાક ઠોકી દીધી.બે-પાંચ સેકંડ માટે તો નાનકડો મનન ડઘાઇ ગયો અને પછી રડતો-રડતો હંમેશની જેમ દાદાજીના ખોળામાં સમાઇ હિબકે ચઢી ગયો.દાદાજી મનનનુ ઉપરાણું લઈ હજી કાંઇ બે શબ્દ બોલે,તે પહેલા તો ઘરમાં સહુ એક અવાજે બબડવા લાગ્યાં,"તમે જ મનનને સાવ ફટવી માર્યો છે..!!છોકરું સાવ વંઠી જાય એવાં લાડ તે કાંઇ કરાતાં હશે?"

નાનકડા મનનની માફક દાદાજી પણ મન મારીને ચૂપ રહ્યા,
એમને વિચાર આવ્યો,"મનન હવે છ વર્ષનો થયો છે,એટલું કામ જાતે નહી કરે તો એ મોટો ક્યારે થશે? પોતે જાતે દૂધ પીવાની હોંશમાં,આ નાના બાળકે કપમાંથી દૂધ ઢોળ્યું,તે લપડાક મારવા જેવો ગુન્હો કેવી રીતે ગણાય?"

સવાર-સવારમાં ઘરમાં વાતાવરણ ભારેખમ થઇ ગયેલું જોઇ,દાદાજી મનનને લઇ મંદિરે જવા નીકળી ગયા.

નાના બાળકને તો શું?બહારના વાતારણમાં આવતાંજ થોડીવારમાં મનન,માર ખાધાના દુઃખ અને અપમાનને વિસરી જઇ,દાદાની આંગળી પકડી ઉછળતો-કૂદતો અલકમલકની વાતોએ ચઢી ગયો.મંદિરમાં ભગવાનનાં દર્શન કરી,મનનની સાથે દાદાજી ઓટલે બેઠા.હવે મનનને સમજાવવાનો યોગ્ય સમય છે તેમ લાગવાથી દાદાજીએ મનનને વર્ષો જૂની"માંખી અને તેના બચ્ચા",ની વાર્તા કહી,મનન પણ એક ધ્યાન થઇ વાર્તા સાંભળવા લાગ્યો.

વિસરાતી વાર્તા-૨.(માંખી અને તેનું બચ્ચું)

એકવાર,માંખીનું એક નાનું બચ્ચું પોતાની માની જોડે ભીંત પર બેઠું હતું માને ત્યાંથી કોઇ કામે જવું પડ્યું

તેથી જતી વેળા બચ્ચાને કહ્યું,"હું કામે જઇને હમણાંજ આવું છું,ત્યાં સુધી તું કશે જઇશ મા."

બચ્ચાએ પછ્યું,"કેમ,બા?"

ચૂલા ઉપર પાણી ઊકળતું હતું તે દેખાડીને માંખી બોલી,"પેલું ઊકળતા પાણીનું વાસણ જોયું? એની પાસે જઇએ તો બહુ ખોટું થાય."

બચ્ચું-"કેમ,એની કને જાઉં તો શું ખોટું થાય?"

મા-"એમાં તું પડી જાય બેટા;એમાં જે પડે તે બધા મરી જાય છે.તું ત્યાં જઇશ મા."

બચ્ચું-"શાથી પડું મા?"

મા-,"તે તો હું નથી જાણતી,પણ મેં એવું બહુ જોયું છે.જે માંખીનું બચ્ચું ત્યાં ગયું,તે તેમાં પડી મૂઉં છે.એક પણ ઉગર્યું નથી."

બચ્ચાના મનમાં પોતાની શિખામણ ઊતરી ગઇ હશે,તેમ સમજીને મા ઉડી ગઇ.

પછી બચ્ચું માની શિખામણને હસવા લાગ્યું ને પોતાના મનમાં બોલ્યું,"આ ડોશીને બહુજ ફિકર છે.જેમ-જેમ એનાં વર્ષ વધે છે તેમ-તેમ એની અક્કલ ઘટે છે.
ઊકળતા પાણીના વાસણ પાસે જરા ઉડું ને રમું એમાં એની શી પૂંજી જવાની છે? મારે પાંખ નથી? મને ઊડતાં નથી આવડતું? ઘરડાં માણસોને ડાહી ડાહી વાતો કરવાની બહુ ટેવ હોય છે.હું તો ત્યાં જઇશ,જોઉં છું શું થાય છે તે?"

એમ કહીને બચ્ચું ઊકળતા પાણીના વાસણ ભણી ઊડ્યું.ત્યાં પહોંચતાં જ ઊની વરાળ લાગી કે તરત પેલા બચ્ચાની પાંખો બળી જવાથી,તે તમ્મર ખાઇને પેલા વાસણની બાજૂમાં જઇ પડ્યું

રડતાં રડતાં જીદ્દી બચ્ચું બોલ્યું,"અરે ! મેં શી મૂર્ખાઇ કરી,બા ની શિખામણ માની નહીં ! બા ની શીખામણ માની હોત તો આમ મારી પાંખો બળી જાત નહિં.જે છોકરાં માબાપનું કહ્યું નથી કરતાં તે આમ દુઃખ પામે છે."

ઉપસંહાર-નાદાન છોકરાંને મા-બાપ-શિક્ષક કે બીજું કોઇ સારી શિખામણ આપે છે તો તે કડવી લાગે છે અને પોતાની મરજી પ્રમાણે વર્તે છે.એવાં છોકરાં આ માંખીના બચ્ચાની પેઠે દુઃખી થાય છે.

જોકે વાર્તા પૂરી થતાં સુધીમાં તો મનનને મનમાં કેટલાય સવાલ ઘૂમરાવા લાગ્યા.જેમાંથી એક સવાલ તો એણે છેવટે દાદાજીને પૂછીજ નાંખ્યો.
," હેં,દાદાજી તમે કહેતા હતા કે,ભગવાન કોઇનું ખરાબ થવા દેતો નથી તો,આ બચ્ચાનુ કેમ ખરાબ થયું?"

દાદાજી-,"જો બેટા,આપણે હમણાં મંદિરે આવતા હતા ત્યારે રસ્તામાં મારી આંગળી છોડાવી,તું હીરા જેવી કોઇ ચળકતી વસ્તુ લેવા દોડ્યો અને ઠોકર ખાઇને પડી ગયો? ખરુંને?

મનન-,"દાદા,હીરો નહીં,એ તો કાચનો ટૂકડો હતો."

દાદાજી-,"મનન,તારી મમ્મીએ,તને સવારે તોફાન કરતાં કરતાં દૂધ પીવાને બદલે એક જગ્યાએ બેસીને દૂધ પીવાનું કહ્યું હતુંને? જે લોકો મા,બાપ,શિક્ષક કે ભગવાનની વાત સાંભળતા નથી,એમની સાથે આવું જ થાય છે.મેં તને ના પાડી છતાંય રસ્તામાં પણ તું મારો હાથ છોડાવી દોડ્યો,ત્યારે પડી ગયો ને?
તેવી જ રીતે ગમે તેટલું દુઃખ કે સુખ આવી પડે તો ય ભગવાનનો હાથ જે કોઇ છોડી દે,તે પડી જાય,એમાં ભગવાન શું કરે,સમજ્યો?"

મનન કેટલું સમજ્યો,તે તો એના દાદાજી જાણે !! પણ ઉપસંહારમાં આપણે બધા એટલું જરુર સમજીએ કે.....;

સુખમાં કે દુઃખમાં જ્યારે આપણે ભગવાનનો હાથ છોડીને સંસારની મોહમાયાના ચળકતા કાચના ટૂકડાને કિંમતી હીરો માનીને લેવા દોડીએ અને ઠોકર ખાઇ પડી જઇએ,ત્યારે પણ દયાળુ ઇશ્વર આવીને હંમેશાં આપણને ઉભા કરી,પડેલા ઘા ઉપર એમની અસીમ કૃપાનો હાથ ફેરવી ઘા મટાડી દે છે.

મિત્રો,એકલો નાનકડો મનન શા માટે? આપણે સહુએ પણ આ વાત પર મનન કરવું જોઇએ,એવું આપને નથી લાગતું?

માર્કંડ દવે.તાઃ૨૫-૧૦-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.