Tuesday, February 2, 2010

Old ,નશો -Gold,પ્રેમપત્રો.

 Old ,નશો -Gold,પ્રેમપત્રો.

"સજળ થઈ નયન,અશ્રુની વેણી ગૂંથે..!!
 પ્રણય થઈ કવન,સંગમ ત્રિવેણી રચે..?"

=========

પ્રિય મિત્રો,

સન-૧૯૮૦માં એક દિવસ, સાવ સરળ સ્વભાવનો,કૉલેજકાળનો  એક મિત્ર,મને મળવા આવ્યો,ઘરમાં આવતાંની સાથેજ તેણે,પોતે એક કન્યા પસંદ કરી હોવાની વધામણી આપી.મેં તેને અભિનંદન આપ્યા.

હું વધારે કાંઈ વિચારું તે પહેલાં,તેણે કહ્યું," મને ખબર છે,તું લખે છે અને કૉલેજમાં ઘણા મિત્રોને પ્રેમપત્રોના ડ્રાફ્ટ બનાવી આપીને,તેં મદદ કરી છે.
મારાં હાફ મેરેજ (એંગેજમેન્ટ?) થયાં છે ને, મારે પણ, મારી ભાવિ પત્નીને ઈંમ્પ્રેસ કરી દેવી છે.મને પણ થોડા પ્રેમપત્ર લખી આપ...!!"

મેં તેને,સારી ભાષામાં ના કહીને, સમજાવવાનો પ્રયત્ન કર્યો કે,"રહેવા દે,નાહક મારી કોઈ ભૂલને કારણે, તારાં લગ્નનું સ્વપ્ન તૂટી જશે."
તે સાવ  નિરાશ થઈ ગયો. મિત્રને મદદ ના કરી શક્યાનું, મને દુઃખ જરૂર થયું, પણ હું સિદ્ધાંત સામે મજબૂર હતો.

એકજ અઠવાડિયા બાદ, આ મિત્ર,તેની ભાવિ પત્ની સાથે, મને માર્કેટમાં મળી ગયો, મિત્રએ, તેની ભાવિ પત્નીને, મારી ઓળખ આપી. હું તેમને આગ્રહ કરીને, પાસેના રેસ્ટોરન્ટમાં,ચા-કૉફી માટે લઈ ગયો, ત્યારે રેસ્ટોરન્ટમાં તેની ભાવિ પત્નીએ મને, હસતાં-હસતાં જે જણાવ્યું,તે સાંભળી મને પણ ખૂબ રમૂજ થઈ.

આ મિત્રએ, તેની ભાવિ પત્નીને,પ્રેમપત્રમાં, તેને જાતે આવડે તેવી અગડમ-બગડમ શાયરીઓ તો લખીજ..!! પરંતુ, `હાફ મેરેજ ` શબ્દથી ગેરસમજ કરી.
બીજું કાંઈ ના સૂઝતાં, ભાવિ પત્નીને અત્યારથીજ, અ.સૌ. નું સંબોધન (અખંડ સૌભાગ્યવતી,તેય પાછું બંધ કવરમાં નહીં, પોસ્ટકાર્ડ ઉપર ? ) કરવાનું શરૂ કર્યું..!!

જોકે, કન્યા અને તેનાં માતાપિતાએ વાતને હસવામાં કાઢી નાંખી, તેથી મિત્રને,કશો વાંધો ના આવ્યો.

આપ કલ્પના કરી શકો છો ? વિતેલા દસક અને તે પહેલાંના યુગમાં,પ્રેમપત્રોની અદા-છટા-ભાષા કેવી હશે?

આ જાણતા પહેલાં,પ્રેમપત્ર એટલે શું? પ્રેમપત્રના પ્રકાર કેટલા? તે જાણવાનો પ્રયત્ન કરીએ.

પ્રેમપત્ર એટલે શું?

શું કેવળ એક કાગળના ટૂકડા પર લખેલા પ્રેમના ચાર શબ્દ એટલે પ્રેમપત્ર?  ( નહીં;નહી;નહી..!! બિલકુલ નહીં.)

તો પછી,પ્રેમ પત્ર એટલે શું?

" પોતાના હ્યદયમાં ઉઠેલી, પ્રેમની લાગણીઓને, શબ્દ,સંકેત કે અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા, કોઈ અન્ય વ્યક્તિને, સંદેશ સ્વરૂપે પહોંચતી કરવામાં આવે તે તમામ પ્રેમપત્ર છે."
જો પ્રેમપત્રની સમજ આ પ્રકારની હોય તો,પ્રેમપત્ર પાઠવવાનાં માધ્યમ,એ જ પ્રેમપત્રના અલગ-અલગ પ્રકાર થયા કહેવાય.

આમતો, પ્રેમપત્ર લખવો એ પણ એક કળા છે,જેને દિલની લાગણી સરખી વ્યક્ત કરતાં ના આવડે,તો પ્રેમના કંસારને બદલે થૂલી થઈ જતાં જરાય વાર ના લાગે..!!

પ્રેમપત્રના પ્રકાર

પ્રેમપત્રના પ્રકાર તો.ગણી ના શકાય તેટલા છે,વળી જ્યારથી સેટેલાઈટ નો યુગ આવ્યો છે,ત્યારથી પ્રેમપત્ર અનેક પ્રકારે પાઠવી શકાય છે,જેમકે,
પત્રરૂપે, ઈશારા રૂપે, ખેપિયો,કબૂતર (પક્ષી), રૂબરૂ, ટપાલી,હવે તો વળી, MMS, SMS સ્વરૂપે.વગેરે..!!

કવિ કાલિદાસના `શાકુંતલ`પર આધારિત,સન -૧૯૬૧માં, રાજકમલ સ્ટૂડીયો દ્વારા, નિર્માણ પામેલી, દિગ્દર્શક શ્રીવ્હી.શાંતારામજીની, સુંદર હિન્દી ફિલ્મ-`સ્ત્રી`માં, શકુંતલા દ્વારા,રાજા દુષ્યંતને, ભોજપત્ર ઉપર પ્રેમપત્ર લખાતો હોય તેવું સુંદર દ્રશ્ય,અત્યંત કલાત્મક ઢબે રજૂ થયું હતું.
(ભોજપત્ર- એક વેલ્વૅટ કાપડ જેવું પાંદડું,જેમાં ચૂટીંને અક્ષર ઉપસાવી શકાતા.)

આ ફિલ્મમાં,વ્હી.શાંતારામ,સંધ્યા અને તેમના પુત્ર તરીકે માસ્ટર બબલૂનો અભિનય અદભૂત હતો.

( તા.ક. આ સાથે, આજ ફિલ્મનાં, સુશ્રીલતાજી અને શ્રી મહેન્દ્રકપૂરના કંઠે ગવાયેલાં,શ્રીભરત વ્યાસે રચેલાં અને શ્રીસી.રામચંન્દ્રએ સંગીતબદ્ધ કરેલાં પ્રેમભર્યાં,ભાવવાહી ગીત અપલૉડ કર્યાં છે.માણવા લાયક છે. )




પ્રેમપત્ર મોકલવા ઘણીવાર,નાનાં બાળકોનો  (સહુથી સલામત ખેપિયો?) ઉપયોગ હજુપણ કેટલાક પ્રેમીઓ કરે છે. જોકે,તેમાં જોખમ હોય છે.

સન-૧૯૬૨ કે ૬૩ માં, મારા વતન, ડભોઈની `પડ્યા હાઈસ્કૂલ` માં, કદાચ પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હું  ભણતો હતો,ત્યારે મારી બાજુના ફળિયામાં રહેતા,અને મારી જ શાળાના ધોરણ- ૧૧માં (Old SSC માં ) અભ્યાસ કરતા એક છોકરાએ, તેની બાજુમાં રહેતી છોકરીને,પહોંચાડવા મને એક કાગળ આપ્યો.

મને આ છોકરાના ગુસ્સાની બહુ બીક લાગતી,તેથી હું તેને `ના` ન પાડી શક્યો. તે છોકરીના ઘરમાં,લપાતો છૂપાતો જઈ હું, કાગળ તો આપી આવ્યો. પણ હવે પછી આવું કામ હું  નહીં કરું તેમ, ડર્યા વગર પેલા છોકરાને મેં કહી દીધું.

પ્રેમપત્રના લખાણથી છોકરીને કદાચ કશુંક વાંકું પડ્યું હોય કે, ભાગ્યવશ ગમે તે થયુ હોય ? પણ બીજા દિવસથી તે છોકરીએ, પેલાને ઘાસ નાંખવાનું બંધ કરી દીધું.

પેલો પ્રેમી છોકરો થોડા દિવસ દેવદાસ જેવો થઈ, ગામમાં ફર્યો. એક દિવસ, વળી પાછો મારી પાસે આવ્યો અને એક કાગળ મારી સામે ધર્યો,. જોકે,આ વખતે તો,શરમ રાખ્યા વગરજ, મેં એને મોંઢામોંઢ, ચોખ્ખું કહી દીધું, " હું તારું આવું કામ નહીં કરું."

પણ પેલો પ્રેમી છોકરો મને કહે," તારે આ કાગળ આપવા નથી જવાનું, ફક્ત  આ કાગળમાં સહી કરી આપ."

જોકે, એ કાગળ મેં ઘ્યાનથી વાંચ્યો તો,આ છોકરાએ,પેલી છોકરીને,પોતાના પ્રેમનો સ્વીકાર કરવા અરજી લખી હતી,તેમાં સાક્ષી તરીકે મારી સહી માંગતો હતો, છોકરીના બાપ દ્વારા,આજે તો, મારી પણ ધોલાઈ થશે તેમ,મને ચોક્કસ લાગ્યું.

તેથી પેલો છોકરો,આગળ મને કશું કહે તે પહેલાં, ડરનો માર્યા મેં, બેય હાથે દફ્તર કચકચાવીને પકડી,પાછું જોયા વગર,ઘર ભણી, એવી તો હડી કાઢીકે,  હું છેક ઘરમાં પ્રવેશ્યો,ત્યારે મને હાશ થઈ..!!

જોકે,એજ દિવસે, સાંજે બાજુના ફળિયામાં,ઘણીજ બૂમારાણ વચ્ચે,પેલી છોકરીના,લઠ્ઠ જેવા બાપ અને જડભરત મોટાભાઈ દ્વારા પેલા પ્રેમાતુર અરજીકર્તા, પ્રેમી છોકરાની પીટાઈના સમાચાર મળ્યા, ત્યારે મને ,મારા સમયસરના, પલાયનવાદના, નિર્ણય બદલ, મારી જાત માટે ઘણુંજ માન ઉપજ્યું.

ઘણા દિવસ પછી પેલા પ્રેમી છોકરાએ, મને પરાણે ઉભો રાખીને, દેવદાસના અંદાજમાં, માત્ર એટલું જ કહ્યુંકે, " બધાને તારી જેમ હોશિયારીથી, છૂપાઈને ચીઠ્ઠી આપતાં ના આવડેને..!! એટલે મને માર પડ્યો."

મને લાગ્યું..!! આ દેવદાસને, અરજી લખતાં નહીં આવડ્યું હોય,પણ આ મફતિયા ટપાલીને, પ્રમાણપત્ર આપતાં જરૂર આવડી ગયું?

કેટલાક પ્રેમીપંખીડાં, પ્રેમસબંધ તૂટ્યા બાદ પણ,પ્રેમપત્રોને આજીવન જીવની માફક સાચવે છે,જ્યારે કેટલાક વ્યવહારૂ. `રાત ગઈ બાત ગઈ` સમજીને, તેને ફાડી કે બાળી નાખી, દુઃખદ યાદને ભૂલવાનો પ્રયત્ન કરે છે..!!

 જોકે,જૂના પ્રેમપત્રો,સંધરી રાખનાર જીવનમાં,તે કોઈના હાથે ચઢી જતાં,સંસારમાં,આફતોની ઉલ્કાપાતી ઊથલપાથલ અનુભવ્યાનાં અનેક ઉદાહરણ મોજૂદ છે.

R.K.FILMS, રાજકપૂરની અત્યંત સફળ ફિલ્મ- સંગમ,માં રાજેન્દ્રકુમારે,વૈજંતીમાલાને લખેલો પ્રેમપત્ર,રાજકપૂરના હાથે ચઢી જતાં,ઉભી થયેલી ગેરસમજમાં,રાજેન્દ્રકુમારના મૃત્યુ સાથે, ફિલ્મ કરૂણાંત પામે છે. આ ફિલ્મનાં,ગીતકાર શૈલેન્દ્ર અને હસરત જયપુરિએ લખેલાં ગીતો,ખાસ કરીને, "યે મેરા પ્રેમપત્ર પઢકર" ખૂબ લોકપ્રિય થયું હતું.

પૌરાણીક પ્રેમપત્રો

પૌરાણીક પ્રેમપત્રોની ચર્ચામાં,રામાયણ અને ભાગવતના પ્રસંગોનો ઉલ્લેખ જરૂર આવે જ...!!  શ્રીરામચરિતમાનસના, બાલકાંડમાં, ગુરૂવર ઋષિ વિશ્વામિત્રની આજ્ઞાને માન આપીને,શ્રીરામચંન્દ્રજી, સીતાજીના સ્વયંવરમાં,અતિભારે શિવધનુષ ઉઠાવવા આગળ વધ્યા ત્યારે...!!

" પ્રભુહિ ચિતઈ પુનિ ચિતવ મહિ રાજત લોચન લોલ।
  ખેલત મનસિજ   મીન   જુગ   જનુ બિધુ મંડલ ડોલ ॥

અર્થાતઃ- જરા વારમાં શ્રીરામચંન્દ્રજીની સામે અને જરા વારમાં સંકોચાઈને પૃથ્વીની સામે જોતાં, સીતાજીનાં ચપલ નેત્ર, જાણે ચન્દ્રના મંડળમાં, કામદેવના ધ્વજરૂપ, બે માછલાં રમતાં હોય, તેમ શોભા સાથે, શ્રીરામને મનોમન પ્રેમનો સંદેશ પાઠવવા લાગ્યાં.

એમ કહેવાય છેકે, રાજા દશરથ, શબ્દવેધી તીરંદાજીમાં નિપુણ હતા.તેઓ માત્ર સામાન્ય અવાજ સાંભળતાંજ દૂરથીજ બાણ છોડીને,શિકાર કરી શકતા હતા.

એકવાર રાજા દશરથના રથની સાવ પાસે આવી ઉભેલો, મોર પોતાના રંગબેરંગી મોરપીંછ ફેલાવીને,કળા કરી રહ્યો હતો. આ જોતાંજ, રાજા દશરથને પોતાની રાણીના મિલન વખતે, અવ્યવસ્થિત થયેલા કેશમાંથી ખરી પડેલાં રંગબેરંગી ફૂલ અને મોરપીંછની કળા,બંને એકસમાન લાગ્યાં. સાવ સરળ શિકાર હોવા છતાં, રાજા દશરથે આ મોરનો શિકાર કરવાનું માંડી વાળ્યું.

શ્રીભાગવત મહાપુરાણમાં વર્ણવ્યા પ્રમાણે, કાયદેસરનો લેખિત પ્રથમ પ્રેમપત્ર,શ્રીકૃષ્ણને, રૂક્મણીજીએ લખ્યો હશે..!!

રૂકમણીજી,વિદર્ભના રાજા,ભિષ્મકની પુત્રી હતાં.વિદર્ભ રાજ્ય,મગધના રાજા જરાસંઘના તાબામાં  હતું.

શ્રીકૃષ્ણના,ચારિત્ર્ય,પરાક્રમ અને તેજસ્વી વ્યક્તિત્વની,કર્ણોપકર્ણ પ્રશંસા માત્ર સાંભળીને,રૂકમણીજી શ્રીકૃષ્ણના મનોમન પ્રેમમાં પડ્યાં હતાં.રૂકમણીજીના વિવાહ શ્રીકૃષ્ણ સાથે કરવા તેમનાં,માતાપિતા રાજી હતા. પરંતુ,શ્રીકૃષ્ણના હાથે, રૂકમણીજીના ભાઈ રૂક્મીના, પરમ મિત્ર ` કંસ` નો વધ થયો હોવાથી, રૂક્મી આ વિવાહનો સખત વિરોધી હતો. આજ કારણે રૂક્મીએ,  શ્રીકૃષ્ણને બદલે, હાલ બુંદેલખંડના,જરાસંઘના તાબાના,ચેદી રાજ્યના, રાજા શિશુપાલ સાથે, રૂકમણીજીના વિવાહ કરવા પિતાને પણ રાજી કરી લીધા.

જોકે, ભાઈ રૂક્મી અને પિતા ભિષ્મકની, આ વાતચીત, રૂકમણીજી સાંભળી ગયાં.જેથી, ભયભીત થઈને,પોતાના સુનંદ નામના વિશ્વાસુ બ્રાહ્મણ દૂતને મોકલીને,  શ્રીકૃષ્ણને એક પ્રેમપત્ર પાઠવી, રૂકમણીજીએ  તેમના માટે પોતાના પ્રેમની કબૂલાત કરી.

આ પ્રેમપત્રમાં, રૂકમણીજી પોતાનું અપહરણ કરી, પોતાનો સ્વીકાર કરી, આ સંકટમાંથી ઉગારવા શ્રીકૃષ્ણને  આજીજી કરે છે. શ્રીકૃષ્ણ આ વિનંતીનો સ્વીકાર કરીને,રૂકમણીજીનું અપહરણ કરી જાય છે..આ પ્રેમપત્રમાં, શ્રીકૃષ્ણ વિનંતી ન સ્વીકારે તો, રૂકમણીજીએ  આપઘાત કરવાની ધમકી પણ આપી હતી.

રૂકમણીજીના અપહરણ માટે તખ્તો ગોઠવવામાં,આ પ્રેમપત્રએ અગત્યનો ભાગ ભજવ્યો હતો અને ચોક્કસ આ પત્ર વિશ્વનો પ્રથમ લેખિત પ્રેમપત્ર છે,તેમ મારું નમ્રપણે માનવું છે.

આ ઉપરાંત, વિશ્વના પ્રસિદ્ધ મહાનુભવ પ્રેમીઓના, પ્રેમપત્રોની કેટલીય સાઈટ ઈંન્ટરનેટ પર મોજૂદ છે. દા.ત.

Abigail Adams to John Adams , Ludwig von Beethoven ,Napoleon Bonaparte ,Elizabeth Barrett Brownin,Lord Byron ,Lord Randolph Churchill , Winston Churchill ,Duff Cooper ,Juliette Drouet to Victor Hugo ,Madame DuBarry ,King Henry IV of France ,King Henry VIII ,Julia Lee-Booker ,Wolfgang Amadeus Mozart ,Ronald Reagan ,Theodore Roosevelt.,John Ruskin ,George Bernard Shaw ,Lady Shigenari ,Count Leo Tolstoy  અને બીજા અનેક.

જોકે, વિલિયમ સેક્સપિયરનાં સોનેટમાં વર્ણવેલી,પ્રેમની લાગણીઓ,પ્રેમપત્રના ડ્રાફ્ટનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.

નામાંકિત અને બહાદુર શાસક નેપૉલિયન બૉનાપાર્ટે (૧૭૬૩-૧૮૨૧),તેના જીવનકાળ દરમિયાન,આશરે કુલ-૭૫૦૦૦ પત્રો લખ્યા હોવાનું મનાય છે,જેમાંના મોટાભાગના પત્રો,સન - ૧૭૯૬માં લગ્ન થયા બાદ, તેની સુંદર પત્ની જૉસેફાઈનને પાઠવેલા છે.

નેપૉલિયન બૉનાપાર્ટના આવાજ એક પ્રેમપત્રના કેટલાક અંશ આપણે  માણીશું?

" પેરિસ-ડિસેમ્બર - ૧૭૯૫.

આજે હું તારા વિચારો સાથે જ ઉઠ્યો.તારી સાથે ગઈકાલે ગાળેલી, માદક સાંજની, તારી નશીલી છબીએ, મારા માનસપટલ પર,લાગણીઓની તોફાની હલચલ મચાવી છે. મારી મીઠડી,અદ્વિતીય જૉસેફાઈન, મારૂં હ્યદય આ શું અનુભવી રહ્યું છે..!! તારા નશીલા હોઠ અને હ્યદયમાંથી છલકતો પ્રેમ, મારામાં અસહ્ય દાહ પેદા કરે છે.

આહ..!! તું તારા,બાહ્ય વ્યક્તિત્વ કરતાં કેટલી અલગ છે..!! આ બાબત, હું કાલે રાત્રે માણી શક્યો.

પ્રિયે,  મારા તરફથી તને હજારો ચુંબન સાથે ,એ શરતે હું  વિરમું છું કે,મારા ચુંબનના બદલામાં, મારા રક્તમાં, દાહક ગરમાટો ઉત્પન્ન કરતાં ચુંબન,તું મને પરત  નહીં કરે.!!"

દોસ્તો, આ વાંચીને,કોણ કહી શકે કે, યુદ્ધમેદાનમાં.ક્રૂરતાપૂર્વક લઢતા યોદ્ધાને, લાગણીથી લથપથ હૈયું નથી હોતું.

અર્વાચીન પ્રેમપત્રો.

અર્વાચીન પ્રેમપત્રોની ગુણવત્તા અને કક્ષા વિષે આ એક જ ઉદાહરણ પુરતું છે. ચાલો, માણીએ?

થોડાં વર્ષ અગાઉ, પૈસેટકે સુખી એવા, મારા એક મિત્રનો, કૉલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો,ફિલ્મી હીરો જેવો રૂપાળો દેખાતો દીકરો, એક દિવસ,તેની પડોશમાં રહેતી,બાળપણની ગર્લફ્રેંન્ડ સાથે, કોઈને જણાવ્યા વગર ભાગી ગયો.

ભાગી ગયેલી કન્યાના પિતાએ, બંનેને ચોવીસ કલાકમાં, હાજર કરવાનું અલ્ટીમેટમ, મારા મિત્રને (દીકરાના પિતાને)  આપ્યું. આ દીકરાને મારી સાથે મિત્રભાવ હતો, તેથી હું જાણતો હતોકે, આ ગર્લફ્રેન્ડ તેને,લગ્ન માટે પસંદ નથી, તેથી ઘટનાની જાણ થતાંજ, મને જરા આશ્ચર્ય થયું, પણ પછી વિચાર્યું,
"ભાઈ આ યુવાનોનું કંઈ કહેવાય નહીં..!!"

છેવટે,ત્રીજા દિવસે, બંને પ્રેમીપંખીડાં,તેના એક મિત્રને ત્યાંથીજ ઝડપાઈ જતાં,મારા મિત્રએ કકળાટ હળવો કરવા,મને પણ બોલાવ્યો, હવે  મારે તો આમાં શું કરવાનું હોય..!!

ચારેક કલાક સુધી, બંને કુટુંબના, સામસામે થતા હોંકારા-પડકારા, મેં શાંતિથી સાંભળ્યા કર્યા, પરંતુ મારાથી છેવટે જિજ્ઞાસા ના રોકાતાં,પેલા ભાગેડુ દીકરાને,બાજુમાં બોલાવીને, મેં પુછ્યું,"અલ્યા તને તો આ છોકરી લગ્ન માટે પસંદ ન હોતીને, તું તેની સાથેજ, `ત્રણ દિવસને, બે રાતના સ્ટે`ના પેકેજ સુધી...?"

અકળાઈને,આ દીકરાએ મને કહ્યું," અંકલ, હું એને દાદ  આપતો ન હતો, એટલે આ માથાની ફરેલીએ, મને પ્રેમપત્ર મોકલ્યો, જેમાં તેણે મને `પાવૈયા`ની ગાળ દીધી હતી.આ રહ્યો એ પ્રેમપત્ર, મેં એને ત્રણ દિવસ ફેરવીને સાબીત કરી દીધુંકે, હું પાવૈયો નથી.હવે તે જાણે ને તેનો બાપ..!!"

અંતે, કન્યાને અઢાર વરસમાં બે માસ બાકી હતા, તેથી પેલી માથાની ફરેલી, અણગમતી, સગીર વયની છોકરીને ફોસલાવીને ભગાડવાના ગુન્હા હેઠળ, પેલા `મર્દ` હીરોને જેલમાં જવું ના પડે, તેથી કમને પણ, બે માસ બાદ, લગ્ન કરવાં પડ્યાં.સુખદ અંત સાથે, `ઘીના ઠામમાં ઘી` પડ્યું રહ્યું..!!

દોસ્તોં,સન-૧૯૧૩ થી ૧૯૩૧ સુધી,મુંગી ફિલ્મોનો જમાનો હતો તેથી,સમાજ પર નાટકોની બોલબાલા સાથે,પ્રભાવ પણ ભારે હતો.ઘણાં નાટકોનાં ગીતોની પંક્તિઓને, પ્રેમીઓ, પ્રેમપત્રોમાં, પોતાના દિલની લાગણીઓ પ્રગટ કરવા, બેધડક ઉપયોગ કરતા.જોકે, આવા પ્રેમપત્રોમાં જે માસૂમિયત અને પ્રામાણિકતા હતી,તે હવે સેટેલાઈટ માધ્યમો દ્વારા મોકલાતા પ્રેમસંદેશમાં જોવા નથી મળતી.

આધુનિક જમાનામાં તો નવાઈ લાગે,તે રીતે,` SMS, MMS, E-MAIL` વગેરે `DELETE ` કરતાં જેટલી વાર લાગે તેટલીજ વાર પ્રેમસબંધ તોડીને, બીજો તૈયાર રખાય છે. આ બાબતના પુરાવારૂપે, દર શુક્રવારે સાંજે સાત વાગે, `BINDASS TV`, પર આવતો `ઈમોશનલ અત્યાચાર`, નામનો કાર્યક્રમ જોઈ લેવો.

સન -૧૯૮૦ની સેટેલાઈટ ક્રાંતિ સુધી, કેટલાક પ્રેમી શીઘ્રકવિઓ, સુધારા વધારા સાથે,પોતાને અનુકુળ પણ શાયરી બનાવી લેતા.
જેમાં છંદના `કુછંદ`,જોડણી,વ્યાકરણને મુક્તપણે અવગણીને,માત્ર મુદ્દાની વાત પર ધ્યાન અપાતું.

દા.ત.( નીચે જણાવેલ અભિવ્યક્તિમાં, અગાઉ લખાતી, જોડણી,વ્યાકરણની ભૂલોને યથાવત રાખી છે.)

" નથી કશું ગમતું મને, તમારા પત્રની રાહમાં, ભટકું છું તમને મળવા તમારી રાહમાં,
  નથી તમને ખબરકે, કેટલું દર્દ છે આહમાં, મારું અસ્તિત્વ મીટાવી દઉં તારી યાદમાં."

" જળકૂકડી જળમાં વસે ઉડવાનું મન થાય,પ્રિતમ મારો દૂર વસે, મળવાનું મન થાય."

" સાગરમાં પાણી ઘણું,ગાગરમાં નવ સમાય, હૈયામાં લખવું ઘણું,પત્રમાં ન સમાય."

" દૂર રહતી હું લેકિન,દિલ સે દુઆ કરતી હું,કભી-કભી ખત લિખકર, પ્રેમ અદા કરતી હું."

" પેંડા મળે રૂપિયે પાંચ, સસ્તી મળે ખજૂર.પૈસાની ચિંતા ના કરતા, પત્ર લખજો જરૂર."

" અંગૂઠોને,આંગળી, વચ્ચે ફાઉન્ટન પેન, પૂછું પ્રિતમ આપને,તબીયત પાણી કેમ ?."

" ઊડ-ઊડ પત્ર ઊતાવળો, જા પ્રિયતમની પાસ,પ્રિયતમ મારો શું કરે !! સંદેશો લઈ આવ."

" આપની હાજરી હર ચીજને રોશન કરે,આપની ગેરહાજરી દિવસને પણ રાત કરે."

"ફૂલ હૈ ગુલાબ કા, ખુશ્બૂ તો લીજીયે, પત્ર હૈ ગરીબ કા જવાબ તો દીજીયે ?"

" મહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ,પ્રેમ કી યાદ આતી હૈ તૂટ જાને કે બાદ."

" ગોળ વીના મોળો કંસાર, તમારા વીના સુનો સંસાર."

" ચાંદની ચાંદસે હોતી હૈ, સિતારોસે નહીં,મહોબત એક સે હોતી હૈ,હજારો સે નહીં."
" જળ પ્રવાહ જેમ દિવસ વહે, મુજ દિલમાં તારી યાદ વસે."
અર્થઃ- જેમ પાણીમાં આપડું પ્રતિબિંબ પડે તેમ,મારા મગજના ચહેરાના ખૂણે-ખૂણે તમારો ચહેરો યાદ આવી રહ્યો છે.

" ચકોર પક્ષી, તરસ્યું બેસી,જોતું જળની રાહ,રસ્તા વચ્ચે હું બેઠી, ભરું કારમી આહ."
અર્થઃ- જેમ ચકોર પક્ષી વરસાદની રાહ જોયું હોય છે,તેમ જ હું તમારી રાહ જોઈને નિસાસા નાંખતી બેઠી છું.જેમ ફકીરોને ધૂળકીની,નાનપણની પ્રિતો હતી,તેમ પણ આપડા બંનેની પ્રિતો એવી ના હોય તેવું મને લાગે છે.

 " હંસા પ્રિત સોહામણી જળ સુકે ઊડી જાય, સાચી પ્રિત શેવાળની જળ સુકે સુકાય."
અર્થઃ- જેમ હોઠ ઉપર લાલી ચોપડીએ અને મુખના ચહેરા ઉપર પાવડર લગાવીએ અને બીજે દિવસે ધોઈ નાખતા ધોવાઈ જાય છે,તેમ આપડા બંનેની પ્રિતો તેના જેવી નથી? આપડી પ્રિતો હંસ જેવી ના બદલે, શેવાળ જેવી રાખીશ.

" તે હી દિનો દિન ગચ્છતી, ન જાણ્યું જાનકી નાથે,સવારે શું થવાનું છે?"
અર્થઃ- ઈશ્વર આપડા બંનેની પ્રિત ક્યારે બગાડે તેની આપણા બે માંથી એકને પણ ખબર નથી,એટલે જ આપણા બંનેની પ્રિતો બગાડતા નહી.

" દુનિયા આખી આંધળી,પ્રિતની દુશ્મન થાય, સજની તમારી પાંગળી,પ્રિત કરી પસ્તાય."
અર્થઃ- તમે આંખ બંધ કરીને જોશો તો દુનિયા આંધળી લાગશે અને પ્રિતો પાંગળી,પણ મને એ બધુંજ પચાવતાં આવડે છે, ગમે તેવો આઘાત કે દુઃખ ના હોય પણ મારા મુખ પર વ્યક્ત થવા નહીં દઉં.

મિત્રો, ઉપર દર્શાવેલ, પ્રેમ-પંક્તિઓ, એક વૃદ્ધ કપલને વિનંતી કર્યા પછી, અત્યંત પ્રેમપૂર્વક તેઓએ મને આપેલા, તેમના પ્રેમપત્રોમાંથી, મળી હતી.
આ  વૃદ્ધ કપલની એક કરૂણ કહાની છે,પરંતુ તેની વાત આજે નહીં, ફરી ક્યારેક કરીશું.

ભાવનગરની બાજુના ગામમાં વસતા એક મિત્ર મને કહે," દવેભાઈ,હું ગામડે જઉં છું, કાંઈ કામકાજ છે?"  અગાઉ તેમની પાસે, અવારનવાર પેંડા અને ચટાકેદાર ચવાણું, હું મંગાવતો, પણ હમણાં તો મારા મનમાં આ પ્રેમપત્રના લેખના વિચારો ચાલતા હોવાથી, મેં તેમને કહ્યું,"ગામડે જો કોઈ વૃદ્ધ કપલ ઓળખીતા હોય તો, તેઓએ એકમેકને લખેલા જુના પ્રેમપત્રો મળે તો,લઈ આવજો."

હું ગાંડો થઈ ગયો હોય તેમ, મારી સામે જોઈને,એ મિત્રએ મને શંકાશીલ અવાજે કહ્યું," કેમ..!! ગામડે ડોશીઓના હાથનો મને માર ખવડાવવો છેકે શું ?"   

સન-૧૯૩૧ બાદ બોલતી ફિલ્મોનો જમાનો,શરુ થયો.અને જિંદગીના તમામ રસનું વર્ણન કરતાં ગીતો ઘેર ઘેર ગૂંજવા લાગ્યાં.તેમાં પ્રેમાવસ્થાનું વર્ણન કરતાં પ્રેમગીતોનું સ્થાન,પ્રેમીઓના હ્યદયમાં પામ્યું.રાજકપૂર-નરગીસ; દિલીપકુમાર-વૈજંતીમાલા; દેવાનંદ-સુરૈયા; ગુરુદત્ત-વહિદા જેવી, ફિલ્મ કલાકારોની કેટલીય જોડી,પ્રેમીઓ માટે આદર્શ બની રહી.

ગુજરાતી સાહિત્ય અને પ્રેમપત્રો

ગુજરાતી સાહિત્યમાં,પ્રેમ અંગેની ચારણી લોકકથાઓનો ભંડાર ભરેલો છે,ચાલો,આપણે એ સાહિત્યની પણ, એક ઝલક માણીએ.

" મન મેરા પંખી ભયા,જહાં તહાં ઊડ જાય, જહાં જૈસી સંગત કરે, તહાં તૈસા ફલ પાય." (સૂરાવાળા-ડાગલાનો વેશ.)

" કોઈ કટારાં પે મરે, કોઈ મરે વિખ ખાય ; પ્રીત તો ઐસી કીજિયે, હાય કર્યે જીવ જાય." ( કમો-વીકોઈ,પ્રેમકથા.)

"દન ગણાતાં માસ ગયા, વરસેય આંતરિયાં, સૂરત ભૂલ્યાં સાબધી, પછી નામે વીસરિયાં." ( મામટ-સોનલદે કથા.)

" કામિની કે` કંથડા, ક્યો ભલેરો દેશ ; સંપત હોય તો ઘર ભલો, નહિંતર ભલો પરદેશ."

આ ઉપરાંત,ગુજરાતી સુપ્રસિદ્ધ કવિ-શાયરની કલમે..!!

" અમે તો સૂકું રૂનું પૂમડું,તમે અત્તર રંગીલા રસદાર,તરબોળી દ્યો તારને, વીંધો અમને વહાલા આરપાર."-શ્રી મકરન્દ દવે.

" ખુશીથી કોઈને જ્યારે,મરી જવાની ઈચ્છા થઈ,તો ત્યાંથી કાળને  ફરી જવાની ઈચ્છા થઈ."- શ્રીનાઝિર દેખૈયા.

" મને એજ સમજાતું નથી કે, આવું શાને થાય છે? ફૂલડાં ડૂબી જતાં,ને પથ્થરો તરી જાય છે." - શ્રીકરસનદાસ માણેક.

" કિસ્મત મરણને જાન નથી રંક છું કે રાય,પાવન છું કે પતિત છું? કફન જાણતું નથી." - શ્રીકિસ્મત કુરેશી.

મિત્રો,પૃથ્વીના જન્મકાળના સમયથી, પ્રગટ થયેલા સાહિત્યને ફંફોસીને, પ્રેમની અભિવ્યક્તિ વિષય પર, વિશદ છણાવટ કરવા બેસીએ તો,કેટલાંય પુસ્તક લખાઈ જાય,આપણે તો છેલ્લે, એક બે સરસ વાતો કરીને છૂટા પડીએ.

ઈંગ્લૅંડના પ્રસિદ્ધ પત્રકાર અને ઈતિહાસકાર,`John Keay (born 1941)`,ના જણાવ્યા પ્રમાણે," The Kama Sutra is a compendium that was collected into its present form in the second century CE."

આપણી હિંદુ સંસ્કૃતિમાં પ્રેમના દેવતા, કામદેવનાં બાણ જેને લાગ્યાં હોય, તેજ તેની અસર અંગે કહી શકે છે.

`વાત્સ્યાયન`,મુનિ રચિત `કામસૂત્ર`માં સેક્સકળા અંગે થયેલા, સચોટ નિરૂપણમાં, પ્રેમની અભિવ્યક્તિના સ્વરૂપે,પ્રેમપત્ર પણ સામેલ હોય તેમાં,`કોઈ શક ?`

માર્કંડ દવે.તા.૦૨-૦૨-૨૦૧૦.

1 comment:

  1. ખૂબ જ સરસ...શું કહેવું તમારી લેખનકળા માટે શબ્દો નથી.!

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.