Saturday, January 16, 2010

ભોંઠપ - ભવાડો કે ભમ્મરીયો કુવો ?

ભોંઠપ - ભવાડો કે ભમ્મરીયો કુવો ?

પ્રિય મિત્રો,

એકવાર મારા એક મિત્રને ત્યાં તેના દીકરાના પ્રથમ જન્મદિવસે, રાજીપો ઉજવવા, મિત્રએ સગાંવહાલાં, મિત્રમંડળ અને તેમની ઑફિસના કર્મચારીઓ, (ઓફકૉર્સ બૉસ + બૉસની પત્ની સહિત), નાનકડું, ગેટ ટુ ગેધર - ફંક્શન રાખ્યું.

સર્વે આમંત્રિત મહેમાનોએ, ધામધૂમથી કૅક કાપી,"હેપી બર્થ ડે ટુ યુ." ગીત ગાઈને, ધમાકેદાર સંગીત સાથે, આવડ્યો તેવો, થોડો ડાન્સ કરીને, છેલ્લે ભોજનની શરુઆત કરી, આ આખાય ફંક્શનમાં સ્વાભાવિકપણે ઑફિસના બૉસ તથા તેઓની ધર્મપત્ની, પ્રત્યે આદરભાવ, (કે મસ્કાબાજી ?) ને કારણે તેમની આગતાસ્વાગતા, V.I.P. સ્ટાઈલથી થઈ રહી હતી.સર્વે આમંત્રિતો માટે, ભોજન બુફે સ્ટાઈલમાં હતું,પરંતુ બૉસ અને તેમનાં પત્નીને માટે, અલગ ખૂણામાં, ટેબલ ખુરશી સજાવીને, ખાસ V.I.P. વ્યવસ્થા કરી હતી.

બૉસ અને તેમનાં પત્નીને, ખૂબ આદર સહિત, મારા મિત્ર, ડાઈનીંગ ટેબલ પાસે દોરી ગયા. ત્યાં નજીક પહોંચતાં જ બૉસનાં પત્નીને બેસતી વખતે ખુરશી નડશે તો ? એમ વિચારીને, મિત્રએ ખુરશી સહેજ પાછળ ખસેડી,બરાબર તેજ સમયે, બૉસનાં પત્ની પાછળ જોયા વગર બેસવા ગયાં અને બૉસનાં પત્ની ધડામ કરીને જમીન ઉપર પછડાયાં.

સહુ કોઈ ક્ષણભર સ્તબ્ધ થઈ ગયા. બૉસ ઝડપથી પત્નીને ઉભી કરવાના પ્રયત્નમાં લાગી ગયા. મિત્રએ ગભરાઈને `સોરી - સોરી` કહી દિલગીરી વ્યક્ત કરી, પરંતું, આટલી ભીડ વચ્ચે, ગબડી પડીને,પોતાની પત્ની ભોંઠી પડી તેથી, બૉસ + બૉસની પત્ની, રોષપૂર્વક ચહેરે, બીજા ફંક્શનમાં જવાનું ખોટું બહાનું કાઢીને, ભોજન કર્યા વગર જ ચાલતા થયા. બધાનો મૂડ ખરાબ થઈ ગયો.દીકરાના જન્મદિવસની ઉજવણીનો, મિત્રનો આનંદ છીનવાઈ ગયો.

દોસ્તોં, આમતો, દુનિયાનો કોઈપણ માનવી એવો નહીં હોય,જે ભોંઠપની આવી મૂંઝવણભરી, શરમજનક પરિસ્થિતિમાંથી ક્યારેય પસાર થયો ના હોય..!!

ભોંઠપ એટલે શું ?

માનવની સમજશક્તિના વિકાસની શરુઆત સાથે જ,સારા નરસાના ભાવ સાથે, માનવી ભોંઠપ અનુભવવાનું શરુ કરે છે.

" ભોંઠપ એટલે, કોઈ મનુષ્યથી, ભૂલ અથવા અજ્ઞાનતાને કારણે, બીજા ઘણા બધાની ઉપસ્થિતિમાં, સામાજીક અથવા વ્યવસાયીક, રીતભાત વિરુદ્ધ, નૈતિકતા વિરુદ્ધ, કોઈ કાર્ય અનાયાસે, અજાણતાં અથવા કોઈની મજાકને કારણે થઈ જાય ત્યારે વ્યક્તિને અનુભવાતી શરમ અને અપમાનની લાગણી."

ભોંઠપમાંથી અન્ય જેવીકે, શરમાવું, નીચું જોવું,ગભરાઈ જવું,મૂંઝવણમાં નાંખવું, અપમાન અનુભવવું, વિગેરે લાગણીઓ ઉદભવે છે.

ભોંઠપને અંગ્રેજીમાં,"Abashment, Embarrassment, Awkward Situaaion, Awkwardness, Bafflement, Chagrin, Confusion, Discomfiture, Discomfort, Discomposure, Fluster, Humiliation, Implicatio, Mortification, Perturbation, Pudency, Scrupulus, Self-consciousness, Shame, Uneasiness", કહે છે.

આપણી ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા જાતજાતના ઉત્સવો દરમિયાન,આપણા મૂખ્યમંત્રીશ્રીનરેન્દ્ર મોદીસાહેબથી,એક પાણીના હોજમાં ઉતાવળે,ભૂલથી પગ મૂકાઈ જતાં, સુરવાલ ભીનો થવાથી, ભોંઠપ અનુભવાય તેવી સ્થિતિ પેદા થઈ હતી.જોકે તેઓએ તેને હસવામાં કાઢી નાંખી હતી.

આવી મૂંઝવણભરી પરિસ્થિતિ સમયે ભોંઠપની ઘટનાને, હસવામાં કાઢી નાંખનારા બધા ,આપણા મૂખ્યમંત્રીશ્રીની જેવા, વિરલા નથી હોતા. કેટલીક ભોંઠી પડેલી વ્યક્તિઓ,અન્ય નિર્દોષ વ્યક્તિઓ ઉપર ગુસ્સો વ્યક્ત કરીને,આ સ્થિતિમાંથી બહાર આવવા મથે છે. કેટલીક ભોંઠી પડેલી વ્યક્તિઓ,બનાવને સાવ અવગણીને,તેને એક અકસ્માત માત્ર ગણી, હળવાશ અનુભવી, ભોંઠપની સ્થિતિમાંથી તરત બહાર આવી જાય છે.

કેનેડીયન સોસિયોલોજીસ્ટ,ઈરવિન ગોફ્ફમેન Erving Goffman (June 11, 1922 – November 19, 1982), ના જણાવ્યા મૂજબ," ભોંઠપની પરિસ્થિતિમાં મૂકાઈ જનાર વ્યક્તિ,માનસિક રીતે વિચલિત થઈ, પોતે આ ઘટના માટૅ જવાબદાર ન હોવાનું સાબિત કરવા,પોતે બીજા કરતાં વધું હોશિયાર હોવાનું પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે."

ભોંઠપ - ભવાડો કે ભમ્મરીયો કુવો ?

ભોંઠપની લાગણીના વિજ્ઞાનને `Emderatology` કહે છે.

આપણા દેશના, દરેક ધર્મ, જાતિ, સંપ્રદાય,જથ્થાના લોકોમાં લગ્ન જેવા શુભપ્રસંગે, વર-વધુ, વેવાઈ, વેવાણ કે અન્ય સગાંને, જોડા સંતાડવાની, નાક ખેંચવાની, દાપું માંગવાની કે અન્ય આવી મૂંઝવણ અનુભવાય તેવી, રીતરસમો ને, ધાર્મિક ક્રિયા -મંત્રોચ્ચાર સાથે જોડી દઈ, ભોંઠપના, નિર્ભેળ, નિર્દોષ આનંદનો છમ..મ..મ, વઘાર કરીને, શુભપ્રસંગમાં સ્વાદિષ્ટપણું વધારી દેવામાં આવે છે.

જોકે,આમાંથી કેટલીકવાર કોઈ મજાકને, હસીને અવગણવાને બદલે, સગાંવહાલાં, મિત્રમંડળ દ્વારા, વ્યક્તિગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવાય ત્યારે, શુભપ્રસંગમાં ભંગાણ જેવી ગંભીર સમસ્યા સર્જાતી હોવાના પણ ઢગલાબંધ ઉદાહરણ સમાજમાં સાંભળવા,જોવા મળે છે.ખાસ કરીને ગ્રામ્યવિસ્તારમાં,વર-વધુના, ઉભયપક્ષે એકબીજા સામે ગવાતાં ફટાણાંમાં (લગ્નગીત ?? ) કોઈ હલકી ભાષા વપરાય ત્યારે આવી ભોઠાપની સ્થિતિ પેદા થઈને,વાત વણસી જાય છે.

ભોંઠપ - ભવાડો ?

ભોંઠપની સ્થિતિને મોટાભાગે તો હાસ્ય દ્વારા અવગણવામાં આવે છે. ખાસ કરીને, આપણે ગુજરાતી, શાણી, સંસ્કારી પ્રજા તરીકે, આમ કરવામાં ખૂબ હોશિયાર છીએ. તેનું એક રમૂજી કારણ પણ છે...!!

આપણી ગુજરાતી થાળીમાં મોટાભાગે તીખી, તળેલી, આથેલી વાનગીઓનું પ્રમાણ સહુથી વધારે હોય છે. વળી થાળીમાં એક પણ ખૂણો બાકી હોય તો થાળીને જાતજાતની ચટણી, અથાણાં,પાપડ, કચૂંબર, રાયતાંથી સજાવવામાં આપણે કસર રાખતા નથી.

આપણી શુદ્ધ ગુજરાતી, આટલી વાનગીઓથી ભરચક થાળીના, જઠર પરના, આગ્રહભર્યા જૂલમને કારણે, શરીરની ખોરાક પચાવવાની શક્તિ જવાબ દઈ દે છે. પરિણામે,ઢમઢોલ પેટ વાયુથી ભરેલા, જીવલેણ બૉમ્બ સમાન થઈને,પેટમાં ભરાયેલો વાયુ, શરીરમાં જ્યાંથી જગ્યા મળે ત્યાંથી, વાયુ-નિર્ગમનના તીવ્ર દબાણ સાથે મુક્તિ પામવાના, સંનિષ્ઠ પ્રયત્ન કરે છે.

આપણા પેટ, જઠર અને આંતરડાંનું દબાણ, સ્થળ-કાળ, સંજોગ, ભીડભાડ, માન, મોભો, નર, નારી , નાનાં, મોટાં કોઈજ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર, વાયુ-નિર્ગમન વખતે, અત્યંત મૂંઝવણભરી સ્થિતિનું નિર્માણ સર્જાય છે.સરવાળે અન્યને માટે હસવાનું બહાનું અને પીડીત માટે ભોંઠપ સાથે, કફોડી મૂંઝવણ અને શરમનું કારણ બની રહે છે.

હા ભાઈસાહેબ, આપણા તનની, વાયુ-નિર્ગમન મુક્તિની, આ અત્યંત રાહત પ્રદાન કરતી પ્રક્રિયાને, ભોપાલની ગંભીર ગેસ દૂર્ઘટના સાથે સરખાવી, આસપાસની દૂષિત થયેલી હવાને કારણે, આઘાપાછા થતા, કેટલાક સૂગાળવા માણસો, `ભવાડા`નું નામ આપે છે...!!

આમ તો,આ વાયુ-નિર્ગમન મુક્તિના, ભવાડાથી બચવા, આવી સ્થિતિમાં ના મૂકાવું પડે, તે માટે લોકો, જઠર ઉપર જૂલમ ઓછો કરવાને બદલે, જાત-જાતનાં ચૂરણ-ગોળીઓનો સહારો લેતા હોય છે. પ.પૂ.બાબા રામદેવજી પણ પોતાની શિબિરમાં, ખાસ, `વાયુ મૂક્તાસન` યોગ-ઉપચાર કરાવે છે.

શ્રીસંજયલીલા ભણસાલીની સુંદર ફિલ્મ `હમ દિલ દેચૂકે સનમ` માં અગાશી પર, ઐશ્વર્યારાયની હાજરીથી અજાણ, સલમાન ખાન ઉર્ફે સમીર,ખમણ-ઢોકળાંના અતિરેકથી ત્રસ્ત હાલતમાં, -`હવા કા ઝોકાં` વાળી કરી નાંખે છે.ત્યારે આદત મૂજબ સમગ્ર પ્રેક્ષકગણ, થિએટર ખડખડાટ હાસ્યથી ગૂંજી ઉઠે છે.

ફિલ્મના ઍડીટર શ્રીઅનિલ પાટિલજીએ મને મુંબઈમાં, `હવા કા ઝોકાં`ના સીન અંગે,એક જાણવા જેવી વાત કરી હતી. આ ફિલ્મમાં શ્રીસંજયલીલા ભણસાલીએ, આ સીન ફિલ્માવ્યા બાદ, મનમાં ભોંઠપ અનુભવી, આ સીનની સફળતા અંગે, શંકા -કુશંકા થવાથી, ઍડીટીંગ સ્ટુડિયોની બહારથી તાત્કાલિક કેટલાક પ્રેક્ષકોને, ઍડીટીંગ સ્ટુડિયોમાં આમંત્રણ આપી, આ સીન બતાવ્યો, સહુ ખડખડાટ હસ્યા,પછી જ તેમનો આત્મવિશ્વાસ પરત આવ્યો,નહિંતર આ સીન ઍડીટ -ટેબલ ઉપર જ કપાઈને રદ્દી થઈ ગયો હોત.

ચાલો જવાદો,આ વાયુ-પુરાણને અહીં જ સમાપ્ત કરી આગળ વધીએ.

કોઈપણ વ્યક્તિ, આ ઉપરાંત અન્ય ઘણી પરિસ્થિતિને કારણે, ભોંઠપ અનુભવી, ભવાડાના સંજોગોમાં મૂકાય છે. દા.તઃ- છાણમાં પગ પડવો,વસ્ત્રોનું સરી જવું, પેન્ટની ઝિપ ખૂલ્લી રહી જવી.લપસી પડવું.અંગત ડાયરી,પ્રેમપત્રો કોઈના હાથ આવી જવા, વિગેરે....આવી સિચ્યુએશન કૉમેડીનો બાખૂબી ઉપયોગ,મહાન નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા શ્રીરાજકપૂરજીની, જૂની બ્લેક એન્ડ વ્હાઈટ,`શ્રી૪૨૦,આવારા` અને નવી રંગીન,`સંગમ, મેરા નામ જોકર`, વિગેરે ફિલ્મોમાં કરવામાં આવ્યો છે.

ભોંઠપ - ભમ્મરીયો કુવો ?

ભોંઠપની સ્થિતિ, ઘણીવાર માનવીના હ્યદય ઉપર એટલી બધી ઘેરી અસર કરે છે.!! કે જેમ ભમ્મરીયા કૂવામાં,પડી ગયેલી વ્યક્તિ,અંતે ગૂંગળાઈને અર્ધબેભાન અવસ્થામાં પહોંચી જાય છે,તેમ આ ભોંઠપને જાહેરમાં થયેલ અપમાન સમજીને,વ્યક્તિ માનસિક, શારીરિક, આર્થિક બરબાદીના આરે આવી જાય છે.

ઘણીવાર ભોંઠપ, ખોટી પરંપરા,માન અપમાન, નિરક્ષરતા, વૃધ્ધાવસ્થા, અજાણી જગ્યા,પ્રદેશ, અજાણ્યા લોકો,ભાષા, અજાણી ચીજવસ્તુનો પ્રથમ વખત ઉપયોગ, વિગેરે કારણે ઉદભવતી નર્વસનેસને કારણે અનુભવાય છે.જે પ્રયત્ન કરવાથી દૂર થઈ શકે છે.

ભોંઠપના,ભમ્મરીયા કુવાને કારણે,ગંભીર બનાવની મને યાદ આવે છે.સામાન્યરીતે રાજપૂત સમાજમાં માન-અપમાનના ખ્યાલ,`મારું કે મરું`,સુધી દ્રઢ થયેલા હોય છે. તેમાંય ખાસ કરીને રાજપૂતાણી નારીઓની મર્યાદાના નિયમો, `અતિરેક ના પ્રમાણ`,સુધી પાળવામાં આવે છે.

વર્ષો અગાઉ આવાજ એક સાંભળેલા બનાવ મુજબ, એક દરબારને ત્યાં કુંવરનો જન્મ થયો, કુંવર છ માસના થયા અને તેઓ શયનકક્ષમાં, બિસ્તરની બાજૂના પારણામાં , બિસ્તર તરફ દ્રષ્ટિ કરીને સુતા હતા, ત્યારે છ માસથી પત્નીથી દૂર રહેલા, દરબારે આવીને રાજપૂતાણીને પોતાની સોડમાં ખેંચતાં જ, અનાયાસે નાના કુંવર,અવળી દિશામાં મોં ફેરવીને પડખું ફરી ગયા. આ જોઈને, રાજપૂતાણીને, નાંના કુંવર પ્રેમાલાપ જોઈ ગયાની,ભોંઠપ ,શરમની લાગણી,થવાથી,દરબારને બહાર મોકલી,રાજપૂતાણીએ જીભ કચરી લઈ મૃત્યુને વહાલું કર્યું.

આ વાત સત્ય હોય કે ન હોય,પણ આપણા સમાજની આત્યંતિક રુઢીચૂસ્તતાને સમજવા માટે,સર્વથા યોગ્ય ઉદાહરણ છે.

જોકે,ફક્ત અંગત જીવનમાં જ નહીં, અનેક વ્યક્તિઓ સાથે, વ્યવસાયિક સ્થળે પણ, આવા બનાવો બનતા હોય છે.
ઘણી નામી કંપનીઓમાં `કી પોસ્ટ` માટેના ઈન્ટરવ્યુમાં, આ પ્રકારની મૂઝવણભરી સ્થિતિમાં,આવનાર કર્મચારી કેવીરીતે વર્તશે ? તે કાર્યકુશળતા, કાર્યક્ષમતા જાણવા, માપવા, ભોંઠપ અનુભવાય તેવી, ખાસ સ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે.જેમકે,ઈન્ટરવ્યુ માટે આવેલા, ઉમેદવારને બેસવા ખુરશી જ ન મૂકી હોય..!!

અન્ય કિસ્સાઓમાં,ભાષણમાં આડું-અવળું ભરડતા નેતા,લાંચ લેતાં પકડાયેલ કર્મચારી, જાહેરમાં આળસુ કર્મચારીની પિટાઈ, બૉસના બૂમબરાડાનો ભોગ બનેલ કર્મચારી, વિગેરે,વિગેરે....!!

એક શાળાના પંદરમી ઑગસ્ટની ઉજવણી અને ધ્વજવંદન કાર્યક્રમમાં, મૂખ્ય મહેમાન તરીકે, એક અંગૂઠા છાપ મંત્રી આવવાના હતા. ગમે તેવા હોય,પરંતુ મંત્રીશ્રીનો આ કાર્યક્રમ વિના વિઘ્ને પાર પડે તે માટે શાળાના આચાર્ય અને ટ્રસ્ટીગણે આગલી રાત્રે બોલાવીને સેવકભાઈ (પટાવાળા) ને તાકિદ કરી, ધ્વજદંડ ઉપર ધ્વજ લગાવી, બધી તૈયારી રાત્રેજ કરી લેવા જણાવ્યું જેથી,સવારે કોઈ ભૂલ કે ઉતાવળ ના થાય..

સેવકભાઈએ આચાર્ય પાસેથી ચાવી મેળવી ,શાળાના વસ્ત્રો મૂકવાના કબાટમાંથી ધ્વજ કાઢી,ગડી વાળેલી સ્થિતિમાં જ દોરી બાંધી,ધ્વજ ફરકાવવા તૈયારી કરી દીધી. સવારે મંત્રીજી તૈયાર ભાષણના કાગળ સાથે આવ્યા.ફૂલ-હારતોરા બાદ ધ્વજ ફરકાવી કાગળમાંથી ભાષણ વાંચવા લાગ્યા.

"શાળાના ટ્રસ્ટીગણ,આચાર્યશ્રી,શિક્ષક ભાઈબહેનો અને વહાલાં બાળકો,આપ સહુ જાણો છો,આજે આપણી અમૂલ્ય આઝાદીનો દિવસ છે.મારા માથા ઉપર જે ફરકે છે,તે માત્ર એક કાપડનો ટૂકડો નથી.આપણું ગૌરવ છે.આપણે તેનું ગૌરવ જાળવવા શહીદ થવાની ભાવના કેળવવાની છે."

એટલામાં કોઈ વિદ્યાર્થીનું ધ્યાન ધ્વજ તરફ જતાં,તેણે બીજાને,બીજાએ ત્રીજાને, એમ કરતાં કરતાં છેવટે આસપાસ ઉભેલાં
શિક્ષક ભાઈબહેનો સુધી વાત પહોંચી,સહું ભોંઠપ અનુભવવા લાગ્યાપણ મંત્રીશ્રીનું ધ્યાન કોણ દોરે..!!

બન્યું હતું એવુંકે, રાત્રે અંધારામાં ઉતાવળે,અડધી ઉંઘમાં,પટાવાળાભાઈએ, વસ્ત્રોના કબાટમાંથી ધ્વજ ને બદલે તેવા જ રંગોમાં,વાર્ષિકોત્સવમાં ગરબા માટે તૈયાર કરેલ,ચણિયો લગાવવાની ગભીર ભૂલ કરી હતી અને અત્યારે ધ્વજની જગ્યાએ ચણિયાચોળીનો ચણિયો ફરકી રહ્યો હતો.

મંત્રીજી અજ્ઞાનપણે હજુપણ,ભાષણ ભરડી રહ્યા હતા," આ કાપડના એક ટૂકડાની આન-બાન-શાન માટે કેટલાય દેશભક્તોએ શહીદી વહોરી છે.પૂજ્ય બાપૂએ તેની રક્ષા કાજે, કેટલીયવાર ઉપવાસનું શસ્ત્ર,અંગ્રેજો સામે ઉગામ્યું હતું. "

હવે હદ થતી લાગી, તેથી શારીરિક શિક્ષણના શિક્ષકશ્રીએ, મંચની પાછળ જઈને,આચાર્યશ્રીનું ધ્યાન દોર્યું,તરત કાર્યક્રમ ઝડપથી આટોપી,મંત્રીશ્રીને ઑફિસમાં ચા-નાસ્તા માટે દોરી જઈ, તેમને જાણ થાય તે પહેલાં, તાત્કાલિક ભૂલ સુધારી લેવાઈ,

પેલા રેઢિયાળ સેવકભાઈને પાણીચું પકડાવ્યુંકે નહીં,તેની મને ખબર નથી.

કેટલીકવાર સંજોગો વિલન બની વ્યક્તિને ભોંઠપની સ્થિતિમાં મૂકી દે છે. દા.ત.ચૂંટણીમાં હારેલા ઉમેદવારનું વર્તન,સરકારી ફરમાનની વ્યર્થતા (હેલ્મેટ -સીટબેલ્ટ ??), વિગેરે,વિગેરે...!!

નિસ્પૃહી ગણાતા સાધુ-સંત પણ ભોંઠપની સ્થિતિમાંથી બાકાત નથી. દા.ત.સંત શ્રીઆસારામ બાપૂ, ( સાબરમતી કિનારે આવેલ, ગેરકાયદેસર બાંધેલો, આશ્રમ તૂટવાની તૈયારી છે..!! )

સંતો ભોંઠપમાં મૂકાવા જેવાં કાર્ય કરે તે માન્યામાં આવતું નથી. બીજાને ત્યાગ,સમર્પણ,ઉદારતા,દેશભક્તિ,સદવિચારની વાતો વ્યાસપીઠ ઉપર બેસીને કેવીરીતે કરી શકતા હશે..!!

સંત જ્ઞાનેશ્વરે,નાના બાળક્ને ગોળ ન ખાવાનો ઉપદેશ આપી,તેને સાર્થકતા બક્ષવા,પોતે ગોળ ખાવાનું બંધ કરી દીધું હતું.
નીચે દર્શાવેલ સુભાષિત વાંચી કોને કેવી શ્રેણીમાં મૂકવા ? તે આપના વિવેક ઉપર છોડું છું.

" बुद्धिमान विवेक से, साधारण मनुष्य अनुभव से,अज्ञानी आवश्यकता से, और पशु स्वभाव से सीखते हैं ।" - सिसरो.
હવે વધારે લખવાની મારી હામ નથી.આ બધા, મનને પીડા આપતા, બનાવોનો ઉલ્લેખ કરીને હું પણ ભોંઠપ અનુભવું છું.

માર્કંડ દવે.તા.૧૫-૧૨-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.