Friday, April 2, 2010

મારું કોણ?

મારું કોણ?

" કહ્યું`તું  ને,  પપ્પા, જરૂર પડે, મને સાદ કરજે..!!
  દોડી આવો,પપ્પા, આ દીકરી ફરી-યાદ કરશે..!!"


==========

પ્રિય મિત્રો,

પપ્પાની આંગળી પકડીને ચાલતી, માત્ર બાવીસ વર્ષની, તાજેતરમાંજ,  પ્રભુતામાં ડગ  માંડેલી, એક વહાલસોયી દીકરીને, તેના પપ્પાની ગેરહાજરીમાં, જીવનના કેટલાક, સ્વતંત્ર નિર્ણય કરવાની પળ આવે છે, ત્યારે તે કેવી મૂંઝવણ અનુભવે છે..!! તેનો તાદ્રશ્ય ચિતાર દર્શાવવાનો એક નમ્ર પ્રયાસ.


==========

પ્રિય પપ્પા,

જોકે, તમને ફોન કરે અને એકજ ફોન સાથે, તમે  અડધી રાત્રે,મારા ઓચિંતા બોલાવ્યા, દોડી આવે, ચોવીસ કલાક થઈ ગયા છે.પણ પપ્પા મને આ ચોવીસ કલાક ચોવીસ ભવ જેવા લાગ્યા અને તે દરમિયાન, મારી મનોદશાની  વાત કરું તો....!!

રાત્રે આશરે ૧૧-૦૦ વાગે, તમારા જમાઈ પાર્થિવ જોબ પરથી આવ્યા.મેં તેમની સાથે થોડીક વાતો કરીને, તે ફ્રેશ થઈને જમવા બેઠા.જમીને અમે હજી વાતોજ કરતા હતા ત્યાં તો પાર્થિવને ખળખળ કરીને, ખૂબ જોરદાર ઊલ્ટી થઈ. તરતજ  તે હિંચકાની બાજૂમાં, ઢળી પડ્યા.પપ્પા હું ગભરાઈ તો ગઈ પણ છતાં માંડમાંડ સ્વસ્થતા જાળવતી, દોડીને પાણીનો ગ્લાસ ભરી લાવી, પરંતુ કદાચ પાર્થિવને પાણીનો ઘૂંટડો ભરવાના પણ હોશ નહતા.

પાર્થિવ, જે રીતે દર્દથી કણસતા હતા તે જોઈને મને, પહેલોજ વિચાર,તેમને લઈને હોસ્પિટલમાં દોડી જવાનો આવ્યો. અને મેં તેમજ કર્યું. કાર કાઢીને તેમને,જેમતેમ કરીને પાછળની સીટ ઉપર સૂવડાવી, નજીકમાંજ આવેલી હોસ્પિટલમાં, ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા, સાથેજ આપણા ફેમીલી ડૉક્ટર શ્રીદેસાઈસાહેબને ફૉન કર્યો.તેઓએ પણ હોસ્પિટલમાં જરૂરી સૂચનાઓ આપીને સારવાર શરૂ કરી.

જોકે, થોડીજ વારમાં કાર્ડિયોગ્રામ અને અન્ય રિપોર્ટ ડાઉટફૂલ આવતાંજ, મને ધ્રાસ્કો પડ્યો. પાર્થિવને હાર્ટ ઍટેક આવ્યો હતો.

પપ્પા, મારી પાસે તમે નહીં અને મમ્મીને પણ ડાયાબીટીસ અને બ્લડપ્રેશર વધી જવાને કારણે, છેલ્લા પંદર દિવસથી, પથારીવશ સ્થિતિ હતી. હવે  હું  કોને  બોલાવું? મારા સાસુ સસરા બહારગામ રહે, તેમની તબિયત પણ નરમગરમ, આવામાં જો પાર્થિવનો કેસ સિરિયસ થઈજાય તો? છતાંય,મેં જોખમ લઈને, મારા સસરાને ફૉન કરીને, બધીજ વિગત જણાવી, તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલ પર પહોંચવા જણાવ્યું.

પપ્પા,મને ખૂબ ડર લાગ્યો, તમે તો બિઝનેસ ટૂર  પર બહારગામ હતા.મને એ પણ જાણ છેકે, તમને રાત્રે ગાડી ડ્રાઈવ કરવાનું નથી ફાવતું. છેવટે તમને હું સવારેજ જાણ કરીશ, તેમ વિચારીને, હું પાર્થિવની સારવારમાં લાગી,  ત્યાંતો પપ્પા, તમારો ફૉન મારા પર આવીજ ગયો."બેટા, પાર્થિવને કેમ છે? તું ચિંતા ના કરીશ ભગવાન છેને..!! હું અહીંથી, અત્યારેજ અમદાવાદ આવવા નીકળું છું." 

પપ્પા, તમારો અવાજ સાંભળીને, મારો કંઠ રુંધાવા લાગ્યો. હું કશું બોલી શકતી નહતી,છતાં રડતાં રડતાં મેં એટલુંજ કહ્યું," પપ્પા, પાર્થિવને હાર્ટ એટેક આવ્યો છે.મને બહુજ બીક લાગે છે.પણ તમે સાચવીને ડ્રાઈવ કરજો." સાચું કહું, તમને કેવી રીતે મારી તકલીફની જાણ થઈ ગઈ? તે ક્ષણે, મને તો તમે અંતર્યામી લાગ્યા.

જોકે, તમે આવીને મને જાણ કરીકે, મારા સસરાએ તરતજ તમને, ફૉન કરીને, બધીજ વિગત જણાવી હતી.તથા તેઓ રાજકોટથી અમદાવાદ આવવા નીકળી ગયા છે,તેમ પણ જણાવ્યું હતું.

પાર્થિવને, ઑપરેશન થિયેટરમાં લઈ જઈ, ડોક્ટરોએ, તરતજ, બ્લડ બ્લૉકેજને,નિવારવા ઍન્જીયોપ્લાસ્ટનું સફળ ઑપરેશન કર્યું અને આઈ.સી.યુ. વૉર્ડમાં,શીફ્ટ કર્યા.

ડૉક્ટરસાહેબને પૂછતાં તેમણે, મને જણાવ્યુંકે, પૅશન્ટને સમયસર હોસ્પિટલમાં લાવીને,મેં ઘણુંજ ડહાપણનું પગલું ભર્યું હતું.એટલામાં મારા સાસુસસરા પણ આવી ગયા.તેઓ વિગત જાણીને રડવા લાગ્યાં,મેં તેઓને જેમતેમ કરીને શાંત રાખ્યા. તેઓને ધરપત થાય તે માટે તેમને ડૉક્ટરસાહેબ પાસે લઈ જઈ, બધાજ પ્રશ્નોના ઉત્તર,વિગતે અપાવ્યા, પણ સ્વાભાવિકપણે તેમના મનનો ઉચાટ શમ્યો નહીં.

આઈ.સી.યુ.માં દર્દી પાસે કોઈને ઊભા રહેવાનું ન હોવાથી અમે બધાં, બહાર વૅઈટીંગ ઍરિયામાં, ઊભા હતા, સવારનો ઊજાસ થવા લાગ્યો હતો,ત્યાંજ તમે અને મમ્મી મારી સામે આવીને ઊભા રહ્યા.

પપ્પા, તમને જોતાંજ, મારા રુદનનો બંધ છૂટી ગયો.તમને વળગીને હું ખૂબ રડી.તમે મને છાતીસરસી લગાવીને, માથે હળવો હાથ ફેરવીને, કહ્યું,"બેટા, રડીશ નહીં.આપણે સ્વપ્નમાંય કોઈનું ખરાબ નથી કર્યું, ભગવાન પાર્થિવને કશુંજ નહીં થવા દે, તું હવે ચિંતા ના કરીશ.જો હું આવી ગયો છું ને?"

તમને જોઈને મારા સાસુસસરા પણ રડવા લાગ્યા, તેમને પણ સાંત્વના બંધાવીને, છાનાં રાખીને,તમે  આખીય પરિસ્થિતિને, હળવી કરી, હવે બધાના મન પર છવાયેલી તાણ અને ચિંતા જાણે અદ્રશ્ય થઈ ગઈ. મને હવે ખૂબ હિંમત આવી ગઈ. તમે પાર્થિવને મળીને,તેમને પણ હવે, તે ભયમૂક્ત હોવાનું જણાવી, હિંમત બંધાવી આવ્યા.માયાળુ સ્ટાફને પાર્થિવની ભલામણ કરી આવ્યા.

પપ્પા, આજે આ બનાવને ચોવીસ કલાક વીતી ગયા છે. પાર્થિવને રજા ન આપે ત્યાં સુધી, અન્નનો દાણો પણ મોંઢામાં ન મૂકવાની ટેક લઈ બેઠેલા,મારા પ્રેમાળ સાસુસસરાને  તમે, `દીકરાની સેવા કરવા,આપણે સાજા રહેવું પડશે`, તેમ સમજાવી, જે ભાવ્યું તે જમાડી આવ્યા.

પપ્પા,હોસ્પિટલમાં હું એકલી હતી, ત્યારે મને વિચાર આવતો હતોકે, હવે પાર્થિવને ટેન્શન થાય તેવી જોબ નહીં કરવા દઉં. પાર્થિવ અને હું બંને  M.B.A. થયેલા છે,તો અમારો પોતાનો નાનો બિઝનેસ શરૂ કરીશું અને અત્યારે તેઓ જોબમાં કરે છે તેના કરતાં અડધીજ મહેનતમાં, બમણું કમાઈશું.

મેં તમને મારા આ વિચારની વાત કરી તો પપ્પા,તમે મને,એક બાપ દીકરીને જે સલાહ આપે, તેજ સલાહ આપી," બેટા, અત્યારે આ બધું વિચારવાનો સમય નથી, અત્યારે તો તું એકજ ધ્યાન રાખકે, હવે પછીના ત્રણેક માસમાં સાવિત્રીની માફક તપશ્ચર્યા કરીને, આ પાર્થિવ સત્યવાન,  ફરીથી સ્વસ્થ થઈ જાય તેવો પ્રયાસ કરું."

પપ્પા, તમને મેં એમ પૂછ્યુંકે," જેના પપ્પા-મમ્મીને, ભગવાન સમય પહેલાં, તેમના પાસે બોલાવી લે, તે દીકરીઓનું શું થતું હશે?"

તમે મને ફરી સરસ જવાબ આપ્યો," બેટા, તેમને માટે તો ભગવાને ખૂદ કોઈપણ સ્વરૂપે હાજર થવું પડે...!!"

પણ, પપ્પા મને તો  ભગવાને મારા માટે મોકલાવેલું, તમારૂં  અને મમ્મીનું, આ સ્વરૂપજ બહુ ગમે, હું તો ભગવાનને હક્કથી કહેવાની છુંકે," મને દર જનમમાં પપ્પા-મમ્મીનું આ સ્વરૂપજ ભેટમાં આપજો."

જોકે,પપ્પા, તમે તો મારી આવી વાત સાંભળીને, ભીની આંખે એટલુંજ કહ્યુંકે,"કૌશંબી,બેટા સાવ ગાંડી જ રહી તું..!!"

મિત્રો, મારા આંતરમનની, સાચા હ્યદયથી કરેલી વાત તમે જો અત્યારે વાંચતા હોય તો, મને કહોને, આ જ  પપ્પા-મમ્મીને દર જનમમાં મેળવવા, મારે ભગવાનને કેવીરીતે ભજવા? 

કારણકે, હું  તો સાવ ગાંડી છું..!!

માર્કંડ દવે.તા.૦૨-૦૪-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.