Friday, June 10, 2011

પ્રિય પપ્પાનો પડછાયો, જાણે કબીરવડનો છાંયો.

 પ્રિય પપ્પાનો પડછાયો, 
જાણે કબીરવડનો છાંયો.


 સૌજન્ય-ગૂગલ

"ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો,
 નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;
 દીસ્યો હાર્યો જોદ્ધો, હરિ તણું હ્રદે ધ્યાન ધરતો,
 સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો."  


 (મહાકવિ શ્રીનર્મદજી)

========

પ્રિય મિત્રો,
 
આપણા ગુજરાતમાં કોઈપણ ગુજરાતી માનવ એવો નહીં હોય જેણે આ કહેવત ન સાંભળી હોય,`વડ તેવા ટેટા, બાપ તેવા બેટા ` વળી વડલાનું નામ પડે ત્યારે  `કબીરવડ`નું  નામ પણ સાંભળ્યું ન હોય તેવો ગુજરાતી જણ ભાગ્યેજ મળી આવશે..!!
 
કબીરવડ વિશે ઉપર દર્શાવેલ અદ્ભુત રચનાના રચયિતા, આપણા ગુજરાતના પ્રસિદ્ધ મહાકવિ શ્રીનર્મદજી છે.ભરૂચ થી આશરે પંદર કિ.મી. દૂર,નર્મદા મૈયાના પવિત્ર તટ પર આવેલા શુક્લતીર્થ (શાકુંતલ તીર્થ)ના સાંનિધ્યમાં,લગભગ પોણાત્રણ એકરમાં ફેલાયેલ આશરે છસ્સો વર્ષ કરતાંય જુના વડનું મહાત્મ્ય એટલા કારણસર અદકેરું મનાય છેકે, સંત કબીરજીએ આ સ્થળે તે સમયે વસવાટ કરીને આ સ્થળને પવિત્રતા બક્ષી હતી,તેથીજ આ વડ પણ `કબીરવડ બેટ`ના નામથી ઓળખાય છે. કબીરવડની અનેકાનેક શાખાઓને કારણે તેની ઘટામાંથી, સૂરજનાં કિરણોને પણ પસાર થવું મુશ્કેલ હોવાથી, તેનો છાંયો શીતળતા સાથે સહુ આશ્રિતોને પરમ શાંતિ અર્પે છે.
 
આજે `FATHER`S DAY`ના પર્વ પર, કબીરવડનો ઉલ્લેખ કરવાનું કારણ એજકે, આજ્ઞાંકિત અને પ્રેમાળ સંતાનોના જીવનમાં, પ્રેમાળ પિતાનું સ્થાન પણ, કબીરવડની માફક અદકેરું અને પવિત્ર છે. એક સાચો પિતા, કાયમ પોતાની લાગણીભરી, શીતળ, ઘટાદાર છાયાથી  સંતાનોના શિરે, સંસારના આધિ, વ્યાધિ, ઉપાધિના તપતા સૂરજના ત્રિવિધ તાપની સામે, ઈશ્વરે તેમને સોંપેલી ફરજ, પોતાના છેલ્લા શ્વાસ સુધી, નિષ્ઠાપૂર્વક બજાવે છે. એ બાબત પણ ચિંતન કરવા યોગ્ય છેકે, એક સંતાન પોતાની માતા સાથે હ્રદયનું જેટલું સાંનિધ્ય અનુભવે છે તેટલી સમીપતા, સંતાનને આજીવન શિસ્તપાલનના પાઠ શીખવતા પિતા સાથે અનુભવતાં લગીર સંકોચ પામતો હોય છે?
 
જોકે, પિતા હંમેશા દૂરથી ભલે ધૂમ્રવર્ણ ઝાંખા પહાડ જેવા ભાસતા હોય પરંતુ સંતાનના હિત ખાતર તે,સંસારનાં તમામ દુઃખના બળબળતા તાપને પોતાના માથે ઓઢી લઈ સંતાનને એક વિશાળકાય,ઘટાદાર વડલાની માફક, આજીવન સુખની શીતળ છાંય બક્ષે છે.આથીજ કહેવાય છેકે, પિતા હંમેશા ઉપરથી નારિયેળ જેવા કઠોર પરંતુ, ભીતરથી મીઠા કોપરા જેવા, પ્રેમાળ હોય છે.
 
પ્રેમાળ પિતા પોતાના સંતાનના સલામતી અને રક્ષણ માટે પ્રેમવશ થઈને, સમય આવે,સાત સમુદ્ર પાર કરવાનું પણ સાહસ પણ કરી જાણે છે.
 
આનું ઉદાહરણ શોધવા માટે દૂર જવાની જરૂર નથી. ભગવાન શ્રીકૃષ્ણના કારાવાસમાં થયેલા પ્રાગટ્ય સમયની ઘટનાને યાદ કરવાથી એક પિતાના અમરપ્રેમનો અદ્ભુત અનુભવ આપ પણ કરી શકો છો..!!
 
નિશીથે તમૌદ્ભૂતે જાયમાને જનાર્દને ।
દેવક્યાં દેવરૂપિણ્યાં વિષ્ણુઃ સર્વગુહાશયઃ।
આવિરાસીદ્ યથા પ્રાચ્યાં દિશીન્દુરિવ પુષ્કલઃ॥

 
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ. સ્કંધ-૧૦-૩-૮
 
અર્થાત્ - મધ્યરાત્રિના સમયે અંધકાર જામ્યો હતો, તે સમયે જેમ પૂર્વ દિશામાં પૂર્ણ ચંદ્ર પ્રકટે તેમ, સર્વ પ્રાણીઓનાં હ્રદયમાં રહેનારા વિષ્ણુ ભગવાન, દેવસ્વરૂપ દેવકીજી વિષે પ્રકટ થયા.
 
જગતપિતા ભગવાન શ્રીકૃષ્ણના પણ પિતા વસુદેવજીએ ભગવાનના પાગટ્યની ક્ષણે પોતાના સંતાન શ્રીકૃષ્ણરૂપે અદ્ભુત બાળકનાં દર્શન કર્યાં. ત્યારબાદ,ભગવાનની પ્રેરણાથી વસુદેવજીએ પુત્ર શ્રીકૃષ્ણને લઈને કારાગારમાંથી બહાર નીકળવાની ઇચ્છા કરી તે સાથેજ, યોગમાયાએ કંસના દ્વારપાલ તથા નગરવાસીઓને ગાઢ નિદ્રામાં સુવાડી દીધા.કારાગાર તથા નગરના તોતિંગ દરવાજાઓ પણ આપોઆપ ખૂલી ગયા.
 
બાલકૃષ્ણને ટોપલામાં સુવડાવી,પોતાના માથા ઉપર એક પ્રેમાળ પિતા વસુદેવજીએ જ્યારે યમુનાજીના નીરમાં સામે તીર જવા પગ મૂક્યો ત્યાંતો બારે મેઘ એકસામટા તૂટી પડ્યા અને યમુનાજીમાં અચાનક ઘોડાપૂર આવ્યું.ચારે બાજુ મોટાં મોજાં ઊછળવા લાગ્યાં, સેંકડો ભયંકર ઘૂમરી ઊઠવા લાગી પરંતુ,પલભરમાં યમુનાજીએ જગતના પરમપિતા બાલસ્વરૂપ કૃષ્ણના, પ્રેમાળ પણ ચિંતિત પિતા શ્રીવસુદેવજીને માર્ગ કરી આપ્યો. ભગવાન શ્રીશેષનાગજીએ પોતાની સહસ્ત્ર ફણાઓથી બાલકૃષ્ણ પર શિરછત્ર ધર્યું અને ભગવાન બાલકૃષ્ણ સહીસલામત,યમુનાજીના સામે તીરે આવેલા વ્રજધામમાં, પાલકમાતા યશોદાજી તથા પિતા નંદબાબાના સાંનિધ્યમાં પહોચી ગયા.
 
મિત્રો,આપણા સંતાનને પણ, આ વ્યર્થ સંસારના દુર્ગુણોના રાક્ષસના આતંકથી ઉગારવા હોય તો, એક સમજદાર પિતા તરીકે આપણે પણ, પતંજલિ યોગમાં દર્શાવેલાં, યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ જેવાં આઠ અંગને સહુ પ્રથમ  આત્મસાત્ કરવાં પડશે.ભગવાન શ્રીકૃષ્ણ જેવા સંતાનના પિતા થવા માટે, ભગવાને ઘડેલા આ આઠે આઠ અંગને શ્રીવસુદેવજી અને માતા દેવકીજીએ આત્મસાત્ કર્યાં જ હશે તે નોંધવાની જરૂર લાગે છે? આમેય સકલ જગતના નિર્વાહનો ભાર જેમના શિરે છે તેવા ભગવાન સ્વયં એક પ્રેમાળ પિતાના ખભે બેસવા, ખોળે રમવા આવે તે માટે પિતાનું ખોળિયું પણ શ્રીવસુદેવજી જેવું પવિત્ર હોવુંજ ઘટે..!!
 
આથીજ, સુપ્રસિદ્ધ જર્મન વ્યંગ ચિત્રકાર વિલ્હેમ બુશ પણ કાંઈક આવોજ મત પ્રદર્શિત કરતાં જણાવે છેકે," પિતા બની જવું સહેલું છે, પરંતુ પિતા સાબિત થવું ખૂબ અઘરું છે."

Father's Day નો ઇતિહાસ અને મહાત્મ્ય.
 
આપ સહુને એ બાબત જાણીને જરૂર આશ્ચર્ય થશેકે, વિશ્વમાં સર્વ પ્રથમ પિતા પ્રત્યે આદરભાવ દર્શાવવા માટે, વર્ષના કોઈ એક દિવસને `ફાધર્સ ડે` તરીકે ઊજવવાનો ખ્યાલ કોઈ દીકરાને નહીં પરંતુ એક પ્રેમાળ દીકરીના દિલમાં ઉદ્ભવ્યો હતો..!!
 
વૉશિંગ્ટનમાં લશ્કરમાંથી નિવૃત્ત થયેલા વિલિયમ સ્માર્ટના વિધુર થયા બાદ,જે રીતે તેઓએ તેમનાં છ નાનાં સંતાનોને પિતા અને માતા બનીને, અત્યંત પ્રેમથી ઉછેર્યા તેની કદરરૂપે, ફક્ત સોળ વર્ષની ઉંમરે માતાની છત્રછાયા ગુમાવનાર, પુત્રી સોનોરા સ્માર્ટ ડૉડ દ્વારા પોતાના પિતા પ્રત્યે પ્રેમાદર અને કદરદાની દર્શાવવા તથા જગતભરના પિતાના સંતાનો માટેના ત્યાગ અને બલિદાનની યાદ કાયમ રાખવા કાજે, સન-૧૯૧૦ ના જૂન માસની ઓગણીસમી તારીખને  `ફાધર્સ ડે` તરીકે ઊજવ્યો.

જોકે,સોનોરા સ્માર્ટ ડૉડની ઇચ્છા, પોતાના પિતા વિલિયમ સ્માર્ટના જન્મ દિન, ૫ જૂનના દિવસને `ફાધર્સ ડૅ` તરીકે ઘોષિત કરવાની હતી,પરંતુ પશ્ચિમી અમેરિકાના `Spokane Ministerial Alliance` દ્વારા,પ્રતિ વર્ષ જૂન માસના ત્રીજા રવિવારને,  `ફાધર્સ ડૅ` તરીકે ઘોષિત કરવામાં આવ્યો. સન- ૧૯૭૨માં અમેરિકન રાષ્ટ્રપતિ નિક્સન દ્વારા `Father's Day` ને રાષ્ટ્રીય પર્વની માન્યતા અર્પવા માટે, પ્રતિ વર્ષ જૂન માસના ત્રીજા રવિવારને,  `ફાધર્સ ડૅ` તરીકે ઊજવવાના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. જોકે, આ પ્રક્રિયા એક ઔપચારિકતા માત્રજ હતી કારણકે, ત્યાં સુધીમાં તો સમગ્ર વિશ્વમાં `ફાધર્સ ડૅ`ની ઉજવણીના વિચારને ખૂબજ ઊલટભેર, સાચા હ્રદયથી આવકારો મળી ચૂક્યો હતો,જે આજે પણ કાયમ છે.
 
કોઈપણ સંતાનના જીવનમાં, પિતાની સેવા,સમર્પણ તથા ત્યાગની કદર કરવા માટે `પિતૃવંદના દિન` ખૂબ મહત્વનો દિવસ છે. કમ સે કમ આ દિવસે તો, પ્રત્યેક સંતાન પોતાના હ્રદયના ઊંડાણથી, પિતા પ્રત્યે પોતાની અસીમ લાગણી અને આદરભાવ વ્યક્ત કરી જ શકે છે..!!
 
વિશ્વના જુદા-જુદા રાષ્ટ્રોમાં, વર્ષના અલગ અલગ દિવસે `પિતૃવંદના દિન` મનાવાય છે. ઑસ્ટ્રેલિયામાં પ્રતિ વર્ષ સપ્ટેમ્બરના પ્રથમ રવિવારે, ઇંગ્લૅન્ડ,અમેરિકા તથા કેનેડામાં પ્રતિ વર્ષ જૂનના ત્રીજા રવિવારે, આ ઉપરાંત ઘણા પ્રાંતમાં કૅથલિક ખ્રિસ્તી સંપ્રદાયમાં,પ્રભુ જીસસના પિતા, જૉસેફના માનમાં તારીખ ઓગણીસ માર્ચના દિવસે,`ફાધર્સ ડે` મનાવવાની પરંપરા છે, એટલુંજ નહીં  પણ તે દિવસે જે સંતાને લાલ ગુલાબ ધારણ કર્યું હોય તેના પિતા જીવિત તથા જેમણે સફેદ ગુલાબ ધારણ કર્યું હોય તેમના પિતા હયાત નથી, તેવી પણ માન્યતા વ્યાપ્ત છે..!!

મિત્રો,ખરેખર તો એક સમજદાર પિતા એકસો શિક્ષકની ગરજ સારે છે. તેથીજ સંતાનના પ્રથમ ગુરુ માતા,બીજા ગુરુ પિતા અને ત્રીજા સ્થાને  ગુરુને (શિક્ષક) દેવતુલ્ય માનીને, ગુરુ કરતાં પહેલાં, પિતાનો આદર-પૂજન કરવાનું શાસ્ત્રકથન છે.`પિતૃ દેવો ભવઃ ॥`
 
જો, એક પ્રેમાળ પિતા સંતાનને, સમાજ ઉપયોગી માનવ બનાવવા અગ્રેસર થાય તો, તેવા એક સમજદાર સફળ પિતાને ગુરુપદે સ્થાપિત કરવામાં કયા સંતાનને વાંધો હોઈ શકે ભલા..!!
 
જે સંતાનોએ બાળપણમાંજ  પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી હોય તેમને પિતાની ગેરહાજરી આખી જિંદગી અખરતી હોય છે..!! આથીજ સંસારના કઠિન કાર્યસાધનાની વિફળતા બાદ, હતાશ, દુઃખી સંતાનના શિર પર, સંતાનની લાંબી આયુ દરમિયાન, સંતાનની મોટી ઉંમર સુધી, પિતાનો વાત્સલ્યભર્યો, સાંત્વના પ્રદાન કરતો, હળવેથી ફરતો હાથ, જે ભાગ્યશાળી સંતાનના  નસીબમાં હોય છે તે સુખ પાસે, સ્વર્ગનું સુખ પણ તૃણતુલ્ય હોય છે.
 
ચાલો આપણે સફળ, સમજદાર અને પ્રસિદ્ધ પિતાને ગુરુપદે સ્થાપીને,તેમના માર્ગદર્શન થકી પોતે પણ સફળતાને વર્યાં હોય તેવા કેટલાક ઉમદા પિતાનાં, ઉમદા સંતાનોનાં ઉદાહરણ ચકાસીએ..!!
 
* ઇન્ડિયન નેશનલ કૉન્ગ્રેસના નેતા તથા બૅરિસ્ટર શ્રીમોતીલાલ નહેરુના સુપુત્ર, સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રીજવાહરલાલ નહેરુ તથા લોખંડી મનોબળ ધરાવતા તેમનાં દીકરી શ્રીમતીઇંદિરા ગાંધી. *સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં પણ શ્રીહરિવંશરાય બચ્ચન તથા શ્રીઅમિતાભ બચ્ચનજી.શ્રી કૈફ઼ી આજ઼મી તથા શ્રીમતીશબાના આજ઼મી. શાયર,લેખક જાવેદ અખ્તર-ફરહાન અખ્તર. * સમર્થ કલાકાર શ્રીપૃથ્વીરાજકપૂર તથા શ્રીરાજકપૂર સહિત તેમના સફળ તમામ સંતાન. * બેનમૂન કલાકાર શ્રીસુનિલદત્ત તથા શ્રીસંજયદત્ત; શ્રીયશ ચોપરાજી તથા આદિત્ય ચોપરાજી; શ્રીરાકેશ રોશન તથા ૠતિક રોશન; .હીમેન શ્રીધર્મેન્દ્ર તથા દેઑલ પરિવાર.* અભિનેતા જિતેન્દ્ર - તુષારકપૂર - એકતાકપૂર * પંડિત શ્રીરવિશંકર-અનુષ્કા શંકર-નોરાહ્ જોન્સ.  * રમતજગતમાં, લાલા અમરનાથ,મોહિન્દર અમરનાથ. મનસૂર અલીખાન પટૌડી- અભિનેતા સેફઅલી ખાન. *  ઉદ્યોગ જગતમાં શ્રી ધીરુભાઈ અંબાની- મુકેશ/અનિલ અંબાની. શ્રીજે.આર.ડી. ટાટા-રતન ટાટા. શ્રીઆદિત્ય બિરલા-કુમારમંગલમ બિરલા * વિદેશમાં, અમેરિકન પ્રેસિડન્ટ જ્યોર્જ બુશ- જ્યોર્જ ડબલ્યુ બુશ. * અમેરિકાના બીજા પ્રેસિડન્ટ જ્હોન ઍડમ્સ તથા તેમના પુત્ર અમેરિકાના છઠ્ઠા પ્રેસિડન્ટ જ્હોન ક્વિન્સી ઍડમ્સ. * પાકિસ્તાનના વડાપ્રધાન ઝૂલ્ફિકાર અલી ભૂટો તથા તેમના સુપુત્રી બેનઝીર ભૂટો.

 
પિતા એટલે કોણ?
 
દિલ્હીની મોગલ સલ્તનતના બાદશાહ બાબરના પિતા પ્રેમની કથા અગાઉ પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં આવતી હતી જેમાં, બાબરના પિતા પ્રેમને કારણે, હુમાયુંની માંદગીના સમયે, બાબરે ખુદાને બંદગી કરી પોતાના પ્રાણના બદલામાં હુમાયુંની જિંદગી માંગી હતી.તેથી હુમાયું સાજો થઈ ગયો પરંતુ બાબર જન્નતનશીન થઈ ગયો.
 
આમ પિતા એટલે, પોતાનાં સુખ-દુઃખ(ક્યારેક પ્રાણ સુદ્ધાં) તથા અન્ય સઘળી જીવન જરૂરિયાતને કોરાણે મૂકીને, સંતાનના જીવનમાં આવનારા શોક-સંતાપને હરનાર,પોતાની ભાવિ પેઢીને અનેક શાખાઓ-પ્રશાખા ના વિકાસ દ્વારા સતત સમૃદ્ધ કરનાર અને છતાંય સમગ્ર કુટુંબને એક નામ, એક છત્ર નીચે પ્રેમબંધનથી સંગઠિત રાખનાર, કુટુંબના અમાપ સમૃદ્ધિ તથા ઐશ્વર્ય વચ્ચે પણ, પોતાના પરિવારની ઓળખ તથા આબરૂના જડમૂળને મજબૂતી બક્ષી ઘરતીસરસા રાખનાર, પરિવારમાં ઓછી વધતી ક્ષમતા ધરાવનાર,અક્ષમ-સક્ષમ સહુ સદસ્યને, એકસરખી સમદૃષ્ટીથી નિહાળી, વહાલનો અવિરત વિંઝણો નાંખનાર એવા પ્રેમાળ પિતાના દર્શન માત્રથી સંતાનના ચિત્તમાં પ્રવેશેલા દુન્યવી મોહ માયાનાં પાપ ભસ્મ થઈ જાય તેમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી..!!
 
એક સફળ માતા બાળકને શરીર અને સંસ્કાર આપે છે,પરંતુ સાચા અર્થમાં સંતાનને, બાળકમાંથી સાચો માણસ બનાવવાનું કપરું કાર્ય માત્ર એક સમજદાર પિતા જ કરી શકે છે. જોકે અહીં માતાની મહત્તા ઓછી આંકવાનો કોઈ પ્રયાસ નથી ઉલ્ટાનું, પ્રારબ્ધવશ નાની વયે, કોઈ સંતાનને કોઈ કારણસર પિતાને ગુમાવવા પડે ત્યારે એક માતા જાતેજ, પિતાની તમામ ફરજ સુપેરે નિભાવી જાણે છે તેવા અસંખ્ય ઉદાહરણ સમાજમાં નોંધાયા છે. પરંતુ એ પણ હકીકત છેકે, સંસારની કેટલીક વિટંબણાનો ઉકેલ એક પિતા જે પ્રકારે ચપટી વગાડતાં લાવી શકે છે તે બાબત,એક સમજદાર પિતાને, પોતાના સંતાનના ગુરુ તરીકે જરૂર સ્થાપિત કરે છે.
 
કુદરતે પુરી પાડેલી બેંક,એટલે પપ્પા.
 
એક પિતા પોતાના સંતાનને દુનિયાભરનાં રમકડાં તથા તેને મનગમતી ચીજ વસ્તુઓ ખરીદી આપવા ઇચ્છતા હોય છે અને તેથીજ દરેક સંતાન બાળપણમાં પિતાને, ફક્ત આર્થિક લેવડ દેવડ કરતી એક સદ્ધર બેંક સમજે છે.પરંતુ અહીં સંતાનોએ, પપ્પા નામની બેંકને સાવ સ્થૂળ અર્થમાં ન લેતાં, વિશાળ અર્થમાં લેવાની જરૂર છે. જે પપ્પા-બેંક આર્થિક રીતે સમૃદ્ધ હોય કે ન હોય,પરંતુ સમજદારી-ડહાપણ-સંસ્કાર-નીતિમત્તા તથા માણસાઈથી અતિ સમૃદ્ધ હોય.
 
એક વ્યવહારૂ સમજદાર પિતાએ પોતાના સંતાનને કહેલાં હિત વચન ભલે દુનિયાએ ન સાંભળ્યાં હોય પરંતુ, તે હિત વચન પરિવારની ભાવી પેઢી સુધી જરૂર પહોંચી જતા હોય છે.
 
ચીનના મહાન તત્વચિંતક કૉન્ફ્યૂશિયસ ના કથન પ્રમાણે," મહાન પિતા એ જ છે કે, જે પોતાના સંતાનને આજીવન સાદાઈ તથા ઉચ્ચ વિચારોના પાઠ શીખવે છે."
 
આપણને પિતા દ્વારા, પરિવારમાં કરાતા શિસ્તપાલનના આગ્રહ બદલ કોઈને, મનમાં ક્યારેક રોષ પેદા થાય ત્યારે તરત જ આપણે પ્રભુને સાચા દિલથી વિનંતી કરવી જોઈએ," હે પિતાના પણ પિતા, જગત પિતા ઈશ્વર, મને એક આદર્શ સંતાન બનવામાં મદદ કર."
 
પિતાના સ્વભાવ પ્રત્યે અણગમો દાખવનાર સંતાનોએ, એક સત્ય સમજવાની જરૂર છેકે, આપણા પિતાનો સ્વભાવ કેવો છે તે મહત્વની બાબત નથી, સંબંધે તે આપણા પિતા છે તે બાબતજ સહુથી વધારે મહત્વની  હોય છે.
 
આથીજ ખરેખર તો, પરિવારરૂપી તનમાં, માતા જો હ્રદય સમાન હોયતો પિતાને, પરિવારની કરોડરજ્જુ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી કારણકે, કરોડરજ્જુ વગર શરીરના કેવા બેહાલ થાય તેતો જેઓએ નાનપણથીજ પિતાનો ટેકો-આધાર ગુમાવ્યો હોય તેવાં સંતાનજ તેની વેદના જાણી શકે..!!
 
આયરિશ નાટ્યકાર,લેખક તથા ચિંતક ઑસ્કર વાઈલ્ડના મત અનુસાર,"Fathers should neither be seen nor heard. That is the only proper basis for family life."
 
જે પ્રકારે, કોઈપણ સ્વાર્થ વગર આપણા શરીરને કરોડરજ્જુ ટેકો આપે છે,તેજ પ્રકારે એક પિતા પોતાનું સંતાન વયસ્ક થયા બાદ પોતાની સાથે કેવી રીતે વર્તશે તે બાબતે ઝાઝો વિચાર કર્યા વગર, સંતાનના ઉત્કર્ષની આશા સાથે,તમામ સંતાનો માટે,  પોતાના દિલના દ્વાર હમેશાં ખુલ્લાં રાખે છે.

પિતા બનવા માટે સંતાનમાં પુત્ર તરીકે જન્મ લેવો પડે છે. તો શું પુત્રીના જન્મથી પિતાને દુઃખ થતું હશે? કદાપી નહીં. એ બાબત પણ સનાતન સત્ય છેકે,સમગ્ર પરિવારમાં પુત્રીને, પોતાના પિતા પ્રત્યે હંમેશા અધિક માયા-મમતા  હોય છે.
 
તેથીજ એકસો પુત્રોની માતા હોવા છતાં,પુત્રી ન હોવાનો અફસોસ કરતાં,મહાભારતના આદિપર્વમાં ગાંધારી કહે છે," મમેયં પરમા તૃષ્ટિ ર્દુહિતા મે ભવેદ્ યદિ ॥"
 
અર્થાત્- જો મારે એક પુત્રી પણ થઇ જાત તો મને ઘણો સંતોષ થાત.
 

પોતાની પુત્રીને લગ્ન બાદ વિદાય વેળાએ પિતા-પુત્રીના વિયોગનું દ્ગશ્ય ભલભલા કઠોર હ્રદયના માનવની આંખમાં પણ આંસુ છલકાવી દે છે. પોતાના સાસરે વિદાય થયા બાદ માતા, પોતાના પિતાની કાળજી અવશ્ય લેશે, તે વાત જાણતી હોવા છતાં એક માત્ર દીકરીજ એવું સંતાન હોય છે જે, અજાણ્યા પરિવારમાં લગ્ન કરીને વિદાય થતી હોવા છતાં,પોતાની ચિંતા કરવાને બદલે,પોતાના પિતાની કાળજી લેવાની ભલામણ, માતાને કરીને ચોધાર આંસુ સારી માતા-પિતાનો ખભો ભીંજવી દે છે.
 
ગુજરાતના પ્રસિદ્ધ પિતા તથા તેમનાં સફળ સંતાનો.
 
* સાવ સામાન્ય કુટુંબમાંથી પ્રગતિ કરી આપણા ગુજરાતી સંગીતને વિશ્વભરમાં ગુંજતું કરનાર ગીતકાર-સ્વરકાર-સંગીતકાર શ્રીઅવિનાશ વ્યાસ-સુપુત્ર શ્રીગૌરાંગ વ્યાસ.
 
* તેજ પ્રમાણે સંગીતના સાવ નાના કાર્યક્રમોથી ફિલ્મીસંગીતકાર અને ત્યારબાદ સંસદ સુધી પહોંચેલા શ્રીમહેશકુમાર તથા તેમનો કનોડિયા પરિવાર.
 
* ગુજરાતી સુગમ સંગીતના બાદશાહ શ્રીપુરૂષોત્તમ ઉપાધ્યાય તથા તેઓની સુપ્રસિદ્ધ ગાયિકા દીકરીઓ વિરાજ અને બીજલ ઉપાધ્યાય.
 
* બિઝનેસમૅન પિતા બંસીભાઇની સુપુત્રી માનાબહેન રાવલ એટલે ગુજરાતની પ્રથમ અને એકમાત્ર મહિલા ગિટારીસ્ટ.
 
* સન-૧૯૪૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક સન્માનિત સુપ્રસિદ્ધ વિદ્વાન લેખકશ્રીગુણવંતરાય આચાર્ય તથા સન- ૨૦૦૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક સન્માનિત તેમનાં દીકરી સુશ્રીવર્ષાબેન અડાલજા,તથા વાર્તાકાર દીકરી ઇલાબહેન આરબ મહેતા.
 
* ગુજરાતી વાર્તાકાર લાભુબહેનનાં સુપુત્રી ડૉ.વર્ષાદાસ પણ લેખિકા છે. તેઓના અમેરિકાના વસવાટ દરમિયાન પિતાને લખેલા પત્રોનું સંકલન પુસ્તકરૂપે પ્રકટ થયેલ છે. ડૉ.વર્ષાદાસનાં સુપુત્રી વળી ઇન્ટરનેશનલ ખ્યાતિ ધરાવતાં કુશળ અભિનેત્રી નંદિતાદાસ છે.
 
* ગુજરાતી વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝાનાં સુપુત્રી સુશ્રીકાજલ ઓઝા વૈદ્ય સુપ્રસિદ્ધ વાર્તાકાર છે.
 
* છ પારિતોષિક મેળવનાર કાવ્યસંગ્રહ ‘સૂર્યો જ સૂર્યો’ના રચનાકાર કવયિત્રી રીનાબહેન મહેતા પ્રખ્યાત સાહિત્યકાર શ્રીભગવતીકુમાર શર્માનાં સુપુત્રી છે.
 
* આ ઉપરાંત,હાલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં`નાં દયાબહેન ઉર્ફે દિશા વાકાણી અને તેમના સફળ નાટ્યકાર અદાકાર પિતા શ્રીભીમ વાકાણી. ( આ લેખકે, શ્રીભીમ વાકાણીને, પોતાની વહાલી દીકરી દિશાને, મુંબઈ નાટ્ય- ટીવીમનોરંજન તથા ફિલ્મ જગતમાં શિખર સ્થાન અપાવવા, બોરીવલી-મુંબઈના રેલવે બુકિંગ ઑફિસના ઓટલા પર બેસીને સ્વપ્ન નિહાળતા માણ્યા છે. આનું નામ પિતા..!!)
 
જોકે, ગુજરાત,ગુજરાતી સાહિત્ય-સંગીત તથા અન્ય કલાજગતના મામલે એટલુંતો સમૃદ્ધ છેકે, તેના રચનાકારો-કલાકારોનો ઉલ્લેખ કરવા તથા તે રચનાઓ-કલાનો આસ્વાદ માણવા અનેક જન્મ પણ ઓછા પડે.

પિતા તરીકેની કેટલીક અનિવાર્ય ફરજ

 
આપ જો હાલમાં કુંવારા,લગ્ન ઇચ્છુક અથવા તાજેતરમાં પપ્પા બનવાના હોય તો આપે પિતા તરીકેની કેટલીક અનિવાર્ય ફરજ જાણી લેવી અત્યંત જરૂરી છે.
 
અહીં ઉપર દર્શાવેલ `અનિવાર્ય ફરજ` શબ્દ કોઈ તાજા-તાજા બનેલા પપ્પાને ભયભીત કરવા નથી લખ્યો, પરંતુ કોઈપણ વ્યક્તિ પિતા નું મહાપદ પામે તે સાથેજ, નૈતિકતાના આધારે, તેના ખભા પર કેટલીક જવાબદારીઓ આપોઆપ લદાઈ જાય છે અને હા, તેમાં મરજીયાતપણું નથી હોતું. આ તમામ જવાબદારી નિભાવવી ફરજિયાત હોય છે.
 
લગભગ દરેક ધર્મમાં લગ્નવિધિ સમયે, પંચ પરમેશ્વર સમાન ઉપસ્થિત મહેમાનો તથા ઈશ્વરની સાક્ષીએ, સાંસારિક ફરજ પાલનની કેટલીક પ્રતિજ્ઞા લેવડાવાય છે, જેમાં પતિ અને પિતા તરીકેની ફરજનો ઉલ્લેખ સ્પષ્ટપણે  કરવામાં આવે છે.
 
પિતા બન્યા બાદ પુરુષે, એક પતિ ઉપરાંત સંતાનોના પિતા તરીકે પણ કિરદાર નિભાવવાનું હોય છે. એક પુરુષ માટે આ સમય ` એક સાથે બે ઘોડા પર સવારી` કરવા જેવો, ઘણોજ કપરો કાળ હોય છે.
 
પિતાની સંતાન પરત્વે ફરજ બે પ્રકારની હોય છે.
 
૧. સ્થૂળ દુન્યવી અથવા શારીરિક રૂપે તથા,
 
૨. આધ્યાત્મિક અથવા સૂક્ષ્મ ભાવસ્વરૂપે.
 
* સંતાનને, આપણા અસ્તિત્વ માટે તથા તેને ટકાવી રાખવા હવા-પાણી અને ભોજનનો નિરંતર પ્રબંધ કરવા બદલ ઈશ્વર,કુદરત અથવા કોઈપણ પરમ તત્વનો કાયમ આભાર માની તેનો કરકસરભર્યો સદુપયોગ કરતાં શીખવવું.
 
* આપના નોકરી-ધંધા તથા અન્ય પ્રવૃત્તિમાંથી સંતાન માટે પૂરતો સમય ફાળવી,તેમની જરૂરિયાત પૂર્ણ કરી આપી, તેમને સમાજ ઉપયોગી માનવ બનાવવા પ્રયત્ન કરવા.
 
* સંતાનના સ્વાસ્થ્ય પરત્વે પૂરતું ધ્યાન આપવું.
 
* સંતાનને યોગ્ય શિક્ષણ સુવિધા પુરી પાડવા સાથે વેકેશન દરમિયાન પુસ્તકમેળા, મનોરંજન તથા ફરવાલાયક સ્થળોએ લઈ જઈ શારીરિક,માનસિક રીતે તાજા માજા રાખી,તેમનો આત્મવિશ્વાસ કેળવવો.
 
* સંતાનના ગમા-અણગમા,શોખને ઓળખી, જીવનમાં તેના રસના વિષયમાં અગ્રેસર થવામાં તેમની સહાયતા કરવી.
 
* સમય-સમય પર યોગ્ય ચિંતનાત્મક વાંચન કરવાની ભલામણ કરીને,સંતાનને તેના આત્મસન્માન નિર્માણ કાજે માર્ગદર્શન આપવું.
 
* સંતાનને પોતાના ઉજ્જ્વળ ભવિષ્ય માટે વાસ્તવિક સ્વપ્નશીલતા અને અવાસ્તવિક સ્વપ્નશીલતા વચ્ચેનો તફાવત  શીખવવો.
 
* સંતાન દ્વારા ખરેખર કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરાતાં જ, તેની માફકસરની યોગ્ય પ્રશંસા કરીને તેને પ્રોત્સાહિત કરી આગળ વધવા માટે પ્રેરિત કરવા.
 
* પરિવારના તમામ સભ્યોને પરસ્પર, `Let Go`ની ભાવના કેળવી એકમેકનું  સન્માન કરવાનું શિક્ષણ આપવું.
 
* સંતાનની અપ્રિય માગણી કે પરિસ્થિતિને સમજદારી સાથે ઉકેલવી. કાયમ નકારાત્મકતાને બદલે હકારાત્મક વલણ અપનાવી સંતાનને સાચી પરિસ્થિતિ સમજાવવી.
 
* પોતાના લક્ષ્યને પામવા સાચા રસ્તા અપનાવવાનાં શુભ પરિણામ અને ખોટા રસ્તા અપનાવવાથી થતા નુકશાનની પાક્કી સમજ ખૂબ ગંભીરતાપૂર્વક આપવી.
 
* પિતા તરીકે આપણા જીવનમાં કરવા પડતા સાચા-ખોટા નિર્ણય અથવા કાર્યનાં સારાં-નરસાં સઘળા પરિણામ, છેવટે તો સંતાનને જ ભોગવવા પડતાં હોય છે, તેથી પિતા તરીકે એવા કોઈ કાર્ય ન કરવા જોઈએ, જેનાથી પરિવારમાં ભાવિ પેઢીને, ભરપાઈ ન થઈ શકે તેવું, કાયમી નુકશાન થઈ જાય.
 
* એક પિતા તરફથી, સંતાનને પ્રેમ, સલામતી, રક્ષણ તથા ભરોસાનો સતત અનુભવ થાય તેમ વર્તવું.
 
* પિતાના સહારા વગર સંતાન જ્યારે ઘરથી દૂર એકલાં જતા-આવતા થાય ત્યારે તેમને સારી-નરસી સોબતની જીવનમાં થતી લાંબા ગાળાની અસર બાબત સંતાનને અવગત કરવા.
 
* પરિવારના સુખ-દુઃખના પ્રસંગે, સર્વે સભ્યને સાથે રાખીને, સહુની તન-મન-ધનથી મદદ કરવા જેવા સારા સંસ્કારનું સિંચન કરવું.
 
* સંતાનોની હાજરી કે ગેરહાજરીમાં, પિતાએ ઘરનાં અન્ય સદસ્ય સાથે પ્રેમભર્યો વ્યવહાર કરવો જોઈએ, પત્ની સહિત કોઈપણની સાથેના મતભેદને, મનભેદ અને બાદમાં સંબંધ વિચ્છેદ સુધી લંબાવી, સંતાનને રઝળતાં કરવા જેવા પાપકર્મથી હંમેશા સાવચેત રહેવું જોઈએ.
 
* સંતાનને શિસ્તપાલન, ધીરજપૂર્વક સમજાવટ દ્વારા, કરાવો નહીંકે ક્રોધ દાખવીને..!!
 
* અને છેલ્લે, સંતાનને સમજાવોકે, પરિવાર એટલે માતા-પિતા, ભાઈ-બહેન કે અન્ય સગાવહાલાઓ જ નહીં પરંતુ, સમગ્ર સમાજ તથા દેશ અને દેશવાસીઓ પણ પરિવારનો હિસ્સો છે તથા તે સહુનો ઉત્કર્ષ તે અંતે તો સ્વયંનો ઉત્કર્ષ છે.
 
પ્યારા પપ્પા મિત્રો, આ તમામ ફરજનું પાલન ફરજિયાત છે, યાદ રાખજો, જ્યારે કોઈ પિતા પોતાની ફરજને મરજિયાત સમજીને, પોતાની ફરજ પાલનમાં ઊણો ઊતરે છે ત્યારે તેમના પરિવારમાં તમામ સદસ્યને અનેક માઠાં પરિણામ ભોગવવાં પડે છે.
 
આપણા દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય શ્રીગાંધીબાપૂના યુવાનીના દિવસોમાં, તેઓએ પતિ તથા પિતા તરીકે કરેલી ફરજચૂકની નિખાલસ કબૂલાત તો આપને જરૂર યાદ હશેજ..!! પરંતુ તેઓ સત્યના પ્રયોગ અપનાવીને,સતત પોતાની ભૂલ-સુધારણા દ્વારા, છેવટે આપણા દેશના રાષ્ટ્રપિતાના પદ સુધી પહોંચ્યા.!!
 
દરેક સંતાનને મન તેમના પિતા એક સુપરમેન-શક્તિમાન જેવા સામર્થ્યવાન હોય છે, તેવા સંજોગોમાં આપણા સંતાન પાસે પિતાની આ છબીને કાયમ રાખવા, આપણે પણ `જાગ્યા ત્યાંથી સવાર` ગણીને ભૂલો સુધારી, ભલે રાષ્ટ્રપિતા પદને ન પામીએ, પરંતુ આપણા પરિવારના સંતાનોના સાચા પિતા અવશ્ય બની શકીએ છે. 
 
મિત્રો, મારા હાથમાં અત્યારે એક `નવજાત પિતા`ની અંગત ડાયરી હાથ લાગી છે.ચાલો, તે પતિદેવ, `નવજાત પપ્પા` બન્યા બાદ કેવો `પપ્પુ` બની ગયો તે આપને હું વાંચી સંભળાવું..!!
નવજાત સંતાનના,નવજાત પિતાની ડાયરી..!!

" શ્વાસોશ્વાસે  આનંદ રિમઝિમ  ઝરતો..!!
  ટહુકો થૈને નાનકો ખિલખિલ કરતો..!!"

 
=========

પ્રિય મિત્રો,

કોઈપણ માનવીના જીવનમાં સહુથી,  વધારે આનંદદાયક  ક્ષણ, તેના ઘરમાં, નાના બાળકનો જન્મ થાય તે, ક્ષણ હોય છે. સમાજમાં કોઈને ના ગાંઠતા,  મોટા- મોટા  મુછાળા મર્દની, મૂછ ખેંચવાનું, સાહસિક પરાક્રમ, આ   નાનું સરખું બાળક કરી શકે છે.
 
આજથી બરાબર સાત દિવસ અગાઉ, મારે ત્યાં આવોજ, આનંદ નો રૂડો પ્રસંગ આવ્યો છે. હું  એક સુંદર દીકરાનો પિતા બન્યો છું.
 
હોસ્પિટલમાં જ, સહુને કોઈ નામ ન સૂઝતાં, જેનું  નામ  સહુએ   સર્વાનુમતે, અનાયાસે `નાનકો` રાખેલું તે, સાત દિવસની વયનો ` નાનકો`,  આજે   હોસ્પિટલમાંથી, ઘેર  પધાર્યો છે.
 
જોકે, હોસ્પિટલથી  આવતાંવેંત, નાનકાને જોવા, ઘરના સદસ્યનું,  ટોળું વળેલું,  તેથી હું  તેને ધ્યાનથી જોઈ ન શક્યો પરંતુ, થોડીવાર પછી મારી પત્નીએ, નાનકાને મારા ખોળામાં મૂકતાં હરખભેર કહ્યું,
 
" લો, આ તમારો કાળજાનો કટકો..!! આજથી હવે તમારી એકહથ્થુ સત્તાના દિવસો પુરા થયા..!!"
 
આ સાંભળીને, મેં `નાનકા` સામે નજર કરી તો, કોણ જાણે કેમ, મારી સામે જોઈ તે, મારી મૂછ   શોધતો   હોય  તેમ   લાગ્યું...!!
 
છેવટે, મૂછ શોધવામાં નિષ્ફળ જતાં વેંત, જાણે મારી સામે ઉપહાસભર્યા ચાળા કરતો હોય તેમ, મોઢું બગાડીને, તેણે  જોરદાર  ટહુકો  તાણ્યો..!! મારા ખોળામાં, `નાનકા`ને સલામત સમજીને, બીજા ઓરડામાં ગયેલી તેની મમ્મી (પત્ની) તરત દોડી આવી. જાણે તે સમજતો હોય તેમ આવતાંવેંત, મારી પત્નીએ તેને સવાલ કર્યો, " શું થ....યું..ઉ..ઉ..!! મારા નાનકાને..એ..એ..એ..!!"
 
છતાંય, નાનકાનો ભેંકડો બંધ ના થતાં, છેવટે મારી સામે શંકાશીલ નજરે, તેણે મને પૂછ્યું, " શું કર્યું, તમે એને?"
 
જ્યારથી, પરણીને આવી ત્યારથી, આજદિન સુધી,  હું,  `રાત કહું તો રાત અને દિવસ કહું  તો દિવસ` કહેતી, મારી પત્નીનો આવો, હિંમતભર્યો, વિચિત્ર, અનપેક્ષિત સવાલ સાંભળીને, ક્ષણભર તો હું ડઘાઈ ગયો અને પછી જવાબ આપવામાં, થોથવાઈ જતાં, છેવટે હું  ડરી  ગયો.

જોકે, તે તો મારા જવાબની અપેક્ષા રાખ્યા વગર ચાલતી થઈ, પણ પણ આજે કોણ જાણે કેમ? મને એમ ભાસે છેકે, આજથી મારા    ઘરમાં મારી દશા , `ધોબીનો કૂતરો, ના ઘરનો, ના ઘાટનો` જેવી કરવાની પુરેપુરી તૈયારી સાથે નાનકાભાઈ પધાર્યા લાગે છે..!!

અત્યાર સુધી, બધાંની ઉપર બૂમબરાડાને, ઘાંટાઘાંટ કરીને આખાય ઘરને, ઉભા પગે રાખતો આ મરદ મુછાળો નરબંકો એટલે કે હું, આ બનાવ બાદ, ડરનો માર્યો, કોઈને ના કહેવાય, ના સહેવાય તેવું, દર્દ ભોગવતો થઈ ગયો..!!

એક જ દાખલો આપું, પહેલાં તો, દરરોજ બપોરે લંચ ટાઈમે, મારી  થાળીમાં, ગરમાગરમ રોટલી, દાળભાત, શાક, પાપડ કચુંબર, અથાણાઓનો, રસઝરતો સ્વાદ પીરસાતો, તેના સ્થાને હવે, સવાર સાંજ `હલવો`  (  સવારનું વધેલું સાંજે, સાંજનું  વધેલું સવારે `ચલવો` = `હલવો` )  જમવાની ફરજ પડવા માંડી છે. તારક મહેતાના જેઠાલાલ ગડા ની માફક, રોજની માફક, શર્ટ પર રેલા ઉતરે તે રીતે, નિરાંતે કેરીના રસના મોટાં છાલિયાં પીને, ભરપેટ જમીને , પેટ પર હાથ ફેરવતાં-ફેરવતાં,  આખું ફળિયું સાંભળે તેવો, ઓડકાર ખાવાનું  સુખ  પણ, આ નાનકાને કારણે છીનવાઈ ગયું છે. મારા મોટ્ટા-નાના ઓડકાર જાણે,  હંમેશને  માટે, ક્યાંક ભીતર જ વિલાઈ  ગયા છે.

જોકે, આજે જ એકવાર ભૂલથી, આવું  સુખ  ભોગવાઈ ગયું  તો, બહાર ચોકડીમાં  વાસણ માંજતી,  કામવાળીએ  મને દબડાવી નાંખ્યો, "સાહેબ, જરા ધીમેથી..!!  નાનકો બી જશે..!!" ચિબાવલી કામવાળી પર, મને ખૂબ ગુસ્સો આવ્યો  પણ,  `કાબે અર્જુન લૂટયો,  વહી ધનુષ્ય વહી બાણ`, ને યાદ કરી, મારા આ ઘોર અપમાનને, હું સુવાંગ ગળી ગયો.!!

ત્યાર પછી તો, અત્યાર સુધી ઘરમાં, અલમસ્ત, વકરી ગયેલા, ઘોઘર બિલાડાની માફક, મન ફાવે તેમ,  ફરતો   એક `નવજાત પપ્પા`,  એટલેકે  હું, આજ સવારથી, આખાય  ઘરમાં,  સાવ `મિયાઁની મીંદડી` જેવો થઈને, બીતાં-બીતાં, દબાતા પગલે ફરવા લાગ્યો છું..!!   દુઃખ તો એ વાતનું છેકે, મારી આ પીડાને સાંભળનાર , ઘરમાં કોઈ જ નથી. બધાંનું  ધ્યાન,  મારા તરફથી હટી જઈને, પેલા નાનકા તરફ વળી ગયું છે.

મિત્રો,
 
આજે ડાયરી લખતાં યાદ આવ્યું નાનકાને સ્વગૃહે પધારે, આમને આમ અઢી માસ વીતી ગયા છે અને અત્યાર સુધીમાં મારી હાલત તો સાવ દયાજનક થઈ ગઈ છે.

નાનકો, મોટો થઈને તેના આ મરદમુછાળા પપ્પાથી ડરે કે ના ડરે, અત્યારે તો હું   તેનાથી ડરતો થઈ ગયો છું?

હા ભાઈ, તેનું પણ કારણ આ રહ્યું..!! હમણાં એક દિવસ,  મને ભારે શરદી થઈ, એટલું  નહીં..!!  ભૂલથી, આખું ફળિયું ગાજે તેવી છીંક ખાતાંજ,  છીંકના મોટા અવાજથી, નાનકો બી ગયો અને એટલા જોરથી  રડવા લાગ્યો કે, તે હીબકે ચડી ગયો.

બસ...!! થઈ રહ્યું..!! ઘરનાં, સાવ નાનાંથી લઈને મોટાં, મારી સામે ડોળા ચકળવકળ કરતાં, નાનકાંને છાનો રાખવામાં પડ્યાં. 

જોકે, મારી પતિગીરીનો, એક સામટો બદલો લેતી હોય તેમ, નાનકાની મમ્મી (પત્ની) એ, ઘરના  વરંડાનો,  મુખ્ય ઝાંપો ચીંધીને,  મને કહ્યું, " હવેથી તમારે છીંક ખાવી હોય તો, ઘરની બહાર ઓટલા પર જઈને  ખાવી..!!"

અ..રે..રે..!! એક વખત, જે  મર્દ  માણસનું, નોકરી-ધંધેથી ઘેર પાછો આવતાં જ, ફ્રિજના ઠંડા પાણી, ગરમાગરમ ચ્હા, નાસ્તાથી, સ્વાગત થતું હતું, તે માણસને, છીંક જેવી, સાવ નગણ્ય, નક્કામી  પ્રવૃત્તિ કરવા માટે, ઘરનો મોટો ઝાંપો ચીંધવામાં આવ્યો?  છીંક કાંઈ મારી સગલી થાય છે, તે મને પૂછીને આવે?
 
અરે..!!  છીંક ખાવા, મિનિટે-મિનિટે, ઝાંપે દોડી જઈએ, તે સારા લાગતા હોઈશું?"
 
આજે તો, મને ઘણું જ માઠું લાગ્યું. મને મનમાં થયું," ચાલ જીવ હવે..!! શરદી ના મટે ત્યાં સુધી દસ-પંદર દિવસ કોઈ મંદિરની ધરમશાળામાં રહેવા જતા રહીએ, કારણકે, હું શ્વાસ લઈશ તો છીંક તો આવવાનીજ, તો શું છીંકને રોકવા,મારે શ્વાસ  પણ ન  લેવા?"

આમ, વિચારતાં- વિચારતાં, શરદીની સિરપ - (દવા) ના ઘેનને કારણે,  મારી આંખ મળી ગઈ, તે સાથેજ હું સ્વપ્નમાં સરી ગયો.

સ્વપ્નમાં મેં જોયુંકે, સન - ૧૯૭૭ની, હિન્દી ફિલ્મ `યહી હૈ જિંદગી` માં, સંજીવકુમારને મળવા સાક્ષાત્, કૃષ્ણ ભગવાન આવ્યા હતા તેમ, મને મળવા,  મંદ -મંદ મલકાતો, નાનકડો  કનૈયો, મારી સામે, સાક્ષાત્ પ્રગટ થયો હતો.

પણ અરે..!! આ  શું..!! તેનો ચહેરો-મહોરો તદ્દન, મારા નાનકા જેવો હતો...!!

હજી,  હું   કાંઈ બોલું  ત્યાં  તો, કનૈયો  બોલ્યો, " બસ..!! મારાથી આટલી જલદી કંટાળી ગયો? તું તો જાણે, રડ્યા વગર મોટો થયો હોઈશ નહીં?  મારાથી ડરવાની ક્યાં જરૂર છે?   તું  મારાથી દૂર  જઈશ તો, મને જરાય ગમશે નહી. હું  સાક્ષાત્ ઈશ્વર, સદેહે તારા ઘેર આવ્યો છું અને તું મારાથી કંટાળીને પલાયન કરવા ઇચ્છે છે?"

અચાનક, હું  ભાવુક થઈ ગયો. મારી આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. નાનકડા કાનુડાએ,  તેની કોમળ આંગળીઓ ફેરવીને, મારા ગાલ પરથી સરતાં, મારાં આંસુ, હળવેકથી, લૂછ્યાં.

જોકે, ત્યાંજ  મારી આંખ ખૂલી ગઈ, જોયું તો નાનકાની મમ્મી, મારી સામે નાનકાને  લઈને  ઊભી  હતી.

તે   જોઈને,   હું સફાળો બેઠો થઈ ગયો, તેણે  નાનકાને, મારા ખોળામાં  સુવડાવ્યો,  નાનકો  મારી  સામે  જોઈને, સ્વપ્નમાં મલકાતો હતો  તેવું  જ,  મીઠુંમધ   મલક્યો.

નાનકાની મમ્મી  તો , આ દ્ગશ્ય જોઈને, સાવ સડક થઈ ગઈ અને બોલી," લુચ્ચા..!!  આખો દિવસ-રાત તને રાખીએ અમે  અને હસવાનું  તારા પપ્પાની સામું?"  નાનકો પ્રથમવાર મલક્યો,  તે જોવા, બધાંને બોલાવવા, તેણે જોરથી બૂમ પાડી, તે જોઈ,  મેં તેને કહ્યું," ધીમે , જરા ધીમે..બોલ..!! નાનકો બી જશે..!!"

નાનકો મારા સામે હસ્યો તે જોઈ મને થયું, હવે, શરદી મૈયા જખ મારે છે..!!

મને લાગે છે, જે દિવસે, મમ્મી-પપ્પા તથા દાદા-દાદી, પ્રભુના સાક્ષાત્ અવતાર સમાન પોતાના  નાનકાઓથી કંટાળીને,  તેમનાથી દૂર ભાગતા ફરશે, તે દિવસે ધરતી સાવ રસાતાળ  જશે..!!

આપ સહુનું ઘર પણ, નાનાં- નાનાં નાનકાઓથી, સદાય ગુંજતું રહે, તેવી  ઈશ્વર ઉર્ફે નાનકાને પ્રાર્થના..!!

લિખિતંગ,
એક આનંદિત નવજાત પપ્પા..!!
=============

પ્રિય પપ્પાઓ, આપને યાદ હશે, બે-ત્રણ દસક પહેલાં, કોઈ પિતા, શિક્ષક અથવા બીજા કોઈપણ વડીલ દ્વારા  `સોટી વાગે ચમચમ,વિદ્યા આવે ઘમઘમ` નું સૂત્ર અપનાવી, અણસમઝમાં અવળે રસ્તે વળી ગયેલા સંતાનની સાન ઠેકાણે લાવવાના સંનિષ્ઠ પ્રયત્ન અમલમાં મૂકાતા હતા.

જોકે, આજકાલ તો સંતાનને શારીરિક શિક્ષા કરવા બદલ,કાયદા દ્વારા પિતાને પણ દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે,પરંતુ એ વાત સાવ સાચી છેકે, આપણા પિતા વળી તેમના પિતાથી ડરતા અને આપણે પણ ખાતરીથી નથી કહી શકતાકે આપણા સંતાન આપણાથી(પિતાથી) બિલકુલ નહીં ગભરાય..!!
 
આમતો એક પિતા દ્વારા શિસ્તપાલનના આવા આગ્રહને સમજ્યા વગર અકારણ વખોડવો તે શું યોગ્ય બાબત છે? શિસ્તપાલન કરાવવા પાછળ દરેક પિતાનો અંતિમ ઉદ્દેશ્ય તો પોતાના સંતાનને ગેરમાર્ગે જતા અટકાવવાનો જ હોઈ શકેને?
 
હા, સંતાનને સુધારવા માટે, માતાપિતા દ્વારા શારીરિક શિક્ષા કરવા જેવા અંતિમ પગલાંનું, કોઈપણ સમજદાર વ્યક્તિ સમર્થન ન જ કરે.
 
છતાંપણ, અહીં નોંધ લેવા જેવી વાત એ છેકે, એક પ્રેમાળ પિતા સંતાનને, મોટા ભાગે એટલા માટે ઉચ્ચશિક્ષણ અપાવવા ચાહે છેકે, ક્યાંતો તે પિતાએ પોતે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય છે અથવા સંજોગવશાત જીવનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાથી,પોતે વંચિત રહી ગયા હોય છે..!!
 
આજકાલ મોટાભાગનાં સંતાન મનોમન પોતાના પિતાની બુદ્ધિમત્તા (I.Q.) પર શંકા-કુશંકા કરતા જોવા મળે છે. ઘણીવાર તો અકળાઈને પિતાને સંભળાવી દે છેકે," તમને મારી વાત ક્યારેય નહીં સમજાય,વચ્ચે ન બોલશો..!!"
 
આવાં સંતાનોએ યાદ રાખવું જોઈએકે, આજે નહીં તો કાલે તેઓ પણ, કોઈ સંતાનના માતા-પિતા બનનાર છે. અઢારમી સદીમાં થઈ ગયેલા પ્રખ્યાત અંગ્રેજ કવિ ઍલેક્ઝાન્ડર પોપના મત મુજબ," આપણે માનીએ છેકે આપણા પિતા સાવ મૂર્ખ છે,તેથી આપણે ડાહ્યા સંતાન તરીકે ઊછરવાનો પ્રયાસ કરીએ છે. પરંતુ આપણાં કરતાં વધારે ડાહ્યાં આપણાં સંતાન પણ, આપણા વિશે,  નિઃશંક આવોજ મત ધરાવતાં હોય છે."

જગવિખ્યાત કહેવત; જગવિખ્યાત કથન.

 
"આપ આપના સંતાનને જે કાંઈ શીખવશો તે તેના સંતાનને તેવુંજ શીખવશે." યહૂદી કહેવત.
 
" જ્યારે પ્રેમાળ પિતા સંતાનની કોઈ ઇચ્છા સંતોષે છે ત્યારે તે બંને આનંદથી હસે છે,પરંતુ જ્યારે કોઈ પ્રેમાળ સંતાન,પોતાના પિતાની કોઈ ઇચ્છા સંતોષે છે ત્યારે બંને આનંદથી રડે છે. "
પ્રસિદ્ધ અંગ્રેજ કવિ-નાટ્યકાર વિલિયમ શેક્સપિયર.
 
" સિંહ જેવા પિતાના પુત્ર હંમેશા સિંહ જેવા હોય છે."-ચાઈનિઝ કહેવત.
 
"દરેક પિતા પોતાના સંતાનને ખોળામાં નહીં, દિલમાં ઊછરતા જોવા ઇચ્છતો હોય છે."  - ફ્રેંચ કહેવત.
 
"સંતાનને સુખી જોવા ઇચ્છતા હોવ તો,તેને કોઈ હુન્નર આપો,નહીંકે એકહજાર સોનાની લગડીઓ..!!" ચાઈનીઝ કહેવત.
 
"સમાજે દીકરીઓને, દીકરા જેવા કાર્ય શીખવવાનું શરુ કર્યું છે, પરંતુ દીકરાઓને, દીકરીઓનાં કાર્ય શીખવવાનું હજી બાકી છે."
અમેરિકન પત્રકાર ગ્લૉરીયા મારી સ્ટેનીમ.
 
" શાંતિ અને યુદ્ધમાં, કોઈ મૂર્ખ હોય તેજ યુદ્ધ પસંદ કરશે. શાંતિમાં દીકરાઓ પિતાની અંતિમ ક્રિયા કરે છે અને યુદ્ધમાં પિતા દીકરાઓની..!!" - પર્શિયન સમ્રાટ સિરહોસિસ. (તા.ક. આ કથન પરિવારની શાંતિ પર પણ લાગુ પડે છે?)
 
" કોઈ પિતા,પુત્રની કામના કરે ત્યારે માનવુંકે તે પોતાનું અસ્તિત્વ લુપ્ત થયા બાદ,પોતાના જેવીજ પ્રતિકૃતિ ઘરતી પર છોડવા ઇચ્છે છે." અમેરિકન વ્યંગકાર-પત્રકાર હેલેન રૉલેન્ડ.
 
" એક પુત્ર પાંચ વર્ષની આયુ સુધી પિતાનો માલિક, દસ વર્ષની આયુ સુધી સેવક, પંદર વર્ષની આયુ સુધી સહયોગી ત્યારબાદ, પિતાએ આપેલી તાલીમ પર આધાર રાખે છે, તે દોસ્ત બનશે કે દુશ્મન?" - ભારતીય કહેવત.
 
" આપનાં સંતાન આપનાં નથી, તેતો માત્ર છે,જીવન પ્રવાહ આગળ ધપાવવાની પ્રબળ ઝંખના..!!" લેબેનોનના અમેરિકી લેખક-કવિ-કલાકાર- ખલિલ જિબ્રાન.
 
" આપના સંતાનને અપાર સંપત્તિને બદલે અપાર જ્ઞાનથી સમૃદ્ધ કરો. અજ્ઞાનતાની સંપત્તિ કરતાં જ્ઞાનની સંપત્તિ વધુ ઉપયોગી છે."
-જન્મે ગુલામ, ગ્રિક ચિંતક ઍપિક્ટેટસ.
 
યાદ રહે, એક પિતા તથા સંતાનનો સંબંધ માત્ર હાડ-ચામ-લોહીને કારણે નથી બંધાયો હોતો, તે સંબંધ તો,પરસ્પર આદર, લાગણીભર્યા દિલ તથા પ્રેમભર્યા વ્યવહારને કારણે બંધાય છે.

મિત્રો, હાલમાં,ઘણીવાર, ઘણા ઠેકાણે, કલિયુગી સંતાનો દ્વારા, પિતાને ખરેખર ઝડપથી સ્વર્ગ-દેવલોકમાં વિદાય કરવાની મનોકામના કરી, તેમની મહામહેનતે જમા કરેલી સ્થાવર-જંગમ મૂડીને કશી રોકટોક વગર ભોગવવાની, હળાહળ કલિયુગી લાલસા સાથે `પિતૃ દેવો ભવઃ ॥` સૂત્રનો રાગ આલાપતા જોવા મળે છે..!!
 
ખરેખર તો આવી નિંદાપાત્ર મનસા કરવાને બદલે, જે દિવસે આવાં સંતાનો, `રાજા દશરથના આદેશથી રાજપાટનો મોહ ત્યજીને વનવાસ જેવા માર્ગે પ્રસ્થાન કરનાર શ્રીરામ જેવી તૈયારી દર્શાવશે` ત્યારેજ, આપણા દેશમાં  સાચા રામરાજ્યની કલ્પના સાકાર થશે...!!
 
આ સાથેજ સંતાનોના કલિયુગી પિતાઓએ પણ એ ધ્યાન રાખવું ઘટે કે, આપણાં `હસતી કુંપળ` જેવાં બાળકોના દરેક કાર્યને ઊંડા નિસાસા સાથે, ટીકાત્મક રીતે મૂલવી, પિતા અને સંતાન વચ્ચે, પરસ્પર મનોમન ઉપહાસ કે મહાઉપકાર કર્યાનો ભાવ દર્શાવવાને બદલે, સમજદારી અને સહિષ્ણુતાનો ભાવ કેળવવાની તાતી જરૂર છે. સંતાનોએ પણ, પોતાને અણસમજુ પિતા મળ્યાનો અફસોસ કરવાનું ત્યજીને, જેવા હોય તેવા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ખેવના રાખવી જોઈએ.
 
ઘણા વિદ્વાન પાઠક મિત્રો ફરીયાદ કરે છે,ઘણાબધા લેખકો, તેમના પ્રાસંગિક વિષયના લેખના અંતે,  સંબંધિત પક્ષોને વ્યંગાત્મક ચાબખા મારવાનું ચૂકતા નથી,એમ શા માટે?
 
મારે તે વિદ્વાન મિત્રોને માત્ર એટલુંજ કહેવું છે," કોઈપણ સાહિત્ય અંતે તો માનવીને વ્યવહાર જ્ઞાનપ્રાપ્તિ દ્વારા હ્યદય પરિવર્તન તરફ માર્ગદર્શિત કરી, અંતે માનવકલ્યાણના શુભ ઉદ્દેશ્ય કાજે જ રચાતું હોય છેને..!!"
 
એક સ્પષ્ટતા- આ લેખમાં ક્યાંય `ચાબખા` નથી મિત્રો, આ તો અક્ષરનાદની દીવાદાંડી છે, આ અક્ષરોની ભીતરનો મર્મ-નાદ સાંભળે તે સહુને સલામત ગણવા..!!
 
બાકી તો,એક કવિના કવન મુજબ," પીંપળ પાન ખરતાં, હસતી કૂંપળિયા, અમ વિતી તુજ વિતશે, ધીરી બાપલીઆ.’’
 
અસ્તુ.
 
માર્કંડ દવેઃ- તાઃ ૨૦-૦૫-૨૦૧૧.

1 comment:

  1. khub sunder, pitani lagni no bhino avkar!
    khubj gamyu vanchvu.

    keta joshi.
    Toronto, canada.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.