Friday, August 20, 2010

`અકસ્માત`

`અકસ્માત`


" છત  ફાડીને  ધન   દેજે,  ને  છત્તર   ફાડી  વહાલ...!!
  છત  ફાડીને  મન    દેજે,   ને મમત  ત્યજી  મહાલ..!!"


શબ્દાર્થઃ- મહાલ = ઘર,મકાન ( અહીં, નવું શરીર-ખોળિયું પ્રાપ્ત કરવાની, પ્રાર્થનાના અર્થમાં)

==========

`અકસ્માત`            

(પ્રિય મિત્રો, અમદાવાદના, શ્રમજીવી વિસ્તારમાં  બનેલી, આ એક સત્ય ઘટના છે. જોકે  આખી  કથામાં, પાત્રોનાં નામ અને  વિસ્તારનાં નામ બદલેલાં છે.)

" હું ચ્યોંથી લાવું પૈસા? તારો બાપ ઘેર આવેને, તાણે ઈને, જે કે`વું હોય ઈ કે`જે..!! હું થાકી ગઈ સું..!! હે...માઁ, મને કોગળીયું ચ્યમ નહીં આવતું..!!"   અમદાવાદના, ગોમતીપુર વિસ્તારની, મજુર વસાહતની ચાલીમાં  આવેલી, એક નાની અંધારી  ખોલીમાં, સાંજનું વાળુ તૈયાર કરતી અંબા, તેની પરણાવવા જેવી દીકરી  લક્ષ્મીને, રડમસ ચહેરે, કંટાળીને, વઢતી હતી.

અબાનો ધણી રમણ, પોતાની ખોલીની સામેજ આવેલી, કાપડ વણવાની, પાવરલૂમ્સની ફેક્ટરીમાં, કાયમી કારીગર તરીકે  નોકરી કરતો હતો.

જોકે, બેઝિક પગાર અને મોંધવારી ભથ્થું મળીને તેના હાથમાં, દર મહિને, રૂપિયા ૩૦૦૦ /- જેટલી જ  રકમ  હાથમાં આવતી હતી  ખરી..!! પણ, ઘરમાં સતત ખર્ચા અને ગામડે મા-બાપની જવાબદારીને કારણે, દર મહિને, પગાર આવતાંની સાથેજ, ક્યારે ચટણી થઈ જતો, ખબર પણ પડતી નહીં...!!

એટલું  વળી સારું હતું કે, રમણની સાથે કામ કરતા, શાળખાતાના,બીજા વ્યસની કારીગરો અને મજુરોની જેમ,  તેને દારૂની લત  નહતી. જોકે, કોઈવાર મિત્રો બહુ આગ્રહ કરે તો, એકાદ ગ્લાસ પી નાંખતો, પણ આ દૈત્યની તેને આદત નહતી.

કોઈ વ્યસન ન હોવા છતાંય,  શાળખાતાના, કૃત્રિમ, ભેજયુક્ત વાતાવરણ અને કાપડની કાંજીની ચિકાશવાળી, રૂ ની ઝીણી રજોટી ઉડીને, રમણના ફેફસામાં ભરાતી, તે કારણે તેને , બેવડ વળી જવાય તેવી, કાયમી ખાંસી ઘર કરી ગઈ હતી. ઉપરાંત, છેલ્લે કરાવેલી લોહીની તપાસમાં, થોડોક ડાયાબીટીસ પણ નોંધાયો હતો. પરંતુ રમણ, આ બધા રોગની  દવા  કરાવે કે, ઘરનો ખર્ચ ઉઠાવે?  જોકે, આમને આમ,  જીવનનું ગાડું ગબડ્યા કરતું..!!

રમણને, દવા લેવા જવાનું આળસ એટલા માટે પણ થતુંકે, ખાનગી દવાખાનાની દવાનો ખર્ચ કરવો તેને  પોસાય નહીં અને  સરકારી વીમા યોજનાના દવાખાના (E.S.I.) માં દવા લેવા જવું હોય તો, આખો દિવસ, લાઈનોમાં ઉભા રહેવા, કપાત પગારે રજા લેવી પડે. જે   આટલી મોંઘવારીમાં,  કેમેય  પોસાય  નહીં..!!

હમણાંથી વળી, બીજીજ   ચિંતા રમણને સતાવતી હતી.  લક્ષ્મી અઢારની  થઈ ગઈ  હતી. ગામડે માઁ-બાપાએ, લક્ષ્મી માટે, એક  ખેડૂત મુરતિયો પણ પસંદ કરી રાખ્યો હતો, જે લક્ષ્મી સહિત બધાને પસંદ હતો. પણ લગ્ન ખર્ચ માટે નાણાંના અભાવે, બધું અટકી પડ્યું હતું.

પરિણામે, `નવરા બેઠા, નખ્ખોદ વાળે` તે ન્યાયે, લક્ષ્મીએ અભ્યાસ અધુરો છોડી દીધો હોવાથી તથા અંબાને  ઘરકામમાં મદદ કરાવવા સિવાય, તેને બીજું  કશું જ  કામકાજ  ન  હોવાથી, ઘેર બેઠાં,  તે  અંબાની  સાથે,  આખો  દિવસ કચકચ કર્યા કરતી હતી. 

અંબા અને લક્ષ્મીનો આખા દિવસનો  બખાળો, ફેક્ટરીમાંથી ઘેર આવતા સાથેજ,  સાંભળી - સાંભળીને,  થાકેલા રમણને, મા-દીકરી બંને પર,  બહુ ગુસ્સો આવતો, પણ તે સમસમીને બેસી રહેતો.

જોકે, હદ તો ત્યારે થઈકે, અઠવાડિક રજાના, એક દિવસે, સાંજે માઁ દીકરીના આ  ઝઘડાએ, વધારે પડતું ઉગ્ર સ્વરૂપ ધારણ  કર્યું, જે રમણથી સહન ન થયું. કંટાળીને તે કશુંજ બોલ્યા ચાલ્યા વગર, ખોલીની બહાર નીકળી ગયો.

કોઈજ ઉદ્દેશ વગર, ભટકતો-ભટકતો, રમણ નજીકમાંજ આવેલા, દારૂના બદનામ અડ્ડા પર પહોંચી ગયો. જ્યાં, રમણને, તેની સાથે કામ કરતો, જુનો કારીગર સેમ્યુલ મળી ગયો.

સેમ્યુલે, રમણને એક ગ્લાસ દારૂ પીવડાવતાંજ રમણે, પોતાના દિલમાં અત્યાર સુધી, દબાવી રાખેલી, બધીજ  વેદનાને વાચા આપી દીધી.

જેમકે, પોતાની ખરાબ તબીયત, અંબાની ચિંતા, ગામડે માઁ બાપની ચિંતા, ઓછી આવક, શૂન્ય બચત, અને ઉપરથી યુવાન લક્ષ્મીને પરણાવવા, આર્થિક વ્યવસ્થા ન કરી શકવાનો અફસોસ...!!

જમાનાના ખાધેલ, પીઢ, જુના, અનુભવી સેમ્યુલે, રમણને, સહાનુભૂતિપૂર્વક સાંભળ્યા કર્યો અને છેલ્લે રસ્તો બતાવ્યો કે, ઘરમાં અશાંતિ ફેલાવતી, અંબા અને લક્ષ્મીની, રોજ  થતી કચકચમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય, ઝડપથી લક્ષ્મીને પારકે ઘેર વળાવી દેવી, તે જ સરળ ઉપાય છે, સાથે એમ પણ કહ્યુંકે, આ માટે નાણાંની વ્યવસ્થા કરવાનો પણ ઉપાય, પોતાની પાસે છે, બસ  રમણે થોડીક, હિંમત બતાવવી પડે..!!

સેમ્યુલે બતાવેલો, નાણાં મેળવવાનો ઉપાય, થોડોક, જોખમી અને હિંમત માંગી લે તેવો હતો...!!  છતાં પણ આર્થિક સમસ્યાથી ગળે આવી ગયેલા રમણને, આ  ઉપાય જાણીને,  મન પરથી જાણેકે, સો મણનો બોજો ઉતરી ગયો..!!

બીજાજ દિવસે, નોકરી પર ચઢવાના અરધો કલાક અગાઉ જ,  રમણ અને  સેમ્યુલ, ફેક્ટરીની સામે આવેલા, સરકારી વીમા યોજનાના દવાખાનાના, ઓળખીતા કમ્પાઉન્ડરને જઈને મળ્યા.

સેમ્યુલે  આપેલી સો રૂપિયાની, કડકડતી નોટને,  કમ્પાઉન્ડરે પોતાના ગજવામાં સેરવી દઈને, બંને સામે, ખંધાઇભર્યું વેપારી સ્માઈલ આપીને, એક ખૂણામાં બોલાવી, કોઈ ન જુવે તેમ, રમણના ડાબા હાથની હથેળી પાસે, એક  ઈન્જેક્શન   આપી દીધું અને રમણને જરૂરી સૂચનાઓ આપીને, બંનેને  તરત  ફેકટરીએ, નોકરી પર પહોંચી જવા, ઈશારો કર્યો.

ફેક્ટરીમાં, નવી શીફ્ટ શરૂ થયે હજી, વીસ મિનિટ પણ નહીં થઈ હોય અને શાળખાતામાં, રમણને, અકસ્માત થયો હોવાની બૂમાબૂમ થતાંજ, બધા કારીગર, મુકાદમ  અને સુપરવાઈઝરની દોડાદોડી શરૂ થઈ ગઈ.

પાવરલૂમના ચક્કરોમાં, રમણના, ડાબા હાથની આખી હથેળી, બહુજ બૂરી રીતે, ફસાઈ ગઈ હતી. શાળખાતાના  ફીટરે, તાત્કાલીક  તે ચક્કરોને બહાર કાઢી, રમણની ફસાયેલી, કચૂંબર થઈ ગયેલી, લોહીલુહાણ હથેળી, બહાર કાઢી ત્યારે, તેની તમામ આંગળીઓનાં હાડકાંનો, ભાગીને  ભૂક્કો થઈ ગયો હતો.

થોડીજ વારમાં, ફેક્ટરીના મેનેજર સહિત તમામ ઑફિસર દોડી આવ્યા. જરૂરી  ફૉર્મ  અને  વિગતો ભરીને,` અકસ્માત` ના કાગળ બનાવી, રમણને, બધાએ હાથોહાથ ઉઠાવી લઈ, સામેજ આવેલા, વીમા યોજનાના દવાખાને, ઑપરેશન થીયેટર ભેગો કરી દીધો.

જોકે, માત્ર પંદર જ દિવસમાં,  ભારે ડાયાબીટીસથી પીડાતા, રમણને,  આ અકસ્માત (..!! ) માં, ગેગરિંગ થઈ જતાં, હથેળી ઉપરાંત, બીજાં બે ઑપરેશન, અનિવાર્યપણે કરાવીને, કોણી સૂધીના હાથનો ભોગ આપવો પડ્યો, સાથે સાથે, હવે  કાયમ  માટે  નોકરીનો  પણ..!!

લક્ષ્મીના લગ્નખર્ચ  માટે, આ  `વૅલ-પ્લાન્ડ અકસ્માત`માં, ગુમાવેલી આંગળીઓના નુકશાનના  બદલામાં, એકાદ-બે આંગળી  માત્રનો  ભોગ આપીને, તગડું, આર્થિક વીમા વળતર અને ફેક્ટરીના માલિક પાસેથી, ખોટા રસ્તે, નાણાં મેળવવા જતાં, રમણને,  કોણી સુધીના હાથની સાથે, નોકરીથી પણ, કાયમ માટે, હાથ ધોઈ નાંખવા પડ્યા હતા. 

આ અકસ્માતના બે માસ બાદ, રમણને, રાજ્ય વીમા યોજના વળતર હેઠળ, મસમોટી રકમ,  ફેક્ટરીના માલિક તરફથી નોંધપાત્ર રકમ  તથા અત્યાર સુધી કપાયેલ ગ્રેજ્યુઈટી, પ્રોવિડંડ ફંડ, વિગેરે મળીને, સારા એવાં  નાણાં મળ્યાં.

જેમાંથી દીકરી, લક્ષ્મીના લગ્નનો ખર્ચ, ગામડે જુના મકાનનો મરામતનો ખર્ચ અને ફેક્ટરીના ઝાંપે જ ચા-નાસ્તાની લારી ઉભી કરવાનો ખર્ચ બાદ કર્યા પછી..!!

હાલ રમણ પાસે, તેનો દોઢ હાથ (..!!) અને અંબાના બે હાથ મળી, કુલ સાડા ત્રણ હાથ અને ફૂટેલી કિસ્મત  સિવાય, કશુંજ વધ્યું નથી.

વર્ષો અગાઉ, આ સત્ય ઘટના મારી નજર સામે બની હતી. આજે  મને વિચાર આવે છેકે, આટલાં વર્ષ બાદ પણ, આપણે  સ્વતંત્રતા  અને  વિકાસનાં ફળ, ખરેખર, આવા છેવાડાના મજુર સુધી પહોંચાડી શક્યા  છે?


જો ના તો પ....છી...!!  ક્યારે...!! ક્યાં સુધી, મજુરની દીકરી, તેના લગ્નખર્ચ માટે, તેના બાપના કપાયેલા હાથમાંથી, નીંગળતા લોહીથી,
પોતાની સેંથીમાં સુહાગનું  સિંદુર ભરશે?

કોઈપણ સંવેદનશીલ માનવીના હ્યદયને ઉભું ચીરી નાંખે તેવા, આ સવાલનો જવાબ, કદાચ  આપની પાસે  જરૂર હશે?

માર્કંડ દવે.તાઃ- ૨૦ ઑગસ્ટ ૨૦૧૦. 

1 comment:

  1. સહાનુભૂતિ સાહિત્યિક વિભાવના છે , દયા સામાજિક
    વિભાવના છે .તમારી વાર્તા સાહિત્યિક અભિગમથી
    શરું થઈ સામાજીક વલણમાં અંત પામે છે અને અંતે પાત્રને બદલે સર્જક બોલવા માંડે છે રંગીન ભાષામાં,
    પરિણામે આ વર્તા ન બનતા મત્ર ઘટનારુપમાં થંભી
    જાય છે. આવો મારી વેબ પર @
    http://himanshupatel555.wordpress.com
    આભાર હિમાન્શુ પટેલ

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.