Friday, January 15, 2010

"મારું નામ અમોઘ"

"મારું નામ અમોઘ"


રસભર,ફળફૂલથી લચી પડેલા,અત્યંત સુંદર,બગીચાની,સંવેદનાને જો વાચા ફૂટતી હોત,ને તો એ પાનખરના પીડાદાયક સમયની વ્યથાને બરાબર વર્ણવી શકત.તો પછી તમે કહેશો કે,વસંત પછી પાનખર,કુદરતનો ક્રમ છે,એમાં શું?


મારા જીવનમાં પાનખર આવી!!પછી કાયમી સ્થાન જમાવી ગઇ છે.મારી વ્યથાગ્નિ એ જિંદગીના બાગને બાળી નાંખ્યો તે પછી,ક્યારેય આશાંકૂર ન ફૂટ્યા તે ન જ ફૂટ્યા.મારું નામ અમોઘ,જરા માંડીને વાત કરું?ભગવાન શ્રીરણછોડરાયની નગરી,ડાકોરનો હું વતની.જ્ઞાતિએ બ્રાહ્મણ,પિતા ભરતભાઇ,માતા નંદિતાબહેન,કુટુંબમાં એક જોડકો ભાઇ નામ અણમોલ.ભગવાન શ્રીરણછોડરાયના મંદિર પાસેજ,ચોકમાં પૂજાપા-પ્રસાદની નાની સરખી દુકાન,ઘરનું ગાડું ગબડે!એટલી માસિક આવક.બા,બાપુજી સ્વભાવે ઇશ્વરપારાયણ,સરળ સ્વભાવનાં,ઘરનું વાતાવરણ શાંત,ફ્ક્ત અવારનવાર બા-બાપુજી સમક્ષ અમે બંને ભાઇમાં મોટો કોણ?એનો મીઠો ઝઘડો થાય.હું પહેલેથી જ શાંત,માંગવામાં મોળો અને આપવામાં પહોળો,તેથી અણમોલ ને,મોટાભાઇનું બિરુદ આપી,ખુશ કરી દેતો,આમેય તે બા ને જરા વધારે પ્રિતીપાત્ર હતો.અણમોલ ના સ્વભાવમાં ખામી એક જ હતી કે તે,અભ્યાસ,ઘરનાં કામ,જેવી તમામ જવાબદારીઓ થી દુર ભાગતો.અને એટલે જ હું,જ્યારે સારા માર્કસ્ થી કૉમર્સ ગ્રેજ્યુએટ થયો,ત્યારે અણમોલ હજુ એસ.વાય ની એ.ટી.કે.ટી.સૉલ કરવાની તૈયારી કરતો હતો.

ગ્રેજ્યુએટ થયા પછી,બા,બાપુજીના આગ્રહને વશ થઇ,મારે લગ્ન માટે અનિચ્છા છતાં હા કહેવી પડી.મારાં કાકીએ,એમના પરિચિતની દીકરી સંજના માટે,જ્યારે આગ્રહ કર્યો,ત્યારે સરળ સ્વભાવનાં બા-બાપુજીએ,ઝાઝી તપાસ કર્યા વગર સામે વચન આપી દીધું.એમના આપેલા વચનને ઉથાપવાનો પ્રશ્ન જ મારા માટે તો ઉભો થતો નહતો.સંજનાની માતાને ગુજરી ગયે,એક વર્ષ પણ નહતું થયું તેથી,લગ્ન થોડાં સાદાઇથી આટોપી લીધાં,ને મારી વસંત ઋતુ જાણે પુરી થઇ.

લગ્નના બીજા જ દિવસથી મારી પાનખર શરુ થઇ.હા,લગ્ન પછીના બીજા જ દિવસે,સંજનાએ પોતાના સ્વભાવનો પરચો આપી દીધો.અણમોલે,દિયર તરીકે,સંજના ની મીઠી મજાક મિત્રો ની હાજરીમાં કરતાં જ,અત્યંત રૌદ્રસ્વરુપ ધારણ કરી,કર્કશતાપૂર્વક એનું એવું તો અપમાન કર્યું કે,કોઇપણ ખુલાસો કર્યા વગર અણમોલ ઘર ની બહાર નીકળી ગયો.મારી જિંદગી બગડી કે શું?એ ભય અને આશંકાથી બા-બાપુજી એટલાં બધાં ડઘાઇ ગયાં કે,અવાચક્ થઇ ગયાં.ઘરની શાંતિ ને હણવાનું શુભકાર્ય!! સંજનાને એવું તો ફાવી ગયું કે,ધાર્યું ના થતાં,આખું ઘર કકળાટથી ભરી દેતી.

આ બધું જોઇ અણમોલે લગ્નના નામ પર જાણે ચોકડી જ મારી દીધી.અણમોલને ઘણું સમજાવવા છતાં,એણે કૉલેજના છેલ્લા વર્ષની પરીક્ષા ન આપી.એના એક મિત્રના રેસ્ટોરંટમાં કૅશીયર તરીકે નોકરીએ જોડાઇ જઇ,પોતાની જાતને ભૂલી જઇ,દિવસ-રાત કારમી મજૂરી કરવા લાગ્યો.બાપુજી અને હું પણ,સંજના ના કકળાટને ટાળવા,વહેલી સવારની આરતીથી લઇ મોડી રાત સુધી,દુકાન પર રહેવા લાગ્યા.

દુર્ભાગી માત્ર બા હતી જેને,કર્કશા સંજના સાથે ચોવીસે કલાક અપમાન,આધાત અને અજંપા સાથે પસાર કરવા પડતા હતા.હું સંજનાને ઘણું સમજાવતો પણ પથ્થર ઉપર પાણી.કાકી અને બીજા સગાંને સંજના ના ખરાબ વર્તનની વાત કરી સમજાવવા કહેતાં,તેઓ સર્વે જવાબદારીમાંથી છૂટી પડ્યા.બા ની તબિયત પર ઘરના કંકાસની અસર વર્તાવા લાગી,પણ ગામમાં ઘરની આબરુ ઢંકાઇ રહે તેથી સંજના ની ઉધ્ધતાઇને સહુ સહન કરી લેતા.

છેવટે એક દિવસ ના બનવાનું બની ગયું,બા સાથે ઉધ્ધતાઇથી વર્તન કરતી,સંજના ને અણમોલે ટકોર કરતાં,આ"રખડેલ હરાયા આખલાને"જન્મ આપવા બદલ,કાનના કીડા ખરી પડે તેવી ભાષામાં સંજના એ બા ને એટલી બધી ગાળો દીધી કે,તેજ વખતે,હાર્ટએટેક આવતાં એમને લઇને હોસ્પિટલ દોડવું પડ્યું,પણ પોતાના કારણે દીકરાનો જન્મારો બગાડ્યાના દુઃખ સાથે,એણે પ્રાણ ત્યાગી દીધા.બા ના વિરહમાં,અણમોલ એટલે હદ સુધી સુનમુન થઇ ગયો કે,બા ના અગ્નિદાહ સમયે,બાપુજીનાં અને મારાં આસું પણ એને રડાવી ના શક્યાં.અણમોલે,ભાવહીન ચહેરે અને કોરી આંખે,બા ની અંતિમ વિધી પતાવી.

બા ની પાછળ,સગાંવહાલાંની અવરજવરને કારણે સંજના શાંત રહી,પરંતુ ત્રયોદશા પછી સહુ વિદાય થતાંજ,મોતનો મલાજો જાળવ્યા વગર,અણમોલની હાજરીમાંજ " આ રખડેલ હરાયા આખલાને ઘરમાંથી કાઢો અથવા ઘરમાંથી જુદા રહો"ની જીદ કરી,સંજનાએ ફરી કકળાટ આદર્યો.બાપુજીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એમનું અપમાન જોઇ ન શકવાથી,અણમોલ મૂંગા મોંઢે ઘરની બહાર નીકળી ગયો,તે આખીરાત ઘેર પાછો ના ફર્યો.અમંગળ શંકા સાથે સવારે ગામના તળાવ,હાઇવે,તથા રેલ્વે-ટ્રેક પર શોધખોળ કરવા છતાં તે મળી ના આવ્યો.છેવટે,જ્યાં બા ને અગ્નિદાહ આપ્યો હતો,તે સ્મશાનગૃહમાં,બા ની ઠરી ગએલી ચિતા પાસે,ચોધાર આંસુ સાથે,અપરાધભાવથી પીડાઇ બા ની માફી માંગતો તે,અણમોલના એક મિત્રને, મળી આવ્યો.સહુ દોડ્યા,અણમોલને મહામહેનતે સમજાવી-પટાવી ઘેર લાવી સુવડાવી દીધો.તેને શોધવામાં થાકી ગયેલા,બાપુજી તથા મારી પણ આંખ મળી ગઇ.

સવારના પાંચ વાગ્યા હશે,અચાનક સંજના ની કારમી ચીસો થી આખું ફળીયું ગાજી ઉઠ્યું.હું,બાપુજી તથા દોડી આવેલા પડોશીઓએ જોયુંતો,આખા ફળીયામાં સંજના આગળ આગળ અને અણમોલ પાછળ પાછળ,દોડાદોડી કરી રહ્યા હતાં,અણમોલને ગાંડપણનો હુમલો આવ્યો હતો.તે રખડેલા હરાયા આખલાની માફક સંજના ની પાછળ દોડતો હતો અને સંજના તેનાથી બચવા ચીસો પાડતી દોડતી હતી.જેમતેમ કરી સહુએ ભેગા મળી અણમોલને કાબૂમાં લેતાંજ, ડરને લીધે સંજનાએ પિયરની વાટ પકડી.આજ દિનસુધી ફરી એ ડાકોરમાં ડોકાઇ નથી.

આ બનાવને,બે વર્ષ થઇ ગયાં છે.અણમોલ મેન્ટલ હોસ્પિટલમાં છે.તેની સારવારમાં અમારી દુકાન વેચાઇ ગઇ છે.સંજના સાથે મારા છૂટાછેડા થઇ ગયા છે.મારું ને બાપુજી નું ગુજરાન કથાવાર્તા કરી ચાલે છે.આ વ્યથાગ્નિ એ મારા જીવનના બાગ ને જડમૂળ થી બાળી નાંખ્યો છે.આ પાનખરને આશાંકૂર ફૂટે તે અસંભવ છે?આપ શું માનો છો?

માર્કંડ દવે.અમદાવાદ.
તાઃ૧૧-૦૭-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.