Friday, January 15, 2010

પ્રેમપત્ર-"રણને આવ્યાં છે ફૂલ."

પ્રેમપત્ર-"રણને આવ્યાં છે ફૂલ."

પ્રિય મિત્રો,

ઘણાં વર્ષો (આશરે ૩૮ વર્ષ) પહેલાં મારા કૉલેજકાળ દરમિયાન અમારા મિત્ર વર્તુળમાં,એક શરમાળ મિત્રની `ખાસ` ગર્લફ્રેન્ડ,એનાથી કોઇ કારણસર,રિસાઇ ગઈ.

આ મિત્ર એ એને મનાવવાનો ઘણોજ પ્રયત્ન કર્યો,પણ ફરીથી ગાડી પાટે ના ચઢી તે ના જ ચઢી.છેવટે એ મિત્રએ એનો ગુસ્સો અમારા ઉપર ઠાલવ્યો,"એઇ...ને..તમે એને સમજાવતા નથી,તો પછી આ દોસ્તી શું કામની?"વિગેરે...વિગેરે.....!!છેવટે સમગ્ર મિત્ર વર્તુળે મને આદેશ કર્યો કે,"આપણે આ બિચારાને મદદ કરવી જોઇએ,દવે,તને તો લખવાનો બહુ શોખ છેને? તું આડુંઅવળું તો ઘણું લખ્યા કરે છે,યાર,આનેય એક એવો પેમપત્ર લખી આપ કે એનુ બગડેલું કામ સુધરી જાય." શરુઆતમાં `હા-ના` કર્યા પછી,અંતે મેં એ શરતે આ બીડું સ્વીકાર્યું કે, હું જે પ્રેમપત્ર લખી આપું,તેની એ શરમાળ મિત્રએ પોતાના હસ્તાક્ષરમાં નકલ કરી,મારા હાથનો લખેલો પ્રેમપત્ર તરત ફાડી નાંખવો. હા..યાર..ખોટું જોખમ કોણ લે..!!

આ શરમાળ મિત્ર પાછો હતો,વેપારી બેકગ્રાઉન્ડનો,તેથી તેને સાહિત્ય સાથે જમા-ઉધાર-રોકડ-સિલક,જેટલોજ સંબંધ.તેથી,અનેક જાતની ભૂલ અને મથામણ પછી તે મિત્ર આ પ્રેમપત્રની નકલ કરી શક્યો વળી,તેણે તરત તેના મિત્ર દ્વારા એ પ્રેમપત્ર તેની `ખાસ`ગર્લફ્રેન્ડને પહોંચાડી પણ દીધો.પછી,ખબર નહીં,ગમે તે ચમત્કાર થયો..!! પણ બીજા દિવસથી જ કૉલેજ કેમ્પસ માં,એ બંન્ને જણ ફરી પ્રેમાલાપ કરતાં,પતંગિયાંની જેમ સાથે ઉડાઉડ કરવા લાગ્યાં,મારા પ્રેમપત્રની સફળતા બદલ,મિત્રવર્તુળે મને ખૂબ શાબાશી આપી.મને પણ મારી અદ્વિતિય,અલૌકિક,લેખન ક્ષમતા પર ગર્વ સાથે ઘણો જ આનંદ થયો.અચાનક કૉલેજ છૂટતી વખતે,અમારા ગુજરાતીના પ્રોફેસરસાહેબે મને બોલાવી નૉટિસ-બૉર્ડના સાપ્તાહિક મેગેઝિન કૉર્નર માટે મારી એક તાજી રચના તાત્કાલિક આપવા જણાવ્યું,સમયના અભાવે,મેં વળી ભોળાભાવે,મારી પાસે મિત્રને લખાવેલા પ્રેમપત્રની ફાડ્યા વગરની અસલ કૉપી સુંદર અક્ષરે લખેલી તૈયાર હતી,તે કૉપી જ પ્રોફેસરસાહેબને મેં આપી દીધી.

પછીના દિવસે હું કૉલેજ પહોંચ્યો,ત્યારે મારા મિત્રવર્તુળમાં વાતાવરણ ખૂબ તંગ જોયું.એક મિત્રને કારણ પુછતાં તેણે મને બાજુમાં લઇ જઇ કહ્યુંકે,"તેં લખી આપેલા પ્રેમપત્રની એક નકલ,આ ડફોળ વેપારીબચ્ચાએ,નોટિસ બોર્ડના મેગેઝિન કૉર્નર માટે આપીને અંગત પ્રેમપત્રને સાર્વજનિક કરી દીધો છે,તેથી આજે સવાર સવારમાં જ,ફરીથી એ બંન્ને પ્રેમીઓ વચ્ચે,વાત સાવ વણસી ગઈ છે અને આ વખતે તો એની ગર્લફ્રેન્ડ એવી વિફરી છે કે..!! એમની ફ્રેંડશીપ ફરી થાય તેમ લાગતું નથી,હમણાં એ વેપારીનો બચ્ચો ક્લાસમાંથી બહાર આવે એટલે અમે બધા મિત્રો ભેગા મળી એના ઉપર હાથ સાફ કરવાના છીએ.તું પણ અહીંજ ઉભો રહે,આવી બેવકૂફી તે કાંઇ કરાતી હશે?"

મારા પેટમાં એકદમ ફાળ પડી,કાંઇક યાદ આવતાં હું,નોટિસ બોર્ડ તરફ ભાગ્યો,જઈને પેલો પ્રેમપત્ર વાંચ્યો તો,મારી ગંભીર ભૂલ સમજાઇ ગઇ,

પ્રેમપત્રમાં,ઉપર પ્રેમિકા તરીકે એ વિફરેલી કૉલેજકન્યાનું નામ અને નીચે પ્રેમી તરીકે એના પેલા મિત્રનું નામ જેમનું તેમ રાખીને,મેગેઝિન કૉર્નર માટે,તે પ્રેમપત્રને મેં પ્રોફેસર સાહેબને આપી દીધો હતો.પ્રોફેસરસાહેબે પણ મારા ઉપર વિશ્વાસને કારણે કશું એ વાંચ્યા વગર પટાવાળાભાઇ પાસે તેને સીધો જ નૉટિસબોર્ડ ઉપર લગાવડાવી દીધો હતો

મને લાગ્યું..!! હવે બધા મિત્રો ભેગા મળી પેલા વેપારી બચ્ચા ઉપર નહીં,પણ મારા ઉપર જ હાથ સાફ કરશે.કેમ્પ્સમાં ઉભેલા મારા એક ખાસ અંગત લાગણીશીલ મિત્રને કાનમાં બધી જ સાચી હકિકત જણાવી,મારા વતી સહુની માફી માંગવાનું કહી,ડરને લીધે હું સીધો જ ઘર ભેગો થઈ ગયો,છેવટે બે દિવસ બાદ,મિત્રોએ મને માફ કરી,સબ સલામતની ખાત્રી આપતાં હું ફરી કૉલેજ જઇ શક્યો.જોકે,મારા માટે તો જે થયું તે સારું જ થયું,નહીંતો અભ્યાસ બાજુ ઉપર રાખીને હું,કૉલેજના કહેવાતા પ્રેમીઓને,પ્રેમપત્રો લખી આપવાના ઉમદા ધાર્મિક કાર્યમાં કદાચ જોતરાઇ જાત.

મિત્રો,ઉપરની ઘટના બની ત્યારથી "તિસરીકસમ" ના ગાડીવાન હિરામન (રાજકપુર) ની જેમ મેં પણ કસમ લીધી છે કે,મિત્રો જે કહે તે બધુંજ કરવું,લખવું.પરંતુ,કોઇ દિવસ કોઇના,`વતી`નો પ્રેમપત્ર ક્યારેય ન લખવો. હા....ભાઇ...પછી કોઇ આપણા પર હાથ સાફ કરે તો...ઓ.ઓ..ઓ.!!

ઘણાં વર્ષો પહેલાંનો એ પ્રેમપત્ર (હવે જર્જ રિત કાગળવાળો),અગાઉ થયેલી ભૂલને સુધાર્યાની પચાસ વખત ખાત્રી કર્યા પછી,આજે ફરીથી સાર્વજનિક કરું છું,આશા છે આપ પણ મને માફ કરશો.

"રણને આવ્યાં છે ફૂલ."

પ્રિયે,

મેઘધનુષ્યના ભાતીગળ રંગોથી મારા મનાકાશ પર સદાય ઝળૂંબતી,નાની પણ રુપકડી,પરાણે વહાલ ઉપજે તેવી ઓ મારી પ્રિય વાદળી રે..!!

તું આટલી નિષ્ઠુર શાને કાજે છે? હું,લાગણી તરસ્યા રણની જેમ તારા મિલન કાજે સદાય તત્પર,અનિમેષ નયનોથી તારા પ્રેમના બુંદ બુંદ માટે તરસું છું.

"વરસવું એ તારો ધર્મ છે,સ્વભાવ છે,

તરસવું એ મારો ધર્મ છે,સ્વભાવ છે."

તરસ્યા રણને વર્ષાની બે બુંદની જે અપેક્ષા હોય છે,તેજ અપેક્ષાએ મને હજુ સુધી શ્વસતો રાખ્યો છે..!!

મારા કોરાધાકોર રણ સમા જીવનમાં,ઉગી નીકળેલા વિરહ-સંતાપના થોરમાંથી,પ્રેમ-સુવાસભરી ફૂલોની વાડીનું નસીબ તારા પ્રેમાળ સ્પર્શ ઉપર આધારિત છે,શું એ તું નથી જાણતી?તને તો આકાશનો એ મુક્ત-વિહાર ફાવી ગયો છે,પરંતુ જ્યારે જ્યારે મારા નિશ્વાસની આંધી,મારી વ્યાકુળતા અને વિહવળતા દર્શાવે,ત્યારે પણ તને સ્નેહનાં બે બુંદ ટપકાવવાનું મન નથી થતું?પથ્થર દિલ બનવું તારા માટે શક્યજ નથી.તારો સ્વભાવ તો,નરમ,કુમાશભર્યો,અને સામાને ભીંજવી નાંખે તેવો જ હોઇ શકે,ખરુંને પ્રિયે?

આવને પ્રિયે,આ સંસારના ત્રિવિધ તાપ તને અને તારા આ રુપકડા વાદળીયા અસ્તિત્વને ક્ષત-વિક્ષત કરી નાંખે...વિખેરી નાંખે..!!

તે પહેલાં મારા સહ-ભાગ્યને તારા પેમ-અંશનું વરદાન આપ. જોકે..!! હુંય તે અકારણ...આમ..!!..અરે..!!!!
દાન તો પારકા પાસે માંગવાનું હોય,પોતીકા પાસે તો અધિકારપૂર્વક કૈંક માંગી શકાય.
હું તને પોતાની માનું છું,પ્રિયે,હવે મારા અધિકારનું જતન અને પુષ્ટિ તારા હાથમાં છે.

પ્રિયે,વરસવા દે...વહેવા દે.. એ અવિરત સ્નેહ ના ધોધ અને ધારાને,તૃપ્ત કરી દે,આ તરસ્યા રણને.
રુપાંતર કરી દે,એને વાયરાની લહેરે ડોલતાં,ગાતાં,મઘમઘતાં,રંગબેરંગી, ફૂલોની વાડી સ્વરુપે.
મારા મનાકાશે ઝળુંબવા કરતાં,વર્ષારુપે મિલન કરી,તારા આ મેઘધનુષી,અદ્વિતિય રુપને પાથરી દે,આ તરસ્યા રણ પર.

પછી ભલેને બધા આશ્ચર્યથી એકમેકને કહે...!! "જુઓ-જુઓ,રણને આવ્યાં છે ફૂલ..!!"
સદૈવ તારી પ્રિત-ધારા તરસ્યો......હું."

મિત્રો,આપ પ્રતિભાવ રુપે વરસી શકો?
માર્કંડ દવે.તા.૨૮-૧૦-૨૦૦૯.
mdave42@gmail.com

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.