Wednesday, April 13, 2011

નરેન ભૈ,આ તરલિકા માસી તો વિફર્યાં?

નરેન ભૈ,આ તરલિકા માસી તો વિફર્યાં?
Courtesy- Google Images




" જાનમાં કોઈ જાણે નહીં
ને, વરની  હું વાઘ ફોઈ..!!
  સ્‍હેજ 
પોલું  જ્યાં ભાળું ત્યાં  હું,  ઘૂસું   લાગ જોઈ..!!"

=============

સ્પષ્ટતા-
 
" અન્ના હજારે એ ગુજરાતના વિકાસ નાં વખાણ કર્યા તે ઘણું જ ખોટું  થયું છે, અમે તેને સાફ શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. તેઓ ગુજરાતની સ્થિતિ અંગે કશું જાણતા નથી. જોકે, તેમના `ભ્રષ્ટાચાર નાબૂદી આંદોલન`નું અમે સમર્થન કરીએ છે."
 
મિત્રો, ઉપરના શબ્દો જે કોઈ બોલ્યા/બોલી/બોલ્યું હોય, તેની સાથે આ લેખને કોઈ લેવાદેવા નથી.મહેરબાની કરીને કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં...!!
 
( સબ કો સન્મતિ દે ભગવાન?)
 
=============
 
પ્રિય મિત્રો,
 
અમારી શેરીમાં, એક માથાભારે માસી રહે છે, આમ તો, તેમનું નામ છે, તરલિકા માસી. પણ નાનાં બાળકો, પોતાની જીભ તોતડાતી હોવાથી, માસીના નામ નો ઉચ્ચાર `ટર્લ્લિકા માસી` કરે છે..!!
 
નાનાં બાળકોનાં કટ્ટર દુશ્મન `તરલિકા માસી` નું ચરિત્ર ચિત્રણ કરીએ,તો એ..ય ને, સાડા છ ફૂટની ઊંચાઈ,મોટી-મોટી આંખો, ભરાવદાર ચહેરો,જાડા હોઠ તથા લટકામાં હોઠ માથે, ઝીણી-ઝીણી, અડધી-પડધી ઉગું-ઉગું થતી મૂછ, આખું કપાળ ઢંકાય તેવો મસ મો..ટ્ટો, લાલચટ્ટક ગોળ ચાંદલો અને ધીમે બોલતાં હોય છતાંય, આખીય શેરી ગજવતો જોરદાર,  ઘોઘરો ઘાંટો..!!
 
( જોયુંને , મેં આગોતરી સ્પષ્ટતા ન કરી હોત તો, સરખા નામ વાળી `ટર્લ્લિકા`, સોરી તરલિકા માસીઓ મારી ઉપર બગડત કે નહીં?)
 
આ તરલિકા માસીને તેમના ઘરની સામે જ, `મારે આજીવન પૈણવુંજ નથી..!!` જીદ લઈને બેઠેલો તથા હાથે કાચું-પાકું રાંઘી ખાતો, એનો મોટોભાઈ નરેન દીઠોય નહોતો ગમતો. જોકે, એનું કારણ પણ હતું, નરેન જોડે, તરલિકા માસીને, એમની કુંવારી રહી ગયેલી નણંદ પરણાવવી હતી..!! પણ આ જિદ્દી નરેનભાઈ, નાની બહેનનું કહ્યું માને તો ને?
 
શેરીના લોકો તો, એવીય વાતો કરતાં હતાંકે, `ભાઈ નરેન સાથે, નણંદ પરણાવવાનું તો ખાલી બહાનું છે?અસલમાં તો નરેન પોતાને પૂછી-પૂછીને જ પાણી પીએ એમ તરલિકા માસી ઈચ્છે છે..!!`, 

એ જે હોય તે, પણ મૂળ  વાત બેય ભાઈ-બહેનની વચ્ચે, જબરદસ્ત કાયમી પાડાખાર જામી ગયેલો, જેથી બંન્ને વચ્ચે ગમે ત્યારે, જાહેરમાં ઝઘડો જામી જતો અને શેરીના લોકોને, તે ઝઘડો માણવાની બહુ મઝા પડતી..!!
 
એવામાં એક દિવસ, નરેન અને તરલિકાના મોટાકાકા પન્નાલાલ, શેરીમાં આવીને, સહુથી પહેલાં મોટા નરેનને ત્યાં ચ્હાપાણી કરવા ગયા. નરેન જોડે ગામગપાટા તથા અલકમલક ની વાતો કરીને, પછી, તરતજ તે સામે જ ઘેર રહેતી, ભત્રીજી તરલિકાના ઘેર ખબર અંતર પૂછવા પહોંચ્યા.
 
આમેય, પોતાને ત્યાં પહેલા આવવાને બદલે, દુશ્મન નરેનને ત્યાં પન્નાકાકા ગયા તે બાબત, તરલિકાને ગમી નહોતી અને ઉપરથી "તારા કરતાંય, નરેને મને આખા દૂધની સરસ ચ્હા બનાવીને પિવડાવી..!!" 
તેવું પન્નાકાકાએ તરલિકાના મોઢે કહ્યું તે સાથેજ, તરલિકાનો પિત્તો ખસી ગયો..!!
 
તરતજ, તરલિકાએ જાણે મોઢા સામે માઈક હોય અને જાહેર મંચ ઉપરથી ભાષણ કરવાનું હોય તેમ, ઘોઘરા અવાજે, પન્નાકાકાનો ઊધડો લેવાનું શરુ કર્યું,
 
"જુવો પન્નાકાકા, તમે જે રીતે અમારા આખાય કુટુંબનું ધ્યાન રાખ્યું છે, જરૂર પડે અમારા હિત ખાતર, તમે ૯૭ કલાક સુધી ભૂખ્યા રહીને પણ, અમને જમાડ્યા છે, તે બધુંય બરાબર..!! 

પણ જ્યાં સુધી નરેનનાં વખાણની વાત છે, તેમાં તમે નરેનને હજી સારી રીતે ઓળખતા હોય તેમ લાગતું નથી..!! તેના હાથની એકવાર ચ્હા શું પીધી કે તરત તેનાં વખાણ શરુ કરી દીધાં?  તેય પાછું મારી સંમતિ વગર? 

પાણીનું ટીપું પીવું હોયને તો, આખી શેરીના, ગુજરાતી,પંજાબી,મરાઠી, મદ્રાસી,બંગાળી, બધાય લોકો,મને પૂછ્યા વગર પીતા નથીને, તમે..? તમે નરેનની વાતમાં આવી ગયા? કેમ ભાઈ, એણે કયો મોટો મીર માર્યો છે?"
 
જોકે, જમાનાનો ખાધેલ પન્નાકાકોય ગાંજ્યો જાય તેવો નહતો? તેણે વળી સામે, તરલિકાનેજ ખરી-ખોટી સંભળાવવાનું શરુ કરી દીધું.
 
" જો સાંભળ,તરલિકા, તમારે બે ભાઈ-બહેન વચ્ચે, કઈ બાબતનો વાંધો છે,તે શું હું નથી જાણતો? પણ, મારા તન-મનની શુદ્ધિ માટે જ્યારે, મેં હમણાંજ, ઉપવાસ રાખ્યા હતા ત્યારે તેં શું કર્યું? તારા જેટલા હતા, તે બધાય ચમચા ફોટાવાળાની જોડે આવીને, મારી દેહ-શુદ્ધિ તપશ્ચર્યાની યાદગીરીના ફોટા પાડવાના બહાને, તારા ફોટા પડાવીને, આખાય ગામને તેં નો`તા બતાવ્યા?

એક તો નરેને,નવરાત્રીના ઉપવાસ હોવા છતાંય, મને પ્રેમથી ચ્હા મૂકીને પિવડાવી..!! તેની ચ્હાનાં મેં બહુ વખાણ કર્યાં, ત્યારે તે બિચારો કહેતો જ હતો,
 
" પન્નાકાકા, તમે મારા હાથની ચ્હાનાં વખાણ કર્યાં તે બદલ હું આપનો સાચા હ્રદયથી આભારી છું, પણ અહીં જે બોલ્યા તે બોલ્યા..!! હવે, આ નરેન, નરેનના ઘર કે, નરેન હાથની બનેલી મસ્ત ચ્હાનાં વખાણ, બીજા કોઈના મોઢે ના કરતા..!! નહીંતર તમારું આવી બન્યું સમજજો હા..!!
 
હું સાવ નાનો હતો ત્યારથી, તમારા આદર્શોને અનુસરતો આવ્યો છું. ખરેખર તો અમે `મોટા` જ, તમારા સિદ્ધાંતો પર ચાલીને થયા છે..!! તમારી હિંમત, સત્યનિષ્ઠા, અને એક સૈનિક જેવી કર્મઠતાને કારણે, આખા ગામમાં તમારી ખૂબ ઊંચી શાખ છે.

પણ મને બીક છેકે, તમે મારી ચ્હાનાં બહુ વખાણ કર્યાં તેથી, ભવિષ્યમાં મને અહંકાર આવી જાય અથવા કોઈની બૂરી નજર લાગી જાય તો, હવે પછી મારી ચ્હા ફાટી જાય તેમ પણ બને?

 
આદરણીય પન્નાકાકા, આપના આશીર્વાદે મને સતત સારી અને સ્વાદિષ્ટ ચ્હા બનાવવાની હિંમત આપી છે,પરંતુ, તમે વખાણ કર્યા પછી, હવે મારી જવાબદારી પણ ઘણીજ વધી ગઈ છે? 

શેરીમાં કોઈ જાહેર પ્રસંગ સમયે, મારી એક નાનકડી ભૂલને કારણે, મારાથી તપેલાં ભરીને ઉકાળેલી  ચ્હા  બગડી જાય અથવા તેવી ચ્હા પીને, કોઈ નિરાશ ન થઈ જાય ,તે માટે હું સદાય સજાગ રહું તેવા મને આશીર્વાદ આપો..!!
 
આદરણીય પન્નાકાકા, હું તો સાવ સામાન્ય કુટુંબનો, સામાન્ય માનવી છું.  મનુષ્ય તરીકે હું ક્યારેય પૂર્ણ હોવાનો ભ્રમ રાખતો નથી. 

મારામાં પણ મનુષ્ય સહજ ઊણપો હોય; ગુણ પણ હોય, અવગુણ પણ હોય. લોકોની માફક મને રાજકારણ ખેલતાં આવડતું નથી, વળી બધાને ભાવે તેવી સરસ ચ્હા બનાવવી તે મારો માનવ તથા યજમાન ધર્મ છે..!! તેમાં રાજકારણ શું કામ રમવું?"
 
બસ, નરેને કહેલી વાતને, પન્નાકાકા એ હજુ તો ફરીથી કહી,ત્યાંતો પેલી `ટર્લ્લિકા` સોરી તરલિકા ઘવાયેલી વાઘણની માફક, એકદમ વિફરી..!!
 
પન્નાકાકાને તો વધારે શું કહે પણ, પોતાના ઘરની બહાર આવીને, નરેનના ઘર સામે, લાંબા-લાંબા હાથ કરીને, પોતાનો ઘોઘરા ઘાંટાનું વોલ્યુમ એકદમ વધારી દઈને, મન ફાવે તેમ લવારે ચઢી ગઈ..!!
 
`તમાશાને તેડું ન હોય`  તે ન્યાયે, થોડીક વારમાં તો આખી શેરીના લોકો, ઓટલે,અગાશી,બારીઓમાં તરલિકાનો તમાશો જોવા ગોઠવાઈ ગયા એટલુંજ નહીં તરલિકા જેવીજ તેની કેટલીય રખડેલ બહેનપણીઓ, જેમની સામે જોવાનું તો દૂર પણ, અત્યાર સુધી કુંવારો નરેન,  તેમને ચપટી ઘાસ પણ નાંખતો ન હતો, તે બધી પણ નરેન પર દાઝની મારી, તરલિકાની સાથે મળીને કારણ વગર `હોહો` કરવા લાગી..!!
 
તરલિકાની માથાભારે બહેનપણીઓ તથા વિફરેલી તરલિકાને, ઘરની બહાર,  `હોહા` કરતી સાંભળીને, પન્નાકાકા પણ ગભરાયા અને વાતને વાળવા તરલિકાને સમજાવવા લાગ્યા,
 
" મેં ભલે ને નરેનની ચ્હાનાં વખાણ કર્યાં,પણ નરેન તારું  બધું જ કહ્યું માનશે તોજ, હું તેને સારો ભાઈ માનીશ, નહીંતર નહીં બસ? મારી ગગી,ગ..ગી, હવે શાંત થઈ જા..!! ચાલ જોઉં, હવે એક શબ્દ જો, તારા સારાભાઈ નરેન વિરુદ્ધ બોલીને તો? તો મારે, ફરીથી ૯૭ કલાકની, દેહશુદ્ધિ ઉપવાસ તપશ્ચર્યા આદરવી પડશે..!!"
 
પન્નાકાકાના કરગરવાનો અવાજ સાંભળીને, તરત નરેનભાઈ બહાર ઓટલા પર આવી ગયા અને પલભરમાં આખી વાત પામી ગયા..!!
 
નરેને, તરલિકા સાથે બીજી લપમાં ઉતર્યા વગર, પન્નાકાકાને કહ્યું," જુવો, પન્નાકાકા, મેં તમને ચેતવ્યા હતાને કે, મારા ઘર વિરોધી સ્થાપિત હિતો માટે કામ કરતી એક ટોળકી આપને ચૂંથી નાંખશે?  
 
આપના દેહશુદ્ધિ ઉપવાસ તપસ્યા અભિયાનને ડાઘ લગાવવા માટે `મારા હાથની ચ્હા સારી કેમ?`જેવા મુદ્દાનો દુરુપયોગ કરશે? 

મારા વખાણ કરવા બદલ, આપને ભૂંડા ચીતરવાની કોઈ તક, તેઓ જતી નહીં કરે? કમનસીબે મારી આશંકા સાચી પડીને? 

ફરી એકવાર આખી ટોળકી મેદાનમાં આવી ગઈ..!! પન્ના..કા..ક્કા..; નવરાત્રિના પાવન પર્વે માઁ જગદમ્બાને, આ નરેન પ્રાર્થના કરે છેકે આપની સત્યનિષ્ઠાને ઊની આંચ ન આવે..!!
 
આપ તો જાણતા જ હતા કે મારા વિશે સાચું બોલનાર, સારું બોલનાર, નાના-મોટા સહુ કોઈ ઉપર, કેવા કેવા માનસિક અત્યાચારો ગુજારવાની ફેશન થઈ ગઈ છે?
 
ભૂતકાળમાં, ગામના વિકાસ માટે, મેં ઉદાર હાથે આપેલા ગામફાળા બદલ, આપણા બાજુના ગામના સરપંચશ્રીએ, મારા વખાણ કર્યાં તો આવા સિનિયર સરપંચની, તેમના પદ પરથી, ગામ લોકો દ્વારા હકાલપટ્ટી કરી દેવામાં આવી.
 
આપણા જ ગામના લઘુમતિ કોમના,મારા કેટલાક મિત્રોએ, જ્યારે આ ગામફાળાનો લાભ તેમને પણ પહોચશે તથા ધર્મના આધારે  નરેનભાઈ કોઈ ભેદભાવ રાખતા નથી અને વિકાસનાં ફળ સહુને મળે છે; એવું જાહેરમાં બોલ્યા કે તે સાથે જ તેમની પર આભ તૂટી પડ્યું. સ્થાપિત હિતોની આ જ  ટોળકીએ તેમને હેરાન પરેશાન કરી મૂક્યા.
 
આ તો માત્ર એક જ ઉદાહરણ છે; પરંતુ મારી ખરા દિલથી બનાવેલી ચ્હા નાં વખાણ, આવા સ્થાપિત હિતોની ટોળકીની આંખમાં કણાની જેમ ખૂંચે છે? કોઈપણ વાતમાં મારું નામ આવતાની સાથે જ, ગામમાં જુઠ્ઠાણાં, અપપ્રચારની આંધી ચલાવવામાં આવે છે?

આદરણીય પન્નાકાકા, બસ હવે બહુ થયું, હું નથી ઈચ્છતો કે, આ ટોળકી આપને પણ દુઃખી કરે..!! મને હજુ પણ ડર છે, આ ટોળકી આપને હજી વધારે અપમાનિત કરશે જ..!! પ્રભુ આપને આ ટોળકીનાં અપમાન સહન કરવાની અસીમ શક્તિ આપે..!!

તમારાથી મોટા અને તમારા બધા સારાભાઈઓ ના દુઃખદ અવસાન બાદ, આપણા કુટુંબ માટેના આપના ત્યાગ અને તપસ્યાને હું  આદરપૂર્વક નમન કરું છું.
 
અંતે, ઈશ્વર, આપને ખૂબ ઉત્તમ સ્વાસ્થ્ય અને દીઘાર્યુ આપે જેથી મારા જેવા અનેકાનેકને આપનું માર્ગદર્શન મળતું રહે એજ પ્રાર્થના."
 
એકજ શ્વાસે આટલું બોલીને, વિફરેલી તરલિકાને બોલવાની `ખો` (તક) આપીને, શાણા નરેનભાઈ પાછા રસોડામાં ઊકળતી ચ્હા ફાટી ન જાય તેનું ધ્યાન રાખવા, પોતાના ઘરમાં જતા રહ્યા...!!
 
આ બધું બન્યું ત્યાર પછી તો, આગળ શું થશે? તે જાણવામાં, મારોય રસ ઊડી જવાને કારણે હું ય ત્યાંથી ચાલતો થયો..!!

પણ મને છેલ્લા, સમાચાર મળ્યા છેકે, જાણે અમારી શેરીનાં હડકાયાં કૂતરાં, પન્નાકાકાની પાછળ પડવાનાં છે, તેવા સમાચાર વહેતા થયા હોય કે બીજું ગમેતે કારણ હોય, પન્નાકાકાએ અમારી શેરી તરફ જોવાનુંય ટાળવા માંડ્યું છે?


ભોગ અમારી ગુજરાતી શેરીના?

બીજું શું વળી?

માર્કંડ દવેઃ- તા-૧૩-૦૪-૨૦૧૧.

1 comment:

  1. માફ કરશો, માર્કન્ડભાઇ, આપની આ પોસ્ટ જોવાનું બાકી રહી ગયું હતું. મોડે મોડે કેમ ન હોય, વાંચી અને મારા નામેરીની સ્થિતિ સાંભળીને દુ:ખ થયું. એક વાત કહો જોઉં, ટર્લ્લિકામાસીનાં લગ્ન થયા હતા તો પણ પિયરની અટક ગાંડાભાઇ હજી કેમ વાપરે છે? જેમ ક્રિસ્ટા મેટલવાડે ધર્મ બદલ્યો પણ હજી બાપની અટક વાપરે છે તેવું તો નથી? બનવાજોગ છે, બન્ને બેનપણીઓ હોય અને મોળકાતના વખતે લીધેલ સમ હજી પણ પાળતા હશે!

    બાકી નરેનભાઇ મળે તો એમને પરદેશ વસતા નરેનભાઇના રામ રામ કહેજો. પરદેશમાં હજી કોઇ રામ રામ જેવા greeting પર અહીંના Pecularistsને વાંધો નથી.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.