Friday, January 15, 2010

તને ચાહવાની મૌસમ છવાઈ છે.

તને ચાહવાની મૌસમ છવાઈ છે.

પ્રિયમિત્રો,

સર્વે સજીવોનો અભ્યાસ કરી,માનવ સિવાય અન્ય સર્વે પ્રાણીઓના વ્યવહાર વિષે અનુમાન કરી શકાય છે.
પરંતુ જ્યારે માનવ પ્રેમ જેવા નાજૂક,પવિત્ર બંધનના પાલનમાં પણ,બળબળતા બપોરનો તાપ બની,
જાતેજ પોતાનો ભાગ્ય વિધાતા બને, ત્યારે તેના માટે ખૂદ ઈશ્વર પણ કોઈ મદદ નથી કરી શક્તો.

પછી સળગીને રાખ થયેલા પ્રેમને બચાવવાની મથામણ,એવી લાગેકે જાણે..!!

समूलं वृक्षं उत्पाट्य शखां उच्छेत्तुं कुतः श्रमः।

અર્થાતઃ- મૂળ સહિત ઝાડને કાપ્યા પછી ડાળી કાપવા શા માટે પરિશ્રમ કરવો?

જોકે,રાખમાંથી ફિનિક્સ પંખીની માફક સાચો પ્રેમ ફરી સજીવન થઈ શકે છે.
એ માટે પ્રેમ એટલે શું તે જાણવું પડે છે.

મિત્રો,આ સાથે લેખના અંતે, ઉસ્તાદશ્રીબડે ગુલામ અલીએ ગાયેલ એક અદભૂત રચના `ભોર ભયી` રજૂ કરી છે,
એક ખાનગી બેઠકમાં ગાયેલી આ રચના, આપણા આજના વિષયને અનુરુપ છે.ડાઉનલૉડ કરવા ભલામણ છે.

પ્રેમ શું છે ?

પ્રેમ ઈચ્છા છે,પ્રેમ મહેચ્છા છે.

પ્રેમ બિંબ છે,પ્રેમ પ્રતિબિંબ છે.

પ્રેમ સાદ છે,પ્રેમ યાદ છે.

પ્રેમ હોશ છે,પ્રેમ બેહોશ છે.

પ્રેમ રમત છે,પ્રેમ મરમ્મત છે.

પ્રેમ ધડકન છે,પ્રેમ તડપન છે.

પ્રેમ ઘટા છે,પ્રેમ વિજળી છે.

પ્રેમ સાવન છે,પ્રેમ પાવન છે.

પ્રેમ ચમન છે,પ્રેમ વસંત છે.

પ્રેમ શરમ છે,પ્રેમ વહેમ છે.

પ્રેમ શરાબ છે,પ્રેમ સબાબ છે.

પ્રેમ નિકટ છે,પ્રેમ વિકટ છે.

પ્રેમ મિલન છે,પ્રેમ વિરહ છે.

પ્રેમ જિંદગી છે,પ્રેમ બંદગી છે.

પ્રેમ નિત્ય છે,પ્રેમ સત્ય છે.

પ્રેમ અનંત છે,પ્રેમ શિવમ છે.

પ્રેમ સુંદરમ છે,પ્રેમ ઈશ્વર છે.

અને ઈશ્વરની ઈચ્છા જ્યારે હોય,ત્યારે પ્રેમના બીજાંકૂર ફૂટે,આશા બંધાય,
અને લાગેકે ટહુકે - ટહુકે વસંત રેલાઈ છે,
અને કોઈને ચાહવાની મૌસમ છવાઈ છે.

હે પ્રિયે,સિંચીશું બાગ સ્વર્ગથી એ રુડો,
કે જોને..!! ટહુકે - ટહુકે વસંત રેલાઈ છે.
પ્રિયે,પ્રેમાંકૂર ફૂટ્યાને આશા બંધાઈ છે,
શું કહું,તને ચાહવાની મૌસમ છવાઈ છે.

હવે તો,ગ્રહોને આ રાશી ગોઠવાશે ફરીથી,
પ્રિયે, વિધાતા એ લેખ આપણા લખશે ફરીથી.
વિધાતાનેય જાણ થઈ ગઈ છે એની,
શું કહું,તને ચાહવાની મૌસમ છવાઈ છે.

પ્રિતની મીઠાશ અહીં ઝરશે ફરીથી,
પ્રિયે,ભ્રમરને આ ફૂલો રીઝવશે ફરીથી.
ફૂલોનેય જાણ થઈ ગઈ છે એની,
શું કહું,તને ચાહવાની મૌસમ છવાઈ છે.

ધરતીનું હૈયું ધબકશે ફરીથી,
પ્રિયે,સ્પર્શ્યું કોઈ મારા દિલને ફરીથી,
સમીર કહી ગયો,કાનમાં ધીરેથી,
શું કહું,તને ચાહવાની મૌસમ છવાઈ છે.

પ્રેમ એજ પૂજા,પ્રેમ એજ પરમાત્મા અને પ્રેમ જ પૂજારી -
આ ત્રણ ના સુભગ સમન્વયનું નામ ઉત્તમ ઘરસંસાર.

મને કહેશો ?
પ્રેમ પુનમની દિવ્ય ચાંદની જેવો છે ? કે,
પ્રેમ વૈશાખના બળબળતા બપોર જેવો ?
આપનો અનુભવ શું કહે છે ?

ઉસ્તાદશ્રીબડે ગુલામ અલીએ ગાયેલ એક અદભૂત રચના `ભોર ભયી`

http://www.4shared.com/file/139897505/d2bc18a2/BHOR_BHAYI-BADE_GULAM_ALI.html

ડાઉનલૉડ કરવા ભલામણ છે.

માર્કંડ દવે.તા.૦૭-૧૨-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.