Saturday, August 21, 2010

`નીતિમત્તા`

`નીતિમત્તા`

" चला लक्ष्मीश्चलाः प्राणाश्चमं जीवित-यौवनम।
  चलाचले  च  संसारे धर्म  एको  हि  निश्चलः॥" 
- चाणक्यनीति

અર્થાતઃ-

લક્ષ્મી ચંચળ છે,  તેજ રીતે પ્રાણ, જીવન અને યૌવન નાશવંત છે. આ  સંસારમાં, માત્ર (માનવ) ધર્મ જ, સાચો સાથી અને સમાજની મોટામાં મોટી સંપત્તિ છે, એટલે તેનો જ, સંચય કરવો જોઈએ.


॥ ચાણક્ય નીતિ ॥

==========

પ્રિય મિત્રો,

સાંસદોના પગાર વધારાની, વરવી અને બિભત્સ કાગારોળમાં, આપણા (!!) લાલુજી, ગઈકાલે વડાપ્રધાન ( !! ) બની ગયા.

જોકે, લાલુજી અને તેમના સાથીદાર સાંસદોએ, આપણને જાગૃત કરવા ભરચક પ્રયત્ન કર્યો કે, `લાલુજીની આગેવાની હેઠળ જો, ખરેખર કેન્દ્ર સરકાર રચાય તો, નીતિમત્તાને નેવે મૂકીને, તેઓ, પોતાનાં ઘર ભરવા માટે કેટલી હદ સુધી જશે?`

પ્રજાના પરસેવાનાં  નાણાંમાંથી ખરીદેલી, એક નાની પેન્સીલના ટૂકડાને પણ સાચવી જાણતા, પૂજ્ય ગાંધીબાપૂને હ્યદયપૂર્વક યાદ કરીને,
આજની આ કથા, લાલુજી આણી મંડળીના પગાર વધારાની, વરવી અને બિભત્સ કાગારોળ  નિહાળીને, અત્યંત દુઃખ અનુભવતા, સર્વે  નાગરિકોને અર્પણ.

==========

`નીતિમત્તા`

" મિત્ર, મને રોકશો નહીં, મારો અંતરાત્મા મને કોઈની સાથે, અજાણતાં પણ, છેતરપીંડી કરતાં ટોકે છે. હું તમારો અવાજ સાંભળુંકે, મારા આત્માનો?"

એ બંગાળી સજ્જન, પોતાના મિત્રને, પોતાના અંતરાત્માના અવાજનું મહત્વ સમજાવીને, પોતાને પોતાનું ધાર્યું કરવા દેવા, વિનંતી કરી રહ્યા હતા."

આ બંગાળી સજ્જનને, તેમની પત્નીએ પણ મનાવી જોયા, " આમ તો હું, તમને કોઈ કાર્યમાં, રોકતી નથી.  પરંતુ, આપણી આર્થિક સ્થિતિ જોતાં, તમે આ પત્ર ન લખો, તો સારું..!! આટલી મોટી વીમાકંપનીને, તમારા એક પત્રથી કશો જ ફરક પડવાનો નથી..!!"

પત્ની સામે, પ્રેમભરી નજર કરીને સજ્જને જવાબ આપ્યો," તને શું લાગે છે, કાલે ઉઠીને મને કાંઈ થઈ જાય અને હું ન રહું તો, મારા ગયા પછી, અણહક્કનાં આ  નાણાં તને પચશે?  તે નાણાં સ્વીકારતી વેળાએ, મારા અંતરાત્માને દુભવીને, આ રકમ તને  મળી છે, તેમ તારો આત્મા ડંખશે તો, તુ શું કરીશ? તેં મારું પડખું સેવ્યું છે, તારું અને મારું મંતવ્ય, માનવ ધર્મ અને નીતિમત્તાની બાબતે, અલગ થોડુંજ  હોઈ  શકે?"

હવે, આ સજ્જનની વાતને કાપવા માટે, તેમની પત્ની પાસે કોઈ ધારદાર દલીલ ન હતી અને હોત તો પણ તેવી દલીલ કરીને, આ છેલ્લા શ્વાસ લેતા, પોતાના પ્રેમાળ પતિને, અંતરાત્માના અવાજ વિરુદ્ધ, પત્ર લખતા રોકવાનો ઈરાદો પણ ન હતો.

બાબત એમ બની હતીકે, આ સજ્જને, ઠીકઠીક રકમનો, પોતાનો જીવનવીમો ઉતરાવ્યો હતો. પરંતુ આશરે, ચાર-છ માસ પછીજ, તેઓ અત્યંત બીમાર પડી ગયા.

પુરતાં નાણાંને અભાવે તેઓએ, બીજા બે માસ સુધી ઘરગથ્થુ ઈલાજ કરી જોયા, પરંતુ તબિયતમાં, કશોજ સુધારો  ન થતાં, છેવટે કો`ક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈને,  સારવાર શરૂ કરી.

બીમારીની, અત્યંત ઝીણવટભરી, સઘન તપાસના અંતે ડૉક્ટરે અભિપ્રાય આપ્યો કે, તેમને જવલ્લેજ હોય તેવો, સતત ઉંચો રહેતો, મધુપ્રમેહ (ડાયાબિટીસ) નો રાજરોગ કાયમી  ઘર કરી ગયો હતો.

સમયસર યોગ્ય  સારવાર કરવાને બદલે, લાંબો સમય ઘરગથ્થુ ઉપાય કરાવાને કારણે, આ સજ્જનના   શરીરમાં, રોગ જીવલેણ કક્ષાએ, વકરી ગયો હતો.

જોકે, આ સજ્જનને સવાલ, `મૃત્યુના ભયનો ન હતોકે તેમના પછી તેમના કુટુંબનું શું?`, તે પણ નહતો.

પરંતુ સજ્જનનો અંતરાત્મા ડંખતો હતોકે,  ડૉક્ટરના પરિક્ષણના તારણ મુજબ, આ મધુપ્રમેહનો રોગ, જ્યારે તેઓએ જીવન વીમો ઉતરાવ્યો, તે અગાઉનો હતો.

જોકે, કોઈ કારણસર, વીમો ઉતારતી વખતે, તબીબી પરિક્ષણ સમયે, વીમાકંપનીના ડોક્ટરે, અજાણતાં કે પછી પોતાની ફરજમાં વેઠ ઉતારી હોવાની શક્યતાને કારણે, તે સમયે આ રોગ, પકડી  શકાયો ન હતો અને વીમો હેમખેમ ઉતરી ગયો હતો.

આ વાત જાણ્યા પછી, આ સજ્જનના અત્યંત કથળી ગયેલા શરીરમાંથી, ઈજ્જતપૂર્વક છૂટતા મથવા અંતરાત્માને, વીમાકંપનીને છેતરીને, પોતાના મૃત્યુ બાદ, અણહક્કની  કોઈ રકમ, આ  રીતે, પોતાના કુટુંબને મળે, તે મંજૂર નહતું.

તેથી, મૃત્યુશૈયા પર સુતેલા, આ સજ્જન, વીમા કંપનીને, પોતાનાથી થયેલી, આ શરતચૂકની જાણ કરતો, પત્ર લખી રહ્યા હતા અને તેમનો વ્યવહારુ મિત્ર અને પત્ની,  આ સજ્જનને આમ નહીં  કરવા સમજાવી રહ્યા હતા.

જોકે, છેવટે, મૃત્યુશૈયા પર પડેલા, માનવીની અંતિમ ઈચ્છાને માન આપીને, પેલા મિત્ર અને આ સજ્જનની પત્નીએ, તેમને, વીમા કંપનીને સ્પષ્ટતા કરતો પત્ર લખવામાં મદદ કરી.

આખી જિંદગી, જીવની માફક જતનપૂર્વક,  જાળવેલી નીતિમત્તાને, અંતિમ સમયે પણ જાળવી શક્યાના સંતોષ સાથે, આ સજ્જને, વીમા કંપનીને પત્ર પાઠવ્યો...!!

" મહેરબાન સાહેબશ્રી,

આ પત્ર દ્વારા, આપને સવિનય જાણ કરવાનીકે, આપની વીમા કંપનીમાં,તાઃ________, ના રોજ, પોલીસી નંબર;_______ થી, રકમ રૂ.________, નો જીવનવીમો, મેં  ઉતરાવ્યો છે.

તે સમયે, આપની કંપની દ્વારા નિમાયેલા ડોક્ટરસાહેબે, મને સંપૂર્ણ નિરોગી ઠરાવ્યો હતો.

પરંતુ, હાલમાં જ મને જાણ થઈ છેકે, આ જીવનવીમો ઉતરાવ્યો, તે અગાઉ થી હું ડાયાબિટીસનો દર્દી હતો, જે કોઈ કારણસર આપની કંપની દ્વારા કરાયેલા તબીબી પરિક્ષણમાં, પકડી શકાયું નહ્તું.

કાયદાની દ્રષ્ટિએ, મારા વંશવારસો, મારા મૃત્યુ બાદ, વીમાની રકમ મેળવવા હક્કદાર હોવા છતાં, મારા અંતરાત્માને, આ સંજોગો અને રકમનો, નીતિની દ્રષ્ટિએ  લાભ મેળવવો, સર્વથા અનુચિત  હોવાથી,

આથી હું સંમતી આપું છુંકે, પ્રસ્તુત વીમાની રકમ પર, મારો કોઈ પણ પ્રકારનો, અધિકાર હોય તોતે, આજથી  હું જતો કરું છું.

મારાથી અજાણતાં પણ, થયેલા આ દોષ બદલ દીલગીરી વ્યક્ત કરી, આપની ક્ષમા પ્રાર્થું  છું.

આપનો વિશ્વાસુ.

___________.

===========

પ્રિય મિત્રો,

અંતરાત્માના અવાજ મુજબ, નીતિમત્તાના માર્ગને અનુસરનારા, આ બંગાળી સજ્જન, તે  બંગાળ પરગણાના, સન્માનનીય, શ્રીનીલમાધવ  ચટ્ટોપાધ્યાયજી.

કદાચ, આવા સજ્જન નેતાઓ, હવે રહ્યા જ નથી અને હોય તો મતદાન સમયે તેઓની ડિપોઝીટ જપ્ત થાય, તેટલાજ વૉટના, તેઓ હક્કદાર હોવાનું, આપણે મતદાતાઓ માનતા હોય તેમ, ભાસે છે...!!

કદાચ,  લાલુજી આણી મંડળીના, રોજના તમાશા વગર, આપણો દિવસ એળે જશે, તેવી ભીતિને કારણે, લાલુજી જેવા લોકો ચૂંટાય છે?
 
માર્કંડ દવે. તાઃ ૨૧ -ઑગસ્ટ -૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.