Monday, June 28, 2010

સિરિયલ કિલર ( Kill Her ? )

સિરિયલ કિલર ( Kill  Her ? )"   હાંકું ક્યારે, કાસળ  કાઢું? ઓ  સિરિયલ ફિવર..!!  
    મારું  તને, મસળી કાઢું?  ઓ  સિરિયલ Kill  Her..!!  


==========

પ્રિય મિત્રો,

હમણાં થોડા માસ અગાઉ, એક યુવા મિત્રનાં લગ્ન થયાં, બહારગામ હોવાથી હું, તે લગ્ન ઍટેન્ડ ન કરી શક્યો, તેથી એક દિવસ રાત્રીના, નવ વાગ્યાની આસપાસ, તેના લગ્નના અભિનંદન પાઠવવા,તેના વિશાળ બંગલે, હું પહોંચી ગયો.

મેં જોયુંકે,  અલગ-અલગ રૂમમાં, ત્રણ થી ચાર ટીવી સેટમાં, અલગ-અલગ સિરિયલ્સના, મોટા અવાજથી,  તે યુવા મિત્રનો બંગલો, ગાજતો હતો અને  યુવા મિત્ર અને તેના આધેડ ઉંમરના પિતા, બંગલાની બહાર આવેલી, નાની અલાયદી, ગાર્ડન જેવી જગ્યામાં,બાંગ્લાદેશી નિરાશ્રિત જેવા, ભાવ ધારણ કરીને, એકલાઅટૂલા  બેઠા હતા.

યુવા મિત્રને,  લગ્નના અભિનંદન પાઠવીને, કવર આપવાનો વ્યવહાર પતાવ્યા બાદ, મારા માટે, જાતે પાણીનો ગ્લાસ લઈને આવેલા, યુવા મિત્રને,  અમસ્તુંજ કહ્યું," અરે તમે શા માટે તસ્દી લીધી? આપનાં મિસિસને કહેવું હતુંને? આમ પણ, મારે તેમને, પ્રથમવાર મળવાની ઈચ્છા હતી, ક્યાં છે તે?" એટલું કહીને મેં,  ભોળાભાવે, આસપાસ નજર કરી.

પેલા યુવા મિત્ર,  ભોંઠા પડી ગયા અને પોતાની નવવિવાહિત પત્નીને બોલાવવા, બંગલામાં ચાલ્યા ગયા.

હવે,    હું અને પેલા યુવા મિત્રના,  પિતા બંને એકલા પડતાંજ, સમય પસાર કરવા, મને વળી કમતિ સૂઝીકે,  ભોળાભાવે તેમને, મેં પ્રશ્ન કર્યો, " અંકલ, મને લાગે છેકે,  આપને ટીવી જોવાનો શોખ નથી..!!"

બ.....સ...!!  મારા માટે, ઘરની વહુ,દીકરીને બદલે, દીકરાને પાણી લઈને આવવું પડ્યું, તે જોઈ, મનમાં ક્યારનાય ધુંધવાઈ રહેલા, ઘરના વડીલ અંકલ, મારાથી કોઈ ઍટમબોંબની જામગરી ચંપાઈ ગઈ હોય  અને  જેમ જોરદાર ઘડાકા સાથે બોંબ  ફૂટે,  તેમ  પેલા અંકલ ફાટ્યા.

" આ   રાં...ડ....ની !!   સિરિયલોએ તો, ઘરસંસારનો, દાટ વાળ્યો છે. સાલું..!!  મારે ચ્હા-પાણી જોઈએ તો પણ,  બ્રેકમાં મળે. રોજ સાંજ પડેને,  બધી ચેનલોમાં કામ કરતાં બૈરાં,  તાલેમાલે તૈયાર થઈને, એકમેક સાથે, મોંઢાં ને હોઠ વાંકાચૂકા કરીને, લઢવાનું ચાલું કરે તે, છેક આપણા પથારીમાં પડતા સુધી, એવડીઓની ઘાંટાઘાંટથી આખું ઘર ગાજે...!!

તેમણે આક્રોશથી ઉમેર્યું , " આપણા  સગાંમાં,  કોઈનો જન્મદિવસ હોય તે,  કોઈને યાદ ના હોય પણ, કઈ સિરિયલમાં ,  કેટલા વાગે,  કોનો ભવ્ય, મહા ઍપિસોડ આવવાનો છે, તે આ બધીયું  યાદ રાખે..!!"

એટલામાં,પેલા યુવા મિત્ર, તેમની નવવિવાહિત પત્નીને લઈને આવ્યા. તેણે ઉતાવળે,  મને પગે લાગવાનો અભિનય કર્યો, જોકે તે દરમિયાન પણ તે પત્નીની નજર,  સિરિયલનો બ્રેક પુરો ન થઈ જાય, તેમાં હતી,તેમ મને લાગ્યું.

આજ કારણે, તે આવી હતી, તેવીજ  પરત રવાના થઈ. એની પાછળ - પાછળ કારણ વગર,પેલા યુવા મિત્ર પણ, અંદર ચાલતા થયા.

રખેને...!! પેલા અંકલ, ગુસ્સાના ફૂટેલા બોંબમાંથી, મને અકળામણ થાય તેવો ધુમાડો, ફરીથી છોડવાનું શરૂ કરે, તે પહેલાં હવે ત્યાંથી રવાના થવાનું,  મને ડહાપણભરેલું લાગ્યું.  હું રજા લઈને, બંગલાની બહાર આવ્યો.

જોકે, કોણ જાણે કેમ...!! પેલા યુવા મિત્રના, પિતાજી તો બોંબ ધડાકાની જેમ ફૂટ્યા તે સાવ સ્વાભાવિક લાગ્યું, પણ મને પેલા તાજા પરણેલા, યુવા મિત્રના ચહેરા, ચાલ, હાવભાવ અને રંગઢંગ પરથી,  તેમના નવાસવા, લગ્નજીવનમાં પણ ,સાવ  સુરસુરિયું થઈ ગયું હોય તેવો ભાસ થયો. 

આમતો બેચાર દિવસ પછી, તે યુવા મિત્ર મને મળતાંજ, મારાથી ન રહી શકાતાં, મેં તેને આ  બાબતે પૂછ્યું તો તેણે, પોતાનો જે બળાપો કાઢ્યો, તે કુંવારા, છાંડેલા, રાંડેલા અને માંડેલા, પણ ફરી લગ્નોત્સુક, તમામને માટે માર્ગદર્શકરૂપ હોવાથી, તેનાજ શબ્દોમાં રજૂ કરવાની, ધૃષ્ટતા આચરી રહ્યો છું. 

યુવા મિત્ર ઉવાચ; " જો મારી સલાહ માનો તો, જેમને તાજેતરમાં લગ્ન કરવાની ઈચ્છા હોય અને છોકરીઓ જોવા જતા હોય તે સર્વેને  વિનંતીકે,

*કન્યાને રાંધતાં આવડે છેકે નહીં ? કપડાંને ઈસ્ત્રી કરતાં આવડે છેકે નહીં? કે પછી અભ્યાસના અને તેના શોખના બારામાં, આલતુફાલતુ  સવાલો કરવાને બદલે,

* કન્યાને,  ટીવી કેટલા કલાક જોવાનો શોખ છે? સિરિયલ જોવી ગમેકે  ડિસ્કવરી ચેનલ? ન્યૂઝ ગમેકે, હૉરર  ફિલ્મો? (DVD). આ પૂછપરછ કરવી વધારે હિતાવહ છે.

* આ ઉપરાંત, ઘરમાં જમવાનું, સિરિયલ્સ વચ્ચેની બ્રેકમાં મળશેકે,  સિરિયલ્સ શરૂ થતાં પહેલાં? (સાંજે છ વાગે?)  તે ખાસ પૂછવું..!!

* જો ટીવી સિરિયલ્સ, રાત્રે ૧૨.૦૦ સુધી ચાલવાની હોય તો,  રાત્રે  પ્રણયક્રિડાનો  લાભ પણ,  `બ્રેકાઈ,  બ્રેકાઈ` ને  મળશે કે  સુવાંગ, સુંદર, અખંડ?
 (MOST IMP.)

* સિરિયલ્સમાં આવતી, મોં - માથા વગરની,અનેકવાર ચવાઈ ગયેલી, કથા-વાર્તાની ચર્ચામાં, તમારે તેની સાથે ભાગ લેવો ફરજિયાત હશેકે, મરજીયાત ? (MOST IMP.)

* સિરિયલ્સમાં  બતાવેલાં,  સાસુ - વહુનાં, એકબીજા વિરૂદ્ધનાં  કારસ્તાન, પોતાના ઘરમાં અમલમાં મૂકીને, તેનાં પરિણામમાં, તમને તો ઈન્વોલ્વ નહીં કરેને...!!   (MOST IMP.)

ટીવીનું  બંધાણ એક રોગ ?

મિત્રો, ટીવીનું  બંધાણ એક રોગ છે. અમેરિકન ઍક્ટિવિસ્ટ અને લેખક  -`Jerry Mander`, તેના ૧૯૭૭માં પ્રકાશિત થયેલા પુસ્તક,` Four Arguments for the Elimination of Television` માં ` ટીવીના બકવાસ કાર્યક્રમોના બંધાણી શું કહે છે..!!`  તે દર્શાવતાં જણાવે છેકે,

* મને ટીવીએ હિપ્નોટાઈઝ કર્યો હોય તેમ લાગે છે.

* ટીવીએ, જાણે મારી તમામ જીવન શક્તિને હણી લીધી છે.

* ટીવીએ મને ક્યાંયનો નથી રાખ્યો.

* મને ટીવીએ ભાવશૂન્ય - જાદુથી જીવતી થયેલી લાશ જેવો કરી નાંખ્યો છે.

* ટીવી ચાલુ હોય ત્યારે હું તેની સામેથી નજર હટાવી નથી શકતો.

ડિરેક્ટર ઓફ ધ સેન્ટર ફોર મિડીયા સ્ટડીઝ - `MR. Robert Kubey`, ના જણાવ્યા પ્રમાણે ( (Scientific American, February 2002) , " "Television Addiction Is No Mere Metaphor,As one might expect, people who were watching TV when we beeped them reported feeling relaxed and passive."

આશરે ૭૦ વર્ષના, એક કાકા સાથે આ અંગે ચર્ચા કરતાં તેમણે અકળાઈને કહ્યું," સાલું...!! તારી કાકીના રાંધવામાં પહેલેથી ઠાયો ન મળે તેથી આખી જિંદગી,તેના હાથનું રાંધેલું, કાચું પાકું ખાધું.

હવે તેમને, સિરિયલ્સને કારણે, સાંજે રાંધવાનો ટાઈમ નથી.તેથી રોજ સાંજે બજારમાંથી લાવેલું, પંજાબી, ચાઈનીઝ, વડા પાંઉં - ભાજી પાંવ, જેવું જથરવથર ખાઈને, મારું તો પેટ બગડી ગયું છે. " તેમણે અત્યંત દુઃખી અવાજે ઉમેર્યું," જમવાની જરૂર જ ના પડે તેવી કોઈ યોનિમાં, હવે તો નવો જન્મ   મળે તો સારૂં...!!"

બેચાર દિવસ માટે રહેવા આવતા મહેમાન, આજ કારણસર આવતા ઓછા થઈ ગયા છે.

જોકે, કેટલાક મહેમાન તો આવે છેય ખરા અને નફ્ફટાઈથી, યજમાનના ઘરના ટીવીનો કબજો લઈને,  ઘરના સદસ્ય, ખાસ કરીને બહેનોની નારાજગી વહોરી લે છે.

સાયકૉલોજીકલ રિસર્ચ મુજબ, ટીવી નું બંધાણ,સાચેજ ચિંતાનું કારણ છે.

ટીવીનું બંધાણ છોડવાના સરળ ઉપાય.

આ માટે તમે શાંતિથી વિચારોકે, ટીવીનું બંધાણ તમને નીચે જણાવેલ બાબતો, ન કરવા દઈને, નુકશાન પહોંચાડે છે?

*  તમારી તંદુરસ્તી અને સ્વપ્નને હણે છે?

* તમારાં ફૅમિલીને તમારાથી દૂર કરે છે?

* તમારા ધંધાને નુકશાન કરે છે?

* તમારા સમાજથી તમને દૂર કરે છે?

* અત્યાર સુધી ટીવીથી કોઈ ફાયદો થયો છે?

જો ઉપરના સવાલના જવાબ, તમને સાચા મળશે તો, તમે ટીવીના બંધાણથી છૂટકારો મેળવી શકો છો.

જાણીતી ગાયિકા / ઍક્ટ્રેસ  `મૅડૉના`, કહે છેકે,

" I only allow my  family to watch a movie once a week.My kids don't watch TV. …We have televisions but they're not hooked up to anything but movies. TV is trash. I was raised without it, I didn't miss anything. TV is poison."

લો,કરો વાત..!! ટીવી પર રજુ થઈને, રોટલો રળી ખાનાર જ જ્યારે આમ કહેતા હોય તો,અર્ધનગ્ન  અવસ્થામાં ઉછળતી કૂદતી,  `મૅડૉના`. આપણને બેવકૂફ માને છે?

*  તમે અને તમારું  કુટુંબ, કેટલા  કલાક ટીવી જુવો છો,  તેની નોંધ રાખો

 * ટીવી જોતી વખતે તમે અને તમારા કુટુંબના  ફૉટા, લઈ તે કેવા અજુગતા દેખાય છે,તે તેમને બતાવો.       (  કેટલાકના હાથમાં, જમવાનો કોળિયો, જેમનો તેમ રહેલો દેખાશે..!!)

*  જીવનમાં ટીવી જોવા સિવાય, તેજ સમય દરમિયાન, અન્ય  લક્ષને,  વણી લો.

* ટીવી જ્યાં હોય તે રૂમમાંજ, મગજને અન્ય જગ્યાએ વાળી શકાય તેવી, પ્રવૃત્તિનાં સાધનો હાજર રાખો. દા.ત. ચેસ,કૅરમ, વિગેરે.

* જરૂર પડે ટીવી સિવાયની અન્ય રમત  કે પ્રવૃત્તિમાં, બાળકો અને વયસ્કોને, જીતવા બદલ ઈનામની ઘોષણા કરો.

* સમગ્ર મકાનમાં માત્ર એકજ ટીવી વસાવો. ( દરેક રૂમમાં નહીં.)

* કેટલાક પસંદગીના કાર્યક્રમ માટેજ ટીવી ઑન કરો.

* મોટાભાગના કાર્યક્રમોનું રીપીટ ટેલિકાસ્ટ થાય જ છે. તમારા કામનો સમય ના બગાડો.

* રિમોટ કંટ્રોલ ફેંકી દઈને, કાર્યક્રમ બદલવા, જગ્યાએથી ઉભા થવાની ટેવ રાખો.

* ટીવીનું સ્થાન એવું રાખો,કે તે સમગ્ર ઘરને પ્રભાવિત ન કરે,  જેથી કાર્યક્રમ શરૂ થવાના અવાજ માત્રથી, તે જોવા દોડી આવવાનું મન ન થાય.

* ટીવી શરૂ કરવા, અનેક આવરણ (કવર) હટાવવાં પડે તેમ,તેને ઢાંકેલુ  રાખો,જેથી  તે ચાલુ કરવાનો કંટાળો આવે.

* ટીવી સામે બેસીને ભોજન લેવાનું બંધ કરો.

* ટીવીના કાર્યક્રમને રેકૉર્ડિંગ કરીને, અનુકુળ સમયે જોવાની આદત પાડો.

* ટીવી જોતાં પહેલાં, તમને ગમતું કોઈપણ પુસ્તક, અખબાર કે લેખ વાંચવાનો નિયમ, ફરજિયાત કરો.
 શક્ય છે તેમાં રસ પડવાથી, ટીવી ઑન કરવાનું ટળી જાય..!!

* એકના એક કાર્યક્રમ, રીપીટ થાય તો તેને જોવાનું ટાળો.

* ટીવી કાર્યક્રમ,શરૂ થવાના સમયે જ બહાર લટાર મારવા નીકળી જાવ.

* ટીવી જોતી વખતે, ટીવી સિવાય, અન્ય દ્રશ્ય પણ નજર આવે તેવું સ્થાન પસંદ કરો. દા.ત. ઓસરી  કે  ઘરનો ગાર્ડન.

* જ્યોતિષ કે ફાલતુ, રાજકારણીઓ,નેતાઓની મુલાકાત (કે મુક્કાલાત)  જોવાનું તો બંધ જ કરી દો...!!          ( સોગિયા જણ ને, તે જોવાની છૂટછાટ છે..!!)

* ઉપર દર્શાવેલા તમામ ઉપાય, એક માસ માટે, અમલમાં મૂકો, પછી આ ઉપાય કાયમ અસરમાં આવી જશે.

ટૂંકમાં સાર એકે, કામ કરવાની જગ્યા, વાંચવાની જગ્યા (લાયબ્રેરી), બાથરૂમ, બેડરૂમ, કિચન, બેઠકરૂમને ટીવીના પ્રભાવથી મૂક્ત રાખો.

* જો તમે ટીવી કાર્યક્રમ કરતાં, અગત્યનાં કાર્યને યાદ રાખશો તો ટીવીનું બંધાણ  છૂટી જશે.

* આવાં અગત્યનાં કાર્યને પ્રાથમિકતા આપશો તો, ટીવી જોવાનું ધીરે ધીરે ઢીલમાં પડી શકે છે.

* તમે, દરરોજ ટીવી જોવાનું, કેટલો સમય ટાળી શક્યા તેવી નોંધ રાખશો તો, તેના આધારે, ટીવીનું બંધાણ છોડવામાં સરળતા રહેશે

મિત્રો,

જુના સમયમાં રેડિયો, ટીવીનું ચલણ અને ઉપલબ્ધિ નહિંવત હતી ત્યારે, દાદા-દાદી,બા-બાપુજી અને સમગ્ર કુટુંબ ભેગા મળીને, સાંધ્ય સમૂહપ્રાર્થના કરતા અને ત્યારબાદ જુની પૌરાણિક જીવન ઉપયોગી વાર્તાઓનો દોર શરૂ થતો.પરંતુ,

જ્યારથી,  બકવાસ વાર્તા-કથાઓનું, દ્રશ્યશ્રાવ્ય રૂપાંતર કરી, તેનો ટીવી શૉના નામે વેપલો શરૂ થયો છે...!!

જ્યારથી,  અન્ય બનાવટી કુટુંબ-કથાઓના કલાકારોએ , ઑવરઍક્ટીંગની ઈન્સ્ટીટ્યુટ શરૂ કરી હોય તેવો, ફાલતુ અભિનય કરીને બાળકો અને વયસ્કોને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું છે.

જ્યારથી,  ઘરના વડીલોએ પોતેજ,  ટીવીના બંધાણી બનીને, બાળકોને  ટીવીથી દૂર રહેવાનો, સૂફિયાણો ઉપદેશ આપવાનું શરૂ કર્યું છે.


ત્યારથી, ઘરસંસારમાં ઉદ્વેગ, અશાંતિ,માનસિક રોગ, આપઘાત અને ક્લેશનું પ્રમાણ અચાનક વધી ગયું છે..!!

" અતિ સર્વત્ર વર્જયેત" તે ન્યાયે, આ લેખને પણ અહીંજ પૂર્ણ કરવામાં સારાસાર છે.

આમેય, આપણું કહ્યું કોણ માનવાનું છે...!!

તમેય, જરા તમારા ઘરમાં કહી જોજો..!!  બધાં કહ્યું માનીને, ટીવી જોવાનું ઓછું કરે તો, મને જણાવશો ?, પ્લી....ઝ..!!

હી..હી..હી...હી...!!

માર્કંદ દવે.તાઃ- ૨૮ - ૦૬- ૨૦૧૦.

2 comments:

  1. excellent article on tv obsession.

    ReplyDelete
  2. મોજ પડી ગઇ. આપની શૈલીમાં શબ્દો દંભથી દૂર રહીને પૂર્ણ સ્વતંત્રતા ભોગવતા જણાય છે ... તમારી લાગણીની જેમજ.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.