Tuesday, June 22, 2010

સ્ટેજના રમૂજી કડવા-મીઠા અનુભવ.(શ્રેણી-૪) ` ચેરિટિ વિધાઉટ ક્લૅરિટિ.`

સ્ટેજના રમૂજી કડવા-મીઠા અનુભવ.(શ્રેણી-૪)

` ચેરિટિ વિધાઉટ ક્લૅરિટિ.`


મારો બ્લોગઃ-

" સાધ્યનું  સાધન, શુધ્ધ હોયતે  જરૂરી છે,
  નહિંતર   સાધક  સાધે ઈશ? મગરૂરી છે."


===========

` ચેરિટિ વિધાઉટ ક્લૅરિટિ.`

સન ૧૯૯૭ માં, સરકારી કચેરીમાં, ટેક્ષ વસૂલાત ડીપાર્ટમેન્ટમાં, ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન, એક  સરકારી રૂઆબદાર અધિકારીશ્રી,એક મિત્ર સાથે મને મળવા આવ્યા.

આ અધિકારીશ્રીએ, સહેજપણ સમય બરબાદ કર્યા વગર મૂળ વાત કરી જે મને ગમ્યું પણ ખરું..!!

તેઓશ્રીનાં પત્ની, અસહાય,ગરીબ, અપંગ લોકોને આર્ટિફિશીયલ ફૂટ પૂરા પાડતાં હતાં અને આ ઉમદા,સમાજ ઉપયોગી કાર્ય માટે, તેમની પત્ની અને આજ શહેરના, બીજા કેટલાક જાણીતા સામાજીક કાર્યકર મિત્રોને, ટ્રસ્ટી તરીકે નીમીને, એક ચેરિટેબલ ટ્રસ્ટ પણ રજીસ્ટર્ડ કરાવેલું હતું.

આજ ચેરિટેબલ ટ્રસ્ટના, ઉમદા ધ્યેયને પાર પાડવા, નાણાંભંડોળ ઉભું કરવા, ખેડા જીલ્લાના, એક જાણીતા શહેરમાં, ગુજરાતી ભજન - ગીત - ગઝલ સંધ્યાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો.

આ અધિકારીશ્રીના પદનો દબદબો હોયકે પછી, તેમનો ઉમદા  હેતુનું કારણ હોય,પણ આ સંગીત કાર્યક્રમ માટે ઘણાબધા કલાકાર મિત્રોએ સંમતિ આપી હતી.

મારે, સમગ્ર કાર્યક્રમનું, સંચાલન કરવાનું હતું  તથા એકાદબે  ભજન કે ગીતગઝલ રજૂ કરવાનાં હતાં. આવા ઉમદા હેતુ માટે  અને મારા  મિત્રને કારણે, ના પાડવાનો તો પ્રશ્નજ નહતો.

આ અધિકારીશ્રીએ, એ બાબત પણ જાહેર કરી દીધીકે, કોઈપણ કલાકાર, આ  કાર્યક્રમ માટે, કોઈજ મહેનતાણૂં લેવાના નથી. ખોટો ખર્ચ ના થાય અને શક્ય તેટલા ઓછા ખર્ચે કાર્યક્રમ પતે,તો  વધેલાં નાણાંમાંથી,વધારે અપંગ સહાય થઈ શકે તેવો તેમનો મત હતો. આમ પણ આવા કોઈપણ કાર્યક્રમ માટે,કલાકારો કાયમ સહકાર આપતાજ હોય છે.

આ અધિકારીશ્રી પાસેથી, કાર્યક્રમની તારીખ,સમય અને સ્થળની વિગતો, મેં નોંધી લીધી. પેલા અધિકારીશ્રીએ, મારો આભાર માનીને, કાર્યક્રમના દિવસે, સમયસર પહોંચી જવાનો વાયદો મેળવીને, મારા મિત્ર સાથે વિદાય લીધી. કાર્યક્રમ ત્રણ દિવસ પછી, તરતજ હતો.

કાર્યક્રમના દિવસે,કાર્યક્રમના સ્થળ પર હું કેવીરીતે પહોંચવાનો છું? તે જાણવા, કેટલાક કલાકાર મિત્રોના, મારા ઉપર ફૉન આવ્યા.  મેં તેમનાં પત્નીને ફૉન જોડીને, આ અંગે પૂછ્યું તો, તેઓએ એક લક્ઝરી બસ ભાડે કરી હોવાનું જણાવી, તે બસ  શહેરમાં, કાંકરિયા મેદાન પાસેથી, બપોરે ત્રણ વાગે ઉપડશે તેમ જણાવ્યું. આ અંગે તેઓએ, બધા કલાકારોને, અવગત કરવા માટે, તેમના માણસને કાર્ય સોંપી દીધું હોવાનું, પણ જણાવ્યું.

મારે તેઓની સાથે તેમની કારમાં આવવું હોયતો વ્યવસ્થા થઈ શકશે, તેટલું સૌજન્ય તેમણે જરૂર દાખવ્યું. જોકે હું મારા મિત્ર સાથે ,મારી કાર માં, જેતે સ્થળે સમયસર પહોંચી જઈશ તેમ કહી,તેમને ચિંતા ન કરવા જણાવી દીધું.

અમો કાર્યક્રમના સમયથી બે કલાક  પહેલાંજ, ખેડા જીલ્લાના,જેતે શહેરની મધ્યે આવેલા ઑડિટોરિયમમાં, પહોંચી જઈને, હાજરી પૂરાવી દીધી. મેં સ્ટેજ પર આંટો મારીને જોયુંતો હવે ફક્ત બે  જ  કલાકની વાર હોવા છતાં, હજી સ્ટેજ સજાવટની  કોઈજ  હિલચાલ થતી નહ્તી. મને ચિંતા થવા લાગી.એટલીવારમાં, કેટલાક આઠેક જેટલા, અજાણ્યા સિંધી વેપારી જેવા લાગતા, માણસોએ આવીને મને પૂછ્યુંકે, "આ  કાર્યક્રમ  કોણે ગોઠવ્યો છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટી તમેજ છો?"

મેં વિનયપૂર્વક ના પાડી તેથી તે  લોકો, ટોળે વળીને, ઑડિટોરિયમના દરવાજે, ટ્રસ્ટીઓની રાહ જોઈ ઉભા રહ્યા. એટલામાં એક સ્થાનિક ડેકોરેટર્સનો માણસ, ટેમ્પોમાં, કેટલાંક ગાદલાં, ખુરશીઓ તથા સ્ટેજ પર ગોઠવવા પાટ, ચેરિટેબલ ટ્રસ્ટનું, તાજું  જ  ચિતરેલું બેનર, વિગેરે લઈને આવ્યો . હવે મને હાશ થઈ..!!

સ્ટેજ ગોઠવાઈ ગયું. ટેમ્પોમાં આવેલા સાઉન્ડવાળાભાઈએ,સાઉન્ડ સિસ્ટમ ગોઠવીને, સિસ્ટમને ચેક કરવાનું શરૂ કરી દીધું.

એટલામાંજ અમદાવાદ,કાંકરિયાથી, કલાકારોને લઈને, ઉપડેલી લક્ઝરી બસ પણ આવી ગઈ. રાત્રીના નવ થવા આવ્યા હતા. સ્ટેજ સજાવટ અને એવી બધી ચિંતામાં, સાંજે પેટમાં, મેં  કશું નાંખ્યું નહતું. પેલા પગી પાસે,  નજીકની રેસ્ટોરન્ટમાંથી, ચ્હા અને બિસ્કીટ મંગાવીને, મેં અને પેલા મારા મિત્રએ, ભૂખને શાંત કરી. આવેલા કલાકાર મિત્રોએ રસ્તામાં, હાઈ-વૅ પર, પોતાની રીતે, પેટપૂજા કરી લીધી હતી. 

એટલામાં  ઑડિટોરીયમના મેનેજરશ્રી આવી ગયા. પેલા સરકારી અધિકારીશ્રીના,ડિપાર્ટમેન્ટમાંથીજ, તેમના અંગત કહેવાય તેવા, કેટલાક સ્થાનિક અધિકારીઓ પણ આવીને, આવેલા મહેમાનોને આવકાર આપીને, હૉલમાં, તેમને પોતાના સ્થાન સુધી દોરી જવા લાગ્યા.

છેવટે, અમદાવાદથી પેલા અધિકારીશ્રી અને તેમનાં પત્ની અન્ય ટ્રસ્ટીમંડળ સાથે આવી પહોંચ્યા. કારમાંથી ઉતરતાંજ, તેમના ડિપાર્ટમેન્ટના, તેમના હાથ નીચે સેવા આપતા, માણસોએ તેમને હારતોરાથી આવકાર્યા.વાજતેગાજતે, તેઓએ આવીને  આગળની હરોળમાં સ્થાન લીધું.

કાર્યક્રમ શરૂ કરવાનો સમય થઈ ગયો હોવાથી, મેં પેલા અધિકારીશ્રીનાં પત્નીને, કાર્યક્રમની વિગતો પૂછતાં, જાણવા મળ્યુંકે, કાર્યક્રમમાં, ઈંટરવલ રાખવાનો નથી, તેના સ્થાને આવેલા મહેમાનોનું સ્વાગત, ચેરિટેબલ ટ્રસ્ટનો પરિચય અને છેલ્લે આભાર વિધિ કરવાનો છે. ત્યારબાદ કાર્યક્રમ ભલે આગળ ચાલે.

થોડીવારમાં તો આખો હૉલ ભરાઈ શ્રોતાઓથી હકડેઠઠ  ભરાઈ ગયો.છેવટે કાર્યક્રમ શરૂ થયો.

ઈશ્વર વંદના અને સ્તુતિગાન બાદ, એક પછી એક કલાકારોએ રંગત જમાવી દીધી. શ્રોતાઓની દાદથી કલાકારો પણ પસન્ન થઈ ગયા.

કાર્યક્રમ શરૂ કરે, હજી તો અડધો-પોણો  કલાક પણ નહીં થયો હોય ત્યાંતો, અચાનક મૂખ્ય મહેમાનને વિદાય લેવી હોવાથી, તેમના સ્વાગતનો  વિધિ આટોપી લેવાની સૂચના આપતી એક ચીઠ્ઠી, મારી પાસે,પેલાં મેનેજિંગટ્રસ્ટી બહેને મોકલી.

તાત્કાલિક સ્ટેજ પર ખુરશીઓ ગોઠવાઈ અને ત્યાં પધારેલા, મહાનુભવો જેવાકે જીલ્લા મેજેસ્ટ્રીટ, પોલિસવડા તથા સ્થાનિક અગ્રણી રાજકીય નેતા વિગેરે, સ્ટેજ પર બિરાજ્યા. સ્વાગતવિધિના સંચાલનનો કાર્યભાર, ટ્રસ્ટનાજ એકભાઈ કરવાના હોવાથી, મને શાંતિ હતી.

બધા મહેમાનોનો સ્વાગત વિધિ સંપન્ન થયો પછી,આ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે, પેલાં બહેન બે શબ્દ બોલવા ઉભા થયાં.

આ બહેન, હજી માઈક સામે આવીને, શરૂઆત કરે ત્યાં.....તો....!! ત્યાં.....તો....!! ત્યાં.....તો....!!

હૉલમાં એક સિંધી વેપારી જેવા લાગતા,આધેડ ઉંમરના એક ભાઈ, અચાનક ખુરશીમાંથી ઉભા થઈ, જોરથી વિરોધના સ્વરમાં, કેટ્લાક સવાલ પૂછવાની, અનુમતિ માંગવા લાગ્યા.

અચાનક બધાયની ગરદન તે તરફ ફરી અને આખા હૉલમાં સન્નાટો છવાઈ ગયો. હવે આટલા બધા મહેમાનોની સ્ટેજ પર હાજરીમાં, કોઈને સવાલ પૂછવાની અનુમતિ ન આપવી તે, જાહેર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી માટે યોગ્ય ન કહેવાય તેમ લાગતાં,પેલા બહેને, પોતાના સરકારી અધિકારી પતિ સામે જોયું, તેમણે હકારમાં પોતાની ગરદન હલાવતાંજ, બહેને પેલા સિંધી વેપારીને સવાલ પૂછવા અનુમતિ આપી.

પેલા ભાઈએ એકજ સવાલમાં,એકસાથે બધુંજ પૂછી નાંખ્યું," બહેન,આપના ટ્રસ્ટના માણસો, અમારી દુકાન પર આવીને, અમને સમજાવીને,ટિકિટ
ખરીદવા આગ્રહ કરે તે વાત બરાબર છે,પરંતુ છેલ્લા ત્રણ દિવસથી રૂપિયા બસ્સોથી એકહજાર સુધીની ટિકિટ, અમને આગ્રહ કરીને  ખરીદવા માટે, સરકારી ટેક્ષ વસૂલાત ડીપાર્ટમેન્ટના સ્થાનિક ઑફિસર જાતે આવે છે....!! તેનોય વાંધો નથી પણ આતો અમે અમારી મજબૂરી જણાવીને, ટિકિટ ખરીદવા આનાકાની કરીએ તો અમારા હિસાબી ચોપડા ચેક કરવાના બહાને જપ્ત કરીને, હેરાન કરી, તેઓ  આપે તેટલી  ટિકિટ, પરાણે ભટકાડી જાય છે. અમારી પાસેથી દાન આવીરીતે  જબરદસ્તી વસૂલ કરવાનું ?"

આટલું બોલીને પેલા સિંધી વેપારીભાઈ જવાબની આશા રાખ્યા વગર જ પોતાના સ્થાન પર બેસી ગયા.

હૉલમાં, થોડી અકળાવનારી ક્ષણો વિત્યા બાદ, અચાનક જોરદાર તાળીઓનો ગડગડાટ સંભળાયો.સ્તબ્ધતા ખંખેરીને, મેં ઉંચી નજર કરીતો, આવેલા મોટાભાગના શ્રોતાઓ પોતાના સ્થાન પર ઉભા થઈને, તાળીઓ પાડી રહ્યા હતા.

સ્ટેજ પર બિરાજમાન, ટેક્ષ વસૂલાત ડીપાર્ટમેન્ટમાં, ઉચ્ચ હોદ્દાધારી,સરકારી રૂઆબદાર અધિકારીશ્રી તથા ટ્રસ્ટનો પરિચય આપવા માઈક પાસે ઉભેલાં,તેમનાં પત્ની, આવો સીધો ને સટ, અણિયાળો સવાલ સાંભળી તથા તે સવાલ, મોટાભાગના શ્રોતાઓનો પણ  છે,તેવી સૂચક તાળીઓના કારણે, કાપો તો લોહી ન નીકળે તેવાં થઈ ગયાં.

છેવટે પોલિસવડાની દરમિયાનગીરીથી એમ નક્કી કરવામાં આવ્યુંકે, આ પ્રકારે જે શ્રોતાઓ પાસેથી નાણાં મેળવાયાં હોય અને તેમને તેમનાં નાણાં પરત જોઈતાં હોય, તેઓ, હૉલની બહાર કાઉન્ટર પર, પોતાની ટિકિટ પરત કરીને,રકમ પરત મેળવી શકે છે.

આમ નક્કી થતાંજ, કાર્યક્રમ આગળ ધપાવતાં, પેલાં બહેને ટ્રસ્ટનો પરિચય આપવાનું શરૂ કર્યું.

હવે આવી તક તો કોણ ચૂકે ? લગભગ પોણા ભાગના શ્રોતાઓએ, ટિકિટ પાછી આપીને, નાણાં પરત મેળવવા, હૉલની છેક બહાર ઝાંપા સુધીની લાઈન લગાવી દીધી.

મને થયું હવે લગભગ ખાલી થઈ ગયેલા હૉલમાં,કાર્યક્રમ આગળ કેવીરીતે ધપાવવો ? બાકી રહેલા બધા કલાકારોનો મૂડ પણ ખરાબ થઈ ગયો.

કેટલાક કલાકારો તો રખેને..!!  લક્ઝરી બસ તેમને લીધા વગર ઉપડી જાય તો? તે બીકથી પોતાના વારાની રાહ જોયા વગર,હૉલની બહાર ઉભી રહેલી બસમાં જઈને બેસી ગયા.

ફક્ત બીજા અડધાજ કલાકમાં, કાર્યક્રમનો વીંટો વળી ગયો.

અમદાવાદ પાછા વળતાં મને મનમાં થયું,આજે જે કાંઈ બન્યું તેમાં વાંક કોનો હશે? 

*પેલા ટેક્ષખાતામાં, ઉચ્ચ હોદ્દો ધરાવતા,સરકારી અધિકારીશ્રીના દબદબાનો?


* વિધાઉટ   ક્લૅરિટિ   ચેરિટિ કરવા નીકળેલાં તેમનાં પત્નીનો?

* કશીજ તપાસ કર્યા વગર આવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર, પેલા મહાનુભવો અને અમારા જેવા કલાકારોનો?

* આવા કાર્યક્રમમાં ધનના ઢગલા કરાવી અપાવનાર, ટેક્ષખાતાના, ખુશામતખોર, સ્થાનિક ઑફિસર્સનો?

* કે પછી ,આવા કાર્યક્રમાં,શરમ,બીક, દબાણમાં આવીને, ટિકિટ ખરીદનાર શ્રોતાઓનો?

મિત્રો, સત્ય તો એ છેકે, કોઈપણ સાધના, સિદ્ધ કરવા માટે, સાધન પણ શુદ્ધ હોવાની ખાત્રી કરી લેવી જોઈએ.

" સાધ્યનું  સાધન, શુધ્ધ હોયતે  જરૂરી છે,
  નહિંતર   સાધક  સાધે ઈશ? મગરૂરી છે."

પણ આજના જમાનામાં આને વેદિયાવેડા કહેવાય તો નવાઈ નહીં..!!

આપનું શું મંતવ્ય છે?

માર્કંડ દવે.તાઃ-૨૨-જૂન-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.