Friday, July 23, 2010

મસ્તીખોર બુઢ્ઢાઓ?

મસ્તીખોર બુઢ્ઢાઓ?" દિલને  ક્યાં, ઉંમરનો  બાધ  નડે  છે..!!
  એ   મુરખને,     એની  જાત  નડે  છે..!!"


==============

પ્રિય મિત્રો,

એકવાર, આશરે સિત્તેર વર્ષના, એક વડીલ વૃદ્ધ  મિત્રએ,  શહેરના, એક થીયેટરમાં, મોર્નિંગ શૉમાં ચાલતી `કામણગારી રેખા`ની જુની ફીલ્મ, `ઉત્સવ` જોવા માટે મને આમંત્રણ આપ્યું.

આ ફીલ્મનાં ગીત-સંગીત અને આપણા ભારતીય `કામશાસ્ત્ર` પર આધારિત કથાનક, આજે પણ માણવા લાયક હોવાથી તથા તેમના અતિશય આગ્રહને વશ થઈ, તે ફીલ્મ જોવા,તેમની સાથે, હું સમયસર થીયેટર પર પહોંચી ગયો.

સવારના મોર્નિંગ શૉમાં, આખા થીયેટરમાં, ઉંમર લાયક ગણી શકાય, તેવા માત્ર અમે બે જ જણ હતા. બાકીતો, લગભગ ખાલી થીયેટરની, સાવ ખૂણેખાંચરે આવેલી સીટ પર, આસપાસની કૉલેજનાં, રંગબેરંગી વસ્ત્રોથી સજ્જ, કુમાર - કન્યા  વૃંદ  બેઠું હતું.   થોડીવારે લાઈટ ઑફ થઈ અને..!!

સિલ્વર સ્ક્રીન પર ફીલ્મ `ઉત્સવ` શરૂ થઈ, હું ફીલ્મ જોવામાં તલ્લીન થઈ ગયો, તેવામાં પેલા વડીલ મિત્રએ, મને પડખામાં કોણી મારીને, કામણગારી રેખાના જન્મજાત, અદ્વિતિય રૂપની, મોહ - તંદ્રામાંથી, જગાડી દીધો.

તેમણે મને, ઈશારાથી જ્યાં નજર માંડવાનું કહ્યું, તે બાજુ મેં જોયું તો  ત્યાં, ખૂણેખાંચરે, બિરાજમાન કૉલેજીયન યુગલ, કુમાર -કન્યા, આ ફીલ્મમાંથી પ્રેરણા (!!) લઈને, કામદેવનો આવિર્ભાવ, તેમના પર હાઁવી થયો હોય તેમ, કામશાસ્ત્રનો સાક્ષાત્કાર કરતાં હોય મને લાગ્યું...!!

મેં મારી નજર ત્યાંથી, તરતજ હટાવી લીધી. ( Bad manners..!!) 

પરંતુ,  આખી ફીલ્મ પતી ત્યાં સુધી, મને  જાણે એવો ભાસ થયો કે, પેલા વડીલશ્રીએ, આખો સમય,  `થીયેટરમાં` ચાલતી  ફીલ્મને બદલે,` થીયેટરની સીટ` ઉપર, ચાલતી ફીલ્મને વધારે માણી.

મારા આ ખ્યાલની પુષ્ટિ કરતા હોય તેમ, તેમણે ફીલ્મ પત્યા બાદ, થીયેટરની બહાર નીકળતાંજ,  ઉદગાર કાઢ્યા, " સાલું..!! એમ થાય છેકે, આપણે થોડા મોડા જન્મ્યા હોત તો, કેવું સારૂં થાત?"

આપણે જાણીએ છેકે, ભરયુવાનીમાં, આવી વૃત્તિ, કદાચ મનને ચટકા ભરે તે સમજી શકાય.   પરંતુ જીવનમાં, સારા નરસા અનુભવની સરાણે ચઢ્યા બાદ, ડહાપણની તેગને, પાણી ચઢ્યાની, પરાકાષ્ઠાએ, પણ  આ વૃત્તિ જોર પકડે તો, ચેતવા જેવું ખરું..!!   

જોકે, એ પણ સત્ય છેકે, " कामातुराणाम   न  लज्जा   न   भयं ।" 

બગીચામાં બેઠેલા, કોઈ વૂદ્ધ પણ, દિલફેંક રોમિયોને, સુંદર  કન્યાને  નીહાળીને, ચોકઠું ભૂલી જવાથી, સીટી ન મારી શકવાનો અફસોસ થાય તો, કળીયુગને શું  કહેવું?

ઉત્તર મહાભારતના ગ્રંથમાં, કળિયુગના પ્રભાવમાં, માનવના સહજ વર્તન અંગે, આગાહી કરતાં, મહર્ષિ વેદવ્યાસ કહે છેકે, 

"કળિયુગમાં, રજોગુણથી વિષયો ભોગવીને લોકો પોતાના આયુષ્યનો, જાતેજ ક્ષય કરશે." - મહર્ષિ વેદવ્યાસ ( ઉત્તર મહાભારત)

મહર્ષિ શ્રીવેદવ્યાસની  આગાહી સાવ સાચી છે.  અત્યારે હળાહળ કળિયુગી પ્રભાવમાં, ધારોકે, નર કે નારી, ત્રીસ વર્ષની વયે લગ્ન કરે તો તેમને, બેતાલીસની ઉંમરે, લગ્નના, `બાર વર્ષે બાવો બોલ્યો`, ની માફક, પોતાનો પતિ કે પત્ની હવે નથી ગમતાં..!!   અને તે બહાના હેઠળ, એકમેક  સાથે  જાતિય  સમાગમનો  રસ ઉડી ગયો હોવાની, ફરીયાદ કરતાં થઈ જાય.

એમજ માનોને  કે, બેંતાલીસની ઉંમરે, બેંતાલાંનાં ચશ્માં પહેરતાંજ, `લગ્નનો લાડુ લાકડાનો હોય છે`, તેમ, સ્પષ્ટ દેખાવા લાગે..!!

ત્યારબાદ તો, એકાદ બે, વાળ સફેદ દેખાય એટલે, નશ્વર શરીરની ભૂખ, અચાનક,  વિકૃતિની હદે,  જાગૃત થઈ જાય અને  પોતાનાં બાળકોને ત્યાંય, બાળકો હોય, પોતે દાદા-દાદી, નાના-નાનીની ઉંમરે પહોંચ્યા હોય તોય, કોઈ સુંદર યુવતીને  નિહાળી,` છાનું રે છપનું`, ફ્લર્ટ કરવા, મન ઉછળવા લાગે?

મારો એક મિત્ર મને કહે," યાર, મારે કોઈ સેક્સોલોજિસ્ટને બતાવવું છે." 

મેં સમસ્યા પૂછીતો,  તે  કહે, " હવે, લગ્નના આટલા વર્ષે, તારી ભાભી, મને  નવરાત્રીમાં, વગાડાતા` રામઢોલ` સાથે સરખાવે છે અને હું   તેને, `મમરા ભરેલા કોથળા` સાથે સરખાવું છું, મને  શરીરસંબધ બાંધવામાંય સમસ્યા છે.'

મેં તેને સમજાવ્યું, તે બંનેને, સેક્સોલોજિસ્ટની નહીં, કોઈ સારા ડાયાટિશ્યનને મળવાની જરૂર છે.

કારણકે,  આપણા ગુજરાતી લોકો, અન્નનો દાણો નહીં..!!  અકરાંતિયાની માફક, રોજેરોજ,  આખેઆખો અન્નનો  કોઠાર, પેટમાં ઠાલવી, `મમરા ભરેલો કોથળો` કે પછી, `રામઢોલ`, જેવાં ઉપનામ, અત્યંત શાનથી, પ્રાપ્ત કરે છે. 

આ  ઉપરાંત, ચરબીના થરથી ફાટું-ફાટું થતા, અદોદળા શરીરના કારણે, જાતિય ક્ષમતા ખોઈ બેસે છે. સરવાળે, ઉંમરનો બાધ રાખ્યા વગર,  ઘરવાળીને ત્યજીને, બહારવાળી પર,  લાળ ટપકાવવાનું  શરૂ  કરે  છે. ( જોકે, બધાજ આવા નથી હોતા..!!)

કેટલાક સેક્સોલોજીસ્ટોના મતાનુસાર, ' જ્યાં સુધી અન્નનો દાણો,  પેટમાં જાય ત્યાં સુધી, માનવીમાં જાતિયતાનો ભાવ જાગૃત રહે છે.તેને ઉંમર સાથે કોઈજ લેવાદેવા નથી હોતી."  સેક્સોલોજિસ્ટની વાત ખરી છે,

દિલને ઉંમરનો બાધ નથી નડતો,  દિલ, બેવકુફને તો, પોતાની,  આડવીતરી જાત જ  નડે છે.

સન- ૨૦૦૦ માં રીલીઝ થયેલી, Director  - Paul Verhoeven ની, એક અંગ્રેજી ફીલ્મ, `Hollow Man`, અને ત્યારબાદ, સન-૨૦૦૬માં રીલીઝ થયેલી,  Director  - Claudio Fah ની ફીલ્મ, ` Hollow Man II ` માં, ચિત્રણ થયા મુજબ,

સદેહે, સહુની  હાજરીમાં, સારી  રીતભાત સાથે, જાહેર વર્તન કરતો, વિવેકી અને નમ્ર  માણસ, અદ્રશ્ય થવાની શક્તિ પ્રાપ્ત થતાંજ, મનમાં સુષુપ્તાવસ્થામાં પડેલી વિકૃતિનો શિકાર બનીને, જ્યાં ત્યાં, પોતાની કામવાસના સંતોષતો જોવા મળે છે.

આપણા મનના પોલાણ ( Hollow )માં, આવોજ એક , `Hollow Man`, સંતાયેલો હોય છે, જે તક મળતાંજ, મોટી ઉંમરે પણ, પોતાનું પોત પ્રકાશે છે..!!

કોઈ સુંદર કન્યા કે યુવતીને જોતાંવેંત, આ  `Hollow Man`, તેનાં, સુડોળ ઉભાર પામેલાં, અંગઉપાંગને, ચોરીથી નફ્ફટ નજર માંડીને,  તેનાં વસ્ત્રોની આરપાર, કલ્પનાનંદ લેવાનો, પ્રયત્ન કરે છે..!!

આવી વૃત્તિને, `પરકાયા પ્રવેશ વિદ્યા`ની માફક, ` પરકાયા નજર પ્રવેશ`, કહી શકાય?  


ઉપર દર્શાવ્યા પ્રમાણે, `હૉલો મેન`નું કથાનક નવું નથી. આપણા પૌરાણિક ગ્રંથોમાં, `પરકાયા પ્રવેશ` વિદ્યા નો અનેક ઠેકાણે ઉલ્લેખ છેજ. દા.ત.

આજીવન બ્રહ્મચારી, આદ્ય જગદગુરુ પરમપૂજ્ય શ્રીશંકરાચાર્યજીએ જ્યારે, પંદર દિવસ સળંગ ચાલેલા, શાસ્ત્રાર્થમાં, પ્રકાંડ પંડિત શ્રીમંડન મિશ્રને હરાવ્યા ત્યારે, શ્રી મંડન મિશ્રની પત્ની, ઉભયભારતીજીએ,  પોતાની સાથે શાસ્ત્રાર્થ કરવા પડકારીને, આદ્ય જગદગુરુ પરમપૂજ્ય શ્રીશંકરાચાર્યજીને,  `કામશાસ્ત્ર` વિષયક શાસ્ત્રાર્થ કરવા જણાવ્યું.

કારણકે, ઉભયભારતીજીને જાણ હતીકે, એક આજીવન બ્રહ્મચારી માણસ,`કામશાસ્ત્ર`ની ચર્ચામાં અવશ્ય હારશે..!!

પરંતુ, પરમપૂજ્ય શ્રીશંકરાચાર્યજીએ, થોડો સમય માંગી,  એક મૃત રાજાના શરીરમાં,` પરકાયા પ્રવેશ` વિદ્યા  થી, પ્રવેશ કરી, તે રાજાને પૂર્નજીવિત કરીને, `કામશાસ્ત્ર`નું, સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી, શ્રીમંડન મિશ્રનાં પત્ની ઉભયભારતીને પણ, શાસ્ત્રાર્થમાં હરાવ્યાં હતાં.

જોકે, કામશાસ્ત્રનું અગાધ (!!)  જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આ આજીવન બ્રહ્મચારી, અનંત જ્ઞાની, સન્યાસીએ તારણ કાઢ્યુંકે, " વિષયભોગ એ ઝેરનું પણ ઝેર છે."

विषयामिलोभेन मनः प्रेच्यतीन्दियम।
तन्निरुन्धयात प्रयत्नेन जिते तस्मिज्जितेन्दियः॥

अर्थातः-" મનરુપી શિકારી,વિષયરુપી માંસના લોચામાં ને મોહમાં, વિવિધ ઈન્દ્રિયોને પ્રેરે છે, ઉશ્કેરે છે, માટે પ્રયત્નપૂર્વક મનને રોકો, મન જીતવાથી મનુષ્ય મહાન બને.

દેશવિદેશની કેટલીય નામાંકિત વ્યક્તિઓએ, ઢળતી ઉંમરે, આવો પ્રણયફાગ ખેલીને, પોતાની આબરૂ, સત્તા અને કુટુંબને ગુમાવ્યાં છે.

દા.ત.

*  પાકિસ્તાનના સ્થાપક મોહંમદ અલી જીન્હા અને ફક્ત સોળ વર્ષનાં, રૂટ્ટી પૅટિટ( Ruttie Petit ) સાથે  અને વડાપ્રધાન, ઝૂલ્ફીકાર અલી ભૂટ્ટોનું નામ પણ, હુસૈના  શેખ સાથે, ચગ્યું હતું..!!

ભૂ.પૂ. પાકિસ્તાની જનરલ યાહ્યાખાની મૂછો, સ્વિમીંગપુલમાં, મેરૅલીન મનરૉએ ખેંચીં હતીકે નહીં..!!   તે આપણે નથી જાણતા?

પરંતુ, યાહ્યાખાન અને નૂરજહાઁ ના ઍફેરની ગોસિપ (!!), ત્યાંના અખબારોમાં, હેડલાઈન્સ બની હતી..!!  `હામૂદુર રહેમાન કમિશન ` ની તપાસમાં, કઢાયેલા એક તારણ પ્રમાણેતો, ૧૯૭૧માં બાંગ્લાદેશના, જન્મ માટે પણ, નૂરજહાઁએ, યાહ્યાખાન પર પોતાનો વૈચારિક પ્રભાવ પાડ્યાનું, જણાવાયું છે? 

હમણાંજ,થોડા સમય પહેલાં, પાકિસ્તાની રાષ્ટ્રપતિ, આસિફ અલી ઝરદારીએ, અમેરિકી દૂત, સારાહ પૉલિનને,  'Gorgeous'.  કહેતાં, ( લાળ..!!),  ઘણીજ ટીકા થઈ હતી.

* અમેરિકન પ્રેસિડન્ટ, મિ. જ્હોન ઍફ કેનેડી સન-૧૯૫૩માં, જૅકીને પરણ્યા તે પહેલાં, સન -૧૯૫૧માં, રૂપસુંદરી, અભિનેત્રી, મૅરેલીન મનરૉ   (June 1, 1926 – August 5, 1962) સાથે પ્રેમમાં પડ્યા, તે પ્રેમપ્રકરણ આખું  જગત જાણે છે.

આ ઉપરાંત, અમેરિકાના જ રાષ્ટ્રપતિ મિ.બીલ ક્લિંટન અને ૨૨ વર્ષની, રૂપવંતી, મૉનિકા લેવૅન્સ્કી પણ, સન ૧૯૯૮માં, છાંપાની હેડલાઈન્સ બની ચૂક્યા છે. તેમનો સેક્સી - પ્રેમ  તો વળી, ક્યાં-ક્યાં પરવાન ચઢ્યો ?? દા.ત. પ્રાઈવેટ ઑફિસ -ઑવેલ, વ્હાઈટ હાઉસ સ્ટડીરૂમ, હૉલ-વૅ વિગેરે વિગેરે જગ્યાએ?

* `CNN `, ચેનલના એક અહેવાલ મુજબ, સ્પાઈસ ગર્લ્સ સાથેની મુલાકાતમાં, સ્પાઈસ ગર્લ્સે, પ્રિન્સ ચાર્લ્સને જોતાંજ, "Oh, you're so sexy!" કહેતાંજ, પ્રિન્સના લાલ ટામેટાં જેવા ગાલ, વધારે લાલ થયા હતા.

* ઍડોલ્ફ હિટલરે પાછલી ઉંમરે તેની ત્રીજી પત્ની કાર્લાને લખેલા પ્રેમપત્રો, ગમે તે ઉંમરના, દિલફેંક પ્રેમીઓએ માણવા જેવા છે.

* આપણે ત્યાં, ભારતમાં પણ, તાજેતરમાંજ, આંધ્રપ્રદેશના રાજ્યપાલ પર, છેક ૮૬ વર્ષની, ઉંમરે, સેક્સ સ્કેંડલના, ગંભીર કહેવાતા, આક્ષેપ થયા છે, જે શરમજનક છે.

આપણા દેશમાં, આવા બનાવ બને તો, `ધોતિયામાં બધા જ નાગા હોય છે`, તેમ ઉચ્ચારીને, અંતે  વાતને વિસારે પાડી દેવાનો રિવાજ છે..!!

આશરે, ૪૦+ વર્ષ પછીની ઉંમરે, ઘરવાળીને અથવા ઘરવાળાને, અવગણીને, બહારવાળી - વાળાની સાથે ફ્લર્ટ કરવાની લાગણી બળવત્તર બનતી હોવાના વિષયને લઈને, સમર્થ  દિગ્દર્શક-  શ્રી ઋષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જિ અને અન્ય ઘણા ડાયરેક્ટરોએ, હીન્દી ફીલ્મો બનાવી છે.

જેમાં, સન-૧૯૮૨માં રિલીઝ થયેલી, શ્રીબાસુ`દા, દિગ્દર્શીત ફીલ્મ-` શૌકિન` , આજ વિષય પર, હળવી રમૂજપ્રધાન ફીલ્મ હતી.

સાઈઠ વર્ષની, ઢળતી ઉંમરે, વાઈન-વુમન અને સ્મોકિંગના શોખીન, રંગીલો સ્વભાવ ધરાવતા, અશોકકુમાર, ઉત્પલ દત્ત અને ઍ.કે.હંગલ, કોઈ હસીના મળી જાય તો, રોમાન્સ કરવાના ઈરાદે,  મિથુન ચક્રવર્તિને ડ્રાઈવર તરીકે સાથે લઈને,ભાડાની કારમાં,ગોવા પહોંચે છે, ત્યાંની નાઈટ ક્લબમાં, અજાણતાંજ, તેમનો ભેટો, મિથુનની ગર્લફ્રેંડ, અનીતા સાથે થાય છે. અને પછી, સર્જાય છે, ધ..મા..લ..!!

આ ઉપરાંત શ્રી બાસુ`દાની,સંજીવકુમાર- શર્મિલાટૅગોર અને માંજરી આંખોવાળી સારિકાના અભિનયથી શોભતી, ફીલ્મ- ` ગૃહ પ્રવેશ`,( ૧૯૭૯) પણ માણવા જેવી છે. 

આજ પ્રમાણે, શ્રીઋષિ`દાની ફીલ્મ, `રંગબેરંગી` (1983) કલાકાર- અમોલ પાલેકર- પરવીન બૉબી તથા શ્રીબી.આર.ચોપરાની, `પતિ પત્ની ઔર વોહ`.(૧૯૭૮)કલાકાર, સંજીવકુમાર-વિદ્યાસિંહા-રંજીતા`ની, આજ વિષય પર નિર્માણ થયેલી નોંધપાત્ર ફીલ્મો  છે.

જોકે, તરૂણાવસ્થાથી લઈને, મસ્તીખોર બુઢ્ઢાઓને મસ્તી ચઢવાનું કારણ,  જવાનીને સરકવા નહીં દેવાની જીદ,  `શોર્ટકટ` દ્વારા `કૅરિયર` બનવવા ઘાંઘા કે ઘાંઘી થયેલાં યુવક-યુવતીઓ, તેમનાં  મલ્લિકા શેરાવત બ્રાન્ડ અંગ - પરિધાન..!! એકમેકનો સંપર્ક કરવાની તથા એકાંત ભોગવવાની વધેલી ભૌતિક સુવિધાઓ વિગેરે, વિગેરે...!!  ( જોકે, કારણો ફરી કોઈકવાર..!!)
મિત્રો, અમે નાના હતા ત્યારે, અમારા ફળીયામાં આવેલા, મંદિરના ઓટલે રમતી વખતે, કેટલાય ઉંમરલાયક, પણ દિલ હજુ, જવાનીના જોશથી, ગલગલિયાઁ કરતું હોય તેવા,
 

મસ્તીખોર બુઢ્ઢાઓને,

પોતાની મનપસંદ `વોહ` ડોશી સામે, નાક પર ચોંટેલી, છીંકણીં લૂછવાનો, કૃત્રિમ અભિનય, કરતાં-કરતાં,

પોતાના ધોતિયાના, નીચેના છેડાને, છે...ક ઉપર સુધી (છે..ક ? હા, ભાઈ, છે..ક સુ..ધી.) ઉંચો કરીને, સેક્સ-સંકેત પાઠવતા નિહાળ્યા છે..!!


તેથીજ, કહેવાય છેને..!!

`જેણે મૂકી લાજ, તેનું નાનું સરખું રાજ..!!`


માર્કંડ દવે. તાઃ૨૩ - જુલાઈ - ૨૦૧૦.

1 comment:

 1. લેખ સરસ છે, જે આપણું જ પ્રતિબિંબ પાડે છે.
  મન પર કાબુ કરવો કે મન નો નિગ્રહ કરવો વિગેરે વાત કેહવા અને સાંભળવા માટે સરળ છે, પરંતુ વાસ્તિવક જીવનમાં કોઈ સાધુ કે સન્યાસી માટે પણ શક્ય નાં હોઈ તે ગ્રહસ્થી માટે...!?
  એક આપણા જ પ્રાત:સ્મરણીય સંતે કહેલ કે, એક મન ચાલીશ શેર કા હોતા હૈ! જબ એક શેર (સિંહ) કો સંભાલના મુશ્કિલ હૈ તો ફિર યે ચાલેશ શેર કા બના હુઆ મન કૈસે સંભાલ સકોગે?
  das.desais.net
  અશોકકુમાર દેશાઈ

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.