Saturday, January 16, 2010

નૉબલ-ઓબામા-ઓસામા-વિહંગાવલોકન.

નૉબલ-ઓબામા-ઓસામા-વિહંગાવલોકન.


નૉબલ ઍવોર્ડના પ્રણેતા-સ્વિડીશ ઇંડસ્ટ્રીયાલીસ્ટ-આલ્ફ્રેડ નૉબલ.

સન-૧૮૯૬માં ગુજરી ગયેલા,આલ્ફ્રેડ નૉબલના વસિયતનામા પ્રમાણે,શાંતિ નૉબલ પ્રાઇઝ એવા મહાનુભવને અર્પણ કરવું,
જેમણે સમગ્ર વિશ્વના,તમામ દેશની,માનવજાતના ભાઇચારા માટે તથા શાંતિ માટે,
વિશ્વભરમાં,શસ્ત્રદોડ ઘટાડવા અથવા નાબૂદ કરવા આજીવન સતત કાર્ય કર્યું હોય.
નૉર્વેજીયન પાર્લામેન્ટ દ્વારા ચૂંટવામાં આવેલ પાંચ સદસ્યની કમિટી દ્વારા,
નોબલ પ્રાઇઝ કોને આપવું તે નક્કી કરવા વસિયતમાં જણાવેલ છે.

હાલ,સન-૨૦૦૯માં નોબલ પ્રાઇઝ માટે કુલ-૨૦૫ નોમિનેશન્સ ફાઇલ થયાં હતાં.

(આશ્ચર્યજનક રીતે સન-૧૯૩૯માં સ્વિડીશ પાર્લામેન્ટના એક મેમ્બર નામે-ઍરીક બ્રાન્ડ દ્વારા,
ઍડોલ્ફ હિટલરનું નામ પણ નોમિનેટ કરવામાં આવ્યું હતું,

જોકે થોડા જ દિવસ પછી તે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.)
________________

બરાક હુસૈન ઓબામા

બરાક હુસૈન ઓબામા-૨-જન્મ ૪ ઑગસ્ટ-૧૯૬૧ ના રોજ હવાઇમાં(આફ્રિકા).

વર્તમાન-યુનાઇટેડ સ્ટેટ્સના ૪૪ મા પ્રેસિડન્ટ,

તેઓ પ્રથમ આફ્રિકન અમેરિકન છે,જેમને આ બહુમાન(!!!) મળ્યું છે.

ભૂતપુર્વ હોદ્દા- "ઇલિનોઇસ"ના જૂનિયર સૅનેટર તરીકે જાન્યુઆરી ૨૦૦૫ થી નવેમ્બર ૨૦૦૮(પ્રમુખ બનતા સુધી).

અભ્યાસ-ગ્રેજ્યુએટ(લૉ ડિગ્રી)-હાવર્ડ લૉ સ્કૂલ-કૉલંબિયા યુનિવર્સિટી.

કાર્ય-૧૯૯૨ થી ૨૦૦૪ સુધી,સિવિલ રાઇટ્સ ઍટોર્ની તરીકે તથા,

યુનિવર્સિટી.ઓફ શિકાગો લૉ સ્કૂલમાં "કૉન્સ્ટીટ્યુસન લૉ" વિષય પણ ભણાવતા હતા.

પ્રતિભા(!!!)પરિચય- ઓબામાએ જુલાઇ ૨૦૦૪માં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્સનમાં આપેલા,

તથા પ્રાઇમટાઇમમાં ટીવી ઉપર પ્રસારિત થયેલા,ઓબામાના ભાષણે

એમને ડેમોક્રટિકપાર્ટીના ઉભરતા સિતારારુપે સ્થાપિત કરી દીધા.

કદરદાની-તા.૦૯ ઓક્ટોબર ૨૦૦૯ ના રોજ "નૉબલ પીસ ઍવોર્ડ" થી સન્માનીત કરાયા.

ચેરિટિ-કાર્ય-ડિસેમ્બરમાં ઑસ્લો ખાતે મળનાર ૧૪ લાખ ડૉલર(રુ.૬.૫૮ કરોડ) કોઇ ચેરિટિ સંસ્થાને દાનમાં આપશે..

અધુરી મહેચ્છા-પૂજ્યશ્રીમહાત્મા ગાંધીજી સાથે ભોજન લેવાની .

____________

ઓસામા મોહમ્મદ બીન અવદ બીન લાદેન

ઓસામા બીન લાદેન નો જન્મ ૧૦ માર્ચ ૧૯૫૭માં રિયાધ(સાઉદી અરેબીયા)-બીન લાદેન પરિવારમાં થયો હતો.

ઓસામાના પિતા મોહમ્મદ બીન અવદ બીન લાદેન સાઉદીના અત્યંત ધનાઢ્ય વેપારી હતા.

આખાએ પરિવારમાં,ઓસામા,તેમના પિતાની દસંમી(!!) પત્ની હમિદા અલ અતાસના એકમાત્ર દીકરા છે.

તેઓ અલકાયદાના પ્રથમ ફાઉન્ડર તરીકે પ્રખ્યાત..!! છે.

અભ્યાસ-કિંગ અબ્દુલઝીઝ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર,બિઝનેસ ઍડમિનીસ્ટ્રેશનનૂં શિક્ષણ મેળવ્યું.

તેમણે સિવિલ એન્જિનિયરીંગની (૧૯૭૯) અથવા પબ્લિક એડમિનિસ્ટ્રેશનની(૧૯૮૧) ડિગ્રી પણ મેળવી હોવાનું કહેવાય
છે.

જોકે,અભ્યાસ દરમ્યાન એમનું સઘળું ધ્યાન,રસ ધાર્મિક શિક્ષણમાં હતો.તે કવિતા પણ લખે છે.

પ્રતિભા(!!!)-યુનાઇટેડ સ્ટેટ્સ ઉપર કરેલા ૯/૧૧ ના હવાઇ હુમલાએ જગપ્રસિધ્ધિ..!! અપાવી.

કદરદાની(!!!)-અમેરિકાની ફૅડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (F.B.I.) ના પ્રમુખ ૧૦-દસ મોસ્ટ વૉન્ટેડની યાદીમાં
ટોચ ઉપર નામ છે.

ચેરિટિ-કાર્ય- એ પોતે કેટલું કરે છે ખબર નથી,પણ સાઉદીના આ ઓસામા,અમેરિકાના ઓબામા પાસે,

અફધાનિસ્તાન અને પાકિસ્તાનની સરકારને અબજો ડૉલર દાનમાં આપવાની સતત પ્રેરણા અને બળ પુરું પાડે છે.
(કદાચ,ડિસેમ્બરમાં ઑસ્લો ખાતે,ઓબામાને મળનાર ૧૪ લાખ ડૉલર (રુ.૬.૫૮ કરોડ) અફધાનિસ્તાન અને પાકિસ્તાનની સરકારને ચેરિટિમાં અપાશે)

અધુરી મહેચ્છા- મને જાણ નથી,પણ,ઓસામા બીન લાદેન,કોઇને રસ્તામાં મળે તો પુછીને,મને કહેશો? પ્લી....ઝ.
_________________

પ્રિય મિત્રો,

દિવાળીની સાફસફાઇમાં માળીયું સાફ કરતી વખતે,વર્ષો પહેલાં પત્નીને (...મારી...જ..પત્નીને ) લખેલા પ્રેમપત્રો હાથ લાગ્યા,

રખેને કોઇ છોકરાંના હાથે આ પ્રેમપત્રો ચઢી જશે તો?

એ બીકે.એને ફાડી નાંખી,ઠેકાણે પાડવા હું બહાર ઓટલા પર બેઠો,

ત્યાંતો,એક મૂર્તિ વેચનાર ફેરિયો લોહી પીવા આવી ગયો.

બહુ કચકચ કર્યા પછી બધી મૂર્તિઓને પડતી મૂકી,મેં એક,

નાની મઝાની,પૂજ્યશ્રીગાંધીબાપૂની મૂર્તિ ખરીદી.

ફેરીયો આશ્ચર્ય સાથે ગયો,

પણ મનેય આશ્ચર્યમાં મૂકતો ગયો,

કેમ!!

અરે,ભાઇ...,પૂજ્ય બાપુએ,મારી સામે હસીને,મારા ખબર અંતર પુછ્યા.!!!

પહેલાં તો, "લગે રહો મુન્નાભાઇ"ના મુન્નાભાઇની માફક હું ડધાઇ ગયો.

પછી મને કળ વળતાં પૂજ્ય બાપુ સાથે કેટલોક વાર્તાલાપ થયો,

તમારેય જાણવા જેવો છે.

___________

(હું-),"બાપુ એ...ય...રામ,રામ"

(બાપુ-),"હે....રા....મ."

(હું,)"બાપુ,નિસાસા કાં નાંખો?"

(બાપુ),"ભાઇ,નિસાસા નથી નાંખતો."

(હું),"બાપુ,તમને ડાયાબિટીસ છે?"

(બાપુ),"કેમ!! દિવાળીની મિઠાઇ બની ગઇ?મારા જેવા સુકલકડી,કાયમ દોડનારાને આવો રોગ ના થાય."

(હું),"ના..બાપુ,આતો અમેરિકાના બરાક ઓબામાને તમારી સાથે ભોજન લેવાની ઇચ્છા છે."

(બાપુ),"તે એમા શું? આમંત્રણ આપશે તો જઇશ."

(હું),"બાપુ,એ તમને મિઠાઇ ખવડાવે,તો ન ખાતા."

(બાપુ)," કેમ ભાઇ? મને તો કશો વાંધો નથી."

(હું),"પણ બાપુ,એમને નોબલ પ્રાઇઝ મળ્યુંને!! એના માનમાં તમને મિઠાઇ ખવડાવશે,"

(બાપુ),"ઓબામાને નોબલ પ્રાઇઝ મળ્યું?ચાલો,સારું થયું.મને આનંદ થયો."

(હું),"બાપુ,તમે અહિંસાના પૂજારી,છતાં તમને ન મળ્યું,અમને દેશવાસીઓને દુઃખ છેકે, બરાક ઓબામાએ તો કશું કર્યું નથી તોય?"

(બાપુ),"ભાઇ, દેશવાસીઓના પ્રેમની હું કદર કરુ છું,પણ હવે મને,નોબલ પ્રાઇઝ મળે તોય,શું કામનું?"

(હું),"બાપુ કેમ? આમ કહો છો? ખરેખર તો ઓબામાએ પ્રાઇઝ પરત કરવું જોઇએ,નોબલને લાયક કોઇ કામ કર્યા વગર પ્રાઇઝ સ્વીકારાય?"

(બાપુ),"જો,આપણો દેશ તો આઝાદ થઇ ગયોને?
બીજા દેશની આઝાદી છીનવી લેવાના ભવિષ્યમાં પ્રયત્ન ન કરે,એને હવે નોબલ પ્રાઇઝ મળવું જોઇએ,

(હું),"બા....પુ, મને કૈંક સમજાય એવું બોલોને?"

(બાપુ),"જો,દુનિયામાં સહુથી તાકાતવાન દેશ અત્યારે કોણ? અમેરિકા,ખરુંને?."

(હું)," પણ,"

(બાપુ),"ભાઇ,અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે અત્યારે ભલે નોબલ મેળવવા જેવું કોઇ કામ નથી કર્યું.
પણ એમને અત્યારથીજ મોટા`ભા બનાવી,શાંતિદૂત બનાવી દે તો પછી અમેરિકાને,
કોઇ દેશની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કરી,એ બહાને ત્યાં કાયમી લશ્કર ઘૂસાડી,
બીજા દેશમાં પગપેસારો કરતાં શરમ આવે કે ના આવે?"

આ નવા જમાનાના રાજકારણથી અજાણ,પૂજ્યબાપુના ભોળપણ પર હું શું કહું?

( હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોય છે...!!!)

હજી,પૂજ્ય બાપુને હું કાંઇ જવાબ આપું,ત્યાંતો અચાનક પત્નીનો ઘાંટો સંભળાયો,

"ક્યાં ગયા?.....કહું છું સાંભળો છો?"

હું ચોંક્યો,પૂજ્ય બાપુ અચાનક અલોપ થઇ ગયા,પૂજ્ય બા (સૉરી) ,મારી બેબલીનાં બા ઓટલા પર પ્રગટ થયાં.

" હે...ભ...ગ...વા...ન,જરા જુઓ તો ખરા? પા...છા વિચારે ચઢી ગયા? આ રખડેલ ગધેડો તમારા કાગળનું
બંડલ ચાવી ગયો."

સાલું,મને બહુ ક્ષોભ થયો,અ...રે...રે, કાવ્યતત્વથી ભરપુર મારા પ્રેમપત્રોની આવી અંતિમ યાત્રા?

એ પ્રેમપત્રોમાં કાવ્યત્વની ખુશ્બુ ને બદલે....હવે સવાર સુધીમાં...!!! હું આગળ વિચારી ના શક્યો.

જોકે,પ્રેમપત્રો ચાવીને નિરાંતે ઑડકાર ખાતા,ગધેડાને ડફણું મારી ધર્મપત્નીએ ભગાડ્યો,ત્યારે ગમે તે થયું,

જાણે કે,ગધેડામાં પણ કવિબુધ્ધિ પ્રાપ્ત થઇ હોય તેમ,ડફણાં ખાતાં-ખાતાં પણ,

મારી સામે નિહાળી,અતિશય નમ્રતાપૂર્વક,ડોકીને ઉંચી-નીચી કરી,પાછલા પગથી ધૂળ ઉડાડી,

આવો અમૂલ્ય ભોગ ધરાવવા બદલ,ગધેડાએ મારો આભાર માન્યો.

"ચાલો, હવે અંદર." કહી એ ઘરમાં ગઇ,

મારા વહાલા મિત્રો,પૂજ્ય બાપુએ મને જે સમજાવ્યું તે,મને હજી સમજાયું નથી,

મને તો માત્ર એટલુંજ સમજાયું કે,નોબલ પ્રાઇઝના રુ.૬.૫૮ કરોડ(રુપિયા છ કરોડ અઠ્ઠાવન લાખ)

પુજ્ય બાપુના નામે જો આપણા મહાન દેશની સરકારને મળત તો એ નાણાં કોના પેટમાં જાત!!!

અને હા...આટલા બધા રુપિયા ચાવી ખાધા પછી પુજ્ય બાપુનો આભાર માનવા જેટલીય સજ્જનતા આ ભ્રષ્ટાચારીઓ
બતાવત?

ના બતાવે ભા...ઇ...,આ ભ્રષ્ટાચારી લોકો...સજ્જનતા ના બતાવે...!!! બધા કાંઇ ગધેડા જેવા ઉદાર,સમજુ થોડા જ હોય છે..!!!

ગધેડાએ તો ઑડકારેય ખાધો,મને તો લાગે છે,આ લોકો તો એ..ય..!!! ખે...ર,જવા દો ને આ વાત.
આ ભ્રષ્ટાચારી લોકોને,તમેય ઓછાં ડફણાં માર્યાં છે? પણ એમનામાં ગદર્ભતા (સૉરી) માનવતા આવી?

બાય-ધ-વૅ,આપ શું કહો છો બૉસ..?

(તા.ક.-આ લખું છું ત્યારે,છેલ્લા સમાચાર મુજબ,

બરાક ઓબામાભાઇએ પોતે,નોબલ પ્રાઇઝને લાયક ન હોવાનો સ્વીકાર કર્યો છે,

અને છતાંય નોબલ સ્વીકારી,પોતે આજીવન વિશ્વશાંતિ માટે કાર્ય કરશે,તેમ નમ્રતાપૂર્વક જણાવ્યું છે.

"હવે પાકિસ્તાનનું આવી બન્યું,એક ડૉલરની પણ સહાય ધોળા હાથીભાઇ (સૉરી) અમેરિકાભાઇ આપશે નહીં,

બસ,આપણે ત્યાંથી ત્રાસવાદ હવે ગયો સમજોને..!!")

માર્કંડ દવે.તાઃ૧૧-૧૦-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.