Tuesday, October 19, 2010

દશેરાએ, ડાબા હાથની..!!

દશેરાએ, ડાબા હાથની..!!


નવરાત્રી હાઈકુ

 ચણીયાચોળી
સંગ,  ટેટું રંગોળી,
  રંગ બેશર્મી..!!

 ડાંડિયા વઢ્યા,
શિયળને કે બસ,
  લૂંટાયું અંતે?

  નયન  ભારે,
નવ દિ` ઉજાગરે,
 થૈ પગ ભારે..!!

 સખી, નવ દિ`
દીઠું  દર્પણ  હવે,
  ડરું છું જોતાં..!!

===========

પ્રિય મિત્રો,

કૉલેજનો આખો વર્ગખંડ, દિવાલો સહિત, મનમૂકીને, ખડખડાટ હસતો હતો,કારણ?

પ્રોફેસરસાહેબે, વાતવાતમાં, `ડાબા હાથ-Left Hand`,ને `સફાઈ કામદાર` કહ્યો હતો. હસવું  તો મનેય આવ્યું, પણ તેતો એ બાબતેકે, પ્રોફેસરસાહેબ, `ડાબોડી` હતા. તો પછી, તેમના જમણો હાથને, `સફાઈ કામદાર` ગણવો?

આખો તાસ પત્યો ત્યાંસુધી મને, બરાબરની મૂંઝવણ થયા કરી. છેવટે બાજુમાં બેઠેલા, એક દોસ્તને પૂછ્યું, તો તેણે અકળાઈને કહ્યું," તું ભણવામાં ધ્યાન આપને? ફાલતુ બાબતોમાં માથું ન માર યાર..!! જો આવી વાત, ન તો સાહેબને પૂછાય કે ના સાહેબનો ડાબો હાથ શું કરે છે તે જોવા જવાય?"

બીજા એક મિત્રએ સમજાવ્યું," હવે તેવું નથી, બાથરૂમમાં, સફાઈનું કામ હવે પાણી ઉડાડતા જેટ (Jet) કરે છે.પરદેશમાં, તે કામ ટોયલેટ પેપર કરે છે."

અંતે, હું સમજી ગયો. પણ, ડાબા હાથ-જમણા હાથના કાર્યો અંગે, મનોમંથન ચાલતુંજ  રહ્યું..!!

જોકે, મને એ વાત હજી નથી સમજાતીકે, કોઈ ખોટું કામ કરે તો, આપણે તેને ,"દઈશને હમણાં, એક ડાબા  હાથની?", તેવું શામાટે કહીએ છે..!!

શું આપણે, રાવણ જેવા નઠારા માણસ છેકે, સવાર-સવારમાં, પથારીમાંથી ઉઠતાં વેંત કોઈ નઠારું કામ કરવા દોડીએ છે?

ખેર..!! આજે, આગ્રાથી એક સમાચારછેકે, દશેરાના દિવસે, રામલીલામાં રાવણનું પાત્ર ભજવતા, રાજુ નામના કલાકારે, દર્શકો તેના અભિનયનો આનંદ માણી રહ્યા હોવાથી, રામના હાથે, સમય કરતાં વહેલા મરવાની ના પાડી દીધી.

એટલુંજ નહીં, આયોજકોએ, રામને રાવણના પૂતળાદહન માટે, પૂતળા પર બાણ છોડવા જણાવ્યું, તો પોતાનાજ પૂતળા પર થતા, રામના આક્રમણને ખાળવા કાજે, રાજુ ઉર્ફે રાવણ, રામ અને હનુમાનનું પાત્ર ભજવતા, કલાકારોની પાછળ ખૂલ્લી તલવાર લઈને દોડતાં, છેલ્લા ૧૦૦ વર્ષથી રામલીલા ઉજવતા સ્થળે, સહુ પ્રથમવાર આવી, રમૂજી રામલીલા ભજવાઈ ગઈ..!!

કળીયુગમાં,અને તેય આગ્રામાં (??), આવું ના બને તોજ, નવાઈ..!!

પરતું મને જે વાત સતાવે છેતે એ કે, રાજુ-રાવણ જમણેરી હશેકે ડાબોડી? મોટાભાગે, માણસો જમણેરી હોય છે, તો શું રાજુ-રાવણે, ડાબા હાથે ધનુષ્ય પકડી,જમણા હાથે તીર છોડવા મથતા રામ અથવા ડાબા હાથે ગદા પકડીને ઉભેલા હનુમાન સામે, તલવાર ડાબા હાથે પકડીને વીંઝી હશે?

જોકે, મને તો મુંબઈના ૨૬/૧૧ ના હુમલાના આરોપી, અજમલ કસાબનો કેસ લડતા, સરકારી વકીલ ઉજ્જવલ નિકમ પર પણ બહુજ ગુસ્સો આવે છે, કારણ?

અરે..યાર..!! તેમણે હજુ સુધી તે પુરવાર નથી કર્યુંકે, કસાબે મશીનગન ડાબા હાથે પકડી હતીકે, જમણા હાથે?

બે દિવસ પહેલાંજ, એક વકીલ મિત્રને, મેં આ બાબતે સવાલ કર્યો તો, મને તે વકીલ મિત્ર કહે," તેનાથી શું ફેર પડે?" 

મેં કહ્યું, "ઘણો ફેર પડે. આવા કેસના સમર્થક એવા, કેટલાય `NGO`s` કસાબને, આ જ ગ્રાઉન્ડ પર, નિર્દોષ સાબિત કરે તો?"

વકીલ મિત્રને જાણે, મારી બુદ્ધિમત્તા પર શંકા ઉપજી હોય તેવી નજરે, તેમણે મને નિહાળ્યો. મેં માથું ખંજવાળ્યું.

જાણેકે, હું સાચો હોઉં તેમ, આજે જ  કસાબનાય સમાચાર છપાયા છે. 

કસાબના કેસમાં ઉજ્જ્વલ નિકમ, તેને સજા અપાવવા, કૉર્ટમાં દલીલ કરી રહ્યા હતા, ત્યારે કસાબ નામનો રાવણ, (પોતાનું) માથું ખંજવાળતો, બેફિકરાઈથી હસતો હતો?

મને તો ખાત્રી છેકે, કસાબ-રાવણ, જરૂર એજ  વિચારતો હશેકે,

" આ એજ  હિંદુસ્તાન છે, જ્યાં શ્રીરામને પોતાની જન્મભૂમીનું સ્થળ પાછું  મેળવતાં, અદાલતમાં ૬૦ વર્ષ (અને હજી કેટલાય વર્ષ ?) લાગી શકેતો, મારા જેવા રાવણનો, અહીં કોણ વાળ વાંકો કરવાનું છે?"

મારી માફક, ઘણા ડફોળ નાગરિકો, હળાહળ કળીયુગી પ્રભાવમાં આવી જઈને, કસાબ-રાવણના મનોમંથન સાથે સંમત થઈ જાય તો નવાઈ નહીં..!!

જોકે, આગ્રામાં બનેલી રાજુ-રાવણની ઘટનાને, બીજા કોઈ વટાવે કે ન વટાવે પણ મને તો, ખાત્રી છેકે, `હિંદુ આતંકવાદ`નો નારો ગજવનારા, આપણા દેશના દંભી સો કૉલ્ડ સેક્યુલરિસ્ટો અને  `ભગવા આતંકવાદ`નો અર્થ સમજાવવાનો, આપણા ઉપર ઉપકાર કરનારા, આપણા કેંદ્રિયગૃહમંત્રી શ્રીચિંદંબરમજી, દેશવાસીઓને, જરૂર કહેશે,

" જોયું, અમે કહેતા હતાને? ભગવો આતંકવાદ ફેલાઈ રહ્યો છે? નકલી રામલીલાઓમાંય હવે, રાવણ મરવાની ના પાડવા લાગ્યોકે નહીં?"

આ બધા સમાચારો વાંચીને, અકળાયેલા એક કાકાએ, અકળાઈને મને કહ્યું,

" લાગે છેકે, આપણા દેશનું પૂન્ય હવે પરવારી ગયું છે. તેથીજ તો આ કળીયુગમાં, બધાયના દિલમાંથી, સાલ્લા જુના રાવણો મરતા નથી અને નવા રામ જન્મતા નથી..!! આવુંજ કરવું`તુ તો, તેમણે ગીતામાં, `यदा यदा ही धर्मस्य..,` જખ મારવા લખ્યું?"
આ  કાકાએ, કઠોર શબ્દોમાં, ભગવાનની ટીકા કરી  તે, મને તો સહેજે ગમ્યું નહીં? પણ તેમની વાતમાં દમ છે, તેવું મને રહી રહીને લાગ્યા કરે છે.

મને લાગે છેકે, આગ્રામાં બિચારા  રાજુ-રાવણને, રામલીલાના આયોજકો ખાલી બદનામ કરે છે..!!

જો કોઈ ખણખોદીયા પત્રકાર, સમાચારમાં ઉંડાં ઉતરે તો ચોક્કસ, એમજ તથ્ય સામે આવશેકે, રાજુ રાવણે ન તો આગ્રાના પાગલવેડાને કારણે, ન તો લોકોના સમર્થનને કારણે, મરવાની ના પાડી..!! પરંતુ,

રાજુ ઉર્ફે રાવણે, માત્ર ને માત્ર, નવેનવ દિવસ, પૂર્ણ તન્મયતાથી, પ્રાણ રેડીને, રાવણનું પાત્ર,  ભજવ્યું હોવા છતા, તેના પેટનો ખાડો પુરાય તેટલુંય વેતન, આયોજકો દ્વારા ન ચૂકવાયું હોવાના, વ્યાજબી કારણસર, તેણે પોતાનો પ્રાણ ત્યાગ કરવાની ના પાડી હોઈ શકે?

ચાલો છોડોને, આ બધી પંચાત, મારી પત્ની મને દીવાળીની સફાઈ માટે સાદ પાડી રહી છે,

ઘરની સફાઈ કરતી વેળાએ, હું સંનિષ્ઠ પ્રયત્ન કરીશ, કદાચ, આપણા દેશના લોકોથી `ડાબા હાથે` ક્યાંક ખોવાઈ ગયેલી, `માણસાઈ` અમારા માળીયામાંથી મળી આવે તો..ઓ...ઓ..ઓ?

કારણકે, ઘણા લોકોમાં, રાક્ષસરાજ રાવણ હજી જીવે છે તેથીજતો નવરાત્રીનો ઉત્સવ, કેટલીક કન્યાઓ માટે માતૃત્વ-મહોત્સવ બની રહે છે? હિંદુ સંસ્કૃતિમાં, હવે રાવણને ઓળખવાની શક્તિ ક્ષીણ થતી જાય છેકે શુ?
 


મને લાગે છેક, આ અળખામણા સવાલનો જવાબ, આપની પાસે જરૂર હશે..!!

માર્કંડ દવે.તા,૧૯ ઑક્ટોબર ૨૦૧૦.

2 comments:

  1. શ્રી માર્કંડભાઈ,

    આજની નરવી હકીકત/વાસ્તવિકતાને સહજતાપૂર્વક અને સચોટ રીતે રજૂ કરવાની સુંદર કોશિશ આપે કરેલ છે.હાથ ડાબો હોય કે જમણો પરંતુ કાર્ય સફાઈનું જ કરવાનું છે. અને આપણા સર્વે મા રહેલ રાવણ આપણે જ રામ બની ને મારવાનો છે.

    સરસ રજૂઆત !

    આભાર !

    http://das.desais.net

    ReplyDelete
  2. ચણીયાચોળી
    સંગ, ટેટું રંગોળી,
    રંગ બેશર્મી..!!

    ડાંડિયા વઢ્યા,
    શિયળને કે બસ,
    લૂંટાયું અંતે?

    નયન ભારે,
    નવ દિ` ઉજાગરે,
    થૈ પગ ભારે..!!

    સખી, નવ દિ`
    દીઠું દર્પણ હવે,
    ડરું છું જોતાં..!!


    એક વાત કહું બોસ,
    સરસ હાઇકુ છે, વાંચવાની મજા આવી...
    બટ સોરી ટુ સે... એક વાસ્તવિક પ્રતિશાદ આપું... ના ગમે તો એડવાન્સમાં ક્ષમા કરશો..

    ‘‘રંગ બેશર્મી..!!’’ શરમ તો હોતી જ નથી..

    ‘‘લૂંટાયું અંતે?’’ અહીં લૂંટાયું નહીં પણ લૂંટાવ્યું એ શબ્દ વધારે સેટ થાત... અને પ્રશ્નાર્થક નહીં પણ અલ્પવિરામ કે ત્રણ પૂરણવિરામ મૂકો ... સતત ચાલુ રહેવાની બાબત છે...

    ડાંડિયા વઢ્યા,
    શિયળને કે બસ,
    લૂંટાવ્યું અંતે?

    (કોઇ લૂંટતું નથી બધુ સામેથી ‘લૂંટાવવામાં’ આવે છે)

    - ઝાકળ

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.