Wednesday, July 21, 2010

વાર્તા- ૧૨ ( સાધુ અને ઉંદર ) ( ધન ઉષ્મા )

વિસરાતી વાર્તા- ૧૨ ( સાધુ અને ઉંદર ), વિસ્તરતી વાર્તા ( ધન ઉષ્મા ) 

" वैसे तो धन, ख़ुदा नहीं है, मगर  ख़ुदा की कसम, वह  ख़ुदासे क़म भी नहीं है।"  - એક કહેવત.

=============

સાધુ અને ઉંદર


એક નદીના કિનારે આવેલા, ગામની બહાર, એક સાધુ, નાની સરખી ઝૂંપડી બાંધીને, રહેતા હતા.

દરરોજ સવાર પડે ને, સાધુ  ગામમાં જઈ, પોતાની કપડાંની બનાવેલી ઝોળીમાં, અનાજનો લોટ, દાળ ચોખા, વગેરે જે  કાંઈ મળે, તેની ભિક્ષા  માંગી લાવી, જાતે રાંધીને ખાઈ લેતા.

ત્યારબાદ, તેમની ખાલી થયેલી ઝોળી, ઝૂંપડીની, માટીની દિવાલ પર, લગાવેલી  ખીંટી પર ટાંગીને, ભગવાનનું નામ લેવા બેસી જતા.

જોકે, કેટલાક દિવસથી આ સાધુ ખૂબ પરેશાન હતા. ભિક્ષા માંગી લાવ્યા બાદ,ઉંચે દિવાલ પર, ખીલીએ ટાંગેલી ઝોળીને, જે ખાલી  થયેલી ઝોળીને, એક મોટો ઉંદર, કાતરીને કાણી કરી જતો હતો.

આવું વારંવાર બનવાથી, ઝોળી સાવ કાણાંવાળી થઈ ગઈ. જોકે, તે સાધુએ તેને, જેમતેમ કરીને સાંધી, ફરી સરખી કરી.

સાધુએ, આ વખતે, પહેલાં કરતાં વધારે ઉંચાઈ પર,  ઉંદરનો કૂદકો ન પહોંચે  તે રીતે,   દિવાલ પર નવી ખીલી,  લગાવીને,  ઝોળી ટીંગાડી.

બીજા દિવસે સવારે, સાધુના આશ્ચર્ય વચ્ચે, કોઈ દિવસ ઉંદર, જે ઉંચાઈએ, છલાંગ ન મારી શકે તેટલી ઉંચાઈએ, કૂદકો મારીને, ફરીથી ઉંદરે ઝોળી કાપી નાંખી હતી..!!    હવે શું કરવું?

પેલા સાધુએ, ફરીથી ઝોળીનું કાણું સાંધી, આ વખતે, ઝૂંપડીના છેક મથાળે, છતની ઉંચાઈએ ખીલી લગાવીને, ત્યાં ઝોળી ટાંગી દીધી.

જોકે, કોઈ માની ન જ  શકે, તેટલો ઉંચો કૂદકો મારીને,પેલા અટકચાળા ઉંદરે  ઝોળી  ફરી  કાપી નાંખી.

હવે સાધુ થાક્યા. તેમના માનવામાંજ ન આવ્યુંકે કે, એક સામાન્ય ઉંદર આટલી, અશક્ય લાગતી ઉંચાઈએ, કૂદકો મારીને, ઝોળીને કાપી શકે..!!

તેથી, ઉંદરની આટલી શક્તિનું રહસ્ય  પામવા સાધુએ,  રાત્રે  છૂપાઈ જઈને, ઉંદર  કેવી રીતે આટલો ઉંચો કૂદકો લગાવે છે, તે જોવાનું નક્કી કરી, ઊંઘી જવાનો ડોળ કરી, જાગતા પડી રહ્યા.

સાધુએ જોયું તો, ઉંદર ઝૂપડીમાં આવ્યો અને ઝોળીની બરાબર નીચેં ભોંય પરથી, એટલા જોરથી કૂદકો માર્યોકે, તે સીધો ઝોળી સુધી પહોંચી ગયો.

ઉંદરે ઝોળીને કાણું પાડી, તેમાં ચોંટેલો લોટ ખાધો અને બાદમાં, ઝૂંપડી બહાર એક ઝાડ નીચે આવેલા,પોતાના દરમાં પેસી ગયો.

જ્ઞાની સાધુને કાંઇક વહેમ પડવાથી, ભીજા દિવસે સવારે, તેમણે ગામના કેટલાક આગેવાનોને બોલાવ્યા અને ઝૂંપડીની બહાર આવેલા  ઝાડ નીચે, પેલા ઉંદરના દરની આસપાસ ખોદકામ કરવા જણાવ્યું.

ગામલોકોએ ભેગા મળીને, સાધુએ બતાવેલી જગ્યાએ, ઉંડો ખાડો ખોદતાં, તેઓને ઉંદરના દરની નીચે, સોનામહોરોનો એક ચરૂ મળી આવ્યો. સાધુને સત્ય સમજાઈ ગયું.

" પોતાના દર નીચે આવેલા, સોનામહોરોના ચરૂના ધનના, રાજસી  પ્રભાવ અને ઉષ્માને કારણે, વધારાનું બળ પ્રાપ્ત કરીને, પેલો  ઉંદર, ચાહે તેટલી ઉંચાઈ સુધી, છલાંગ   લગાવી શકતો હતો."

સાધુની સૂચના પ્રમાણે, ગામ લોકોએ, નદીકિનારે, આ સોનામહોરો દ્વારા, એક ભવ્ય મંદિર, ધર્મશાળા, પરબ, દવાખાનું  અને  શાળા, જેવાં સમાજ ઉપયોગી બાંધકામ કરીને,  લોકકલ્યાણ અર્થે તેનો ખર્ચ કર્યો.

જોકે, એ કહેવાની જરૂર છે ખરીકે, બીજા દિવસથી, પેલોં ઉંદર, તેની સ્વાભાવિક  ઉંચાઈ  સુધીજ, કૂદકો લગાવતો થઈ ગયો?

ઉપસંહારઃ- જો ઉંદર જેવાને, ધનની ઉષ્મા, અવળાં કામ કરવા પ્રેરતી હોય તો, અલ્પમતિ માનવને પણ,  તે ગેરમાર્ગે જવા પ્રેરી શકે છે.

===========

વિસ્તરતી વાર્તા ( ધન ઉષ્મા )

" જિંદગી ભી ઈક નશા હૈ દો....સ્ત..!! જબ ચઢ઼...તા   હૈ, તો   આલમ ન પૂછો,  મગર જબ ઉ...ત...ર...તા હૈ ????"

`શ્રીદેવાનંદ ઉવાચ।` ફીલ્મ- ગાઈડ.

===========

છેલ્લા એક અઠવાડિયાથી, ઘરનાં સહુ કોઈ, ખૂબ ચિંતા અને  કશુંક  અજુગતું  બન્યાના, ભયના ઓથાર નીચે  જીવી  રહ્યા  હતા. બાબત ઘણીજ ગંભીર બની હતી.

આ ઘટનાને  જે જાણે, તે સહુ  કોઈ, નરેશ અને નેહાને, જુદીજુદી સલાહ આપતા હતા.નરેશ અને નેહા સાથે જે કાંઈ બન્યું, તેનો ઘણાને તો આનંદ થતો હોય તેમ તે લોકોનું વર્તન ચાડી ખાતું હતું..!!

જોકે, થોડેકજ દૂર ગયા બાદ આવા પંચાતિયા લોકો, અરે..!! કેટલાક તો નરેશ અને નેહા સાંભળે તેમ, `તે બંને પોતે અત્યાર સુધી કરેલાં,  કુકર્મનું  ફળ` ભોગવતાં હોવાનું, કહેતાં હતા. નરેશ અને  નેહાની  મૂંઝવણનો પાર ન હતો.

આઈ.એ.એસ. થયેલા, નરેશ અને નેહા બંને પતિ-પત્ની, સરકારમાં,  સચિવ કક્ષાના, ઉચ્ચ હોદ્દા પર સરકારી અધિકારી હતાં  અને ઘણા બધાનાં વારવા છતાં, પોતાના આત્માના અવાજને  દબાવીને,  ઉભા  ગળે,  ભ્રષ્ટાચાર આચરતાં હતાં. તેમના ઘરમાં,દરરોજ સાંજ  પડે, મોટી કિંમતની નોટોનાં બંડલના થેલા ભરાઈને આવતા અને થોડા સમયમાંજ તે  રકમથી, બેનામી સ્થાવર મિલ્કત ખરીદાઈ જતી 

ઘરમાં, લાંચ આપીને, ગેરકાયદેસર  સરકારી કામ કરાવવા આવતા, ગરજવાન, ખુશામતખોરોની સતત આવનજાવન, રાત્રીના ૧૨ વાગ્યા સુધી, જારી રહેતી.

રજાના દિવસોએ પણ, કાયમ કોઈને  ત્યાં, પાર્ટીના દોર ચાલતા રહેતા.

નરેશ અને નેહા બંને, પોતાના ૧૨ વર્ષના દીકરા શૃંગને, સેક્રેટરી મિસ્ટર કૃષ્ણમૂર્તિ, અને ઘરના નોકરોના ભરોસે છોડીને, પાર્ટી માણવા ચાલતી પકડતા. 

આનું પરિણામ જે આવવું જોઈએ તેજ આવ્યું.

શરૂઆતમાં, આ બધું જોઈને, મનમાં ને  મનમાં, રોષથી ધમધમતો રહેતો,  શૃંગ  છેલ્લા એક વર્ષથી પોતાનો રોષ જાહેરમાં પ્રગટ કરતો થઈ ગયો હતો.

છેવટે  છેલ્લા એક માસથી તો તે રોષ વિસ્ફોટ બનીને,  ઉદ્ધતાઈભર્યા વર્તન સ્વરૂપે, મનની બહાર ફાટ્યો હતો.

પોતાના મમ્મી પપ્પા સાથે પણ તે ઉદ્ધતાઈથી વર્તવા લાગ્યો હતો.

શરૂઆતમાં, નરેશ અને નેહાએ તેને સમજાવીને, `પોતે કેટલાં વ્યસ્ત હોય છે..!!` અને શૃંગે પોતાની જવાબદારી સમજવી જોઈએ,તેમ મનાવવાનો પ્રયત્ન કર્યો. તો માત્ર બાર વર્ષના, પણ હવે સારુંનરસું બધુંજ સમજતા, શૃંગે  `બંને ભ્રષ્ટાચારી છે.` તેમ મોંઢામોંઢ  સુણાવી દેતાં, નરેશને શૄંગ પર ઘણોજ ગુસ્સો આવ્યો અને છેવટે, નરેશે, નોકરોના દેખતાં, તેને ઢોર માર માર્યો.

અત્યાર સુધી લાડકોડમાં ઉછરેલો, નાનકડો  શૃંગ, પપ્પાને પોતાના ઉપર હાથ  ઉઠાવતા જોઈને, ડઘાઈ ગયો.  તે ત્રણ-ચાર દિવસ સાવ મૌન રહ્યો.

નરેશ અને નેહા તેની સાથે વાતચીતનો પ્રયત્ન કરતા તોપણ, તે  સાવ  જડ બનીને બેસી  રહેતો,  સાંભળ્યા કરતો.

સાવ જડભરતની માફક વર્તતા શૃંગથી  કંટાળીને, છેવટે  નરેશ અને નેહા, શૃંગને તેમના ધર્મગુરુ, પૂજ્ય નિત્યાનંદ બાબા પાસે લઈ ગયા.

પૂજ્ય નિત્યાનંદબાબાએ  શાંતિથી વાત સાંભળીને, નરેશ અને નેહાને, શૃંગને પોતાની પાસે એકલો છોડીને, ઓરડાની બહાર બેસવા જણાવ્યું.

અજંપાભરી લાં..બી  ક્ષણો પસાર કર્યા બાદ, શૃંગ, બાબાજીના ઓરડામાંથી, બહાર આવ્યો અને નરેશ તથા નેહા, બાબાજીને મળવા તેમના ઓરડામાં પહોંચ્યા.

એક ધર્મગુરુને જે ઉપદેશ આપવો ઘટે,તેજ સ્વસ્થતા અને સત્યતા સાથે, પૂજ્ય નિત્યાનંદબાબાએ, નરેશ અને નેહાને, કહ્યું,

"  શૃંગ સાથે જે કાંઈ બની રહ્યું છે, તે આ તમારી તામસીવૃત્તિથી કમાયેલા, તામસી ધનનું પરિણામ છે.વળી જે ઉંમરે તેને માતા-પિતાની હુંફની જરૂર છે તેવા સમયે, તેને નોકરોના હવાલે કરવાની ગંભીર ભૂલ, તમો બંનેએ કરી છે. હજુ  મોડું નથી થયું..!! આ  રીતે   સંપત્તિ  મેળવવાનું  બંધ કરી દો, ઈશ્વરની કૃપા, શૃંગ પર આપોઆપ વરસવા લાગશે."

પૂજ્યબાબાને વંદન કરીને પતિ-પત્ની, શૃંગને સાથે લઈને, ઘેર પહોંચ્યા. પણ ન  તો નરેશ અને નેહાના વર્તનમાં કોઈ સુધારો થયો, ન  તો શૃંગના રોષભર્યા વર્તનમાં..!!

છેવટે, એક અઠવાડિયા અગાઉ, શૃંગ, ઘરમાંથી આશરે બેલાખ રૂપિયા લઈને, કોઈને પણ જાણ કર્યા વગર, નાસી ગયો.

આ ઘટનાની જાણ થતાંજ, પેલા ખૂશામતખોરો, તકવાદી મિત્રો, તરત દોડી આવીને, નરેશ અને નેહાને જાતજાતની સલાહ આપી, તેમને મદદ કરતા હોવાનો દંભ કરવા લાગ્યા. જેમનાં ગેરકાયદેસર કામ અટકી ગયાં હતાં, તેવા કેટલાક તો  મોટી રકમની બેગ ભરીને, આર્થિક મદદ (!!)  કરવા દોડી આવ્યા.

નરેશ અને નેહાએ, પોતાના દબદબાભર્યા, સરકારી હોદ્ધાનો (દૂર!!) ઉપયોગ કરીને, `ઑફ ધ રૅકર્ડ` શૃંગને શોધવા, ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમને કામે લગાડી દીધી.

આજે આ બનાવને એક અઠવાડિયું વીતી ગયું. પણ તપાસનું પરિણામ શૂન્ય હતું. જાણે શૃંગ હવામાં, ક્યાંક ઓગળી ન   ગયો હોય...!!

નરેશ અને નેહાએ, ફરીથી પૂજ્ય નિત્યાનંદબાબાનું શરણ લીધું.

પૂ.બાબાએ જણાવ્યું, " જ્યાં સુધી શૃંગ પાસે, તમારી તામસી લક્ષ્મી છે ત્યાં સુધી તેની તમારાથી દૂર ભાગવાની છલાંગ લાંબી વાગશે. પણ મને ખાત્રી છે, આ લક્ષ્મી તેની પાસેથી અળગી થવાની  તૈયારીમાંજ  છે અને  તે આગામી ચોવીસ કલાકમાં ગમે ત્યારે ઘેર પાછો ફરશે. મારી તમને ફરીથી સલાહ છે, ઘરમાં આવા તામસી ધનની ઉષ્માના પ્રભાવને ફેલાવા ન દેશો."

જોકે, હવે શૃંગની  માતા નેહાના, એક માઁ ના હ્યદયે, એક આઈ.એ.એસ. અધિકારીના  હ્યદય પર કબજો જમાવી દીધો હતો.

નેહાએ, નરેશને  કહી દીધું, " આજથી   ભ્રષ્ટાચારના, એક પૈસાને પણ હું હાથ લગાવવાની નથી. મારે મન મારો વહાલો  દીકરો શૃંગ પહેલો. તમારે જે કરવું હોય તે કરજો."

જાણે ભગવાને, એક દુઃખી માઁના હ્યદયનો સાચો પોકાર સાંભળ્યો હોય તેમ, નરેશ અને નેહા ઘેર પહોંચ્યા ત્યારે...!!

સેક્રેટરી મિ.કૃષ્ણમૂર્તિએ વધામણી ખાધી. " સર. શૃંગબાબા  કા  સારા  પૈસા કિસીને ચૂરા લીયા થા, અપના શૃંગબાબા, અભી અભી ઘર આ  ગયા હૈ, વો અપને કમરે મેં હૈ...!!"


નરેશ અને નેહા, શૃંગના રૂમ તરફ દોડ્યા. નેહાએ  શૃંગને વહાલથી, બાથમાં લીધો ત્યારે, એક અઠવાડિયાથી, બહાર રખડતો, ઘેર આવેલો દીકરો શૄંગ, અસહ્ય  તાવથી  ધખતો હતો.  

નેહા, નરેશ અને શૃંગે મૌન હોઠ સાથે, એકમેકની સામે જોયું, પણ તે ત્રણેયની આંખો બોલતી હતી, "બસ હવે વધારે નહીં..!!"

વહાલા પાઠકશ્રી, આજે  એકલો  શૃંગ નહીં, તેનાં ભ્રષ્ટાચારી મા-બાપ પણ, ભૂલાં પડ્યાં હતાં ત્યાંથી પાછા ફર્યાં હતાં.

બહાર નોટોનાં બંડલ ભરેલી બેગો લઈને, મદદ કરવા બેઠેલા ખૂશામતખોરોને ઉદ્દેશીને   કહેતા, પોતાના સમજદાર, સેક્રેટરી મિ.કૃષ્ણમૂર્તિનો અવાજ, નરેશને સંભળાયો.

" ચલીયે સર, પ્લી..ઝ. આપ અભી જાઈએ, આજસે ઑફિસ કા કામ ઘર  પર લેકર મત આના. આજસે હમારે સા`બ, ઑફિસકા કામ ઘર પે નહીં કરેગે..!!"


ઉપસંહારઃ- " જેવું અન્ન તેવો ઓડકાર."

માર્કંડ દવે. તાઃ-૨૧ - જુલાઈ - ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.