Tuesday, July 6, 2010

જોજો, બી જશે..!!

જોજો, બી જશે..!!

" શ્વાસોશ્વાસનો,  થાક  ટપકે..!!
 પ્રસ્વેદ થઈને,  નાક  ટપકે..!!" 


લિખિતંગઃ- શરદી મૈયા.

=========

પ્રિય મિત્રો,

કોઈપણ માનવીના જીવનમાં સહુથી,  વધારે આનંદદાયક  ક્ષણ, તેના ઘરમાં, નાના બાળક્નો જન્મ થાય તે, ક્ષણ હોય છે.
સમાજમાં કોઈને ના ગાંઠતા,  મોટા- મોટા  મૂછાળા મર્દની, મૂછ ખેંચવાનું, સાહસિક પરાક્રમ, આ   નાનું સરખું બાળક કરી શકે છે.
જોકે, હું મૂછો રાખતો નથી. (છતાં, બીજી શંકા કરવા જેવી નથી. ચોખવટ કરવી સારી...!!)

આવોજ, પ્રસંગ મારે ત્યાં બન્યો, હું  દાદા બન્યો,તેનો મને ઘણોજ આનંદ હતો.
કોઈ નામ  ના સૂઝતાં, જેનું  નામ  સહુએ   સર્વાનુમતે, અનાયાસે `નાનકો` રાખેલું તે, 
સાત દિવસની વયનો ` નાનકો`,  આજે   હોસ્પિટલમાંથી, ઘેર  પધાર્યો  હતો.

હોસ્પિટલથી  આવતાંવેંત, નાનકાને જોવા, ઘરનાં સદસ્યનું,  ટોળું વળેલું,  તેથી હું  તેને  જોઈ શક્યો  નહતો.
પણ થોડીવાર પછી, તેની બા એ, ( મારી પત્નીએ ), તેને મારા ખોળામાં મૂકતાં કહ્યું,
" લો, આ  તમારું મૂડીનું વ્યાજ. હવે તમારી એકહથ્થુ સત્તાના દિવસ પુરા થયા."

આ સાંભળીને, મેં `નાનકા` સામે નજર કરી તો, કોણ જાણે કેમ..!!  મારી સામે જોઈ તે, મારી મૂછ   શોધતો   હોય  તેમ   લાગ્યું...!!
છેવટે, તે શોધવામાં નિષ્ફળ જતાંવેંત, જાણે મારી સામે, ઉપહાસભર્યા ચાળા કરતો હોય તેમ, મોંઢું બગાડીને, તેણે  જોરદાર  ભેંકડો   તાણ્યો.

હજી તો ,મારા ખોળામાં, `નાનકા`ને સલામત સમજીને, બીજા ઓરડામાં ગયેલાં, તેનાં `બા` દોડી આવ્યાં.
આવતાંવેંત, જાણે તે સમજતો હોય તેમ તેને સવાલ કર્યો, " શું થ....યું..ઉ..ઉ..!! મારા નાનકાને..એ..એ..એ..!!"

નાનકાનો ભેંકડો બંધ ના થતાં, છેવટે તેણે મને પૂછ્યું, " શું કર્યું, તમે એને?"

જ્યારથી, પરણીને આવી ત્યારથી, આજદિન સુધી,  હું,  `રાત કહું તો રાત અને દિવસ કહું  તો દિવસ` કહેતી,
મારી પત્નીનો આવો, હિંમતભર્યો, વિચિત્ર, અનપેક્ષિત સવાલ સાંભળીને, ક્ષણભર તો હું ડધાઈ ગયો
અને પછી જવાબ આપવામાં, થોથવાઈ જતાં, છેવટે હું  ડરી  ગયો. 

જોકે, તે તો જવાબની અપેક્ષા રાખ્યા વગર ચાલતી થઈ, પણ તે દિવસથી, મારા  જ   ઘરમાં,  મારી દશા, `ધોબીનો કૂતરો, ના ઘરનો, ના ઘાટનો` જેવી થઈ ગઈ..!!

અત્યાર સુધી, બધાંની ઉપર બૂમબરાડાને, ઘાંટાઘાટ કરીને આખાય ઘરને, ઉભા પગે રાખતો હું , એક  મર્દ, ડરનો માર્યો, કોઈને ના કહેવાય તેવું, દર્દ ભોગવતો થઈ ગયો.

હવે તો, રોજની માફક,  નિરાંતે,  જમીને , પેટ પર હાથ ફેરવીને,  આખું ફળીયું સાંભળે તેવો, ઓડકાર ખાવાનું  સુખ  પણ, આ નાનકાને કારણે છીનવાઈ ગયું.
એકવાર ભૂલથી, તે  સુખ  ભોગવાઈ ગયું  તો,  મને  બહાર  વાસણ માંજતી,  કામવાળીએ  દબડાવી નાંખ્યો, " દાદા, જરા ધીમેથી..!!  નાનકો બી જશે..!!"

મને, કામવાળી પર, ખૂબ ગુસ્સો આવ્યો  પણ,  `કાબે અર્જૂન લૂટિયો,  વહી ધનુષ્ય વહી બાણ`, ને યાદ કરી, મારા અપમાનને, હું સુવાંગ ગળી ગયો.

ત્યાર પછી તો, અત્યાર સુધી ઘરમાં, અલમસ્ત, વકરી ગયેલા, ઘોઘર બિલાડાની માફક, મન ફાવે તેમ,  ફરતો   હું,  સાવ `મિંયાઁની મિંદડી` જેવો થઈને, દબાતા પગલે, હવે, બીતાં-બીતાં, આખાય  ઘરમાં  ફરવા લાગ્યો. મારી આ પીડાને સાંભળનારુંય , ઘરમાં કોઈ જ નહતું. બધાંનું  ધ્યાન,  મારા તરફથી હટી જઈને, પેલા નાનકા તરફ હતું.

પહેલાં તો, દરરોજ મારી  થાળીમાં, ગરમાગરમ રોટલી, દાળભાત, શાક, પાપડ કચૂંબર, અથાણાંનો, રસઝરતો સ્વાદ પિરસાતો, તેના સ્થાને હવે, સવાર સાંજ `હલવો`  (  સવારનું વધેલું સાંજે, સાંજનું  વધેલું સવારે `ચલવો` = `હલવો` )  જમવાની ફરજ પડવા માંડી.  મારા ઓડકાર, તો જાણે,  હંમેશને  માટે, ક્યાંક ખોવાઈ જ  ગયા.

આમને આમ અઢી માસ વીતી ગયા, ત્યાં સુધીમાં, મારી હાલત સાવ દયાજનક થઈ ગઈ. નાનકો, મારાથી ડરે કે ના ડરે, હું   તેનાથી ડરતો થઈ ગયો હતો.

આટલું, ઓછું હોય તેમ,  એક દિવસ,  મને ભારે શરદી થઈ, એટલુંજ નહીં..!!  ભૂલથી, આખું ફળીયું ગાજે તેવી છીંક ખાતાંજ,  છીંકના મોટા અવાજથી, નાનકો બી ગયો અને એટલા તો, જોરથી  રડવા લાગ્યો કે, તે હિબકે ચડી ગયો.

બસ...!! થઈ રહ્યું..!! ઘરનાં, સાવ નાનાંથી લઈને મોટાં, મારી સામે ડોળા ચકળવકળ કરતાં, નાનકાંને છાંનો રાખવામાં પડ્યાં. જોકે, મારી દાદાગીરીનો, આટલા વર્ષોનો બદલો લેતી હોય તેમ, નાનકાની બા એ, ઘરના  વરંડાનો,  મૂખ્ય ઝાંપો ચીંધીને,  મને કહ્યું, " હવેથી તમારે છીંક ખાવી હોય તો, ઘરની બહાર ઓટલા પર જઈને  ખાવી..!!"

અ..રે..રે..!! એક વખત, જે  મર્દ  માણસનું, નોકરી-ધંધેથી ઘેર પાછો આવતાંજ, ઠંડા પાણી, ગરમાગરમ ચ્હા, નાસ્તો, પ્રેમથી, ધરીને સ્વાગત થતું હતું, તે માણસને, છીંક જેવી, સાવ નગણ્ય, નક્કામી  પ્રવૃત્તિ કરવા માટે, ઘરનો મોટો ઝાંપો ચીંધવામાં આવ્યો?  છીંક કાંઈ મારી સગલી થાય છે, તે મને પૂછીને આવે?  અરે..!!  છીંક ખાવા, મિનિટે-મિનિટે, ઝાંપે દોડી જઈએ, તે આ ઉંમરે સારા લાગતા હોઈશું?"

આજે તો, મને ઘણું જ માઠું લાગ્યું. મને મનમાં થયું," ચાલ જીવ હવે..!! બેચાર વર્ષ, કોઈ જાત્રાના સ્થળે જતા રહીએ, કારણકે શરદી, એ તો શ્વાસોશ્વાસને લાગતું, સ્વાભાવિક થાકનું  લક્ષણ છે અને ટપકતું નાક, તે શ્વાસના થાકને વળેલો, પરસેવો છે..!!  છીંકને રોકવા, શું મારે શ્વાસ  પણ ન  લેવા?"

આમ, વિચારતાં- વિચારતાં, શરદીની સીરપ - (દવા) ના ઘેનને કારણે,  મારી આંખ મળી ગઈ, તે સાથેજ હું સ્વપ્નમાં સરી ગયો.

સ્વપ્નમાં મેં જોયુંકે, સન - ૧૯૭૭ની, હીન્દી ફીલ્મ `યહી હૈ જિંદગી` માં, સંજીવકુમારને મળવા સાક્ષાત, કૃષ્ણ ભગવાન આવ્યા હતા તેમ, મને મળવા,  મંદ -મંદ મલકાતો, નાનકડો  કનૈયો, મારી સામે, સાક્ષાત પ્રગટ થયો હતો.

પણ અરે..!! આ  શું..!! તેનો ચહેરો-મહોરો તદ્દન, મારા નાનકા જેવો હતો...!!

હજી,  હું   કાંઈ બોલું  ત્યાં  તો, કનૈયો  બોલ્યો, " બસ..!! મારાથી આટલો જલ્દી કંટાળી ગયો? તું તો જાણે, રડ્યા વગરજ મોટો થયો હોઈશ નહીં?  મારાથી ડરવાની ક્યાં જરૂર છે?   તું  જાત્રાએ જઈશ તો, મને જરાય ગમશે નહી. હું  સદેહે તારા ઘેર આવ્યો છું અને તું મને શોધવા જાત્રાએ નીકળે છે?" 

અચાનક, હું  ભાવુક થઈ ગયો. મારી આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. નાનકડા કાનુડાએ,  તેની કોમળ આંગળીઓ ફેરવીને, મારા ગાલ પરથી સરતાં, મારાં આંસુ, હળવેકથી, લૂછ્યાં.

જોકે, ત્યાંજ  મારી આંખ ખૂલી ગઈ, જોયું તો નાનકાની બા, મારી સામે નાનકાને  લઈને  ઉભી  હતી.

તે   જોઈને,   હું સફાળો બેઠો થઈ ગયો, તેણે  નાનકાને, મારા ખોળામાં  સુવડાવ્યો,  નાનકો  મારી  સામે  જોઈને, સ્વપ્નમાં મલકાતો હતો  તેવું  જ,  મીઠુંમધ   મલક્યો.

નાનકાની બા  તો , આ દ્રશ્ય જોઈને, સાવ સડક થઈ ગઈ અને બોલી," લુચ્ચા..!!  રાખીએ અમે  અને હસવાનું  દાદાની સામું?" 

નાનકો પ્રથમવાર હસ્યો,  તે જોવા, બધાંને બોલાવવા, તેણે જોરથી બૂમ પાડી, તે જોઈ,  મેં તેને કહ્યું," ધીમે , જરા ધીમે..બોલ..!! નાનકો બી જશે..!!"

મને થયું, હવે, શરદી મૈયા જખ મારે છે..!!

મને લાગે છે, જે દિવસે, માતા-પિતા,  દાદા-દાદી,  નાનકાઓથી કંટાળીને,  ભાગતા ફરશે, તે દિવસે, ધરતી સાવ રસાતાળ  જશે..!!

આપ સહુનું ઘર પણ, નાનાં- નાનાં નાનકાઓથી, સદાય ગુંજતું રહે, તેવી  ઈશ્વર પ્રાર્થના સાથે....અસ્તુ.


માર્કંડ દવે. તાઃ- ૦૬ જુલાઈ - ૨૦૧૦.

1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.