Friday, January 15, 2010

૦૧- સિંહ અને ઉંદર - માનવ મન

પ્રિય મિત્રો,

નવી પેઢીને કદાચ વર્ષો જૂની દાદા-દાદીની વાર્તાઓ સાંભળવાનો સમય નથી,જે વાર્તાઓ ખરેખર તો સંસ્કારમય જીવનઘડતર માટે ઉપયોગી છે.
આ દાયકાઓ જૂની વિસરાતી વાર્તાઓના ઉપસંહાર આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી બની શકે તે મારી નવી વાર્તાઓ દ્વારા દશાવવાનો મેં
એક નમ્ર પ્રયાસ કર્યો છે,આશા છે,આ નવી શરુ કરેલી વાર્તાશ્રેણી,"વિસરાતી-વિસ્તરતી વાર્તાઓ" સહુને ગમશે.
________________________
વિસરાતી વાર્તાઓ-૧,(સિંહ અને ઉંદર)

એક સિંહ પોતાની બૉડમાં આરામથી ઉંઘતો હતો,તેવામાં કેટલાક ઉંદરોએ તેના શરીર ઉપરથી દોડાદોડી કરી સિંહની ઉંઘમાં ખલેલ પાડી.
સિંહને ઘણો જ ગુસ્સો આવ્યો.તેણે પંજો મારી એક ઉંદરને ઝડપી પાડ્યો,ઉંદરના તો જાણે રામ રમી ગયા.સિંહ ઉંદરને મારવા જતો હતો એટલામાં પેલા ઉંદરે કાલાવાલા કરીને કહ્યું,"મહારાજ મારો આટલો ગુનો માફ કરો."સિંહને દયા આવી ને એને છોડી દીધો.

જતી વખતે પેલો ઉંદર બોલ્યો,"મહારાજ,તમે દુઃખમાં હશો ત્યારે મારાથી તમારી જે સેવા બનશે તે કરીને હું તમારું દુઃખ ટાળીશ,કેમકે તમે મને આજે જીવતદાન આપ્યું છે !"

પેલો સિંહ હસીને મનમાં બોલ્યો,"આ નાનો સરખો ઉંદરડો કેટલી શેખી કરે છે ! એને મારા સામર્થ્યનું ભાન નથી.હું તો આખા વનનો રાજા છું,એને આ ગરીબડા જેવો ઉંદર કહે છે હું તમારું દુઃખ ટાળીશ,એ કેવો ઘેલો છે?"

હવે એક વેળા એવું બન્યું કે પેલી બૉડ પાસે એક શિકારીએ જાળ નાંખી હતી,તેમાં સિંહ સપડાયો.તેણે ઘણાં એ ફાંફાં માર્યા પણ તેનાથી છુટાયું નહીં.બહુ અકળાયો,ત્યારે તેણે બૂમો પાડવા માંડી.તે સાંભળીને પેલો ઉંદર દરમાંથી એકદમ બહાર આવ્યો ને જોયું તો પેલા સિંહને મોટા દુઃખમાં દીઠો.

ઉંદરે વિચાર્યું કે જીવતદાનનો બદલો વાળવાનો વખત આવ્યો છે.પછી તેણે સિંહને કહ્યું,"મહારાજ,ફિકર કરશો મા,તમારો દાસ હાજર થયો છે,તેનાથી બનશે તે ચાકરી કરશે." પછી તેને પેલી જાળ દાંતે કાતરી નાંખીને સિંહને છૂટો કર્યો.
સિંહ મનમાં સમજ્યો કે તે દહાડે હું ઉંદરને તિરસ્કારથી હસ્યો હતો,પણ હવે મને ખબર પડે છે કે વખત આવ્યે તરણા સરખું પણ કામમાં આવે છે.

ઉપસંહારઃ-કોઇને હલકું ગણવું નહીં,વળી કોઇએ આપણું સારું કર્યું હોય તો તેનો પાડ માનીને પ્રસંગ આવે ત્યારે તેનો બદલો વાળવો.
________________________

વિસ્તરતી વાર્તાઓ-૧.(માનવ મન)

માનવનો દિવાળીના પ્રવાસનો બધોજ આનંદ કડડભૂસ થઈ ગયો,એણે જ આગ્રહ કરીને લક્ઝરી બસમાં બિલકુલ ડ્રાઇવરની પાછળની પહેલીજ સીટ પસંદ કરી હતી.એનું કારણ હતું, એમનો ચાર વર્ષનો તોફાની બારકસ ચાહત.પણ જ્યારે માનવને ખબર પડી કે,આખાય પ્રવાસમાં એની બાજુની સીટમાં સહપ્રવાસી તરીકે,બસના ડ્રાઇવરની અભણ પત્ની અને એમનો,ચાહત જેટલીજ ઉંમરનો દીકરો મોહન,બેસવાનાં છે,ત્યારે એને ભારે અણગમો થઈ ગયો.માનવે ટૂર મેનેજરને વાત કરી જોઇ પણ એકપણ સીટ ખાલી નહતી અને કોઇ સીટ બદલવાય તૈયાર ન હતું.માનવના દિવાળીના પ્રવાસનો બધોજ આનંદ કડડભૂસ થઈ ગયો માનવની પત્ની શ્રધ્ધાને માટે તો સીટ કઈ મળી..!! એ કરતાંય લગ્નનાં પાંચ વર્ષ પછી પહેલીવાર ફરવા જવા મળ્યું એજ વધારે મહત્વનું હતું.

શરુઆતમાં માનવે,ચાહતને ડ્રાઇવરના ગોબરા દીકરા મોહન પાસે જતાં રોક્યો,પણ આ શ્રધ્ધા કાંઇ સમજ્યા વગર ચાહ્તની સાથે મોહનને પણ મોધાં રમકડાં,નાસ્તો આપવા લાગી.માનવે અણગમાથી એને રોકી તો જવાબમાં તત્વજ્ઞાન મળ્યુ,"બાળકો તો ભગવાનનું સ્વરુપ કહેવાય,એમનામાં વેરો-આંતરો ના કરાય." પત્યું...!!!હવે માનવે કશું બોલવા જેવું ન રહ્યું,એને લગ્નના ચાર વર્ષમાં પ્રથમવાર શ્રધ્ધા અક્કલ વગરની લાગી.આવા અભણ ગમારના છોકરા જોડે રમીને ચાહતને કયા સારા સંસ્કાર મળી જવાના હતા?

જેમતેમ કરીને માઉન્ટ આબુ પહોંચ્યા,બધા પ્રવાસીઓને માટે હોટલની સુંદર રુમની સગવડ જોઇને માનવ ફરીથી મૂડમાં આવી ગયો.પોતાના મિત્ર એવા,ટ્રાવેલ્સના માલિક સાથે ટૂર મેનેજરને ફોન પર વાત કરાવી,પ્રવાસમાં થી પાછા ફરતાં આવા અભણ,ગોબરા,ગમાર લોકો જોડે બેસવું ન પડે તેની પણ વ્યવસ્થા માનવે કરી દીધી હતી.શ્રધ્ધા તો આખા રસ્તે શોપિંગના પ્લાન બનાવ્યા કરતી હતી,તેથી આવતાંની સાથેજ ફ્રેશ થઈ બજારમાં લટાર મારવા જીદ કરવા લાગી.મોહન સાથે હૉટલની લૉબીમાં દોડાદોડી કરતા ચાહતને પરાણે રુમમાં લાવી હાથપગ ધોઇ તૈયાર કર્યો તો,એ વળી બજારમાં મોહનને પણ સાથે લઈ જવાની જીદ લઈ બેસી ગયો.જોકે માનવે એને ડોળા કાઢી ચૂપ કરી દીધો.શ્રધ્ધાએ પણ મોહનને સાથે લઈ જવા ભલામણ કરી તો માનવની કમાન એવી છટકીકે,મોહનની મમ્મીના (ડ્રાઇવરની પત્નીના) દેખતાં એમના વિષે અભણ,ગમાર અને ના જાણે કેટલુંય એલફેલ બોલી બધાંને સાવ ઉતારી પાડ્યા.શ્રધ્ધાનો મૂડ બગડી ગયો.રડતા મોહન અને બઘવાઇ ગયેલી એની મમ્મીને પડતાં મૂકી માનવ,શ્રધ્ધા અને ચાહત બજારમાં જવા નીકળી ગયાં.માનવ લઇ જાયતે દુકાનમાં જઇ શ્રધ્ધા સાવ મન વગર ચીજવસ્તુઓ જોવા લાગી.એક દુકાનમાં તો એને કશો રસ ન પડ્યો તેથી માનવને એકલાને અંદર છોડી,ચાહત દીકરાને લઇને તે દુકાનની બહાર જ ઉભી રહી.

એટલામાં રડતા મોહનને રાજી કરવા,મોહનને બજારમાં લઇને આવેલા ડ્રાઇવર ઉપર શ્રધ્ધાની નજર પડી.શ્રધ્ધાએ ચાહતને દૂરથી મોહનને બતાવ્યો.જોકે શ્રધ્ધાની એ મોટી ભૂલ સાબીત થઇ,એકાએક શ્રધ્ધાનો હાથ છોડાવી ચાહત,મોહનના નામની બૂમો પાડતો રોડ વચ્ચોવચ દોડ્યો.શ્રધ્ધાનો જીવ ઉંચો થઇ ગયો.દૂરથી એક બાઇકસવારને બેધ્યાનપણે ચાહત તરફ ધસમસતો આવતો જોઇ મોહને પિતાનો હાથ છોડાવી ચાહતને બચાવવા રીતસર દોટ મૂકી.કોઇ કંઈ પણ સમજે..!! ત્યાં તો મોહને ચાહતને ધક્કો મારી બાજુમાં હડસેલી દીઘો પણ બાઇકની ઝપટમાંથી એ પોતે ના બચી શક્યો.બૂમાબૂમ થતાં દુકાનમાંથી માનવ પણ દોડી આવ્યો.બધાં મોહનને લઈ નજીકની હોસ્પિટલે પહોંચ્યા ત્યારે લોહીથી લથપથ મોહનને પગમાં ગંભીર ફેક્ચર થયાનું નિદાન થયું

મોહનના પ્લાસ્ટરવાળા પગ સાથે બધાં હૉટલ પર પાછા ફર્યા ત્યારે બધી હકિકત જાણી ચૂકેલા માનવે,મોહનની હાલત જોઈ આંસુ સારતી એની મમ્મીની માફી માંગી ત્યારે ડ્રાઇવરે સાચા હ્યદયથી એટલાં વેણ ઉચ્ચાર્યાં કે,"માનવભાઇ,તમે મનમાં ઓછું ના લાવશો,મારા દીકરાએ તમારું લૂણ (નમક) ખાધું છે. એ એના ભાઇ ચાહત માટે એટલું ના કરે?બનવા કાળ બધું બન્યા કરે છે? ચિંતા કરો મા..!! ચાહત સાથે રમવા,મોહન થોડા જ દિવસમાં ફરી દોડતો થઇ જશે."

શ્રધ્ધાએ માનવ સામે નજર કરી તો માનવ નીચી નજર કરી ભારે પસ્તાતો હતો.એને હવે રહી-રહીને જ્ઞાન લાધ્યુંકે ગરીબી કારણે અભણ,ગોબરા,ગંધાતા,ગમાર લોકો પણ સંસ્કારી હોઇ શકે છે.આપણે જેને,સાવ તૂચ્છ તણખલા જેવા માણસો ગણતા હોઇએ,
તે પણ ક્યારેક ઉપકારનો બદલો જાનના જોખમે વાળી આપે છે.રહી-રહીને માનવ પોતે જ પોતાની જાતને ગમાર માની રહ્યો.

પાછા વળતાં બસમાં હવે સીટ બદલવાની જરુર કદાચ રહી ન હતી.

ઉપસંહારઃ-કોઇને હલકું ગણવું નહીં,વળી કોઇએ આપણું સારું કર્યું હોય તો તેનો પાડ માનીને પ્રસંગ આવે ત્યારે તેનો બદલો વાળવો.

માર્કંડ દવે.તા.૨૩-૧૦-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.