Friday, December 3, 2010

© આધુનિક બોધકથાઓ શ્રેણી - ૪

© આધુનિક બોધકથાઓ શ્રેણી - ૪


જો થઈ છે..!!

ડૉક્ટર-" સાલું, હું ૪૦ વર્ષનો થવા આવ્યો, છતાં મારાં લગ્નનું ઠેકાણું નથી પડતું..!!"

મિત્ર," કેમ એમ?"

ડૉક્ટર-" અરે..!! મારો માંદો  સસરો, મારી ભાવિ પત્નીને મેં લખેલા પ્રેમપત્ર વડે, કૅમિસ્ટ પાસેથી દવા લઈ આવીને સાજો થઈ જાય છે, આગળ વાત જ વધતી નથી..!!"

========

વાર્તા-૧ ( શેઠાણીનો વર)

નોકરાણી-" શેઠાણીજી, ગઈકાલે શેઠે મને તેમના બેડરૂમમાં બોલાવીને મારી સાથે અડપલાં કર્યાં. શેઠને જરા ઠપકો આપજો તમે."

શેઠાણી-" જા જા જુઠ્ઠી,  શેઠ એવું ખરાબ કામ કરે તેવા છે જ નહીં, તું સાવ જુઠ્ઠું બોલે છે..!! "

નોકરાણી- " શેઠાણીજી, ખરેખર હું સાચું કહું છું. તમે કહોતો, મારા વરના સોગંદ ખાઉં છું બસ?"

શેઠાણી -
" તારા વરના સોગન? તો તો શેઠે તને ચોક્કસ,  અડપલાં કર્યાંજ હશે, દુકાનેથી આવવા દે એમને ઘેર..!!"

આધુનિક બોધઃ- 
નોકરાણી પર નજર બગાડતા પહેલાં, શેઠાણીને  નોકરાણીનો વર કેટલો વહાલો છે? તે શેઠે અવશ્ય ચેક કરી લેવું.

========

વાર્તા-૨ ( પ્રિય કવિતા)

એક સોહામણા સ્માર્ટ યુવાન કવિનો ટી.વી.ચેનલ પર ઈન્ટરવ્યુ,  ભરબપોરે પ્રસારિત થઈ રહ્યો હતો, જે  કાર્યક્રમને એક સ્થળે કિટીપાર્ટી માટે એકઠી થયેલી કેટલીક મહિલાઓ નિહાળી રહી હતી.

ટી.વી. એન્કર-" સર, આપને કવિતાનો શોખ ક્યારથી છે?"

યુવાન કવિ-" હું કૉલેજમાં હતો ત્યારથી."

ટી.વી. એન્કર-" સર, આપની અનેક કવિતાઓમાંથી આપને અતિ  પ્રિય કવિતા કઈ છે?"

યુવાન કવિ-" દરેક કવિને, આમતો તેની બધીજ કવિતા પ્રિય હોય છે, પરંતુ `તને ચાહવાની મોસમ છવાઈ છે.` મને વધારે પ્રિય છે.

ટી.વી. એન્કર-" સર,  આપની કવિતાઓ અત્યાર સુધીમાં ક્યાં-ક્યાં છપાઈ છે? કોઈ કવિતા સંગ્રહ બહાર પડ્યો છે?

હવે, ટી.વી. એન્કરના આ પ્રશ્નનો જવાબ, પેલા યુવા કવિ આપે તે પહેલાંજ, કિટીપાર્ટીમાં આવેલી એક મહિલા બોલી," આ કવિ, કૉલેજના છેલ્લા વર્ષમાં મારી સાથેજ હતો. જેની પ્રિય કવિતા મારે ત્યાં છપાઈને અત્યારે ચાર વર્ષની થઈ છે..!!"

બીજી એક મહિલા બોલી," આ કવિ છેલ્લા અઢી વર્ષથી મારી સાથે નોકરી કરે છે,  તેની પ્રિય કવિતા, મારે ત્યાં  છપાઈને, અત્યારે બે વર્ષની થઈ ગઈ છે..!!"

આ સાંભળી ચહેરા પર રોષ સાથે એક મહિલા બોલી," સાલો..!! ધુતારો? આગામી છ માસમાં, આની પ્રિય કવિતાનું પ્રકાશન હું  કરવાની છું..!!"

એક સાથે લગભગ ચીસ પાડતા અવાજે, પેલી બે મહિલાઓએ  સવાલ કર્યો," એટલે?"

આ મહિલા ઉદાસ ચહેરે બોલી," આ ઠગ સાથે, આઠ માસ અગાઉજ, મારાં લગ્ન થયાં છે, હવે  મારું શું થશે?"

પેલી બે મહિલાઓએ કહ્યું, " હવેતો તે આખો કવિતા સંગ્રહ બહાર પાડશે, બીજું શું? "

આધુનિક બોધ-
  કોઈપણ કવિ સાથે લગ્ન કરતાં પહેલાં, પોતાની પ્રિય કવિતા, તેણે અનેક જગ્યાએ અગાઉ છાપી મારી નથીને? તે અવશ્ય ચેક કરી લેવું.

=========

વાર્તા-૩  ( ધંધાર્થી પતિ )

થાકેલી જણાતી એક સ્ત્રી, બીજીને કહે," મારા પતિથી હું સાવ કંટાળી ગઈ છું. એમ થાય છેકે આપઘાત કરું?"

બીજી સ્ત્રીએ પૂછ્યું, " કેમ, પતિ શું કરે છે?"

પહેલી સ્ત્રી," અરે..!! જેટલીવાર ધંધો બદલે તેટલીવાર, ઘરમાં પણ ધંધાની ભાષામાં મારી પર ઑર્ડર છોડે છે..!!"

બીજી સ્ત્રી," એટલે, જરા સમજાય તેવું બોલને?"

પહેલી સ્ત્રી," એટલે એમકે, પહેલાં તે  સ્પોર્ટ્સ કૉચ હતા, ત્યારે સવારથી મોડીરાત સુધી દરેક વાતે, કાયમ મને `Get-Set-Go` ના હુકમ છોડતા હતા..!!"

બીજી સ્ત્રી," પછી, અત્યારે શું ધંધો  કરે છે?"

પહેલી સ્ત્રી,"  યોગનું પ્રશિક્ષણ આપે છે તથા દરરોજ રાત્રે બે કલાક સુધી, મને `કપાલભાતિ` કરવાનો હુકમ આપી, પોતે સમાધિ લગાવી ઊંઘી જાય છે..!!

બીજી સ્ત્રી,"  હવે  કપાલભાતિ કરવાનું તને કહે તો, નવું યોગાસન શીખવાના બહાને, તેના હાથપગ જકડાઈ જાય તેવું `અષ્ટાવક્રાસન` શીખવવા, તેની પાસે જીદ કરજે..!!"

આધુનિક બોધઃ-  પતિ જેમજેમ ધંધા બદલે તેમતેમ તેના ધંધાને અનુકુળ થવા, પત્નીઓએ  અવનવા નુસ્ખા આગોતરા જ શોધી રાખવા.

=========

વાર્તા-૪ ( લૉયલ્ટી ટેસ્ટ.)


પતિ-પત્ની સાથે બેસીને બિંદાસ ટીવી પર આવતો `ઈમોશનલ અત્યાચાર` નામનો કાર્યક્રમ જોઈ રહ્યા હતા.

આ શૉમાં, કોઈની પત્નીએ  કરાવેલા લૉયલ્ટી ટેસ્ટમાં, તેનો પતિ નપાસ થાય છે તથા પતિ, પેલી અંડરકવર એજન્ટ કન્યા સાથે ફ્લર્ટ કરતાં રંગે હાથ પકડાઈ જઈને, પત્નીની ગંદી ગાળો અને તેના હાથનો  માર ખાય છે, તેમ દર્શાવે છે.

આ જોઈને પતિએ પત્નીને પૂછ્યું," શું તને મારી લૉયલ્ટી પર શક પડે તો તું  પણ,  મને કોઈ પ્રેમિકાથી છોડાવી પરત મેળવવા, મારી ખાનગી તપાસ કરાવે?"

પત્ની સાવ શુષ્ક અવાજે બોલી," તને પેલીથી છોડાવી પરત લાવવા નહીં, પણ તે ભટકેલ ભમરાળી તારામાં શું ભાળી ગઈ`તી, તે પૂછવા ખાતર ખાનગી તપાસ જરૂર કરાવું?"

આધુનિક બોધઃ- ટીવીના ચિત્રવિચિત્ર કૉન્સેપ્ટવાળા શૉ નિહાળતી વેળાએ, પત્ની ઉશ્કેરાય તેવા, બેવકૂફીભર્યા સવાલ ક્યારેય ન કરવા, અપમાનિત થવાની શક્યતા હોય છે.-

=========

" ANY COMMENTS"

    
માર્કંડ દવે. તાઃ ૦૩ ડીસેમ્બર ૨૦૧૦.

=========

1 comment:

  1. ખુબ સરસ રસપ્રદ બોધકથાઓ.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.