Thursday, October 6, 2011

તણખો (ભક્તિ ગીત)તણખો (ભક્તિ ગીત)

પ્રિય મિત્રો,

મનુષ્ય જ્યારે સંસારના ત્રિવિધ તાપથી ત્રસ્ત થઈ જાય. મનુષ્યને જ્યારે અપાર હતાશા ઘેરી વળે, ત્યારે `સુખમાં સાંભરે સોનીને, દુઃખમાં સાંભરે રામ.` તે ન્યાયે મનુષ્યની ભીતર ઈશ્વર પ્રાપ્તિ કાજે અમાપ મહેચ્છાગ્નિ પ્રગટ થાય.

આ તણખાને જે બુઝાવા ન દે તે,
ભક્ત પ્રહ્લાદ,મીરાં,નરસૈંયો,સુરદાસ,કબીર, રહીમ,જ્ઞાનદેવ,તુકારામ અને અન્ય અનેક પ્રાતઃસ્મરણીય પ્રભુભક્તનું બિરુદ પામી અંતે, 
ઈશ્વરના ચરણોમાં મોક્ષપ્રાપ્તિ કરે તથા પરમસુખધામ નિવાસ કરે.

આ ભક્તિ ગીતમાં,આવીજ એક તણખો ઝર્યાની વાત છે.આશા છે આપને જરૂર ગમશે. ઈશ્વરકૃપાથી આ ભક્તિગીતનું સ્વરાંકન પણ સુંદર થયું છે,જે ટૂંક સમયમાં અપલૉડ કરીશ. માણીએ એક ભક્તિ ગીત જે,
`નાહં કર્તા,હરિ કર્તા` ના ભાવ સાથે રચાયું છે. 

તણખો (ભક્તિ ગીત)

એકજ તણખો ઝર્યાની વાતને,ભીતર ભાણ ઉગ્યાની ભાત..!!  

નમકહરામ થૈ નિરાંત હવે તો, આ જાત સળગ્યાની  રાત..!!  

(ભાણ=સૂરજ)

અંતરા-૧.

નયન ઝરુખે આ,અસુંવન તરસેને, વિરહ સમીર સંગાથ,

રગરગ તડકો ઘૂંટ્યો હવે તો,આ વસંત સળગ્યાની વાત.

ભીતર ભાણ ઉગ્યાની ભાત..,(૨)

(તડકો= સંસારના ત્રિવિધ તાપ; વસંત=ભૌતિક સુખ)

અંતરા-૨.

રણરણ ભટકે ને,તરસ થૈ તડપે આ,મૃગજળ મલિન અમાસ,

ભવરણ ભ્રમણે ભૂલ્યો હવે તો, લાગે તરસ અડ્યાની તમાસ.

ભીતર ભાણ ઉગ્યાની ભાત..,(૨)

(મૃગજળ= આભાસી સંસાર; અમાસ= અંધકારમય હતાશા;તરસ= હરિદર્શનની પ્યાસ; તમાસ= તમાશો)

અંતરા-૩.

અગન ભભૂકે આ, ભડભડ ભડકેને, તનમન કથીર ઉદાસ,

નસનસ ભડકો લૂટ્યો હવેતો,આવી ભીતર બળ્યાની વાસ.

ભીતર ભાણ ઉગ્યાની ભાત..,(૨)

(અગન=મોહ,માયા,ક્રોધ; કથીર=રાખના મૂલ્યનું તનમન)

અંતરા-૪.

ઝરમર ઝરણે,પલળ્યા કરુંને, ગગન ભેદવાની ચાહ.

મઘમઘ માંહ્યલો મહેકે હવે,કો` આતમ ભળ્યાની રાહ. 

ભીતર સાંજ ઢળ્યાની ભાત..,(૨)

(ઝરણું= હરિકૃપાની વર્ષા; ગગન ભેદવું=પ્રભુદર્શન; માંહ્યલો=આત્મા; ભીતર ભળવું=અદ્વૈત થવું.)

એકજ તણખો ઝર્યાની વાતને,ભીતર ભાણ ઉગ્યાની ભાત..!!  
નમકહરામ થૈ નિરાંત હવે તો, આ જાત સળગ્યાની  રાત..!! 

માર્કંડ દવે.તા.૦૬-૧૦-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.