Saturday, June 19, 2010

પ્રેમની પંગત.

પ્રેમની પંગત.


" પ્રેમની પંગતને, પીરસવાની રાહ છે..!!
  હેતના  હલવાને, ચાખવાની  ચાહ છે..!!"


===========


" મારો સ્વભાવ તો પહેલેથીજ, આવો ઘેલ...(અશ્લીલ ગાળ)  છે. તું કહે એટલે, મારે મારો સ્વભાવ બદલવાનો ? શું કામ ભાઈ? જો,તારે મારી સાથે સંબંધ રાખવો હોય તો રાખ નહીંતર તારી માઁ... .(અશ્લીલ ગાળ) જા."  અત્યંત ગુસ્સા અને કડવાશ સાથે, નમ્ર તાડૂક્યો.

નમ્ર એ પણ ભૂલી ગયોકે, તેઓ કોઈ એકાંત સ્થળે નથી બેઠા,પણ જાહેર રેસ્ટોરન્ટમાં ગરમ ચ્હાની ચૂસ્કી લઈ રહ્યા છે.

નમ્રની સામે બેઠેલા ઔચિત્યએ, નમ્રએ આપેલી માઁ સમાણી ગાળ,નીચી મૂંડી કરીને સાંભળી લીધી.
જોકે, નમ્રએ આપેલી, આવી બેહૂદી અશ્લીલ ગાળ સહન કર્યા વગર, ઔચિત્યનો છૂટકો જ ન હતો.

ઔચિત્ય અને નમ્ર બંને કોલેજના મિત્રો. બંનેએ, કૉલેજમાં સાથે જ ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને, લૉ ની ડીગ્રી ડીસ્ટીંક્શન રેન્ક સાથે પ્રાપ્ત કરી હતી.

નમ્રનો સ્વભાવ પહેલેથીજ ઉગ્ર તેથી,પોતાના સ્વભાવને અનુકૂળ,  તેણે ફોજદારી કેસ લડવાની પ્રેક્ટીસ શરૂ કરી.
શાંત-ધીર ગંભીર સ્વભાવના, ઔચિત્યએ દીવાની કેસ ની પ્રેક્ટીસ શરૂ કરી.
નમ્રનો વ્યવસાય ધીખતો ચાલવા લાગ્યો અને શાંત સ્વભાવના ઔચિત્યનો વ્યવસાય ઠીકઠીક કહી શકાય તેવો ચાલતો હતો.

બસ ભૂલ એટલી થઈકે,શરૂઆતમાં, બંનેની આર્થિક સ્થિતિ નબળી હોવાથી, બંને એ સરખા ભાગે નાણાં કાઢીને, શહેરની વચ્ચોવચ્ચ, મેઈન રોડ પર, વિશાળ ઑફિસ ખરીદી હતી. નમ્ર અને ઔચિત્ય વચ્ચે, મનદુઃખનું કારણ, આજ બાબત હતી.મોકાની જગ્યા પર, ભાગીદારીમાં ખરીદેલી વિશાળ ઑફિસ પણ,હવે નમ્રને સાવ નાની પડવા લાગી હતી અને તે હવે ઔચિત્યની ઑફિસનો ભાગ ખરીદી લઈ,તેને ભાગીદારીમાંથી છૂટો કરવા માંગતો હતો.

ઔચિત્યની લાચારીએ હતીકે,મિત્ર પર વિશ્વાસ રાખી આ ઑફિસની જગ્યા નમ્રના નામ પર ખરીદી હતી,ઉપરાંત, તે જો આ જગ્યા ખાલી કરીને જાય તો, તેનો આમેય પહેલેથીજ નબળો ચાલતો વ્યવસાય,સાવ ભાંગી પડે તેમ હતું.

પણ આ તો નમ્ર, એક  તો પહેલેથીજ, `इक तो  करेला, उपर से  नीम चढ़ा।`

નમ્રના પોતાનાજ કહેવા મુજબ,તેનો સ્વભાવ ` ઘેલ...(અશ્લીલ ગાળ) ` હતો અને પાછો રોજ ગંદી ગાળો બોલતા, દગાફટકા અને ખૂનામરકી કરતા ક્લાયન્ટ સાથે, ચોવીસ કલાકની સોબતમાં રહેવાનું.

ઔચિત્યએ,નમ્રના ગુસ્સાને શાંત પાડવા, બંને મિત્રો એ, કેવા પ્રેમથી, એકસાથે  કેરિયરની શરૂઆત કરી હતી...!! તે યાદ કરાવીને, સંઘર્ષના દિવસ યાદ
કરાવ્યા. પણ  નમ્ર નો `સ્વાર્થ` આજે બીજું કાંઈ સાંભળવાના મૂડમાં નહતો. ઔચિત્યના, આમ કરવાને કારણેતો, ઉપરથી નમ્ર વધારે ભડક્યો.

" તારી ...(ગાળ) માં છાણ નથી,એટલેજ તો તારો ધંધો નથી ચાલતોને ?  એમાં મારા કેટલા ટકા..!!  જો ઔચિત્ય, હું તને ચોવીસ કલાક આપું છું, નહીંતર આ ઑફિસ કાયદેસર મારા એકલાના નામે છે,હું તને કૉર્ટમાં ઘસડી જતાં, જરાપણ વિચાર નહીં કરું. દોસ્તી જાય ભા...ડ માં..!!" આટલું બોલી, ચ્હાના બીલની રકમ,નફરતપૂર્વક, ટેબલ પર રીતસર ફેંકીને, ઔચિત્યની સામે નજર પણ નાંખ્યા વગર,  નમ્ર  ચાલતો થયો.

આવનાર તોફાન પહેલાંની, શાંતિ ફક્ત ચોવીસ કલાક  જ  રહી.

એકજ ઑફિસમાં,એકજ પાર્ટિશનની આસપાસ, બેસતા હોવા છતાં, નમ્રએ, ત્રીજા દિવસે પોતાની ઑફિસ ખાલી કરવાની કાયદેસરની નોટીસ, ઔચિત્યને, રજી.ઍ.ડી.થી, પાઠવી દીધી.

હવે તો,આ ઝઘડાની જાણ થતાંજ, બંનેના સ્ટાફને પણ, બૉસની ગેરહાજરીમાં, ચર્ચા કરવાનો ગરમાગરમ વિષય મળી ગયો. આ આખાય ઝઘડાની વાત છેક, નમ્ર અને ઔચિત્યના પરિવાર સુધી પહોંચી ગઈ.

શાંત અને ગંભીર સ્વભાવના ઔચિત્યને,હવે શું કરવું?  તેજ સમજાતું નહતું. ઔચિત્યને એટલું જરૂર સમજાઈ ગયું હતુંકે, નમ્ર પોતાની લીધેલી વાત પડતી મુકવાનો નથી.    

નમ્ર અને ઔચિત્યના,,પરિવારના સદસ્ય તથા બંનેના કૉમન મિત્રોએ, આ ઝઘડાનો વ્યવહારૂ ઊકેલ લાવવાનો પ્રયત્ન કરી જોયો,પરંતુ નમ્ર કોઈની વાત સાભળવા કે માનવા જ તૈયાર નહ્તો.

બીજા ચાર દિવસ, અત્યંત ઉદ્વેગ અને ચિંતામાં વીતી ગયા. હવે, ઔચિત્ય, જો દોસ્તી અકબંધ રાખવા જાય તો, તેને ભરપાઈ ન થઈ શકે તેવું વ્યવસાયિક નુકશાન થતું હતું અને  જો નોટીસનો વળતો જવાબ, નમ્રને પાઠવે તો દોસ્તી તૂટી જાય, તે ઉપરાંત, કૉર્ટકચેરીને કારણે, અન્ય વ્યવસાયિક મિત્રોમાં, બંને જણ હાઁસીને પાત્ર થાય..!!

આજે સવારે,  આઠ વાગે, ઔચિત્ય,પોતાની ઑફિસમાં જઈને,જ્યાં પોતાની ખુરશીમાં સ્થાન ગ્રહણ કરે,ત્યાંતો  નમ્ર આવીને તેની સામે બેસી ગયો. ઔચિત્યને ફાળ પડી, નક્કી આજે બંનેના સ્ટાફની હાજરીમાં,નમ્ર પોતાના ઉગ્ર સ્વભાવ મુજબ, પોતાને ગંદી ગાળો આપી, પોતાના ટેબલ પર પડેલી ફાઈલો ઉછાળશે..!! હા, નમ્ર એમ પણ કરી શકે છે..!!

નમ્ર, જાણે ખરેખર ફાઈલ ઉછાળવાનો હોય અને પોતે તેને રોકવા મથતો હોય તેમ, ઔચિત્યએ,પોતાના ટેબલ પર પડેલી ફાઈલોને કચકચાવીને પકડી.

જોકે, `ભોળાને ભગવાનની સહાય`, તે ન્યાયે, જાણે ચમત્કાર થયો હોય તેમ, બીજીજ  ક્ષણે, નમ્રનો અવાજ  આવ્યો,

" ઔચિત્ય,તારી સાથે ખરાબ વર્તન કરવા બદલ મને માફ ફરી દે.આપણી દોસ્તી કરતાં આ ઑફિસની કિંમત વધારે હરગીઝ નથી.મેં તને ઑફિસ ખાલી કરવા દબાણ કર્યું તે મારી ગંભીર ભૂલ હતી. હું ખરેખર સાચા દિલથી માફી માંગું છું. અને હા, આ ઑફિસના તારા ભાગની અડધી જગ્યાની માલિકીનાં, આ રહ્યાં  પેપર્સ, ભવિષ્યમાં તને  તકલીફ ના પડે તેથી, મેં તારી ઑફિસનો હિસ્સો, કાયદેસર  તારા નામે કરાવી દીધો છે, છતાં, મારી સહીની જ્યાં જરૂર પડે ત્યાં મને કહેજે, હું તરતજ સહી કરી આપીશ. અરે યાર...!! હવે, ચ્હા-પાણી તું મંગાવે છેકે હું ઑર્ડર આપું?" 

છેલ્લા એક અઠવાડિયાથી, અતિશય ચિંતા અને  ભવિષ્યના વિચારે સતત ઉદ્વેગમાં જીવતા,ઔચિત્યને પોતાના કાન પર વિશ્વાસ ના આવ્યો.સા...લું..!! આ અચાનક શું થયું?  આજનો નમ્ર સાચોકે, એક અઠવાડીયાથી, સતત ગંદી,અશ્લીલ ગાળોથી,પોતાને નવાજતો નમ્ર સાચો?

ઔચિત્યએ ખાત્રી કરવા,નમ્રએ ટેબલ પર મૂકેલાં પેપર્સ ચેક કર્યાં. ખરેખર નમ્રએ, ઔચિત્યના  હિસ્સાને, તેના નામે કરી આપ્યો હતો.

કોઈ જાયન્ટ વ્હીલમાં બેઠેલો માણસ, જાયન્ટ વ્હીલ, ઉપર ગગનમાંથી નીચે આવે ત્યારે, પોતાના હ્યદયમાં ગલગલિયાઁ સાથે, જે પ્રકારે હળવાશ અનુભવે,તેવી હળવાશ, ઔચિત્યના હ્યદયમાં વ્યાપી ગઈ.

ઔચિત્યએ મંગાવેલી ચ્હા પીને નમ્ર, પોતાની કૅબીનની બહાર ગયો તે સાથેજ, ઔચિત્યએ પોતાના પરિવારને, આ શુભ સમાચાર આપ્યા અને પોતે ચિંતામૂક્ત થઈ ગયો..!! તે બાબતે  આનંદ વ્યક્ત કર્યો.ઔચિત્યને થયું," હાશ..!! સઘળું હવે ઠીક થયું."

પરંતુ, રહી-રહીને, નમ્રના વલણમાં આવેલા અચાનક બદલાવનું કારણ જાણવાની ઈંતેજારી, ઔચિત્યને  સતાવવા લાગી.

તે દિવસે રાત્રે,ઔચિત્ય આ અસમંજસને કારણે આખી રાત સરખું સૂઈ પણ ના શક્યો. એકવાર તો તેને વિચાર  આવ્યોકે, `લાવ ફૉન કરીને નમ્રનેજ  પૂછી લઉં,પણ ` રખેને..! તેનો વિચાર ફરીથી બદલાઈ જાય તો?` 

છેવટે પત્નીના આગ્રહથી,ઔચિત્ય છેક પરોઢીયે પથારીમાં આડા પડખે થયો,પણ ઊંઘ તો ન જ આવી.

આવી માનસિક સ્થિતિમાં, ચાર દિવસ પસાર થયા હશે, તે દરમિયાન એક દિવસ સવારે, ઔચિત્યને,તેના ક્લાર્કે,આજના કુરિયરમાં,ટપાલ સાથે આવેલું અને   અત્યંત કાળજીપૂર્વક સીલ કરેલું, પરબીડીયું આપ્યું. કવર ઉપર મોકલનારનું નામ સરનામું,વિગેરે કોઈજ ઉલ્લેખ નહ્તો.

ઔચિત્યએ ઉત્કંઠાપૂર્વક તે કવર ખોલ્યું તો તેમાં, એક પત્ર હતો. આ પત્ર વાંચતાંજ ઔચિત્યને, નમ્રમાં આવેલા સ્વભાવના ફેરફારનું કારણ સમજાઈ ગયું.

" પ્રિય ઔચિત્ય,

તને આ પત્ર મળે તો તું તેને વાંચીને, તરતજ ફાડી નાંખીશ, તેવા વિશ્વાસ સાથે, મેં તને  પત્ર લખ્યો છે.

હું કોણ છું તે જાણવાની તારે જરૂર નથી, પણ હું જાણું છું..!!  હું કોણ છું? તે તો કદાચ પત્રની વિગતો પરથીજ તું ઓળખી જઈશ...!! કદાચ તને મારા અક્ષર પણ યાદ હશે,કારણકે મારા મરોડદાર, સુંદર અક્ષરનાં, કૉલેજના દિવસોમાં તે ઘણીવાર,ઘણા પાસે વખાણ કરેલા છે. 

ખેર..!!  તને પજવવાની પ્રવૃત્તિ તાત્કાલિક,ત્યજીને, તારા હક્કનો, ઑફિસનો હિસ્સો, તારા નામે કરી આપવા,  નમ્ર જે ભાષા સમજે છે તે ભાષામાં,અને વ્યવહાર દ્વારા, નમ્રને મેં  સમજાવી દીધો છે.

કૉલેજના દિવસોથીજ તને ખબર છેકે, નમ્ર શેર હશે તો હું તેના માથે સવાશેર છું. હવે તું ચિંતા છોડીને તારા વ્યવસાયમાં ધ્યાન આપજે, હવે આજ પછી નમ્ર, કમસેકમ તારી સાથે તો હવે ક્યારેય, નમ્રતા ત્યજીને નહીં વર્તે, તેની મેં ખાત્રી કરી લીધી છે.

એ માટે મેં શું કર્યું..!!  તે તારે જાણવાની જરૂર નથી. મારો આભાર માનવાની પણ જરૂર નથી.

હા, એક વાત જરૂર કહીશ, તને યાદ છે? કૉલેજના ગાર્ડનમાં, એકવાર તું, નમ્ર અને તારા મિત્રો, જાણે જમવાની પંગત પડી હોય તેમ લાઈનસર બેઠા હતા,એટલામાં હું  ત્યાંથી પસાર થઈ, અને તેજ વખતે, મિત્રોના આગ્રહથી, તારા કવિ હ્યદયે લલકાર્યુંકે,

" પ્રેમની પંગતને, પીરસવાની રાહ છે..!!
 હેતના  હલવાને, ચાખવાની  ચાહ છે..!!" 


અને...અને મારો પિત્તો છટકી જવાથી,મેં તને એક જોરદાર થપ્પડ રસીદ કરી હતી, જોકે, તું  નિર્દોષ હતો,તેની મને પાછળથી જાણ થતાં હું ખૂબ પસ્તાઈ હતી.  તારી માફી માંગવાની, મારી ખૂબ ઈચ્છા હતી,પણ કોણ જાણે કેમ, હું  તેમ ન  કરી શકી..!!

આજે એમ સમજી લેજેકે, મેં તારી મદદ કરીને, તે પાપનું, પ્રાયશ્ચિત કરી લીધું છે.

તારી સદાય ૠણી.

`---------------------`

તા.ક.  તેં પત્ર  ફાડ્યો?"

=====

પત્રને ફાડવાનું ભૂલીને, ઔચિત્ય એકદમ સ્થિર થઈ ગયો હતો. થોડોક સ્વસ્થ થતાંજ, તેણે ભગવાનનો આભાર માન્યો અને પત્રને ઈમાનદારીથી ફાડી,એકદમ ઝીણા ટૂકડા કરીને, ડસ્ટબીનમાં નાંખ્યા.

કૉલેજ કાળનું, કોઈ સાથી હજી તેનું આટલું ધ્યાન રાખે છે તે જાણીને તેને સારું લાગ્યું.તે ચિંતામૂક્ત મન સાથે ઉભો થયો, કૉર્ટમાં જવાનો સમય થઈ ગયો હતો.

ભાઈ ઔચિત્ય, તું  આ ક્થાને રસપૂર્વક માણનારા, સહુ પાઠકોને, તને મદદ કરનારી, આ  વ્યક્તિ કોણ છે તે, તારા સૌજન્યશીલ, ધીર ગંભીર સ્વભાવને કારણે, નહીંજ જણાવે, તેની એક કથા લેખક તરીકે મને ખાત્રી છે.

પરંતુ, એક કથા લેખક તરીકે,  હું મારા પાઠકોને, આતુરતાના અંધારે અટવાતા તો ન જ છોડી શકું ને ?

તો સાંભળો, મિત્રો, ઔચિત્યને થપ્પડ રસીદ કરીને, પ્રાયશ્ચિત કરનાર અન્ય કોઈ નહીં, પણ  નમ્રની માથાભારે પત્ની એશા છે. નમ્ર ઘરની બહાર ભલે, સિંહની માફક ગર્જના કરતો હોય પણ ઘરમાં પ્રવેશતાંજ, તે સાવ `મિંયાની મીંદડી` બની જાય છે.

જોકે, કૉલેજમાં ઔચિત્યને, એશાએ મારેલી જોરદાર થપ્પડના,પ્રભાવમાં આવી જઈને, અનેક કાવાદાવા  કરીને, એશાને પત્ની તરીકે, પ્રાપ્ત કરવા બદલ,પહેલાં પોરસાતો નમ્ર, આજે પેટ ભરીને પસ્તાય છે,તે અલગ વાત છે.

મિત્રો,આપને શું લાગે છે?

 એશા  મનોમન  ઔચિત્યને પ્રેમ કરતી હશે?

હેતનો હલવો ચાખવાની ચાહ ઔચિત્યને પણ હશે?

તમને સમજાય તો મને પણ કહેજો, અત્યારે તો હું  જ અંધારે અટવાઉં છું..!!

માર્કંડ દવે.તાઃ-૧૯-જૂન-૨૦૧૦. 

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.