Friday, January 15, 2010

જુદારો

જુદારો

" પીંડને અલગ કરતાં,પીડ ઉપડે તો શું કરું ?
પાંપણે સતત તરતાં,અશ્રુ કનડે તો શું કરુ ? "

===============================

એક અઠવાડિયાથી ઘરમાં ચાલતા કંકાસથી,માત્ર આઠ વર્ષનો નયન સાવ કંટાળી ગયો હતો. ખબર નહી કેમ..!! પપ્પા છેલ્લા,એક અઠવાડિયાથી, ઘરમાંથી જુદા રહેવા માટે જીદે ચઢયા હતા.દાદા-દાદી સાથે તેઓ ઝઘડો કરતા, તેમાંથી નયનને તો માત્ર એટલું જ સમજાતુંકે, હવે તેને ગમતાં દાદા-દાદી, પોતાનું આ ઘર તથા ફળીયાના કાયમી ખાસ ભાઈબંઘોને છોડીને બીજે રહેવા જવું પડશે. ગામમાંજ, પપ્પાએ બીજે ભાડે રાખેલા ઘરમાં રહેવા જવા માટે જ પપ્પા મમ્મી,દાદા-દાદી સાથે રોજ ઝઘડો કરે છે.

નયને પોતાને આવડી તેવી વાણીમાં,મમ્મીને સમજાવવાનો નિષ્ફળ પયત્ન કરી જોયો,પણ મમ્મીએ તેને વડચકું ભરીને ચૂપ કરી દીધો. ફળીયામાં બધા ભાઈબંધો પણ તેને જાતજાતના સવાલ કરતા હતા,તેથી હવે તો તેણે શરમને લીધે, ફળીયામાં રમવા જવાનું પણ બંધ કરી દીધું હતું.

આજે પણ સાંજથી જ પપ્પાએ દાદી સાથે કકળાટ આદર્યો.કોઈ દિવસ નહીંને આજે દાદા-દાદીને, પહેલીવાર ચોધાર, રડતા જોઈ,નયનને પપ્પા-મમ્મી ઉપર એટલો બધો ગુસ્સો આવ્યોકે,જાણે શું નું શું એ કરી નાખું..!! છેવટે રાત્રે નવ વાગતાં,પપ્પા જમીને ફરી પાછા બેઠકરુમમાં ગયા અને મમ્મીએ તેને વહેલો જ સુવડાવી દીધો, પણ નાનકડા નયનને આજે ઊંઘ નહોતી આવતી.

આજે તો મોટાદાદા (દાદાના મોટાભાઈ) પણ પપ્પાને સમજાવવા આવ્યા હતા.,આખું ફળીયું,ઝઘડો સાંભળવા, કાન માંડીને બેઠું હોવાથી, પપ્પાને ધીમે બોલવા માટે દાદી રીતસર કરગરતાં હતાં.

મોટાદાદા, પપ્પાને કહેતા હતા," જો નરહરિ, તારી છે તો, સરકારી નોકરી..!! બરાબરને ? ગામમાં જુદા રહેવાની જીદ છોડીને,તારી બદલી બીજે કરાવી લેને ? ગામમાં ને ગામમાં જુદો રહીશ તો, તારાં માબાપ કેટલાને ખુલાસો કરતાં ફરશે ? જેટલાં મોંઢાં તેટલી વાતો લોકો કરશે અને હજુતો તારા નાનાં બે ભાઈબહેન ભણે છે, થોડો સમય ઘરમાં તારી મદદ મળે તે જરુરી છે,તેવું તને નથી લાગતું ?"

રાત્રે ૧૧ વાગતાં સુધીમાં તો, નયનને બરાબર ઊંઘ ચઢી ગઈ, ત્યારે તેના કાને, પપ્પાનું મોટેથી, બરાડો પાડીને, બોલેલુ વાક્ય સંભળાયું," આટલી મદદ તો કરી ? તમારા બધાંનાં,વાસણ-કપડાં કરીને ,મારી ઘરવાળીના હાથ પણ ઘસાઈ ગયા. હું તો કાલથી તમે હા કહેશો કે ના, પણ જુદો રહેવા જતો રહીશ, મેં ખાલી ભાડું ભરવા ઘર ભાડે નથી રાખ્યું,સમજ્યાને ?"

નયનને ઊંઘ તો આવી ગઈ,પણ તેને, બિહામણાં, ગુસ્સાથી છલકાતાં સ્વપ્ન આવવાં લાગ્યાં," પોતે (નયન) જાણે, રાતોરાત મોટો થઈને કમાતો હોય અને દાદા-દાદીને સતાવવા બદલ, જાણે પપ્પા-મમ્મીને, સજા કરતો હોય તેમ, પોતે પણ લગન કરીને પહેલાજ દિવસથી જુદો રહેવા જીદ કરી રહ્યો છે.પપ્પા (નરહરિ) સમજાવે છે તો એ પપ્પાને જુની વાત યાદ કરાવી,તેમણે જુદા રહેવા માટે, દાદાદાદીને કેવાં રડાવેલાં..!! તે યાદ કરાવે છે. પપ્પા-મમ્મીને, ત્યારેતો, કોઈની દયા નહોતી આવી,હવે ભોગવો,આજે મારેય જુદા રહીને બદલો લેવો છે." ઊંઘમાં જ નયનની મુઠ્ઠીઓ ગુસ્સાથી ભીંસાઈ ગઈ.

સવારે નયનને તેની મમ્મીએ મોડેથી ઉઠાડ્યો,ત્યારે રાત્રે દાદીએ કકળતા હ્યદયે,અલગ કાઢી આપેલાં, ગાદલાં-ગોદડાં,વાસણ-કૂસણ,ફર્નિચરથી,ફળીયામાં ઊભેલો ટેમ્પો,કેટલાક મજૂરો દ્વારા, ભરાતો હતો.નયનને,પોતાનાં દાદાદાદી, કાકા અને ફોઈ, એક ખૂણામાં ઓશિયાળા ચહેરે, ઉભા હતાં,તે જોઈને પપ્પા મમ્મી ઉપર ફરીથી ખૂબજ ગુસ્સો આવી ગયો. છેવટે નવા ઘેર રહેવા જવાનો સમય થઈ ગયો.

પપ્પા મમ્મી, દાદાદાદીને, શરમથી નીચી નજરે પગે લાગ્યા.દાદીએ નયનને વળગીને જ્યારે,"બેટા, દાદીને ભૂલી ના જતો." એમ કહ્યું ત્યારેતો નયનનો આંસુંનો બંઘ છલકાઈ ગયો.વારાફરતી બધાંને વળગી તે ખૂબ રડ્યો. પપ્પા મમ્મીએ,નયનને છાનો રાખી સાથે લઈ જવા હાથ પકડ્યો,ત્યારે, તેઓની સામે તેણે, એટલી ક્રોધભરી, તિરસ્કારભરી નજરે જોયું..!! કે, જો એ નેત્ર ભોળા શંભુંનું,ત્રીજું નેત્ર હોત તો, આ વિલનો બળીને ભસ્મ થઈ ગયાં હોત.છેવટે રડતી આંખે તે પપ્પા મમ્મી સાથે બાઈક ઉપર બેઠો.છતાંય છેક ફળીયાનો ખાંચો વળ્યો ત્યાં સુધી,દાદાદાદી, કાકા,ફોઈ,પોતાના ખાસ દોસ્તો,અને ફળીયામાં ઘરની બારીમાંથી,તમાશો જોતાં પડોશીઓને,નયન,દુઃખી મન સાથે જોતો રહ્યો.

નવા ઘરમાં રહેવા આવે,નયનને ચાર દિવસ થઈ ગયા હતા.હજી તેના ફળીયામાં, કોઈ નવા દોસ્ત થયા ન હતા.આજે તે સ્કૂલેથી,સાંજે ઘેર આવ્યો ત્યારે પપ્પા ફરીથી મમ્મી ઉપર ગુસ્સે થઈને બરાડતા હતા," તને બહુ ધખારો હતો જુદા રહેવાનો..!! હવે ગામમાં, મારે બા બાપુકે બીજા કોઈને, મોંઢું કેવીરીતે બતાવવું? છોડી નાંખેલાં,આ બધાં પોટલાં-ડામચીયા ફરી બાંધવા માંડ,બીજું શું ..!! "

થોડીવાર પછી નયનને વાત-વાતમાં સમજાઈ ગયુંકે, પપ્પાની સાવ પછાત વિસ્તારના, બીજા ગામમાં,બહુ દુર બદલી થઈ ગઈ છે,જ્યાં તેને ભણવા માટે ઢંગની નિશાળ પણ નથી અને હવે આ ઘર પણ ખાલી કરીને,તે ગામ રહેવા તાત્કાલિક જવું પડશે.

જોકે,સાંજે જમતી વખતે,પપ્પાએ, જ્યારે નયનને એમ પુછ્યુંકે,"નયન,તારી નિશાળ બગડે નહીં,તેથી તું દાદાદાદી પાસે એકલો રહીશ ને? "
ત્યારે નયને અત્યંત રાજીપા સાથે હા પાડી દીધી.મમ્મીના ચહેરા ઉપર નયન વગર એકલા રહેવાનું દુઃખ થયેલું જોઈને,કોણ જાણે કેમ,નયનને છૂપો આનંદ થયો..!!

કદાચ મમ્મી પપ્પા સાથે, બદલો લેવા નયનને મોટા થવાની હવે જરુર ન હતી,ભગવાને ચાર દિવસમાં જ બદલો લઈ લીધો હતો.

જોકે,આટલા નાના બાળકના એ સવાલનો જવાબ તેના પપ્પા કે મમ્મી ન આપી શક્યાકે," પપ્પા,મોટાદાદાની વાત તમે કેમ ન માની? ખાલી ચાર દિવસ માટે,બિચારાં, દાદાદાદી જોડે આવું કરવાનું?" નયનને વઢવાને બદલે,પપ્પા,ઠપકા ભરી નજરે,મમ્મીને જોઈ રહ્યા.

દોસ્તોં,સંયુક્ત કુટુંબના ફાયદા મારે નથી જાણવા, મારે તો એ જાણવુંછેકે, નયનનું વલણ,તેના મમ્મી પપ્પા સાથે બરાબર હતું ?

મને આપના વિચારો જાણવામાં આનંદ થશે.

માર્કંડ દવે.તા.૦૬-૦૧-૨૦૧૦.

1 comment:

  1. માર્કંડ ભાઈ, તમારો લેખ ખુબજ ગમ્યો. હું નયન ના પક્ષ માં છું. અને એકજ વાત કહેવા માંગું છું "ભગવાન જયારે ચાબુક મારે ત્યારે એનો અવાજ નથી આવતો." - કુમાર શાહ

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.